ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદિરૂપ
Revision as of 13:12, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આદિરૂપ/આદ્યસ્વરૂપ (Archetype)'''</span> : મૂળ જે પ્રતિમાન યા તર...")
આદિરૂપ/આદ્યસ્વરૂપ (Archetype) : મૂળ જે પ્રતિમાન યા તરેહ પરથી નકલો તૈયાર થાય છે તે આદિરૂપ. માનવઅસ્તિત્વની મૂળભૂત હકીકતો – જન્મ, વૃદ્ધિ, પ્રેમ, મૃત્યુ વગેરે – આદિરૂપાત્મક છે. પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક યુંગ કહે છે તેમ આપણા પ્રાચીન પૂર્વજોના અનુભવોના પુનરાવૃત્ત પ્રકારોનો ‘માનસિક અવશેષ’ માનવજાતિના ‘સામૂહિક અચેતન’માં વારસાથી મળેલો છે અને તે મિથ, ધર્મ, સ્વપ્ન, અંગત તરંગો અને સાહિત્યકૃતિઓમાં અભિવ્યક્ત થાય છે. આ બાબતમાં તુલનાત્મક નૃવંશશાસ્ત્ર અને આંતર-મનોવિજ્ઞાન (Depth psychology) બંને શાસ્ત્રોએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ સંજ્ઞા અમેરિકન વિવેચક મોડ બોડકિનના વિવેચન પછી સાહિત્યવિવેચનમાં વધુ વપરાવી શરૂ થઈ.
હ.ત્રિ.