ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાચીન ગ્રીક નાટકો

From Ekatra Wiki
Revision as of 11:44, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}}'''પ્રાચીન ગ્રીક નાટકો'''</span> : ઈ.સ. પૂર્વે ૫૫૦થી ૫૦૦ દરમ્યાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રાચીન ગ્રીક નાટકો : ઈ.સ. પૂર્વે ૫૫૦થી ૫૦૦ દરમ્યાન ગ્રીસમાં સર્જનાત્મક ગદ્ય લખાવાની શરૂઆત થઈ. નવી શૈલીમાં ગીતો અને કાવ્યો પણ રચાયાં. દ્રાક્ષના દારૂ સાથે ગવાતાં દેવોનો આભાર માનતાં ગ્રામીણ ગીતો, ધાર્મિક ઉત્સવો અને લોકનૃત્યો સાથે પ્રાચીન ગ્રીકનાટકોની શરૂઆત થઈ. ત્યારબાદ સમૂહગીતોમાં કથાતંતુને સાંધી આપતા પ્રવક્તા (સૂત્રધાર)નો પ્રવેશ થયો.

સોલોનના સમકાલીન થેસ્પીસે, સ્થાનાંતર થઈ શકે એવા મંચ પર, પોતાના કલાકારોનું દારૂના પીપ સાથે લઘરવઘર વેષમાં પ્રદર્શન કર્યું. જેમાં સમૂહનૃત્ય સાથે ક્યારેક ગંભીર તો ક્યારેક હળવી કથાનું નિરૂપણ થતું. આવી રજૂઆત ‘ટ્રેજડી’થી જાણીતી હતી. જેનો અર્થ હતો ‘બકરાનું ગીત’ (આમ કહેવાનાં ઘણાં કારણો છે. નૃત્યમાં આવતા વનદેવતા જેનો અડધો ભાગ બકરાનો અને અડધો ભાગ માનવનો રહેતો અથવા નૃત્ય સાથે અપાતો બકરાનો ભોગ અથવા ઇનામમાં અપાતો બકરો) અને ‘કૉમેડી’નો અર્થ હતો ગ્રામગીત, ઉત્સવનું ગીત, કટાક્ષ અથવા ચેનચાળા. આવાં નૃત્યો એની રસપ્રદ રજૂઆત અને નીતિબોધને કારણે ખૂબ પ્રચલિત હતાં. પ્રવક્તાની સદ્ય અને જુદી જુદી રજૂઆતને બદલે ઇસ્કીલસે (૫૨૫-૪૫૬) પ્રથમ વખત પોતાના કલાકારોને ચોક્કસ પાઠ આપીને દરેક પ્રયોગમાં એની જ રજૂઆતની શરૂઆત કરી. એટલે જ એ ગ્રીકનો આદ્ય નાટકકાર કહેવાય છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ઇસ્કીલસના આ પ્રયોગો એની પૂર્ણતાએ પહોંચ્યા. લગભગ ૩૦,૦૦૦ પ્રેક્ષકોને સમાવી શકતા એથેન્સના વિશાળ નાટ્યગૃહમાં રાજ્ય તરફથી દર વર્ષે નાટ્યસ્પર્ધા થતી. નાટક જોવું એ દરેક નાગરિકની ફરજ હતી. નાટ્યગૃહમાં પ્રથમ હરોળ ધર્મગુરુઓ માટે અનામત રહેતી. ભાગ લેનાર નાટ્યમંડળીઓને રાજ્યના ધનિકોનો પણ આશ્રય મળતો. નિષ્ફળતા એ અપશુકન ગણાતી હોવાથી દરેકને કંઈક ને કંઈક ઇનામ આપવામાં આવતાં. શરૂઆતમાં વાદ્યવૃંદે રચેલા વર્તુળમાં જ બધી ક્રિયાઓ થતી અને પાછળ બાંધેલા નાના તંબુમાં કલાકારો પોતાની વેશભૂષા સજતા અને બદલતા. ઇસ્કીલસનાં નાટકોમાં વાદ્યવૃંદનું સ્થાન કોરસે લીધું. સમય જતાં પાછળના ભાગમાં સહેજ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું. જ્યાંથી અભિનેતા પોતાનો પાઠ બોલતો. એ દરમ્યાન આગળ રહેલું કોરસ સ્થિર રહેતું. પોતાનો વારો આવતાં જ આ કોરસમાં પ્રાણ આવતો અને એ નૃત્ય સાથે કથાને આગળ વધારતું. અભિનેતાઓ મ્હોરાં, બુરખા ઉપરાંત ઊંચી એડીનાં બૂટ પહેરતા તેથી એમનું કદ હોય તેથી મોટું દેખાય. સામાન્ય રીતે કથા, સંવાદથી વધુ અને અભિનયથી ઓછી કહેવાતી. દરેક દૃશ્યની વિગતે પૂર્વ ભૂમિકા અપાતી અને પરાકાષ્ઠાના દૃશ્યની વિગતો મોટે ભાગે સંદેશવાહકના મુખે કહેવાતી, જે નાટકના સમાપન સમાન રહેતી. – પ્રાચીન ગ્રીક રંગભૂમિના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપનાર નાટકકારો : ઇસ્કીલસ(૫૨૫-૪૫૬) : ૯૦ જેટલાં નાટકોનું સર્જન કરનાર આ મહાન આદ્ય નાટકકારનાં આજે માત્ર સાત જ નાટકો ઉપલબ્ધ છે. ‘એગામેમ્નોન’, ‘પ્રોમિથિયસ બાઉન્ટ’, ‘ઍટલાન્થ ઇન કૅલિડૉન’, ‘ઓરેસ્ટીયા’ વગેરે એમના જાણીતાં નાટકો છે. ધાર્મિક અને પૌરાણિક કથાનકો પર આધારિત એમનાં નાટકોમાં નિયતિ અને એની અબાધિત શક્તિ મુખ્ય વિષયો હતા. ૨૬ વર્ષની વયે એમનું પ્રથમ નાટક ભજવાયું હતું. એ પોતાના નાટકોમાં અભિનય પણ કરતા. દંતકથા પ્રમાણે ગરુડની ચાંચમાંથી પડી ગયેલો મોટો કાચબો એમની ટાલ પર પડ્યો અને એમનું મૃત્યુ થયેલું. સોફોક્લિસ (૪૯૫-૪૦૬) : દેખાવમાં સુંદર, ગાયક અને સૌન્દર્યના ચાહક સોફોક્લિસે ૯૦ વર્ષના દીર્ઘ જીવનકાળ દરમ્યાન ૧૦૦ જેટલાં નાટકોનું સર્જન કર્યું હતું. આજે ઉપલબ્ધ એમનાં સાત નાટકોમાં ‘સમ્રાટ ઇડિપસ’, ‘ઇડિપસ કોલોનસમાં’, ‘એજેક્ષ’, ‘એન્ટીગની ઇલેકટ્રા’, ‘ટ્રેસિન’ અને ‘ફિલોકટેટસ’ છે. અભિનેતાની વેશભૂષામાં, કોરસની સંખ્યામાં અને મંચ પર બે ને બદલે ત્રણ પાત્રોને સાથે રજૂ કરવાના એમના સુધારા ક્રાંતિકારી હતા. ૨૮ વર્ષની ઉંમરે રાજ્ય નાટ્યસ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મેળવ્યા પછી જીવનના અંત સુધી તેઓ સતત પારિતોષિકો મેળવતા રહેલા. યૂરિપિડીઝ (૪૮૦-૪૦૬) : સ્વભાવે ધૂની અને એકાંતપ્રિય આ નાટકકારને એમના સમય સાથે મેળ નહોતો. નાટકની ઘણી પરંપરાઓનો ભંગ કરી એમણે સર્જનમાં ઘણી સાહસિકતા દાખવેલી. પ્રેમની ઉત્કટતા અને માનવીય સંબંધો એમનાં સર્જનના પ્રિય વિષયો હતા. આગળના બન્ને લેખકો કરતાં ગ્રીક પ્રજાએ એમને વધુ ચાહ્યા છે. એટલે જ એમના ૭૫ નાટકોમાંથી ૧૮ જેટલાં નાટકો આજે સચવાયાં છે. સોફોક્લિસની જેમ એમનું અંગત જીવન પણ દુઃખી હતું. એમની બન્ને પત્ની એમને વફાદાર નહોતી. અંતે ઘૃણાથી એમણે એથેન્સ છોડી મેસીડોનીઆમાં પોતાનાં અંતિમ વર્ષો વિતાવેલાં અને ત્યાંજ એમણે એમનું નાટક ‘બાસ્સી’ (Bacchae) લખ્યું. એમનાં જાણીતાં નાટકોમાં ‘સાયકલોપ્સ’, ‘હેલેન’, ‘ઇલેકટ્રા’, ‘ઓરેસ્ટસ’, ‘મિડિયા’, ‘હિપોલિટસ’, ‘ધ ચિલ્ડ્રન ઓફ હરક્યુલીસ’ વગેરે છે. એરિસ્ટોફનીઝ (૪૪૪-૩૮૦) : ‘હાસ્યપ્રધાન’ નાટકોના આ સર્જકે લખેલાં ૫૪ નાટકોમાંથી આજે ૧૧ નાટકો ઉપલબ્ધ છે. અત્યંત પ્રાદેશિક અને તે સમયના જ વ્યંગથી ભરેલાં એમનાં નાટકો આજે એટલાં આસ્વાદ્ય નથી. ‘ધ ક્લાઉડ્સ’માં એમણે તે સમયના તત્ત્વજ્ઞાનથી ઠેકડી ઉડાડી સોક્રેટીસનું ઠઠ્ઠાચિત્ર રજૂ કર્યું છે. ‘ધ ફ્રોગ્ઝ’માં ઇસ્કીલસ અને યૂરિપિડીઝની કડક સાહિત્યિક આલોચના કરી છે તો ‘ધ બર્ડ્સ’માં એમણે એથેન્સવાસીઓનો ઉપહાસ કર્યો છે.’ અન્ય ‘કોમેડી’ નાટ્યલેખકોમાં કાર્ટિનસ (૫૧૯-૪૨૨) યુપોલિસ અને ક્રેઈટ્સનાં નામો ઉલ્લેખનીય છે. આત્યંતિક કટાક્ષોને કારણે હાસ્યપ્રધાન નાટકો પર રાજકીય નિયંત્રણો આવી જતાં સિરાકસ સિરાક્સ (૪૬૦-૪૨૦) અને એપિચારસિ (૫૪૦-૪૫૦) જેવા નાટ્યકારોએ ખાસ પ્રકારનાં મ્હોરાં અને મૂક અભિયનની કલાનો વિકાસ આજ ગાળા દરમ્યાન થયેલો છે. સુ.શા.