ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ

Revision as of 07:46, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ : ભાસનું બૃહત્કથામૂલક નાટક. રાજા ઉદયનને અવન્તિના પ્રદ્યોત મહાસેને કેદ કર્યા છે. તેને છોડાવવા માટેની પ્રતિજ્ઞા વત્સદેશના મંત્રી યૌગન્ધરાયણ લે છે અને યુક્તિપ્રયુક્તિથી તે પાર પાડવાનું આયોજનમંત્રી રુમણ્વાન તથા વિદૂષકની સહાયથી કરે છે. આમ આ નાટકનું શીર્ષક નાટકની ઘટના પરથી આપવામાં આવ્યું છે. સંનિષ્ઠ મંત્રીઓની મંત્રણા તથા તેમનું આયોજન, ચતુરાઈભર્યું આલેખન, યથાવસર પ્રસન્નકર હાસ્યરસ, નવી યોજના, વર્ણનકલા વગેરે આ નાટકનાં ધ્યાન ખેંચતાં કલાત્મક તત્ત્વો છે. સંવાદકલા અને પાત્રાલેખન નાટ્યતત્ત્વની ઠીક ઠીક સારી જમાવટ કરે છે. આમાં યુવાન ઉદયનની રસિકતા, વાસવદત્તાને વીણાવાદન સાથે જ શીખવેલા પ્રેમના પાઠ, રોમાંચક રીતે નાસી જવું વગેરે અહીં રસ જન્માવતાં તત્ત્વો છે. નાટકની રોમાંચકતા યૌગન્ધરાયણના બુદ્ધિચાતુર્યમાં ખાસ જોવા મળે છે, તથા અનુભવાય છે. ર.બે.