ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અ-કથાસાહિત્ય
અ-કથાસાહિત્ય(Non Fiction) અ-કાલ્પનિક નિરૂપણ સાહિત્યિક હોઈ શકે કે કેમ એવો મહત્ત્વનો પ્રશ્ન નોર્મન મેય્ લર, ટોમ વૂલ્ફ, માઇકેલ હેર જેવાનાં લખાણોને કારણે ઊભો થયો છે. આ લખાણોમાં આધાર હકીકતનો છે પરંતુ એમાં અભિવ્યક્તિ સાહિત્યિક કક્ષાએ પહોંચે છે. આવી કૃતિઓને કાલ્પનિક સામગ્રી રૂપે મૂલવવાની કે હકીકત રૂપે મૂલવવાની છે એવો પ્રશ્ન પણ સ્વાભાવિક બને છે. આ પ્રકારનાં અ-કાલ્પનિક નિરૂપણને બાહ્યજગત સાથે સંબંધ હોય છે પણ સાથે સાથે એને પોતાની ધ્યાન ખેંચનારી આકૃતિ પણ હોય છે. આવાં અ-કાલ્પનિક નિરૂપણ કે નવલમાં આંતર કે બાહ્યજગત તરફ સંપૂર્ણ ઢળ્યા વગર નિરૂપણ સમતુલ થવાનો પ્રયત્ન કરતું હોય છે. વર્ષા અડાલજાની ‘ગાંઠ છૂટ્યાની વેળા’ જેવી નવલકથાને આ સમસ્યા અંતર્ગત આવરી શકાય.
જીવનકથા, ઇતિહાસ અને નિબંધ જેવાં, તથ્યો અને વાસ્તવો સાથે કામ પાડતાં નિરૂપણાત્મક ગદ્યલખાણો પણ આ સંજ્ઞા દ્વારા ઓળખાવાય છે.
ચં.ટો.
Template:Poem2close