ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અરેબિયન નાઈટ્સ

From Ekatra Wiki
Revision as of 12:05, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અરેબિયન નાઇટ્સ : મૂળે હિન્દુસ્તાન, ઇરાન અને ગ્રીસની વિચરતી જનજાતિઓની કંઠપરંપરામાં જળવાઈને પહેલાં પશિર્યા અને પછી અરબસ્તાન પહોંચેલી આ કથાઓ તેની વીર, અદ્ભુત અને ભયાનકરસજન્ય વસ્તુસામગ્રી તેમજ કથનશૈલીથી આજે ય રોમહર્ષક છે. બેગમે કરેલી બેવફાઈથી ક્રુદ્ધ થઈને સમગ્ર સ્ત્રીજાતિ તરફ વૈરવૃત્તિ ધરાવતો ઈરાનનો શહેનશાહ શહેરિયાર દરરોજ એક નવું લગ્ન કરતો અને નવી બેગમ સાથે રાત વિતાવી સવારે તેની કતલનું ફરમાન કરતો. પોતાની બુદ્ધિચાતુરીથી આવા જુલ્મી શાસકની ઘાતકી જિદ છોડાવવાના સંકલ્પથી શહેરિયારના વઝીરની પુત્રી શહેરેજાદી શહેનશાહ સાથે લગ્ન કરે છે. વાર્તારસની પાછળ પાગલ શહેરિયારને તે પહેલી રાતે એક લાંબી પણ રોચક વાર્તા કહે છે જે સવાર થવા છતાં પૂરી થવાને બદલે કુતૂહલપ્રેરક વળાંક આગળ અટકે છે. વાર્તાનો શોખીન શહેનશાહ, વાર્તાના અંતે શું થાય છે તે જાણવાની તાલાવેલીને લીધે શહેરેજાદીને વાર્તા પૂરી કરવા એક દિવસનું જીવનદાન આપે છે. પણ વાર્તા તો, એક હજાર અને એક રાત સુધી કહેવાતી રહીને ય અપૂર્ણ જ રહે છે. આ દરમ્યાન શહેરેજાદીની વાર્તાકથનકલા અને પ્રેમોપચારથી વશ થયેલો શહેનશાહ શહેરિયાર તેને અભય બક્ષે છે. એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ વિસ્તરતી રહેતી હોવા છતાં મૂળ કથાતંત્રને ચુસ્તીથી વળગી રહેતી આ વાર્તાઓ ‘અલાદિનનો ચિરાગ’, ‘સાગરસફરી સિંદબાદ’ તથા ‘અલીબાબા અને ચાલીસ ચોર’ જેવી જગખ્યાત કથાઓથી સમૃદ્ધ છે. મોરીન ડફીએ આ વાર્તાઓમાંના અંતગત પ્રલંબનને હસ્તમૈથુનની ઇચ્છાપૂર્તિ સાથે સરખાવીને નવો સિદ્ધાન્ત આપવા પ્રયત્ન કર્યો છે. ર.ર.દ