ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ફ/ફાગુ

From Ekatra Wiki
Revision as of 09:14, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ફાગુ : સંસ્કૃત-પ્રાકૃતથી માંડીને અપભ્રંશ સુધીમાં ફાગુસ્વરૂપની રચનાઓ મળતી નથી. ‘ફગ્ગુ’ (ફાગુ) શબ્દ દેશ્ય મૂળનો, પ્રાચીન ગુજરાતના સમયથી જ પ્રચલિત છે. (फग्गू महच्छणे हेमचंद्र દેશીનામમાલા) એ પૂર્વે તે વ્યવહારમાં જોવા મળતો નથી. સંસ્કૃતકોશોમાં નિર્દેશાયેલ फल्गू (વસંતોત્સવ) શબ્દ દેશ્ય શબ્દ फल्गूનું સંસ્કૃત રૂપાન્તર છે. પ્રાચીન ગુજરાત-મારવાડમાં વસંતનાં, સ્ત્રી-પુરુષોના દાડિયારાસ સાથેનાં લોકગીતો ગાવાના ઉલ્લેખો મળે છે. રાજસ્થાનમાં હજી પણ ગામેગામના ચોકમાં ફાગણના, આરંભથી આ લોકનૃત્યગીતો (ધિન્નડ) મુક્તપણે ગવાય છે, જેને લોકવાણીમાં ‘ફાગ’ કહે છે. લોકવાણીના આ ફાગનું સંસ્કારી / પરિષ્કૃત ગીતકાવ્યસ્વરૂપ તે ફાગુ. જેમ રાસ એક પ્રકારનું ગેયરૂપક છે તેમ ફાગુ પણ નૃત્યવાદ્યયુક્ત ગીતનું સ્વરૂપ છે. આથી જ ફાગુનો ઘાટ એક પ્રકારના ગેયરૂપકનો ઘડાયો જે ગવાય તેમજ રમાય. फागुर रमंसे, फागु रमीजई, खेलर फागु અને “ફાગે રમેવઉ ખેલા નાચઈં ચૈત્રમાસિ રંગિહિ ગાવવઉ” (જિનપદ્મસૂરિકૃત સિરિથૂલિભદ્દફાગુ) એ રીતે વર્ણવાય છે. સામાન્યત : આંતરપ્રાસ કે આંતરયમકવાળો દુહો (કે ૨૪ માત્રાનો રોળા) ફાગુનું વિશિષ્ટ લક્ષણ છે. દુહા ઉપરાંત બીજી વૈવિધ્ય ભરેલા ગીતપ્રકારોવાળી રચનાનો પણ આગળ જતાં ફાગુબંધમાં સમાવેશ કરેલો મળી આવે છે. કાળક્રમે ફાગુ લાંબાં બનતાં ગયાં. પરિણામે તેની ગેયતા ઘટી અને તે ગેયને વિકલ્પે પાઠ્ય બનવાં લાગ્યાં. ઉપલબ્ધ ફાગુઓને બે વિભાગમાં વહેંચી શકાય : ૧, બ્રાહ્મણ અથવા જૈનેતર ફાગુ ૨, જૈનફાગુ. બ્રાહ્મણ અથવા જૈનેતર ફાગુઓની સંખ્યા મર્યાદિત છે. તેમાં પણ પ્રાચીનતાની દૃષ્ટિએ અને કાવ્યાત્મકતાની દૃષ્ટિએ સર્વોત્તમ ફાગુ છે ચૌદમા શતકનો અજ્ઞાતકર્તૃક ‘વસન્તવિલાસ’. આ સર્વાંગ સુંદર કાવ્ય ફાગુકાવ્ય સ્વરૂપના આદર્શરૂપ છે. મધુર, મોહક અને ભાષાન્વિત શૈલી, શૃંગારસને પરિપુષ્ટ કરતાં અનેક શબ્દાર્થાલંકારો, વસન્તમાં પુરબહારમાં વિકસેલી વનશ્રીનું વર્ણન, સુંદરીઓનાં અંગોપાંગોનાં છટાદાર વર્ણન, યુવક-યુવતીઓની ક્રીડાઓમાં સહજભાવે પ્રગટ થતો હૃદયરાગ અને જીવનનો ઉલ્લાસ, વિરહિણીની મનોવ્યથાનું માર્મિક આલેખન – બધું જ મનોહારી છે. કાવ્યનો બંધ આંતરયમકવાળા (૧૩ + ૧૧ માત્રાના) દુહાનો છે. ૮૪ કડીના આ ફાગુમાં ગુજરાતી દુહાઓની સાથે તે તે દુહાના વિચારભાવને પરિપોષક એવાં અનેક અવતરણો સંસ્કૃત સાહિત્યની રચનાઓમાંથી કવિએ આપ્યાં છે. સર્વાંગસુંદર ગણાતા આ ફાગુની સ્પષ્ટ અસર પછીથી રચાયેલાં બીજાં કેટલાંક ફાગુ ઉપર પડી છે. ‘નારાયણ ફાગુ’(૧૩૯૪ની આસપાસ)નો કર્તા કોણ એ પ્રશ્ન હજુ અણઊકલ્યો જ છે. નતર્ષિ અને કીર્તિમેરુ જેવાં કર્તાનામો કેવળ તર્કમૂલક છે. ૬૭ કડીના આ ફાગુમાં દુહા ઉપરાંત રાસઉ, આંદોલ અને અઢૈઉ જેવા માત્રાબંધો છે. અંતમાં ત્રણ સંસ્કૃત શ્લોક છે. ‘વસન્તવિલાસ’નો સારો પ્રભાવ દાખવતું આ ફાગુ કૃષ્ણવિષયક છે. ‘હરિવિલાસ’ ફાગુ (વિક્રમનો સોળમો સૈકો) કૃષ્ણની બાળલીલા અને રાસલીલા વર્ણવે છે. વિષ્ણુપુરાણની કથાનો આધાર લઈને આ ફાગુ રચાયું હોવાથી એમાં એ પુરાણમાંથી વીસેક જેટલા સંમતિના શ્લોક અપાયા છે. છંદ ૧૨+૧૧ માત્રાનાં ચરણવાળો ‘ઉપદોહઉ’ છે. ચતુર્ભુજકૃત ‘ભમ્રરગીતા ફાગુ’ (૧૫૨૦) ભાગવતના દશમસ્કંધમાં મળતા ઉદ્ધવસંદેશવિષયક રચના છે. મૂળ આ ભ્રમરગીત છે પણ એને ફાગુ સંજ્ઞા પણ અંશત : લાગુ પડે છે. તેમાં વસંતવર્ણન અને નાયિકાના શૃંગારનું વર્ણન નોંધપાત્ર છે. અશુદ્ધ અક્ષરમેળ વૃત્તોમાં રચાયેલી આ કૃતિમાં વચ્ચે વચ્ચે ક્યાંક સંસ્કૃત શ્લોકો પણ છે. સોનીરામરચિત ‘વસન્તવિલાસ’ (વિક્રમનો સત્તરમો સૈકો) મુખ્યત્વે દુહામાં રચાયેલું કાવ્ય છે. બાવન કડીના આ કાવ્યનો આરંભ ગણપતિ ને સરસ્વતીની સ્તુતિથી થાય છે. અજ્ઞાતકર્તૃક ‘વસન્તવિલાસ’ની અસર ઝીલતું આ કાવ્ય કાં. બ. વ્યાસે ‘વસન્તવિલાસ’ની અંગ્રેજી આવૃત્તિની પુરવણીમાં આપ્યું છે. કેશવદાસ કાયસ્થરચિત ‘કૃષ્ણલીલા’ કાવ્યમાં ફાગુસ્વરૂપનો એક પદ્યખંડ ‘વસંતવિલાસ’ શીર્ષક નીચે આવી શકે તેમ છે. કૃષ્ણવિષયક ફાગુઓ રચાયાં તેમ શિવવિષયક રચાયેલાં ફાગુ પણ મળે છે. વિક્રમના સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા સ્વામી શિવાનંદે હોરી ગીતો અને ફાગખેલનનાં પદો આપ્યાં છે. વળી, વિક્રમની ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા મયારામે પણ ‘શિવજીનો ફાગ’ લખ્યો છે. આ ફાગ પણ શિવાનંદની રચનાઓ માફક પદોમાં વિભાજિત છે. બન્ને ફાગુઓમાં વસન્તઋતુમાં આનંદવનમાં શિવે પોતાના પુત્રો, ગણો અને નારદ તુંબુરુ જેવા અનેક ઋષિઓ સહિત પાર્વતી, દેવાંગનાઓ અને અપ્સરાઓ સાથે ખેલેલા નૃત્યસંગીતાત્મક ફાગનું વર્ણન છે : ‘પ્રાચીન ફાગુસંગ્રહ’માં મળતાં બે જૈનતર ફાગુઓ છે : ‘કામીજન-વિશ્રામ-તરંગગીત’ અને ‘ચુપઈફાગુ’. પહેલું ગીતકાવ્ય છે, બીજું વસંતવર્ણન અને વસંતક્રીડાના આલેખન બાદ ‘બારમાસી’ બને છે. જૈન ફાગુઓમાં સૌથી મોટી સંખ્યામાં ફાગુઓ જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથ-વિષયક છે. નેમિનાથ ફાગુઓમાં સૌથી પ્રાચીન છે મલધારી રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ’ (૧૩૪૯ની આસપાસ). ૨૭ કડીની આ રચનામાં આરંભે દુહો અને પછી રોળાની બનેલી સાત ભાસ છે. એમાં રાજિમતીના સૌન્દર્યનું આહ્લાદક વર્ણન છે. તે પછી કૃષ્ણર્ષીય જયસિંહસૂરિએ ૧૩૮૬ આસપાસ રચેલાં બે ‘નેમિનાથ ફાગુ’ આવે છે. ૧૪૪૬માં રચાયેલા ધનદેવગણિકૃત ‘સુરંગાભિદનેમિનાથફાગ’માં છંદોરચના ધ્યાનપાત્ર બને છે. વિક્રમના પંદરમા શતકના ઉત્તરાર્ધમાં રચાયેલા સોમસુંદરસૂરિકૃત ‘રંગસાગર નેમિફાગ’ ૧૧૯ કડીની સુદીર્ઘ રચના મહાભાગ છે. સંસ્કૃત વૃત્તોનો એમાં સવિશેષ ઉપયોગ હોઈ તેમાંના કાવ્યાલંકારો ધ્યાનાર્હ છે. ૧૪૨૨ની આસપાસ રચાયેલા માણિક્યસુંદરસૂરિકૃત ‘નેમિચરિત ફાગબંધ’ ૯૧ કડીની પ્રાસાદિક રચના છે. એમાં ૧૭ સંસ્કૃત-શ્લોકો છે. નેમિનાથવિષયક ફાગુઓમાં જેને મહત્ત્વનું સ્થાન આપી શકીએ તેવી રચનાઓમાં જયશેખરસૂરિરચિત બે નેમિનાથ ફાગુ (ર.સં. ૧૪૬૦ની આસપાસ) આવે છે. પહેલા ફાગુની રચના અન્તર્યમકવાળા દુહામાં છે. બીજામાં દુહા ઉપરાંત ભાસ પણ આવે છે. વિક્રમના પંદરમા-સોળમા સૈકાના સંધિકાળમાં રચાયેલું સમુધરકૃત ‘શ્રી નેમિનાથફાગુ’ પ્રત્યેક પંક્તિના આરંભે ‘અર’ સહિત રચાયેલું ૨૮ કડીનું વસંતવિહાર વર્ણવતું કાવ્ય છે. સ્થૂલિભદ્રવિષયક ફાગુઓમાં જિનપદ્મસૂરિનું ‘સ્થૂલિભદ્રફાગુ’ સૌથી વધારે પ્રાચીન છે. ૧૩૩૪-૧૩૪૪ના સમયગાળામાં રચાયેલા આ ફાગુમાં એક દુહો અને એક કે વધુ રોળામાં વિભાજિત પદ્યખંડોવાળી સાત ‘ભાસ’ છે. આ ફાગુમાં વસંતનું નહીં પણ વર્ષાઋતુનું મનોહર વર્ણન છે. કોશાના સૌન્દર્યનું વર્ણન અને સ્થૂલિભદ્ર માટેના એના ઉત્કટ પ્રેમનું આલેખન પ્રાસાદિક છે. જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ’ (૧૫૫૮ની આસપાસ) અને માલદેવકૃત ‘સ્થૂલિભદ્રફાગ’ (વિક્રમના સત્તરમા શતકનો પૂર્વાર્ધ)પણ ઉલ્લેખનીય છે. રત્નમંડનગણિરચિત ‘નારી નિરાસફાગ’ (વિક્રમનું સોળમું શતક) ‘વસંતવિલાસ’ ધાટીએ રચાયેલો છે. અજ્ઞાતકવિકૃત જંબુસ્વામી ફાગ’(૧૩૭૪) છેલ્લા કેવળી જંબુસ્વામીના ચરિત્રને આલેખતી અન્તર્યમકવાળા દુહાઓમાં રચાયેલી, નોંધપાત્ર રચના છે. સત્તરમા શતકનાં બે ફાગુકાવ્યો : કનકસોમનું ‘મંગલકલશ ફાગ’ અને કલ્યાણકૃત ‘વાસુપૂજ્ય મનોરમ ફાગ’, કથાકાવ્ય કે ચરિત્રરૂપની રચનાઓ છે. લક્ષ્મીવલ્લભનું ‘અધ્યાત્મફાગ’ માત્ર ૧૩ કડીનું ગેયરૂપક કાવ્ય છે. અહીં કૃષ્ણની રાસલીલાનો પ્રભાવ જૈન સાધુ કવિએ ઝીલ્યો છે. મરુનંદનકૃત ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ’ અને અજ્ઞાતકવિકૃત ‘રાણકપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ’ એ તે તે સ્થળનાં જૈન મંદિરોની પ્રશસ્તિરૂપ રચનાઓ છે. ‘ફાગુ’ નામધારી જૈનકૃતિઓમાં કાવ્યવિષય અને છંદોબંધવિષયક વૈવિધ્ય ધ્યાનપાત્ર છે. ભૂ.ત્રિ.