ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૮

From Ekatra Wiki
Revision as of 05:26, 11 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૮|}} <poem> {{Color|Blue|[મંદિરે આવી બંનેને જોતાં ચંદ્રહાસને લાગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૨૮

[મંદિરે આવી બંનેને જોતાં ચંદ્રહાસને લાગે છે કે આ બંનેનાં મૃત્યુ પોતાના કારણે જ થયાં છે, એમ માની જ્યારે પોતાનું માથું કાપી હોમવા જાય છે ત્યાં જ ખૂદ ભગવાન ચંદ્રહાસનો હાથ પકડી અટકાવે છે. એજ સમયે યાદ્યશક્તિ દેવી મંદિરમાંથી પ્રગટ થયા છે, અને ચંદ્રહાસને વચન માગવા કહે છે. ચંદ્રહાસ બન્ને પાસે સસરા-સાળાને સજીવન કરવાનું વચન માગે છે, બન્ને સજીવન થતાં બધાં ભક્તિભાવ સાથે નગરમાં આવે છે. પછી મદન અને ચંદ્રહાસ લાંબો સમય રાજ કરે છે. ચંદ્રહાસને વિષયાથી પદ્માક્ષ અને ચંપકમાલિનીથી મકરધ્વજ નામના બે પુત્રો થાય છે જેણે અર્જુનના અશ્વમેઘના ઘોડાને પકડી લઈ અર્જુનને પણ માત આપી.]

રાગ : સામગ્રી

ધાઈ આવ્યો છે ચંદ્રહાસજી, કાંઈ ન સૂઝે, મૂકે નિઃશ્વાસજી;
થરથર ધ્રૂજે મહા ઉચ્ચાટજી : ‘આ બે મુઆ તે હું-માટજી.          ૧

ઢાળ

‘હું માટ બન્યો મુઆ, તેણે તિલક થયું શ્યામ!
જુગ કહેશે : જમાઈને પગલે શ્વસુર-સાળાનો ફેડ્યો ઠામ.          ૨

હવે આદ્યશક્તિને હત્યા આપું,’ પછે પ્રગટાવ્યો હુતાશન;
ખપુવે કાપી દેહ પોતાની, હરિભક્તને માંડ્યો હવન.           ૩

પાદ પૃષ્ઠ ને સ્કંધ છેદી હોમ્યું પાવક-જ્વાળ,
મસ્તક હોમ્યાનું મન કીધું, ત્યારે ધાઈ આવ્યા ગોપાળ.          ૪

‘હાં હાં’ કહી હેલામાં હરિએ હરિભક્તનો ઝાલ્યો હાથ;
ખપ કરીને ખપુવો ખેંચી લીધો વૈકુંઠનાથ :          ૫

‘માગ્ય, માગ્ય ભક્ત મુજ તણા, કહે તો આપું ઇન્દ્રાસન.’
એવે હલહલાટ કરતાં આવી, બોલ્યા આદ્યશક્તિ વચન :          ૬

‘ભગવંતજી, વેગળા રહો, ભક્ત ભવાનીનો એહ;
મારે થાનક મદન માટે હોમી પોતાની દેહ.’          ૭

ચંદ્રહાસ કહે : ‘કરો જીવતા, બે સુભટ પામ્યા મર્ણ,
હે વિષ્ણુજી, મને વૈકુંઠ તેડો, હું સેવું તામરા ચર્ણ.’          ૮

શિર હાથ મૂકી સેવક પ્રત્યે ઊચ્ચરે અવિનાશ :
‘જા, દાસ મારા, હું સદા લગી રહીશ તારી પાસ.’           ૯

એમ સર્વ દેખતાં આદ્યશક્તિએ ઉઠાડ્યા બે યોધ.
કરે ગ્રહી કહેતા ગયા પ્રગટ થઈ પ્રતિબોધ.          ૧૦

પછે દેવ-દેવી દેખતાં હવા તે અંતર્ધાન;
ચંદ્રહાસને ચરણે લાગી પિતા-પુત્ર માગે માન.          ૧૧

પ્રધાન કહે : ‘મેં કપટ કીધું, ત્રણ વરાં હું ચૂક્યો.
પણ સાધુ પુરુષે મન ન આણ્યું, સ્વાભાવ પોતાને ન મૂક્યો.’          ૧૨

પછે ગાજતે વાજતે આવ્યા નગરમાં, તેડાવ્યો કુલિંદ બાપ;
મેધાવિની મા મોહને પામી, દેખી પુત્રનો પ્રતાપ.           ૧૩

કેટલેક કાળે બે વેવાઈ ગયા ઊઠીને વન;
મદન સાથે ચંદ્રહાસે ચલાવ્યું રાજ્યાસન,           ૧૪

ચંદ્રહાસનથી વિષયાને પદ્માક્ષ નામે કુમાર;
ચંપકમાલિનીનો મકરધ્વજ, જે લેઈ ગયા તોખાર.          ૧૫

અર્જુન પ્રત્યે કહે નારદ : ‘તુ સાંભળ સાચું રાય;
અમે તુંને માંડી કહ્યો સાધુ તણો મહિમાય.          ૧૬

શાલિગ્રામનો મોટો મહિમા, સાંભળે પૂજે ને ગાય,
પૂર્વજ તેહના ઉદ્ધરે, કોટિક હત્યા થાય.           ૧૭

કાંઈ ઓછું હશે તે કૃષ્ણ કહેશે.’ નારદ હવા અંતર્ધાન,
અર્જુન આહ્‌લાદ પામિયો, પછે વીનવ્યા ભગવાન :           ૧૮

‘સ્વામી, સાધુ સાથે યુદ્ધ કરતાં, આપણને લાગે ખોડ.’
હરિ કહે : ‘હવડાં આવશે, કુંવર લઈ તુરીજોડ’          ૧૯

વાત કરતાં વેગળેથી આવતો દીઠો ચંદ્રહાસ;
સભામાંહેથી સામા ચાલ્યા અર્જુન ને અવિનાશ.          ૨૦

શ્રીકૃષ્ણ-ચરણ જ માગતો હરિએ ગ્રહી બેઠો કીધો;
ભક્તવત્સલ શ્રીકૃષ્ણજીએ હૃદયા સાથે લીધો.          ૨૧

ખભે હાથ મૂકી હરિ કહે છે : ‘સાંભળ મુજ વચન;
હું સવ્યાસાચી સાથે આવ્યો, કરવા તારું દર્શન.’           ૨૨

સુણી વાક્ય ભગવાનજીનું, ભક્ત વળતો રોય;
આંખનાં આંસુ અવિનાશી પટકુળ પોતાથી લ્હોય.          ૨૩

અર્જુન સાથે સેન સહુએ તેડ્યું, સાથ ચંદ્રહાસ;
પ્રાહુણા પધાર્યા પુર વિષે, કૃપા કીધી અવિનાશ.          ૨૪

ત્રણ દિવસ પ્રાહુણા રહ્યા, હરિ ને અર્જુન;
બીજાં વસ્ત્ર અશ્વ આપ્યા, આપ્યો અશ્વમેધ-વાજીન.          ૨૫

ચંદ્રહાસ રાજા સાથે તેડ્યો, ત્યાંથી સંચર્યો પારથ.
કુલિંદ-કુંવર ને કિરીટ બેઠા, કૃષ્ણે હાંક્યો રથ.          ૨૬

હવે જેમિનિ એમ ઉચ્ચરે : સુણ અતલિબલ પરીક્ષિત-તન;
આંહાં થકી પુરણ થયું ચંદ્રહાસનું આખ્યાન.          ૨૭

સત્તાવીશ કડવાં એહનાં, પદ છસેં ને પાંત્રીશ;
રાગ આઠ એના જૂજવા, કૃપા કીધી શ્રીજગદીશ.          ૨૮

સંવત સત્તર સત્તાવીશ વર્ષ, સિંહસ્થ વર્ષની સંધ,
જ્યેષ્ઠ શુદી સાતમ સોમવારે, પૂરણ કીધો પદબંધ.          ૨૯

વટપદ્રવાસી ચાતુર્વિંશી ભટ પ્રેમાનંદ નામ,
કથા કહી ચંદ્રહાસની, કૃપા કીધી શાલિગ્રામ.          ૩૦

વલણ
કીધી કૃપા શાલિગ્રામે, રૂડી પેરે રક્ષા કરી રે;
એમાં કાંઈ સંદેહ નહિ; શ્રોતા, બોલો શ્રીહરિ રે.          ૩૧