અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/વળી વતનમાં

Revision as of 09:28, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વળી વતનમાં

મણિલાલ હ. પટેલ

પાછો આવી ગયો છું.
મારાં સીમવગડામાં
બહુ ઊંચા ચાસ પાડી ગયાં મારામાં, તે —
ખેતરો પૂછે કે કોતરો ક્યાંથી લાવ્યો? હેં?
ભલા માણસ!
બહુ દૂર નીકળી ગયો હતો?
ઉપર માટીમાં કશું ઊગતું નથી, જાણે છે ને!!

પછી તો કૂવાનાં પાણી કબૂતર થૈને બોલ્યાં
કૂંપળમાં વૃક્ષોએ કાળજાં ખોલ્યાં
જતી વળતી કેડીઓની
કરકરિયાળી ધૂળ વ્હાલથી વળગી પડી...

મા-ની ગેરહાજરીમાં
શેઢાઓએ મને ખોળામાં બેસાડ્યો
તડકો તેતર થૈને રમવા આવ્યો
સસલાં ચાંદની લઈ આવ્યાં...

ષોડષીના ગવન શો પવન ફરફર્યો
માથાબોળ નાહેલી સાંજનાં
સૂનાં અંધારાં મને ઘેરી વળ્યાં
તરસ્યાં ખેતરો તડપી ઊઠ્યાં રોમેરોમ...

ખેડેલાં ખેતરોમાં તરફેણો ફરે એમ
ઋતુઓ ફરી વળી લોહીમાં...
પુનઃ
હું તરસી ઊઠ્યો —
પીઠ પસવારતા મા-ના હાથ માટે!
પાંપણ પાંદડે મોતી લૈને —
સવાર
મારી સામે પાછી ઊભી રહી ગઈ!