ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પદ

From Ekatra Wiki
Revision as of 04:12, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ''' </span>: પદનું ઉત્પત્તિસ્થાન ઊર્મિ છે. એટલે પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ : પદનું ઉત્પત્તિસ્થાન ઊર્મિ છે. એટલે પદને ઊર્મિકાવ્ય કહી શકાય. નરસિંહથી દયારામ સુધીમાં અસ્ખલિત વહેતો રહેલો આ કાવ્યપ્રકાર છે. સર્વમતના અનુયાયીઓ દ્વારા ખેડાયેલા, વસ્તુ અને આ લેખન રીતિના વૈવિધ્યવાળા અત્યંત લોકપ્રિય એવા આ કાવ્યપ્રકારનું સ્થાન મુક્તક અને આખ્યાનની વચ્ચે મૂકી શકાય. પદકવિતા અલ્પાંશે જ લિપિબદ્ધ પણ લોકમુખે જ વિશેષ વ્યાપક બની છે. સંસ્કૃતમાં પંક્તિના અર્થમાં પ્રયોજાયેલો ‘પદ’ શબ્દ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કાવ્યપ્રકારના અર્થમાં પ્રયોજાયો. પદમાં આવિષ્કૃત ઊર્મિ પ્રધાનત : પ્રેમલક્ષણા અને જ્ઞાન (આત્મજ્ઞાન અને વૈરાગ્યબોધ)ની છે. શ્રીમદ્ભાગવતના દશમસ્કંધાન્તર્ગત નિરૂપિત અને પુષ્ટિસંપ્રદાય પુરસ્કૃત પ્રેમલક્ષણાભક્તિની ઊર્મિની અભિવ્યક્તિ કરતાં નરસિંહ, મીરાં, દયારામ અને અન્ય મધ્યયુગીય કવિઓએ કૃષ્ણ-રાધા ગોપીઓનાં લીલાગાન ગાયાં છે. ભક્તિની સંવેદનાની ઉત્કટતા તે તે કવિઓએ ધારણ કરેલા ગોપીભાવમાં પ્રતીત થઈ શકે છે. પદમાં નિરૂપિત ઊર્મિનું સ્વરૂપ કથનાત્મક અથવા વર્ણનાત્મક રહેતું. કેટલાંક પદોમાં વર્ણનો પાત્રની ઉક્તિ રૂપે આવતાં. શરૂઆતમાં પદોમાં વર્ણન તો લાગણીને વ્યક્ત કરવા પૂરતું જ હોવાથી પદો ટૂંકાં હતાં. વર્ણનનું પ્રાધાન્ય વધતાં એની અનિવાર્યતા રિવાજ રૂપે સ્વીકૃતિ પામી. વિસ્તૃત વર્ણન – ભલે લૂખું – એટલે કાવ્ય વધારે સારું એ ભ્રમને કારણે પદનાં લાઘવ, ઋજુતા ગયાં. લાગણીજન્ય વર્ણનમાંથી કેવળ લાગણીપ્રધાન પદો શી રીતે થયાં તે સમજવા ‘થાળ’નું દૃષ્ટાંત છે. સવારમાં ઊઠતાંવેંત પ્રભુસ્મરણ કરવાની ભાવનામાંથી જ્ઞાનપ્રધાન, ઉપદેશપ્રધાન, કૃષ્ણબાળલીલા વિષયક જે પદો રચાયાં તે પ્રભાતિયાં કહેવાયાં. પદના ઉત્પત્તિ-વિકાસમાં મંદિરોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. દર્શન અને પૂજા વખતે પદો ગાવાના રિવાજથી વિવિધ દર્શનસમયે, વિવિધ પ્રસંગે ગાવા વિવિધ પદો રચાયાં, શણગારનાં, હિંડોળાનાં, કૃષ્ણજન્મનાં, બાળલીલાનાં, થાળનાં, ફાગનાં, વસંતનાં, આરતીનાં પદો એ રીતે રચાયાં. રાત્રે મંજીરાં-કરતાલ લઈ ઉપદેશપ્રધાન ભક્તિમાહાત્મ્યનાં પદો ભજનો ગાનારા ધર્માનુરાગી જીવની ભજન સંસ્થાએ પણ ભાગ ભજવ્યો. પદના વસ્તુદૃષ્ટિએ પડેલા એ વિભાગો છે. રસદૃષ્ટિએ પદમાં શૃંગારનું – કેટલીક વાર નિર્મર્યાદ, વિપરીતરતિનાં દૃષ્ટાંતો સહિત – નિરૂપણ વિશેષ થયું છે. સંભોગશૃંગારનાં પદોમાં ‘હોળી’ કે ‘વસંત’નું, વિપ્રલંભનાં પદોમાં ‘મહિના’નું આલંબન લેવાતું. બીજા પ્રકારમાં વિશેષત : શાન્તરસનાં પદોમાં જ્ઞાન, જ્ઞાનનો આનંદ, જગત પ્રત્યેના નિર્વેદની અભિવ્યક્તિ અથવા સીધો કે પરોક્ષ ઉપદેશ હોય. બીજા પ્રકારમાં નરસિંહ પછી (અપવાદો સિવાય) ઊર્મિતત્ત્વ ઓછું થતું ગયું. અનેક પદોમાં કથાનો ક્રમિક વિકાસ દર્શાવતી પદમાળા સાથે એક જ પદમાં પાત્રના એક જ કેન્દ્રવર્તી બનાવના વિકાસનાં કથાપ્રધાન પદ મળે છે. દેવદેવીઓની કથા ગાનાર, માનવજીવન મિથ્યા ગણનાર કવિઓએ (અપવાદ સિવાય) સામાજિક પદો લખ્યાં નથી. કૃષ્ણગોપીનાં શૃંગારનાં પદો, લોકસાહિત્યનાં પદો સ્વગતોક્તિ અને સંવાદ એમ બે પ્રકારે મળે છે. જૈન-જૈનેતરમાં પ્રચલિત રૂપક પ્રકારનાં વિરહપદો જેવાં મહિનાનાં, વારનાં, તિથિનાં પદો મળે છે. આ ઉપરાંત કંકોત્રી, પત્ર, હાલરડાં, બાળગીતો, સ્તુતિ, સ્તવન વગેરે પ્રકીર્ણ પ્રકારો મળે છે. રચના, બંધારણીય દૃષ્ટિએ પદનું સૌથી અગત્યનું અંગ ધ્રુવપદ/ટેક છે, જેમાં કાવ્યનું રહસ્ય કે મુખ્ય વિષય હોય. પદમાં પ્રાસાનુપ્રાસ, વર્ણમાધુર્ય પ્રત્યે ખૂબ લક્ષ અપાયું છે. દે.જો.