ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાદંબરી

From Ekatra Wiki
Revision as of 15:01, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાદંબરી : સંસ્કૃતસાહિત્યમાં મહાકવિ બાણભટ્ટની પ્રખ્યાત ગદ્યકૃતિ. ‘કાદંબરી’નાં કથાવસ્તુ માટે બાણ ગુણાઢ્યની બૃહત્કથા તથા તેનાં સંસ્કૃત રૂપાન્તરોના ઋણી છે. બૃહત્કથા હાલ ઉપલબ્ધ ન હોવાથી તેમાંથી બાણે કેટલે અંશે ઉછીનું લીધું છે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ બૃહત્કથાની જેમ શાપ, પુનર્જન્મ, એક કથામાં બીજી કથાની ગૂંથણી ‘કાદંબરી’માં સ્પષ્ટ જોવા મળે છે. ‘કાદંબરી’ની કથા પૂર્વભાગ અને ઉત્તરભાગમાં વિભાજિત છે. ક્યારેક આર્યા છંદનો પ્રયોગ થયો છે. અહીં કથાનકમાં નાયક ચંદ્રાપીડ અને નાયિકા કાદંબરીના ત્રણ ત્રણ જન્મના નિર્વ્યાજ પ્રેમનું અસ્ખલિત આલેખન છે. એની સમાંતરે પુંડરીક અને મહાશ્વેતાના પ્રેમની પણ કથા છે. અહીં મુખ્ય કથાનકમાં અવાન્તરકથાઓ અને ઉપકથાઓ વણાયેલી છે. બાણે કરેલાં વિવિધ વર્ણનો અવિસ્મરણીય છે, કારણ; તે શક્ય એટલાં વિશેષણો, પૌરાણિકકથાઓ, કલ્પનાઓ, અનેક અલંકારોનો આધાર લઈને વર્ણનોને તાદૃશ કરે છે. શૃંગાર આ કૃતિમાં મુખ્ય રસ છે. બાણથી વધુ સારું ગદ્ય લખનાર સંસ્કૃતમાં બીજો કોઈ કવિ નથી. ‘કાદંબરી’નું ગદ્ય મોટાભાગે સામાસિક છે. જોકે એમાં સરલ ગદ્ય પણ પ્રયોજાયેલું છે. વિરોધ અને પરિસંખ્યા બાણના પ્રિય અલંકારો છે. અન્ય અલંકારોમાં અનુપ્રાસ, શ્લેષ, સ્વાભાવોક્તિ, ઉપમા, ઉત્પ્રેક્ષા, વગેરે મળે છે. એનું શબ્દભંડોળ પણ વિશાળ છે. અધિક પ્રાગલ્ભ્ય પ્રાપ્ત કરવા માટે ‘વાણી’ ‘બાણ’ બની એવી બાણ માટેની ઉક્તિ સર્વથા ઉચિત છે. ગૌ.પ.