ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યસંવાદ

From Ekatra Wiki
Revision as of 15:26, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાવ્યસંવાદ : જુદા જુદા કર્તાઓનાં કાવ્યમાં પરસ્પર સાદૃશ્ય હોય કે દેખાય એને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કાવ્યસંવાદ તરીકે ઓળખે છે. સંવાદનો અર્થ અહીં ‘અન્ય સાદૃશ્ય’ એવો થાય છે. આના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે : અન્યયોનિ; નિહ્નુતયોનિ અને અયોનિ. જે કાવ્ય અન્ય કવિના કાવ્યના આધાર પર રચાયેલું હોય એને અન્યયોનિ કહે છે. એના બે વિભાગ છે : પૂર્વે રચાયેલા કાવ્યનું પ્રતિબિંબ હોય કે એનું અનુકરણ હોય તે પ્રતિબિંબકલ્પ અને પૂર્વે રચાયેલા કાવ્યને પરિષ્કૃત કરે યા સંસ્કાર દ્વારા એને જુદે રૂપે રજૂ કરે તે આલેખ્યપ્રખ્ય. પ્રતિબિંબકલ્પના આઠ પ્રકાર છે : પૂર્વ અર્થને ઉત્તરમાં કે ઉત્તર અર્થને પૂર્વમાં પરિવતિર્ત કરતો વ્યસ્તક; કોઈ બૃહદ્ અર્થમાંથી કોઈએક ભાગને લેતો ખંડ; સંક્ષિપ્ત અર્થનો વિસ્તાર કરતો તૈલબિંદુ; પૂર્વે થયેલા કવિના ભાવને ભાષાપરિવર્તન સાથે રજૂ કરતો નટનેપથ્ય; અર્થ કે ભાવને છંદપરિવર્તનથી મૂકતો છંદોવિનિમય; મૂળ અર્થનું કારણપરિવર્તન કરતો હેતુવ્યત્યય; એક સ્થાનના અર્થને અન્ય સ્થાન પર સંકલિત કરતો સંક્રાંતક અને કોઈ બે રચનાઓના અર્થને એક રચનામાં ભેળવીને રજૂ કરતો સંપુટ. આલેખ્યપ્રખ્યના પણ આઠ પ્રકાર છે : પૂર્વેની કૃતિનાં અર્થ કે ઉક્તિની સમાન રચના તે સમક્રમ; પૂર્વની રચનામાં રહેલા અલંકારને અલંકારહિત કરતો વિભૂષણમોક્ષ; પૂર્વેની રચનાના ઉક્તિક્રમને વિપરીત ક્રમમાં મૂકતો વ્યુત્ક્રમ; પૂર્વેની રચનાની સામાન્ય વાતને વિશેષ રૂપે કહેનારો વિશેષોક્તિ; પૂર્વેના ગૌણ ભાવથી કહેવાયેલા તથ્યને પ્રધાનભાવે પ્રસ્તુત કરતો ઉત્તંસ; એક જ અર્થને ભિન્ન રૂપે પ્રગટ કરતો નટનેપથ્ય; અલંકાર્યના ભેદ દ્વારા રજૂ થતો એકપરિહાર્ય અને પૂર્વે વિકૃત રૂપે કહેવાયેલી વાતને સ્વાભાવિક રૂપમાં મૂકતો પ્રત્યાપત્રિ. જો કાવ્ય પૂર્વરચિત કોઈ કાવ્ય પર આધારિત હોય અને એનું મૂળ પ્રચ્છન્ન રહેલું હોય તો તે નિહ્નુતયોનિ કાવ્ય છે. એના બે વિભાગ છે. બે કાવ્યોમાં શરીરની ભિન્નતા છતાં બંનેના કથનનો આત્મા સમાન હોય તો તે તુલ્યદેહિતુલ્ય અને બે કાવ્યોમાં એકતા હોવા છતાં પ્રબંધ-રચના અત્યંત ભિન્ન હોય તો તે પરપુરપ્રવેશ. તુલ્યદેહિતુલ્યના આઠ પ્રકાર છે : એક જ અર્થ છતાં અન્ય રૂપની પ્રાપ્તિ બતાવતો વિષયપરિવર્તન; પૂર્વે બે રૂપમાં વર્ણવાયેલી ઉક્તિને એક રૂપ આપતો દ્વંદ્વવિચ્છિત્તિ; પૂર્વ અર્થનું અર્થાન્તરમાં પરિવર્તન કરતો રત્નમાલા; પૂર્વકથનની સંખ્યાને પરિવતિર્ત કરતો સંખ્યોલ્લેખ; પૂર્વકથિત સમને વિષમ રૂપે કે પૂર્વકથિત વિષમને સમ રૂપે રજૂ કરતો ચૂલિકા; પૂર્વેના નિષેધનો વિધિ રૂપમાં ઉલ્લેખ કરતો વિધાનાપહાર; ઘણા બધા અર્થોને એક જગ્યાએ એકઠો કરતો માણિક્યપુંજ અને મૂળ અર્થને અનેક પ્રકારે પ્રગટ કરતો કંદ. પરપુરપ્રવેશના પણ આઠ પ્રકાર છે : એક પ્રકારે નિબદ્ધ વસ્તુને યુક્તિપૂર્વક પરિવતિર્ત કરતો હુડયુદ્ધ; એક પ્રકારે વર્ણવેલી વસ્તુને અન્ય પ્રકારે વર્ણવતો પ્રતિકંચૂક; એક ઉપમાનનું અન્ય ઉપમાનમાં રૂપાન્તર કરતો વસ્તુસંચાર; શબ્દાલંકારને અર્થાલંકારમાં ફેરવતો ધાતુવાદ; પદાર્થના ઉત્કર્ષ સાથે પરિવર્તન કરતો સત્કાર : સદૃશ રૂપમાં ઉપસ્થિત વસ્તુને અસદૃશ રૂપમાં પ્રસ્તુત કરતો જીવંજીવક; પૂર્વેના ભાવને ગ્રહણ કરી પ્રબંધરચના કરતો ભાવમુદ્રા અને પૂર્વ વસ્તુની વિરોધી વસ્તુને રજૂ કરતો તદ્વિરોધ. જે મૌલિક છે, જે કવિએ સ્વયં ઉદ્ભાસિત કરેલી રચના છે તે અયોનિ કાવ્ય છે. ચં.ટો.