અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/પૂજ્ય પિતાશ્રીનું સ્મરણ થતાં...
Revision as of 12:47, 27 October 2021 by KhyatiJoshi (talk | contribs)
પૂજ્ય પિતાશ્રીનું સ્મરણ થતાં...
જયદેવ શુક્લ
લાલ બાંધણમાં બાંધેલી
યજુર્વેદ સંહિતાની
હસ્તલિખિત પોથીનાં
દર્શન થતાં
રોમેરોમ કદમ્બ!
કદમ્બવીથિના મૂળમાં
વહેતાં ઝરણાં
મન્ત્રસરિતાના ઉછાળથી
ઘેલાં ઘેલાં...
પોથીની આશકા લેતો
મારો દક્ષિણ હસ્ત
અનુદાત્ત, ઉદાત્ત, સ્વરિત
સ્વરોની રમણામાં
લીન.
ઝરણું त्र्यायुषं जमदग्ने;
મન્ત્રના ઘનપાઠની
પદેપદની સન્ધિ
સુગન્ધીમાં
ખુલ્લા નેત્રોએ તલ્લીન...
પોથી ખોલતાં જ
મન્ત્રમુગ્ધ!
यज्जाग्रतो दूरमुदैति दैवन्
ईशावास्यमिदम् सर्वम्...
તામ્રવર્ણી પંચમ્ સ્વરની
પાલખીમાંથી
મન્ત્રોચ્ચાર પ્રગટે છે...
મન્ત્રજળ વરસતું
વસરતું
વરસતું જાય છે...
પરા મન્ત્ર ।।
ધરા મન્ત્ર ।।
ક્ષપા મન્ત્ર ।।
પ્રપા મન્ત્ર ।।
ત્રપા મન્ત્ર ।।
આકાશ મન્ત્ર ।। આવાસ મન્ત્ર ।। પ્રકાશ મન્ત્ર ।।
સોમ મન્ત્ર ।।
સ્તોમ મન્ત્ર ।।
હું
મન્ત્રપુરુષ!