ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ફ/ફ્રાયડ

From Ekatra Wiki
Revision as of 09:17, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ફ્રોય્ડ (૧૮૫૬-૧૯૩૯) : માર્ક્સ, આઇન્સ્ટાઇની જેમ વીસમી સદીને ઘડનાર ઓસ્ટ્રિયન ન્યૂરોલોજિસ્ટ અને મનોવિશ્લેષણનો પ્રણેતા. ગ્યોથના ‘પ્રકૃતિ’ પરના નિબંધને વાંચીને એને જૈવિક વિજ્ઞાનોમાં રસ પડ્યો. તબીબ તરીકે અપસ્માર પરનું મનોવૈજ્ઞાનિક સંશોધન એને સાધારણ મનુષ્યચિત્ત અંગેના વિવિધ નિષ્કર્ષો પર લઈ ગયું. ફ્રોય્ડે પહેલીવાર અચેતન અંગેનો વ્યવસ્થિત વિચાર વિકસિત કર્યો અને માનવવર્તન અંગેની મૂળભૂત ધારણાઓને સદંતર બદલી નાખી. ચેતન પર પ્રભાવ નાખનાર અચેતનનું અસ્તિત્વ વિવિધ સંઘર્ષો સર્જે છે અને તે બાળકના મનોવિકાસમાં સામિલ છે. ફ્રોય્ડે માનવવર્તનમાં જાતીયવૃત્તિને સૌથી મહત્ત્વનો ઘટક ગણ્યો. આત્મરતિ; અન્ય વ્યક્તિમાં પોતા અંગેની રતિ અને બહારની વસ્તુ તરફ જાતીય આકર્ષણ – એમ જાતીય વિકાસના ત્રણ તબક્કા ચીંધ્યા તેમજ અચેતનના કાર્ય અંગે અહં, ઇડ અને પરાહમ્ની ભારપૂર્વક સમીક્ષા કરી. ‘સ્વપ્નનું અર્થઘટન’(૧૯૦૦) ‘જાતીયતાના સિદ્ધાન્ત પરત્વે ત્રણ પ્રદાનો’(૧૯૦૫), ‘મનોવિશ્લેષણ પર પ્રાસ્તાવિક વ્યાખ્યાનો’(૧૯૧૬), ‘અહં અને ઇડ’(૧૯૧૩) વગેરે ફ્રોય્ડનાં મહત્ત્વનાં પુસ્તકો છે. ૧૯૪૨-૪૮ દરમ્યાન ૧૮ ખંડોમાં એનું સમગ્ર લખાણ-આત્મકથા સહિતનું પ્રગટ થયું છે. એક બાજુ ફ્રોય્ડે એના સિદ્ધાન્તોને સાહિત્યિક ઉદાહરણો દ્વારા પુષ્ટિ આપી છે, (જેમકે ‘લિયોનાર્ડો’(૧૯૧૦)માં દ વિન્સીના વિષયવસ્તુ અને અભિવૃત્તિઓનું શૈશવના અનુભવ સાથે સંકલન; ‘દોસ્તોયેવ્સ્કી અને પેરીસાઈડ’(૧૯૨૭)માં કલા ન્યૂરોટિકને કઈ રીતે સહાય કરે છે એનું સૂચન; તો ‘સુખસિદ્ધાન્તની પાર’(૧૯૨૦)માં ટ્રેજડીનું વિશ્લેષણ) તો બીજી બાજુ ફ્રોય્ડને કારણે ‘દમન’ ‘બચાવપ્રયુક્તિ’ ‘દમિત ઇચ્છા’ ‘મુક્ત સાહચર્ય’ વગેરે સંજ્ઞાઓ સાહિત્યક્ષેત્રે પ્રચલિત બની છે. ફ્રોય્ડનો વિચારપ્રભાવ ત્રણ પ્રકારે જોઈ શકાય છે : કેટલાક સાહિત્યિકવાદ (જેમકે પરાવાસ્તવાદ) નિષિદ્ધને તોડવાનો અને ચેતન અચેતનના અતાર્કિક તત્ત્વોને અનિયંત્રિત અભિવ્યક્તિ આપવાનો પ્રયત્ન કરે છે; તો કેટલાક વિવેચકો લેખકોના મનોવિશ્લેષણ માટે મથે છે; ક્યારેક નવલકથાકારો અને નાટ્યકારોએ ફ્રોય્ડની સંજ્ઞાઓને ધ્યાનમાં રાખીને એમનાં પાત્રો રચ્યાં છે; એવું પણ બન્યું છે. વળી, આજે નારીવાદી સાહિત્યમાં ફ્રોય્ડનાં પિતૃસત્તાક મૂલ્યોનું પુન : પરીક્ષણ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે ફ્રોય્ડના મનોવિજ્ઞાનનો અછડતો ખ્યાલ આધુનિક વાચક માટે જરૂરી સજ્જતા બની ગયો છે. ચં.ટો.