ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી ગીત

From Ekatra Wiki
Revision as of 15:19, 23 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી ગીત'''</span> : સોનેટ કે અન્ય છાંદસ-અછાંદસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ગુજરાતી ગીત : સોનેટ કે અન્ય છાંદસ-અછાંદસ રચનાઓની બાબતે પાશ્ચાત્ય પ્રભાવને જેટલી હદે સ્વીકારી શકાય એટલી હદે જઈને ગીત વિશે એવો પ્રભાવ ચીંધવો શક્ય નથી. સોનેટની જેમ ગીતને પાશ્ચાત્ય કાવ્યપ્રકાર ગણાવી દેવાનું સરળ નથી. ગુજરાતી ગીતનો મહત્ત્વનો સંબંધ આપણા લોકસાહિત્ય સાથે છે. મધ્યકાલીન પદસાહિત્યનો પણ એના અર્વાચીન રૂપ-ઘડતરમાં મહત્ત્વનો હિસ્સો રહેલો છે. પ્રકૃતિ કે માનવભાવોનું આલેખન તથા એ આલેખનની અર્વાચીન રીતિ પૂરતો ગીત ઉપર પણ પાશ્ચાત્ય પ્રભાવ સ્વીકારી શકાય. બાકી ગીત આપણી લોકસાહિત્ય પરંપરામાંથી પાંગરેલું ઊર્મિકાવ્યનું નવું રૂપ છે એમ કહેવામાં વધુ ઔચિત્ય છે. ગીતગંધી રચનાઓ આપણને નર્મદમાં મળવા માંડેલી. ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ એનું દૃષ્ટાંત છે. પદકવિતામાંથી નીકળીને ગીત તરફ જવાની એમાં સ્પષ્ટ એંધાણી છે. આ ગાળામાં છંદોમાં પળોટાવા માંડેલી ગુજરાતી ભાષામાં ગીતકવિતા માટે પણ જાણે કે ભૂમિકા રચાવા માંડે છે. લયનિયોજિત ભાષા ‘કવિતા’ સંદર્ભે વધારે ઉપકારક બનવા માંડી હોય એવો એ કાળ હતો. દલપતરામે ‘છંદા રચ્યા’ – બાળાશંકર આદિએ (દા.ત. ‘ક્લાન્ત કવિ’) છંદોબદ્ધ રચનાઓમાં લયહિલ્લોળ અને સાર્થ પ્રાસાનુપ્રાસથી કવિતામાં છંદોલયનું મહત્ત્વ દર્શાવ્યું. ગીતકાવ્ય માટેની આ ભૂમિકામાં લોકસાહિત્ય તરફની દૃષ્ટિ નવું પરિબળ બને છે. ગીતકાવ્યનો પ્રથમ ઉન્મેષ કવિ ન્હાનાલાલમાં પ્રગટે છે. ગુજરાતી ગીત ન્હાનાલાલમાં પહેલીવાર ગીતત્વ અને કવિત્વ બેઉને સિદ્ધ કરે છે. લોકજીવનના ભાવો, લોકભાષાનો સંસ્પર્શ અને લોકલય ત્રણેની સંવાદિતા સાધતાં ગીતો ન્હાનાલાલ પાસેથી મળે છે. ‘ન્હાના ન્હાના રાસ’માં એમનાં વિવિધ ભાવભંગિમાવાળાં અનેક ગીતો સચવાયેલાં છે. ‘વીરની વિદાય’, ‘ઝીણા ઝરમર વરસે મેહ’, ‘સૂના સરોવરે’, ‘કાઠિયાણીનું ગીત’, ‘ફૂલડાં કટોરી’ જેવાં એમનાં ગીતો જાણીતાં છે. રાધાકૃષ્ણને સંદર્ભે એમણે પ્રણયના વિવિધ ભાવો આલેખ્યા છે. પછી એ પરંપરા ગુજરાતીમાં આ સદીના આઠમાનવમા દાયકા લગી ચાલતી રહી છે. લોકલય જ નહીં. લોકગીતની પંક્તિઓ લઈને પણ ન્હાનાલાલે નવેસરથી ગીતો લખ્યાં છે. એમનાં ગીતોમાં મુખરતા, શૈલીદાસ્ય, કલ્પનાપ્રચૂરતા જેવી મર્યાદા પણ મળે છે. વાગ્મિતામાં અટવાતું ગીત આદર્શો અને ભાવનાના અતિરેકથી ‘હવાઈ’ લાગે છે. તેમ છતાં એમણે ભાવ તથા નિરૂપણ આદિના વૈવિધ્યથી ગુજરાતીમાં ગીતને દૃઢમૂલ કરવામાં ઐતિહાસિક યોગદાન કર્યું છે. એમની સાથે પંડિતયુગમાં ગીતને પસંદ કરનારો મોટા ગજાનો કવિ આવ્યો નથી. નરસિંહરાવ જેવા ગૌણ કવિઓને હાથે કે મુખ્ય કવિઓની થોડીક ગીત રચનાઓથી ગીતકાવ્યનો પ્રવાહ વહેતો રહે છે. બોટાદકરનાં કુટુંબભાવનાનાં ગીતો અહીં યાદ કરવાં પડે. ગાંધીયુગમાં તત્કાલીન સમાજચેતનાનો નવો સૂર મેઘાણીનાં ગીતોમાં પ્રગટે છે. શૌર્યભાવ સાથે એમાં પીડિતોની વેદનાનો સ્વર પણ સંભળાવા લાગેલો. દલિતપીડિત તરફની સહાનુભૂતિ ‘સુન્દરમ્’-ઉમાશંકરનાં ગીતોમાં પણ થોડેક અંશે પમાય છે. જો કે ઉમાશંકરનાં ગીતો પુન : લોકલયને સહારે પ્રણયભાવોની કાવ્યલક્ષી અભિવ્યક્તિ કરવા તરફ વળે છે. ‘ભોમિયા વિના’ એમનાં ગીતોનું સંકલન છે. લોકમેળાઓમાં ગવાતાં ગીતોનો લય, એવાં જ ભાવસ્પંદનોને વ્યક્ત કરવા ઉમાશંકર જોશી પ્રયોજે છે. લોકભાષાનો ઉપયોગ પણ એમને માટે સ્વાભાવિક બને છે. ‘ગાણું અધૂરું મેલ્ય મા–’માં ભાવલય-ભાષાની સંવાદિતા છે. જોકે એવાં નમૂનેદાર ગીતો ઓછાં છે. ‘સુન્દરમ્’માં પ્રેમાલેખન કરતાં અધ્યાત્મભાવના કે ચિંતન/રહસ્યનો નિર્દેશ કરતાં ગીતો વધારે મળે છે. ‘મોરે પિયા’માં તો ભાષાનો મરોડ પણ વિભાષા સુધી પહોંચે છે. ‘હંકારી જા’ તથા ‘કોણ’ એમની ચિંતન કે વિચારપ્રધાન ગીતકૃતિઓ છે. આ ગાળામાં ‘સ્નેહરશ્મિ’, માણેક, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ તથા ઇન્દુલાલ ગાંધી જેવા કવિઓ પાસેથી પણ થોડીક સફાઈદાર ગીતકૃતિઓ મળે છે. ચોથા દાયકા પછી કવિતામાં પરિવર્તન આવે છે. સૌન્દર્યલક્ષી થવા તાકતી ગુજરાતી કવિતાનાં ગીતોમાં ભાવપ્રતીકો તથા ઇન્દ્રિયવ્યત્યયો જેવી પ્રયુક્તિઓ ઉમેરાતાં ગીતનો મરોડ બદલાય છે. પ્રહ્લાદ પારેખનાં ગીતો એનું દૃષ્ટાંત છે. પણ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત કે પ્રિયકાન્ત મણિયાર આદિની ગીતકવિતા બહુધા પરંપરાગત માર્ગે જ ચાલે છે. નિરંજનમાં ભાવાવેગ સાથે અભિવ્યક્તિની બળકટ છટાઓ પ્રગટે છે. પરંપરિત માત્રામેળનો લયસંદર્ભે એમણે કરેલો ‘પ્રયોગ’ ધ્યાન ખેંચે છે. ‘હરિવર મુજને હરિ ગયો’; ‘આષાઢ આયો’ – જેવાં ગીતો યાદગાર છે. વિરહભાવનું સૂક્ષ્મ અને દ્યુતિભર્યું નિરંજનનું આલેખન એમને ‘સ્વપ્નનો સૂરમો’ આંજનાર કવિનું માન અપાવે છે. પ્રહ્લાદમાં નકરી પ્રકૃતિનું આલેખન ગીતરૂપ પામે છે. પ્રેમસંવેદના પણ એમનાં ગીતોમાં ઘણી સહજતાથી કાવ્યત્વ ધારે છે. પ્રિયકાન્ત મણિયારનાં ગીતોમાં અભિવ્યક્તિની તાજપ છે પણ કૃષ્ણવિષયક ગીતરચનાઓ પરંપરાથી ઊફરી જતી નથી. રાજેન્દ્ર શાહ આ ગાળાના મહત્ત્વના ગીતકવિ ગણાયા છે. કાવ્યત્વ અને ગીતત્વના પરિપ્રેક્ષ્યમાં એમની કેટલીક ગીતકૃતિઓ સફળ નીવડી છે. અંદાજે ચારસો જેટલાં ગીતો લખનારા આ કવિનાં ગીતોમાં વિચારચિંતન કે અધ્યાત્મને વિષય બનાવનારાં ગીતો વિપુલ સંખ્યામાં મળે છે. પણ ‘વનવાસીનાં ગીતો’, ‘કેવડિયાનો કાંટો’, ‘ઈંધણાં વીણવા ગૈતી’, ‘તને જોઈજોઈ’ જેવાં ગીતોમાં એમને ઝાઝી સફળતા મળી છે. આ જ ધારામાં આપણી ગીતકવિતા અનુગાંધીયુગના અન્ય કવિઓમાં ઝાઝા નવોન્મેષો વગર પરિપુષ્ટ બનતી રહી છે. મકરંદ દવેમાં વિચારોમિર્નું રસાયન જોવા મળે છે. મકરંદે ગીતમાં ફકીરી મસ્તીનો આહલેક ગાયો છે.’ ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ જેવી એમની ગીતરચના અભિવ્યક્તિકળાની રીતેય યાદ રહેશે. બાલમુકુન્દ દવે લોકલયના કવિ તરીકે મહદંશે ગીતોથી જ જાણીતા થયેલા. તળભાષાના લયમરોડ ને બોલચાલના લ્હેકા સાથે ભાવાર્થપૂર્ણ અભિવ્યક્તિ ‘પરિક્રમા’નાં ગીતોનો ને ગુજરાતી ગીતકવિતાનો ય વિશેષ બને છે. ‘શ્રાવણ નીતર્યો’, ભીના વાયરા ઇત્યાદિ ગીતો એમનું અર્પણ બન્યાં છે. વેણીભાઈ પુરોહિત તથા અન્ય ગૌણ કવિઓની કોઈક કોઈક રચનાઓ ધ્યાનપાત્ર છે. હરીન્દ્ર દવે અને સુરેશ દલાલમાં કૃષ્ણરાધાનાં ગીતો એમની આગવી મુદ્રા વગર સુગેયતાને લીધે ગવાતાં રહ્યાં છે. એમની અન્ય ગીતકૃતિઓમાં, હરીન્દ્રની ‘તમે યાદ આવ્યાં’ ને સુરેશ દલાલની ‘લીલ લપાઈ’ જેવી કૃતિઓ, ભાવાભિવ્યક્તિના વિશેષો ધરાવે છે ખરી. જયંત પાઠક – ‘ઉશનસ’માં પણ ગીતો મળે છે. જયંત પાઠકમાં વતનરાગ સાથે તળપદજનના પ્રેમભાવોની અભિવ્યક્તિએ એક મુદ્રા રચી છે. ‘ઉશનસ’નાં ગીતોમાં ‘પ્રેમપ્રકૃતિ’નું રૂઢ આલેખન ઝાઝા વિશેષો વિના ચાલ્યું દેખાશે. આધુનિકતાના ગાળામાં ગીતકાવ્યમાં ય થોડાક પ્રયોગો થાય છે. ગીતના સ્વરૂપમાં ઝાઝી તોડફોડને અવકાશ નથી, છતાં મુખડા-અંતરાની ભાત, દીર્ઘલય, પ્રતીક-કલ્પનનો પ્રયોગ, ભાવવૈવિધ્ય, ગીતની ઇબારત બાંધતી અભિવ્યક્તિ અને ભાષાની તરેહો ઇત્યાદિ સંદર્ભે ઓછાવત્તા નવોન્મેષો પ્રગટ્યા હતા. રાવજી અને મણિલાલમાં આ પરિવર્તન તરત વંચાય છે. ભાવસંગોપન, અર્થવિલંબનની પ્રયુક્તિઓ સુધી ગીત જાય છે. ગીતમાંય અર્થના છેડાઓ આંતરસંદર્ભો રચવામાં બહિર્ગતતા છોડીને અભિવ્યક્તિમાં બળકટતા સાથે સૂક્ષ્મ સાંકેતિકતા આણે છે. અનિલ જોશી, રાજેન્દ્ર શુક્લનાં ગીતો આનાં દૃષ્ટાંતો બને છે. પરંપરાગત ગીત અહીં રૂપગત પરિવર્તન સાથે અર્થપૂર્ણ વિકાસ સાધે છે. રાવજીનું ‘આભાસી મૃત્યુનું ગીત’ ઉદાહરણ માટે પૂરતું છે. પ્રદ્યુમ્ન તન્ના, ભૂપેશ અધ્વર્યુ ને ચિનુ મોદીના ગીતપ્રયોગોમાં આધુનિકતાનો મિજાજ પમાય છે. માધવ રામાનુજનાં ગીતોમાં સાર્થ ને ઘૂંટાયેલી અભિવ્યક્તિ છે; છતાં થોડીક રચનાઓ બાદ કરતાં પરંપરાને આંબીને નિજી મુદ્રા ભાગ્યે જ રચે છે. રમેશ પારેખ આ ગાળાના મહત્ત્વના ગીતકવિ તરીકે ચર્ચાતા રહ્યા છે. સોરઠી લોકજીવન, એ જ ભાવજગત, એવી જ કોઈ નારીના મનોભાવોની કલ્પન તથા ભાષારચનાની રીતે અભિવ્યક્તિથી રમેશ નિજી મુદ્રા ઉપસાવી શક્યા છે. એમનામાં વૈવિધ્ય ખૂબ છે. સાથે મુખરતા ય છે, વળી, સ્ત્રૈણતાની હદે જતું ગીતલેખન, પુનરાવર્તનો ઇત્યાદિ મર્યાદાઓ છતાં ‘મીરાં સામે પાર’ ગુચ્છનાં ગીતોમાં એમનું નવું કવિરૂપ ને ગીતરૂપ આસ્વાદ્ય બને છે. રતિરાગનું પ્રતીક-કલ્પનોથી થતું કાવ્યપૂર્ણ આલેખન વિનોદ જોશીનો વિશેષ છે. જોકે ભાવાદિનાં પુનરાવર્તનો અહીં પણ મર્યાદા બને છે. અંતે કહી શકાશે કે અર્વાચીન ગુજરાતી કાવ્યસ્વરૂપોમાં ગીત વધારેમાં વધારે ‘ગુજરાતીતા’ પ્રગટાવીને લોકપ્રિયતા સુધી પહોંચી શક્યું છે. મ.હ.પ.