અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/હું પાછો આવીશ...

From Ekatra Wiki
Revision as of 09:49, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હું પાછો આવીશ...

મણિલાલ હ. પટેલ

હું પાછો આવીશ —
દંતકથા જેવા આ મારા ગામમાં...
કોથળિયા ડુંગર પર
લાખા વણજારાનો ખજાનો દટાયેલો છે હજીય
એ ચરુના રણકાર રાતદિવસ સંભળાય છે સતત...
ને મારી મહીસાગરમાના ઊંડા ધરામાં
વસે છે મણિધર ફણિધર નાગ, મણિ લઈને —
હજી ય તે રાતે ચરવા નીકળે છે બ્હાર
જોજનો જોજનો ફેલાતાં એનાં અજવાળાં
એ અજવાળાની ધારે ધારે વહ્યો આવીશ પાછો...
પેલી આથમણી ટેકરીઓના ઢોળાવે ઢાળે
ટીમરુનાં ઝાડ ઝૂલે છે, ને —
એનાં પાનમાં વાળેલી બીડીઓ પિવાય છે હજી
હું એ બીડીઓની સુવાસ લેવા પાછો આવીશ...
કોતરધારે બાવળડાળે ઝૂલતા સુગરીમાળે ઝૂલવા —
જલદી પાછો આવીશ!

પ્હેલા વરસાદે ફૉરી ઊઠતી
માટીની આદિમ મ્હેક લેવા
કંકુવર્ણી મખમલી ઇન્દ્રગોપ થઈને
ખેતરે ખેતરે વરસી પડીશ...
ગોકળગાયનું રૂપ ધરીને
પેલી રાતીપીળી ટેકરીઓના
લીલેરા ઢાળ ચઢવા-ઊતરવા
હું પાછો આવીશ પાલ્લા ગામમાં...!
નદીકિનારે છાનુંછપનું ન્હાતી —
વયમાં આવેલી બેનદીકરીઓની લજ્જા અને
કૂવાકાંઠે પાણી ભરતી વહુવારુઓની મજાક —
જોવા સાંભળવા ને સૂંઘવા-ચાખવા હું પાછો આવીશ...
ચાસે ચાસે લ્હેરાતા માટીના શ્વાસ
શેઢે શેઢે કલગી ઝુલાવતું લાંબડું ઘાસ
ને ચામર ચળકાવતાં કાશ...
મકાઈના ખેતરમાં વાગતી પવનખંજરી
ડૂંડે ડૂંડે ડોલતી બાજરી... જોબનની હાજરી
સુગંધ રણકાવતી ડાંગરની સોન-કંટીઓના
ઉલ્લાસે ઓળઘોળ સીમને મળવા
હું પાછો આવીશ —
ખળામાં હાલરું હાંકવા... મોસમ ઊપણવા
કૂવામાં કબૂતર ને તાર પર હોલો થૈ બેસવા
તરસ્યાં તેતર છાતીમાં લઈને
હું આવીશ... ચાસ ને કલકલિયો થઈને!
કાળે ઉનાળે ય નહીં સુકાતો
ચીડો થઈને હું —
ઊગી નીકળીશ ખેતરે ખેતરે...
(ચીડોઃ કદી નહીં સૂકાતું, ગાંઠમાંથી ફૂટતું રહેતું ફાંકડું ઘાસ) તા. ૧૭-૧૮-૧૯.૦૭.૨૦૧૧