ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી દીર્ઘકાવ્યો

From Ekatra Wiki
Revision as of 15:37, 23 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી દીર્ઘકાવ્યો'''</span> : મધ્યકાલીન પદ્યસા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ગુજરાતી દીર્ઘકાવ્યો : મધ્યકાલીન પદ્યસાહિત્યમાં આખ્યાન અને પદ્યકથાઓ જેવી દીર્ઘરચનાઓનાં ચોક્કસ સ્વરૂપો અને મધ્યકાળ પૂર્વે પ્રાકૃતસાહિત્યમાં રાસ, ફાગુ, પ્રબંધ, પદ્યવાર્તા જેવાં દીર્ઘરચનાનાં સ્વરૂપો ખેડાયેલાં છે. એનો પ્રભાવ વત્તોઓછો અર્વાચીન કાવ્યસાહિત્યમાં રહ્યો. મુખ્યત્વે આખ્યાન સ્વરૂપ પ્રતિમાન તરીકે રહ્યું. મહાકાવ્ય સુધી પહોંચવા માટે પણ આશય સેવ્યો અને એ અંગે મથામણ કરતા રહ્યા. છેવટે આધુનિક પાશ્વાત્ય કાવ્યસાહિત્યના પ્રભાવથી ઘણાં બધાં પરિવર્તનોને કારણે દીર્ઘકાવ્યોમાં દીર્ઘતા જ રહી. એમાંનાં તત્ત્વો સ્થિર ન થવાને કારણે એનું સ્વરૂપ મુક્ત અને અચોક્કસ રહ્યું. ગુજરાતી ભાષાનો આરંભ અગિયારમી-બારમી સદીમાં હેમચન્દ્રાચાર્યથી ગણીએ તો એ સમયથી દીર્ઘરચના રચાવાનો આરંભ થયો. એ કાળે હેમચંદ્રની ‘કૃષ્ણકથા’, ‘રામકથા’ જેવી કૃતિઓ દીર્ઘરચનાઓ ગણાયેલી. એ સાથે દીર્ઘ સ્વરૂપે વ્યાપક રીતે વીરરસથી ભરપૂર ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ પ્રથમ સાહિત્યિક કૃતિ ગણાયેલી. એ જ રીતે વસંતવર્ણનોથી સભર ફાગુકાવ્ય ‘વસંતવિલાસ’ પણ દીર્ઘકાવ્ય છે પરંતુ રાસ અને ફાગુ જેવી દીર્ઘરચનાઓનો પ્રભાવ અર્વાચીન કાવ્યસાહિત્ય સુધી વર્તાતો નથી. દીર્ઘકાવ્ય જેવી કદમૂલક અનિશ્ચિત સંજ્ઞા અર્વાચીનકાળથી જ વપરાવી શરૂ થઈ. પરંતુ આખ્યાન અને ખંડકાવ્યની જેમ દીર્ઘકાવ્યનાં ચોક્કસ લક્ષણો સુનિશ્ચિત થયાં નથી. અર્વાચીનયુગનો પ્રારંભ દલપતરામના દીર્ઘકાવ્ય બાપાની પીંપર(૧૮૪૫)થી થયેલો. ‘બાપાની પીંપર’ પદ, આખ્યાન કે વાર્તા નથી. એને દીર્ઘવર્ણનકાવ્ય ગણી શકાય. એનાથી જુદા ‘વેનચરિત્ર’(૧૮૬૮) નામના બીજા દીર્ઘકાવ્યમાં દલપતરામે આખ્યાનની ઊંડી અસરો ઝીલી. ‘વેનચરિત્ર’ રચાયું એ પૂર્વે નર્મદનાં બે દીર્ઘકાવ્યો ‘હિન્દુઓની પડતી’(૧૮૬૩-’૬૬) અને ‘વીરસિંહ’(૧૮૬૭) રચાયાં. નર્મદે ‘હિન્દુઓની પડતી’માં ઇતિહાસનો ઉપયોગ કર્યો, અને ‘વીરસિંહ’માં પ્રેમશૌર્યભાવ અંકિત કર્યો. સુધારકયુગમાં દલપતશૈલીના કવિઓમાં કવેશ્વર રેવાશંકર જયશંકરની ‘૧૧ એકાદશીકથા’ અને ‘શ્રી કૃષ્ણજન્મચરિત્ર’, કલ્યાણજી પૂંજારામ યાજ્ઞિકની ‘ગોપીવિલાપ’, લાધારામ વિશ્રામ રઘુવંશીની ‘કંસવિરહ’, બહેરામજી મેરવાનજી મલબારીની ‘વિલ્સનવિરહ’, નથુરામ સુંદરજીની ‘ઋતુવર્ણન’, મહાસુખરામ નરભેરામની ‘પક્ષીસમાજ,’ મોહનલાલ ઈશ્વર ભટ્ટની ‘સુભાષિતસહસ્ર’ વગેરે દીર્ઘરચનાઓ મળી આવી. એ જ રીતે નર્મદશૈલીના કવિઓમાં કવિ મધુવચ્છરામ બળવચ્છરામની ‘સુવાસિકા’, કવિ ભવાનીશંકર નરસિંહરામની ‘વિધવાવિલાપ’ ગિરધરલાલ પંજાબી ક્ષત્રીની ‘ગિરધરવિલાસ’, શિવદાસ નારાયણની ‘ગોહિલ બિરદાવલી’, કવિ પાહલનજી બરજોરજી દેશઈની ‘ગુલે અનાર’ વગેરે દીર્ઘરચનાઓ મળી આવી. દલપતશૈલી કરતાં નર્મદશૈલીની દીર્ઘરચનાઓ ઓછી છે. પંડિતયુગમાં દોલતરામ કૃ. પંડ્યાએ ‘ઇન્દ્રજિતવધ’(૧૮૮૭) અને ભીમરાવ ભોળાનાથ દિવેટિયાએ ‘પૃથુરાજરાસા’(૧૮૯૭) નામનાં દીર્ઘકાવ્યો આપ્યાં. આ બંને, સંસ્કૃતશૈલીના મહાકાવ્યની અસરો ઝીલતાં મહાકાવ્યોના પ્રયત્નો જ હતા. આ પછી ન્હાનાલાલે ‘વસંતોત્સવ’(૧૯૦૫) અને ‘ઓજ અને અગર’ (૧૯૩૩), નામનાં દીર્ઘકાવ્યો આપ્યાં. આ બંને કથાકાવ્ય જેવાં દીર્ઘકાવ્યો હોવા છતાં પ્રણયોર્મિની જ કથા છે. દલપતરામથી ન્હાનાલાલ સુધીની છાપ અને અસરો હેઠળ રચાયેલું ખબરદારનું ‘કલિકા’(૧૯૨૬) દીર્ઘકાવ્ય લેખાવું ઘટે. એ મુક્તશૈલીનું વિષયનિરૂપણમાં સાતત્ય જાળવતું દીર્ઘકાવ્ય હતું. ચંદ્રવદન ચીમનલાલ મહેતાએ ‘રતન’(૧૯૩૭) નામક, ભાઈબહેનની કથા આલેખતું લાંબું કથનાત્મકકાવ્ય આપ્યું છે. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે ‘આરોહણ’ કરતાં વિશેષ લાંબું અને વૃત્તાંત્મક ‘નિરુત્તમા’ નામનું દીર્ઘકાવ્ય રચેલું. પંડિતયુગનાં પ્રકીર્ણ દીર્ઘકાવ્યોમાં ‘કલાપી’નું ‘હમીરજી ગોહેલ’, ‘મસ્તકવિ’, ત્રિભોવન પ્રેમશંકરનું ‘વિભાવરી સ્વપ્ન’, ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીનાં ‘ચમેલી’ અને ‘બુલબુલ’, જેઠાલાલ મણિલાલ છબારામ ભટ્ટનું ‘અનિલદૂત’, લલ્લુભાઈ નાનાલાલ ભટ્ટનું ‘પત્રદૂત’, હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીનું ‘શિવાજી અને જેબુન્નિસા’, મણિભાઈ ખંડુભાઈ દેસાઈનું ‘અનુક્રમણિ રામાયણ’, બુલાખીરામ રણછોડ પંડ્યાનું ‘કુલિનની કન્યા’, ગોવિંદ ક. પટેલનું ‘મદાલસા’, રંજિતલાલ હરિલાલ પંડ્યાનું ‘કાશ્મલન’, ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યાનું ‘સંયુક્તાખ્યાન’ વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીયુગના ‘સુંદરમ્’ પાસેથી ‘લોકલીલા’(૧૯૩૩) નામનું આખ્યાનશૈલીનું અપૂર્ણ દીર્ઘકાવ્ય મળી આવ્યું. આ પૂર્વે ૧૯૩૧માં ઉમાશંકર જોશીએ ‘વિશ્વશાંતિ’ રચ્યું. આ દીર્ઘકાવ્યમાં આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધોની વાત અને વિશ્વશાંતિ અંગેનો મહિમા દર્શાવાયાં છે. એમણે ‘વિરાટપ્રણય’(૧૯૩૫)માં પ્રકૃતિ અને મનુષ્યના આદિ સંબંધો તેમજ વૈશ્વિક પ્રણયનું સંવેદન આલેખ્યું. ર. વ. દેસાઈ પાસેથી ‘બુદ્ધનો ગૃહત્યાગ’ અને ‘જલિયાનવાલાબાગ’ એમ બે દીર્ઘરચનાઓ સાંપડી. એ જ વર્ષે મગનભાઈ ભૂ. પટેલ ‘પતીલ’નું ‘વાસવક્લેશ પરિહાર’ પ્રગટ થયેલું. આ આખ્યાન ઢબના હાસ્યરસપ્રધાન દીર્ઘકાવ્યમાં અતિવાસ્તવના સાધારણ અંશો જોવા મળે. ‘સ્વપ્નસ્થ’નું ‘ધરતીને....’ (૧૯૪૬) અને ‘સ્નેહરશ્મિ’નું ‘ઘડાતા ઇતિહાસનું એક પાનું’ (૧૯૪૮) જેવાં દીર્ઘકાવ્યો પણ મળ્યાં. અનુગાંધીયુગ – આધુનિકયુગમાં – સ્વાતંત્ર્યોત્તર સાહિત્યે સાહિત્યની સાધનતા ફગાવી દીધી. સૌપ્રથમ નિરંજન ભગતે ૧૯૪૬થી ૧૯૫૬ની વચ્ચે ‘પ્રવાલદ્વીપ’ દ્વારા ‘ગાયત્રી’ અને ‘પાત્રો’ દીર્ઘકાવ્યો આપ્યાં. ‘પાત્રો’થી રચાયેલી અલગ જીવનરચના મુંબઈમાં દેખાય છે. ‘ગાયત્રી’માં સમાજજીવનની પરિસ્થિતિનો સમયાલેખ અનુષ્ટુપ છંદમાં દર્શાવ્યો. સુરેશ હ. જોશીએ ‘મૃણાલ’(૧૯૬૭) નામક દીર્ઘકાવ્યમાં રોમૅન્ટિક આવિર્ભાવ સાથે શહેરી યાંત્રિકતાને લીધે નાયિકાનો વિરહ નાયકથી સહન ન થતાં સમગ્ર શહેરી પરિસ્થિતિ અવરોધરૂપ આલેખી છે. લાભશંકર ઠાકરનું ‘માણસની વાત’(૧૯૬૮) દ્વારા માનવીના અમાનવીકરણની વાત સચોટ રીતે પ્રથમ વાર રજૂ થઈ. રાવજી પટેલનું ‘સંબંધ’(ક્ષયમાં આત્મદર્શન) (૧૯૭૦), ક્ષયરોગમાં સપડાયેલા નાયક કે રાવજીનું આત્મદર્શન અને સંબંધોનું આત્મમંથન લાગે છે. સિતાંશુ યશશ્ચંદ્રનું ‘દા.ત. મુંબઈ હયાતીની તપાસનો એક સર્રિયલ અહેવાલ’(૧૯૭૪) દીર્ઘકાવ્યમાં મુંબઈજીવનનાં ચિત્તસંસ્મરણો પ્રગટ થયાં. સર્રિયલ ક્રિયાવેગની વિચારધારા છોડી દઈને સિતાંશુ યશશ્ચંદ્રે ‘જટાયુ’ (૧૯૭૬)માં જટાયુની જેમ આજના માનવીનો રઝળપાટ અને રાંક અસ્તિત્વ વ્યક્ત કર્યાં. આ ઉપરાંત યશવંત ત્રિવેદીનું દીર્ઘકાવ્ય ‘પારમિતા! પારમિતા! પારમિતા !’(૧૯૭૧), રાજેન્દ્ર શુક્લનું ‘સ્વવાચકની શોધ’, નલિન રાવળનું ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’ ઉલ્લેખનીય દીર્ઘકાવ્યો છે. ચિનુ મોદીના ‘અંશુ મારો છિન્નઅંશ’(૧૯૭૬)માં માણસના અસ્તિત્વનો અંશ અને એની ઓળખ (Identity) વિશે આલેખન છે, તો ‘બાહુક’(૧૯૮૨)માં નગરવિચ્છેદની વેદનાનો વિદગ્ધ આવિષ્કાર છે. વળી, વિનોદ જોશીની ‘શિખંડી’ કે યજ્ઞેશ દવેની ‘જાતિસ્મર’ જેવી અનેક દીર્ઘરચનાઓએ પોતપોતાનો પદ્યનો કે ગદ્યનો માર્ગ ઊભો કર્યો છે. ન.પં.