ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરરાષ્ટ્રીય વર્ણમાળા

From Ekatra Wiki
Revision as of 08:25, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આંતરરાષ્ટ્રીય ધ્વનિપરક વર્ણમાળા (International phonetic Alphabet) : દરેક ભાષાની લેખનવ્યવસ્થામાં તેની વર્ણમાળા (alphabet) તે ભાષામાં ઉચ્ચારાતા ધ્વનિને રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કોઈપણ ભાષા ઉચ્ચારાતા ધ્વનિને લેખનમાં આબેહૂબ રજૂ કરતી નથી. કારણ, કોઈપણ ભાષાનાં લિપિચિહ્નો વર્ષો જૂનાં હોય છે, જ્યારે બોલાતી ભાષા સતત બદલાતી જતી હોય છે. એ પરિવર્તનોને અનુરૂપ લિપિચિહ્નો બદલાતાં નથી. આથી દરેક ભાષામાં કોઈ ને કોઈ લિપિચિહ્ન એક કરતાં વધુ ધ્વનિઓ વ્યક્ત કરતું હોય છે. તો, બીજે પક્ષે જુદાં જુદાં લિપિચિહ્નો દ્વારા વ્યક્ત થતો ધ્વનિ એક હોય એવું યે બને. આવી પરિસ્થિતિ દૂર કરવા આંતરરાષ્ટ્રીય એસોશિયેશને સૌ પ્રથમ એક ધ્વનિ માટે એક જ લિપિચિહ્ન, એમ આખી ધ્વનિપરક વર્ણમાળા સૌ પ્રથમ ૧૮૮૮માં તૈયાર કરી. જેમાં ધ્વનિના ઉચ્ચાર અને તેને વ્યક્ત કરતાં લિપિચિહ્નો વચ્ચે સંપૂર્ણ અનુરૂપતા (one to one correspondence) હોય છે. આ વર્ણમાળા રોમન વર્ણમાળા પર આધારિત છે. તેમાં થોડાંક ચિહ્નો ગ્રીક વર્ણમાળા પર આધારિત છે. આ વર્ણમાળા ઉચ્ચરિત થતા ધ્વનિનાં બધાં જ તત્ત્વોને લિપિબદ્ધ કરે છે. દરેક વર્ણ કાટખૂણિયા કૌંસમાં[ ]માં લખવામાં આવે છે. દરેક વર્ણને યથાતથ ધ્વન્યાત્મક મૂલ્ય આપવામાં આવ્યું છે. આથી આ વર્ણમાળા ઉચ્ચારમૂલક તત્ત્વોને, તે જેવાં છે તેવાં જ સાંગોપાંગ અભિવ્યક્ત કરે છે. આ વર્ણમાળાને હવે તો દર બે વર્ષે સંશોધિત કરવામાં આવે છે અને તે ધ્વનિશાસ્ત્રીઓ માટે, વિદેશી ભાષાનાં ઉચ્ચારણો યથાતથ સાંભળવા-સમજવા તેમજ અલિખિત ભાષાને લિપિબદ્ધ કરવા માટે અત્યંત ઉપયોગી સાધન બની રહે છે. ઘણી ભાષાઓના શબ્દકોશોમાં શબ્દનું ઉચ્ચારણ દર્શાવવા માટે પણ આ વર્ણમાળાનો ઉપયોગ થાય છે. ઊ.દે.