અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સોનલ પરીખ/કવિતાનો શબ્દ

Revision as of 11:29, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કવિતાનો શબ્દ

સોનલ પરીખ

કવિતાનો શબ્દ
ક્યારેક કૂકરની બે વ્હિસલ વચ્ચે પણ
મળી જાય છેઃ
ક્યારેક અડધી રાતે
આકાશના તારા જોતાં જોતાં
જાગ્રત થતી જતી ચિંતનની પળોમાં
પણ નથી મળતો
ઉજાગરો કેમે કર્યો નથી ફળતો
ને પછી
અર્ધનિદ્રિત શેષરાત્રિની જાગતીસૂતી અવસ્થામાં
ગર્ભમાંનું બાળક
હળવેથી કૂણા કૂણા હાથપગ હલાવે
તેમ ધીરેથી મારી અંદર ફરકી
જગાડે છે મને...

કપડાંની ઘડી કરતાં અને ઉકેલતાં
કોણ જાણે કયા સળમાંથી નીકળી
તોફાની આંખો મીંચકાવી
છુપાઈ જાય છે ક્યાંક કોઈ બીજા સળમાં
ને ક્યારેક
ધાણીની જેમ મગજને ફોડી નાખતા
વિચારોની ધડાપીટ વચ્ચે તે ઊભો હોય
શાંત, વિસ્મયપૂર્ણ, નિષ્પાપ.
કવિતાનો શબ્દ
કંઈ ન કહીને
મને કહી જાય છે એ બધું જ —
— જે મારે મને કહેવું હોય છે
જેને મારે સહેવું હોય છે
જેમાં મારે વહેવું હોય છે
અને એ પણ,
જેને મારે ખંખેરવું હોય છે.
નવનીત-સમર્પણ, જાન્યુઆરી, પૃ. ૨૧