ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઔચિત્યસંપ્રદાય

Revision as of 08:50, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઔચિત્યસંપ્રદાય : ઔચિત્યસંપ્રદાયના સંસ્થાપક આચાર્ય ક્ષેમેન્દ્ર ગણાય છે. તેમણે પોતાના ગ્રન્થ ‘ઔચિત્યવિચારચર્ચામાં’ કાવ્યના આત્મા તરીકે ઔચિત્યનો સ્વીકાર કર્યો. તેમના મતાનુસાર ‘‘ओचित्यं रससिद्धस्य स्थिरं काव्यस्य जीवितम्।’’ ઔચિત્ય રસ-સિદ્ધ સ્થિરકાવ્યનો પ્રાણ છે. ઔચિત્યસંપ્રદાયના સ્થાપક તરીકેનું શ્રેય આચાર્ય ક્ષેમેન્દ્રને આપવામાં આવે છે છતાં ઔચિત્યનો વિચાર ભરતમુનિ જેટલો પ્રાચીન છે. ભરતથી માંડીને તે મહિમભટ્ટ સુધીના બધા જ આચાર્યોએ એક વ્યાપક કાવ્યતત્ત્વ તરીકે ઔચિત્યનો સ્વીકાર કરેલો જ છે. ભરતનાટ્યશાસ્ત્રમાં આમ તો કલામાત્રના સર્વસામાન્ય સિદ્ધાન્તોનું સમીક્ષણ કરવામાં આવ્યું છે પરંતુ તેમનું મુખ્ય લક્ષ્ય તો નાટક જ છે. તેમણે કહ્યું છે કે લોકવૃત્તનું અનુકરણ તે નાટક. નાટકસંબંધી વ્યાપક નિયમોની જાણકારી ‘લોકપ્રામાણ્યને’ આધારે જ મેળવી શકાય. અવસ્થાને અનુરૂપ વેશ હોવો જોઈએ, વેશને અનુરૂપ ગતિ તથા ક્રિયા હોવી જોઈએ, ગતિ-ક્રિયાને અનુરૂપ પાઠ્ય અને પાઠ્યને અનુરૂપ અભિનય હોવો જોઈએ. આમ ઔચિત્ય શબ્દને બદલે અનુરૂપ શબ્દનો પ્રયોગ કરીને ભરતે ઔચિત્યતત્ત્વનું જ સૂચન કર્યું છે. ભામહે પણ ઔચિત્યના વિચારને પોતાની રીતે સમર્થન આપ્યું છે. ભામહ માને છે કે ગુણ અને દોષ સંદર્ભ પરથી નક્કી થાય છે. સ્વભાવસહજ દોષવાળી વિગત પણ ક્યારેક સંદર્ભને કારણે ગુણમાં પરિણમે છે. જેમકે પુનરુક્તિ દોષ ગણાય પણ હર્ષ, વિસ્મય, શોક વગેરે ભાવોના સંદર્ભમાં તે દોષ મટી જાય છે. દંડીએ પણ ઔચિત્યનો સ્વીકાર કર્યો છે. દેશ, કાળ, કલા, લોક, ન્યાય, આગમ વગેરેનો વિરોધ થતો હોય ત્યારે દોષ થયો કહેવાય પણ કવિકૌશલથી આ બધો વિરોધ દૂર થાય ત્યારે દોષનો પરિત્યાગ થાય છે. દંડીના મતે અનુચિત સ્થાને પ્રયોગ કરવામાં દોષ કહેવાય છે. પણ ઉચિત સ્થાને પ્રયોગ કરવામાં દોષનું દોષત્વ સમાપ્ત થઈ જાય છે. ‘શ્રુતિદુષ્ટ’ વગેરેને દંડી શૃંગારાદિમાં દોષરૂપ માને છે પણ દીપ્ત રસોના સંદર્ભમાં એને ગુણરૂપ ગણે છે. ‘રામાભ્યુદય’ નામક નાટકમાં યશોવર્માએ નાટકના આવશ્યક તત્ત્વ તરીકે ઔચિત્યતત્ત્વનો ઉલ્લેખ કર્યો છે. રુદ્રટે સ્પષ્ટ રીતે ‘પ્રયત્નપૂર્વક ઔચિત્યનો’ વિચાર કરીને અનુપ્રાસાદિના ગ્રહણ અને ત્યાગનો ઉલ્લેખ કર્યો છે. નમિસાધુ પણ ઔચિત્યનો વિચાર કરીને અલંકારનો પ્રયોગ કરવો જોઈએ એમ માને છે. યમક, શ્લેષ વગેરે શબ્દાલંકારો રસયુક્ત કાવ્યમાં રસને ખંડિત કરે છે. શૃંગાર અને કરુણના સંદર્ભમાં એ ભલે કવિની તે અંગેની શક્તિને પોષતા હોય પણ કાવ્યની રસવત્તાને પોષતા નથી. આથી ઔચિત્યનો વિચાર કરીને જ અલંકારનો પ્રયોગ કરવો જોઈએ એમ તેઓ માને છે. નાટ્યશાસ્ત્રના એક જાણીતા ટીકાકાર ભટ્ટ લોલ્લટ માને છે કે કાવ્યમાં રસમય અર્થનું વર્ણન જ ઉચિત છે, નીરસનું નહિ, કેવળ વર્ણનો કરવાથી કાવ્યમાં રુચિરતા આવતી નથી. આથી પ્રસ્તુત અને રસને અનુકૂળ(ઉચિત) એવાં વર્ણનોનો જ કાવ્યમાં સમાવેશ કરવો જોઈએ. આ પણ રસૌચિત્યનો જ એક પ્રકાર છે. ઔચિત્યસિદ્ધાન્તના વિકાસમાં આનંદવર્ધનનું પ્રદાન અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. એમણે રસની સાથે ઔચિત્યનો સંબંધ સ્થાપીને ઔચિત્યનું મહત્ત્વ વધારી દીધું છે. એમના મતાનુસાર અનૌચિત્ય સિવાય રસભંગનું બીજું કોઈ કારણ નથી. ઔચિત્ય જ રસનું પરમ રહસ્ય છે. રસનિરૂપણનું મુખ્ય તત્ત્વ છે ઔચિત્ય. રસનું ઔચિત્યપૂર્ણ વિધાન જ સૌન્દર્યનું ઉદ્બોધક બને છે. અલંકાર, ગુણ, રીતિ, વૃત્તિ, સંઘટનો, દોષ વગેરે કાવ્યતત્ત્વોને એમણે રસગત ઔચિત્ય સાથે સ્પષ્ટ રીતે સાંકળી લીધાં. વક્રતા અને ઔચિત્યના સંદર્ભમાં જ ત્રણે પ્રકારની સંઘટના રસ વ્યંજિત કરે છે. વિષય વગેરેનું ઔચિત્ય પણ તેનું નિયામક છે. વૃત્તિઓ એટલે પણ રસને અનુરૂપ અર્થ અને શબ્દનો ઔચિત્યયુક્ત વ્યવહાર. રીતિઓને પણ એ જ રીતે રસૌચિત્ય સાથે સાંકળવાની છે. આમ રસૌચિત્ય, પ્રબંધૌચિત્ય, વાચકૌચિત્ય, વૃત્ત્યૌચિત્ય, સંઘટનૌચિત્યનું સમ્યક્ વિવેચન કરીને આનંદવર્ધને ઔચિત્યનું મહત્ત્વ સ્થાપિત કર્યું છે. અભિનવગુપ્તે પણ આનંદવર્ધનના માર્ગનું અનુસરણ કરીને ઔચિત્યનું મહત્ત્વ સ્વીકાર્યું છે. તેમના મતે ઔચિત્ય વિના રસવત્તા નથી હોતી અને ઔચિત્ય રસધ્વનિ પર આશ્રિત તત્ત્વ છે, આમ રસ અને ધ્વનિ સાથે ઔચિત્યનો સંબંધ સ્થાપીને એમણે નવી વ્યવસ્થા આપી છે. આનંદવર્ધને કરેલા અલંકારૌચિત્યના વર્ણનનું સ્પષ્ટીકરણ કરતાં લોચનકારે કહ્યું છે કે કાવ્યમાં બે પરિસ્થિતિઓમાં જ અલંકારનો ઉપયોગ ન કરી શકાય. ૧, અલંકાર્યની સત્તા ન હોય ત્યારે અને ૨, અલંકાર્યની સત્તા હોય તો પણ અલંકારનું ઔચિત્ય ન હોય ત્યારે. શરીરમાં આત્મા જ ન હોય તો બાહ્ય આભૂષણો મૃત શરીરનાં જ શણગાર-પ્રસાધન જેવાં છે તે જ પ્રમાણે વૈરાગીના શરીરને આભૂષણોથી ભૂષિત કરવું એ સર્વથા અનુચિત અને તેથી ઉપહાસાસ્પદ છે. આમ અભિનવગુપ્તના મતાનુસાર કાવ્યમાં પ્રાણભૂતરસના અભાવમાં અલંકારોનું અલંકારત્વ સિદ્ધ થઈ શકે નહિ. વળી, અનુચિત અલંકાર પણ ભૂષક નહિ પણ દૂષક જ બને. ‘સરસ્વતીકંઠાભરણ’ તથા ‘શૃંગારપ્રકાશ’ નામે અલંકારશાસ્ત્રવિષયક બે ગ્રન્થોના કર્તા ભોજરાજે સ્વતન્ત્ર કાવ્યતત્ત્વ તરીકે ઔચિત્યનો ઉલ્લેખ કર્યો નથી છતાં એમણે એનો સ્વીકાર કર્યો જ છે એમ કહી શકાય. કારણકે દોષ, ગુણ અને અલંકારના નિરૂપણ વખતે એમણે એમના એવા અનેક ભેદ દર્શાવ્યા છે જેનો મૂળ આધાર ઔચિત્ય જ છે. તેમના મતાનુસાર કવિની કુશળતાને લીધે કેટલીકવાર દોષ પણ ઔચિત્યની સીમામાં સમાવેશ પામીને ગુણ બની જાય છે. અલંકારપ્રકરણમાં ઔચિત્ય પર આશ્રિત અનેક અલંકારોનું વર્ણન કર્યું છે. આમ ભોજરાજની દૃષ્ટિએ ઔચિત્ય કાવ્યનું એક ખૂબ જરૂરી ઉપાદાન છે. ‘વક્રોક્તિજીવિતકાર’ કુન્તક ઔચિત્યતત્ત્વના પ્રબળ સમર્થક છે. તેમની માન્યતાનુસાર વક્રતા જ કાવ્યમાં સારભૂત પદાર્થ છે, અને વક્રતાનો મૂળ આધાર ઔચિત્ય જ છે. બધા કાવ્યમાર્ગોમાં આવશ્યક એવા ગુણોમાં તેમણે ઔચિત્યનો સમાવેશ કર્યો છે. તેઓ કહે છે રીતિકાવ્યમાર્ગના ત્રણ પ્રકાર છે ૧, સુકુમાર ૨, વિચિત્ર અને ૩, મધ્યમ. આ ત્રણે માર્ગમાં ૧, ઔચિત્ય અને ૨, સૌભાગ્ય એ સામાન્ય ગુણો છે. ઔચિત્યની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે કે જે સ્પષ્ટ વર્ણનપ્રકાર દ્વારા સ્વભાવના મહત્ત્વનું પોષણ થાય છે તે ઔચિત્ય નામનો ગુણ છે. એનું મૂળ છે યથાનુરૂપ કથન. આનાથી સિદ્ધ થાય છે કે કુન્તક ઔચિત્યને સૌથી વધારે વ્યાપક તત્ત્વ માને છે. વળી, તેઓ માને છે કે રસ, વસ્તુ, વગેરે અનૌચિત્યરહિત હોવાં જોઈએ, વક્રતાના અનેક ભેદોને ઔચિત્યયુક્ત માનીને તેમણે વક્રતા અને ઔચિત્ય એ બેનું અભિન્નત્વ સિદ્ધ કર્યું છે. ધ્વનિકારના કટ્ટર વિરોધી હોવા છતાં મહિમ ભટ્ટ ઔચિત્યતત્ત્વના સમર્થક છે. તેમણે ફક્ત એક જ કાવ્યદોષનો સ્વીકાર કર્યો છે અને તે છે અનૌચિત્ય. તેઓ કહે છે કે અનૌચિત્યમાં બધા દોષોનો સમાવેશ થઈ જાય છે. રસવિઘાતક તત્ત્વ તે અનૌચિત્ય. રસપ્રતીતિ એ ઔચિત્યનું જ ફળ છે. આ રીતે મહિમ ભટ્ટના મતે ઔચિત્ય એ કાવ્યનું સર્વાતિશાયી તત્ત્વ છે. ક્ષેમેન્દ્રએ ઔચિત્યને સિદ્ધાન્તનું રૂપ આપીને તેને કાવ્યનું જીવિત સિદ્ધ કર્યું, તેમના મતે ઉચિતનો ભાવ એટલે ઔચિત્ય. જે જેને અનુરૂપ હોય તે તેને ઉચિત કહેવાય. તેમણે ઔચિત્યને પદ, વાક્ય, રસ, અલંકાર, રીતિ, ગુણ, પ્રબંધ વગેરેમાં વ્યાપ્ત માનીને એનો કાવ્યના જીવનનિધાયક તત્ત્વ તરીકે સ્વીકાર કર્યો, કાવ્યમાં ગુણ, અલંકાર આદિ બધાનું ઔચિત્ય આવશ્યક છે. તેઓ કહે છે કે કંઠમાં મેખલા, નિતંબ પર કીમતી હાર, હાથમાં નૂપુર અને પગમાં કંકણ ધારણ કરવામાં આવે તો કેવું વિચિત્ર લાગે? તે જ રીતે કાવ્યમાં પણ અલંકાર, ગુણ વગેરે સુંદર હોવા છતાં ઔચિત્યપુર :સર પ્રયોજાયાં ન હોય તો તે હાસ્યાસ્પદ બને છે. આનંદવર્ધન પાસેથી પ્રેરણા લઈને જ ક્ષેમેન્દ્રે ઔચિત્યને કાવ્યના વ્યાપક અને મહત્ત્વપૂર્ણ તત્ત્વ તરીકે પ્રતિષ્ઠિત કર્યું છે. ઔચિત્ય વિના ગુણની ગુણતા કે અલંકારની અલંકારતા સિદ્ધ ન થાય. તેઓ જણાવે છે કે કાવ્યમાં તેમજ લોકમાં સર્વત્ર ઔચિત્યનું જ સામ્રાજ્ય છે. ક્ષેમેન્દ્રએ પોતાના ગ્રન્થમાં ઔચિત્યના ૨૭ પ્રભેદો જણાવ્યા છે જે આ પ્રમાણે છે : પદ, વાક્ય, પ્રબન્ધાર્થ, ગુણ, અલંકાર, રસ, ક્રિયા, કારક, લિંગ, વચન, વિશેષણ, ઉપસર્ગ, નિપાત, કાલ, દેશ, કુલ, વ્રત, તત્ત્વ, સત્ત્વ, અભિપ્રાય, સ્વભાવ, સારસંગ્રહ, પ્રતિભા, અવસ્થા, વિચાર, નામ અને આશીર્વાદ. ઔચિત્યના આ પ્રભેદ કેવળ ઉપલક્ષણરૂપ છે. ખરેખર તો ઔચિત્યના અનંત ભેદો થઈ શકે છે. સમય જતાં ઔચિત્યસિદ્ધાન્તને મહત્ત્વ ન મળ્યું. પણ કાવ્યનાં તત્ત્વોને સમુચિત, સંતુલિત અને વ્યવસ્થિત કરવાની દૃષ્ટિએ રસ અને ધ્વનિવાદી આચાર્યોએ પણ એની ઉપયોગિતા સ્વીકારી. ખરું પૂછો તો ઔચિત્યસિદ્ધાન્તને ધ્વનિસિદ્ધાન્તથી જુદો ન માની શકાય. ઔચિત્યનો સમાવેશ ધ્વનિમાં જ થઈ જાય છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ઔચિત્યસિદ્ધાન્ત છે કે સંપ્રદાય. સિદ્ધાન્તને આધારે સંપ્રદાય પ્રવર્તિત થાય છે. એ દૃષ્ટિએ જોતાં સિદ્ધાન્ત પરિમિત હોય છે અને સંપ્રદાય વ્યાપક. એ રીતે વિચારતાં ઔચિત્યસિદ્ધાન્ત ચોક્કસ છે પણ સંપ્રદાય નથી. ભારતીય સાહિત્યશાસ્ત્રમાં જેટલા સંપ્રદાય છે તેમની પરંપરા છે અને સંપ્રદાયના પ્રવર્તક પછી પણ તેમના અનુયાયીઓ રહ્યા છે જે એમાં ગતિ લાવે છે. દરેક સંપ્રદાયે વિરોધીઓનો પણ સામનો કરવો પડ્યો છે. તે દૃષ્ટિએ ઔચિત્ય સંપ્રદાય નહિ પણ સિદ્ધાન્ત હોય એવું લાગે છે. એની કોઈ પૂર્વવર્તી પરંપરા નથી. ક્ષેમેન્દ્ર પછી પણ કોઈ આચાર્યએ એનું સમર્થન કર્યું નથી. ભરત-ભામહ આદિએ રસનું અંગ માનીને જ એનું વિવેચન કર્યું છે. તેમના મતાનુસાર ઔચિત્ય રસની અભિવૃદ્ધિનું સાધન છે. ક્ષેમેન્દ્રએ આનંદવર્ધનના વિચારોનો જ વિસ્તાર કર્યો છે. તેમણે કોઈ નવું તથ્ય પ્રગટ કર્યું નથી. ઔચિત્યસિદ્ધાન્તનો વિરોધ થયો નથી કે એના પ્રમાણે કાવ્યના સ્વરૂપ, ભેદ વગેરે અંગોનું નિરૂપણ પણ થયું નથી એટલે એને સંપ્રદાય માની શકાય નહિ. જ.દ.