ઓખાહરણ/કવિપરિચય

Revision as of 11:42, 29 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિપરિચય|}} {{Poem2Open}} પ્રેમાનંદ એના પૂર્વકવિઓ કરતાં સંખ્યા અન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કવિપરિચય

પ્રેમાનંદ એના પૂર્વકવિઓ કરતાં સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ ચડિયાતાં ને અતિ સુંદર આખ્યાનો આપીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આખ્યાનશિરોમણિની સાથે-સાથે કવિશિરોમણિ નું માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યો છે. નરસિંહથી દયારામ સુધી વિસ્તરેલા આખ્યાન સ્વરૂપને પ્રેમાનંદ તેની સાડા ચાર દાયકાની શબ્દલીલા દ્વારા રસકળાના પરમોચ્ચ શિખર ઉપર લઈ જઈ શક્યો છે. આખ્યાન સ્વરૂપનાં કળાકૌશલ્ય, પાત્રાલેખન, પાત્રોનું ગુજરાતીકરણ, સમકાલીન રંગપૂરણી, ચિત્રાત્મકતા, મૌલિકતા, રસનિરૂપણ અને ભાષાપ્રભુત્વની દૃષ્ટિએ પ્રેમાનંદ આજસુધી અદ્વિતીય જ રહ્યો છે. પ્રેમાનંદની આખ્યાન કથનકળા અદ્‌ભુત હતી. કથાવસ્તુથી આખ્યાનનો સીધો જ આરંભ કરી, વાર્તાનાં શબ્દચિત્રો એક પછી એક ઊભાં કરતો જઈને કથાપ્રસંગ પૂર્ણ થતાં, ટૂંકી ફલશ્રુતિ દ્વારા આખ્યાનનું સમાપન કરતો. પાત્રસૃષ્ટિ ભલે રામાયણ, મહાભારત કે પુરાણોની હોય છતાં પ્રેમાનંદ જનસ્વભાવનો એવો અપૂર્વ પારખુ હતો કે તેણે સર્જેલાં પાત્રો આબેહૂબ, વાસ્તવિક તથા જીવંત બની જતાં, તત્કાલીન ગુજરાતી સમાજનું આબેહૂબ નિરૂપણ એ પ્રેમાનંદની આખ્યાનકવિતાની ઉચ્ચ સિદ્ધિ છે. તેનું વર્ણનકૌશલ્ય પણ પ્રશંસાત્મક છે. પ્રેમાનંદની ચિત્રાત્મક વર્ણનકલાથી એનાં કથા પ્રસંગો અને પાત્રો ખૂબ જ તાદૃશ્ય બન્યાં છે. વળી, લોકભાષાની તાજગી, સચોટતા અને લોકબોલીના શબ્દપ્રયોગો પણ કદાચ પ્રેમાનંદને આપણો સૌથી વધારે ગુજરાતી કવિ બનાવે છે.

–હૃષીકેશ રાવલ