કુંવરબાઈનું મામેરું/કડવું ૧

Revision as of 06:58, 27 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧| રમણ સોની}} {{Poem2Open}} દરેક કડવાની શરૂઆતમાં જે નોંધ મૂકી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કડવું ૧

રમણ સોની

દરેક કડવાની શરૂઆતમાં જે નોંધ મૂકી છે એ આસ્વાદ-પ્રવેશ માટે છે. [કાવ્યના આરંભે દેવ-સ્તુતિની પ્રાચીન પરંપરા હતી. કવિ ગુરુ,ગણપતિ સાથે શારદા – સરસ્વતીને પણ વંદેે છે. પછી, સમરું સુખદાયી સર્વદા-માં સ, અને મનમુદા કહું મામેરું મહેતા તણું...-એમાં મ – એવા ઉચ્ચાર-આવર્તનના સૂર સંભળાય છે. આવો વર્ણ-પ્રાસનો લય આખા કાવ્યમાં ઘણી વાર સંભળાશે. કાવ્યના કથનનોે એ વિશેષ છે. કાવ્યકથાના આરંભે નરસિંહ મહેતાનું પૂર્વજીવન – ગૃહત્યાગ, શિવસાધના, અને શિવની કૃપાએ કૃષ્ણ-રાસલીલા-દર્શન. ]

(રાગ કેદારો)
શ્રી ગુરુ, ગણપતિ, શારદા, સમરું સુખદાયી સર્વદા,
મનમુદા કહું મામેરું મહેતા તણું રે.          ૧
ઢાળ
મામેરું મહેતા તણું પદબંધ કરવા આશ.
નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ, જૂનાગઢમાં વાસ.          ૨

ભાભીએ વજ્રવચન કહ્યું, મહેતાને લાગી દાઝ;
પરિત્યાગ કીધો ઘર તણો, મહેતો ગયા તપ કાજ.          ૩

એક દહેરું દીઠું વન વિષે : અપૂજ શિવનું લિંગ;
નરસિંહ મહેતે પૂજા કીધી, અંતર માંહીં ઉમંગ.          ૪


અપવાસ સાત મહેતે કર્યા, તવ રીઝ્યા શ્રી મહાદેવ;
કમલની પેરે લિંગ વિકાસ્યું, પ્રભુ પ્રગટ થયા તતખેવ.          ૫

કર્પૂરગૌર સ્વરૂપ શોભા, ઉમિયા તે ડાબે પાસ;
જટા માંહે જાહ્‌નવી, નીલવટ ચંદ્રપ્રકાશ.          ૬

છે રુંડમાલા, સર્પ ભૂષણ, વાઘાંબર, ગજચર્મ;
વાજે ડાક ડમરુ શંખ શિંગી, મહેતે દીઠા પરિબ્રહ્મ.          ૭

તવ નરસૈંયો જઈ પાયે લાગ્યો, મસ્તક મૂક્યો હાથ,
‘કંઈ માગ્ય વર, કૃપા કરું,’ એમ કહે ઉમિયાનાથ.          ૮

મહેતો કહે, ‘મહાદેવજી! હું માગું છું, સ્વામિન!
તમારું દર્શન પામિયો, (હવે) પામું વિષ્ણુનું દર્શન.’           ૯

‘ધન્ય ધન્ય સાધુ,’ શિવ કહે, ‘તુને મુક્તિની છે આશ;’
અખંડ વ્રજમાં ગયા તેડી જ્યહાં કૃષ્ણ રમે છે રાસ.          ૧૦
વલણ
રાસમંડળ તણી રચના, લીલા શું વખાણે કવિ રે!
નરસૈયો કૃતાર્થ થયો, તેને કૃપા શ્રીશિવની હવી રે.           ૧૧