ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બાળવાર્તા

From Ekatra Wiki
Revision as of 11:11, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



બાળવાર્તા : ‘કથા’ શબ્દ દ્વારા કૃતિના અંતર્ગત તત્ત્વ-સત્ત્વનો અને ‘બાલ’ શબ્દ દ્વારા કૃતિના ભાવકની ચારથી અગિયાર વર્ષ સુધીની વયનો એટલેકે તેની પ્રભાવસીમાનો નિર્દેશ કરતી ‘બાલકથા’ સંજ્ઞિત કૃતિમાં કથાત્મકતા અને બાલભોગ્યતા અવિનાભાવિસંબંધે સંકળાયેલ હોય છે. બાળકના ચિત્ત, વાણી અને ક્રિયાને કથાના રસાનંદ દ્વારા ખીલવી લીલયા કેળવવા એ એનું મુખ્ય પ્રયોજન છે. પ્રાચીનકાળથી જેની અગત્ય સર્વસ્વીકૃત થઈ છે તેવી આ બાળકથાનાં સ્વરૂપઘડતર અને વિકાસમાં લોકકથાઓ, પૌરાણિક ઐતિહાસિક કથાઓ, પ્રશિષ્ટ સાહિત્યિક – કથાઓ જ્ઞાનવિજ્ઞાન, તથા કલાસંસ્કારનાં વિકસતાં ક્ષેત્રોની વસ્તુવાર્તાનું પ્રદાન સતત રહેલું છે. તેની ભાવ અને ભાષાસામગ્રીનાં પસંદગી અને પ્રરૂપ, વસ્તુ-સામગ્રી અને તેની રજૂઆત બાળમાનસને અનુકૂળ, તેના ભાવતંત્રને કેળવે-ખીલવે તથા તેની જિજ્ઞાસાને સંતોષે અને કલ્પનાશક્તિને પ્રેરક-પોષક ને સંતર્પક નીવડે તેવાં હોય તે અપેક્ષિત છે. આમ તો બાલકથામાં બાળકના કથાનંદ કે રસાનંદની અપેક્ષાનું સાદ્યંત વર્ચસ હોવું જોઈએ. બાલકથામાં બાળકોને રુચે – પચે એટલો જ ચિંતન-વિચાર-ભાર નિર્વાહ્ય હોય છે. સારી બાલકથા બાળમનોરંજન દ્વારા બાલમનોવિકાસને અભિલક્ષે છે. સુકથા માટેની અનિવાર્ય બધી જ શરતો બાલકથાએ પણ પાળવાની છે. તેથી બાલકથાની વસ્તુસામગ્રી અને તેનું આયોજન, તેમાંનું પાત્રવિધાન, રસનિરૂપણ તથા તેમાંની સંવાદ-કથન-વર્ણનગત ભાષા-શૈલી આ સર્વનું રસાયણ બાળકોને માટે આસ્વાદ્ય અને પથ્ય બની રહે એ રીતે થવું જોઈએ. બાલકથા બીજવૃક્ષન્યાયે વિકસતી સરળ રીતે સુખાંતમાં પરિણમન સાધે એ ઇષ્ટ છે. બાળકથામાં કથાનક જેટલું જ મહત્ત્વ વૈવિધ્યસભર પાત્રસૃષ્ટિનું છે. પાત્રસૃષ્ટિમાં માનવ ઉપરાંત માનવેતર પાત્રોનો, ચેતન ઉપરાંત જડ પાત્રોનો પણ સમાવેશ થઈ શકે છે. આ પાત્રો કલાસૃષ્ટિની સર્વ અપેક્ષાઓ સાથે બાળકની અપેક્ષાઓને અનુકૂળ સંચાર-ગતિવાળાં હોવાં જોઈએ. સાચાં, પ્રમાણિક, ન્યાયપ્રેમી, સાહસિક, રમતિયાળ, વિનોદી અને હૂંફાળાં પાત્રો બાલમાનસને સવિશેષ રુચે-સ્પર્શે છે. કાલ્પનિક પાત્રો પણ પ્રતીતિકર રીતે નિરૂપાયાં હોવાં જોઈએ. જેથી બાલમાનસને તે રુચિકર થાય. બાળક બાલકથાની સૃષ્ટિમાં પ્રવેશે છે ત્યારે પોતાના રોજિંદા વાતાવરણમાંથી મુક્ત થઈ રુચિ-ભાવ-કલ્પનાને અનુકૂળ અને ઉત્તેજક એવી એક વિલક્ષણ વાતાવરણવાળી સૃષ્ટિમાં પ્રવેશે છે. આથી બાળકથામાં જે તે સ્થળકાળ – વાતાવરણને યોગ્ય એવો પરિવેશ બરોબર રીતે સચવાવો જોઈએ. જેથી બાળક તે વાતાવરણને અનુરૂપ થઈ શકે. બાલકથાની સૃષ્ટિમાં મુખ્યત્વે વીર, હાસ્ય, અદ્ભુત જેવા રસોનું પ્રાધાન્ય હોય છે. તેમાં કરુણ, રૌદ્ર, ભયાનક આદિ રસો આવી શકે છે, પણ તે મહદ્ અંશે ગૌણભાવે. બાલકથા નીતિબોધનું એક અસરકારક સાધન મનાય છે. જો કે સારી બાલકથામાં નીતિબોધ રસાત્મકતા જાળવીને આડકતરી રીતે અપાય છે. કેવળ મોટા ટાઈપમાં અક્ષરો છાપવાથી કે લખાણમાં આડેધડ ચિત્રો ગોઠવી દેવાથી કોઈ કથા બાલકથા બની જતી નથી. બાલકથાની ભાષા બાળકોને વયકક્ષા, સમજણ, સંસ્કાર, રુચિ વગેરેને ખ્યાલમાં રાખીને જ પ્રયોજાય. તે જીવંત હોવી જોઈએ. એમાં બાળકોની વયકક્ષાને અનુકૂળ, કથાવસ્તુમાંના ઘટના-પાત્ર-ભાવને અનુરૂપ વાણીના અવનવા આરોહ-અવરોહો, કાકુઓ, વાક્યભંગિમાઓ કે ઉક્તિલક્ષણો, રૂઢિપ્રયોગો, કહેવતો, અલંકારો, પ્રાસાદિ ખૂબીઓ આવવાં જોઈએ. બાલકથાઓમાં વાણીની સંદિગ્ધતા, અસ્પષ્ટતા કે દુર્બોધતા, કૃતકતા કે આડંબર સર્વથા વર્જ્ય છે. એમાં પ્રસાદગુણનું પ્રાધાન્ય, અર્થની સુગમતા, શબ્દની સંવાદિતા અને વાણીની સૂક્ષ્મ સંગીતાત્મક લયકારી અપેક્ષિત છે. બાલકથાના સર્જકે બાળક પાસે ભાષાના સેતુ દ્વારા પહોંચવાનું હોઈ, તેમાં સદ્ય અને રમ્ય અવગમનક્ષમતા અનિવાર્ય છે. બાલકથાઓનાં વિષયવસ્તુ, નિરૂપણ પદ્ધતિ, પ્રયોજન વગેરે વિવિધ પાસાંને આધારે વિવિધ પ્રકારો પડે છે, જેમાં મુખ્યત્વે નીતિકથા, ઐતિહાસિકકથા, વાસ્તવિકકથા, પરીકથા કે કલ્પનાકથા, વિજ્ઞાનકથા, સાહસકથા, રહસ્યકથા, હાસ્યવિનોદકથા અને પ્રાણીકથાઓનો સમાવેશ કરી શકાય. વળી ઉપર્યુક્ત કથાઓના પણ અનેક પેટાવર્ગો આપી શકાય. કથાભોક્તા બાળકની વયદૃષ્ટિના આધારે શિશુકથા (૪થી ૭ વર્ષ) અને બાલકથા (૭થી ૧૧ વર્ષ) એવા મુખ્ય બે પ્રકારો પાડવા જોઈએ. જોડકણાંઓનું આ કથાઓમાં આગવું સ્થાન છે. આ કથાઓ સ્વરૂપદૃષ્ટિએ પદ્યરૂપે, ગદ્યપદ્યમિશ્ર રૂપે કે માત્ર ગદ્ય સ્વરૂપે પણ પ્રાપ્ત થાય છે. બાળકોને સામાન્યત : પરીકથા/કલ્પનાકથા, સાહસકથા અને હાસ્યકથા વિશેષ આકર્ષતી રહે છે. આ બધા જ પ્રકારની કથાઓમાં ચિત્રોનું આગવું ને અગત્યનું સ્થાન રહે છે. ચિત્રોનું પ્રમાણ અને તેનું આલેખન બાળકોના વયજૂથના આધારે નક્કી કરવાં જોઈએ. વળી કથામાં જેમ ચિત્રો હોય છે તેમ કેટલીક વાર ચિત્રો દ્વારા જ કથા રજૂ થતી હોય એવું બને છે. આવી ચિત્રકથાઓ પણ વિવિધ પ્રકારની હોય છે. બાળકથા મૂળભૂત રીતે તો કહેણીમાં ખીલે છે. આમ છતાં તે લેખિતમુદ્રિત સ્વરૂપમાં હોય ત્યારે વંચાય પણ છે. બાલકથાના સર્જનમાં જ કથન કે કહેણીની કળા અનુસ્યૂત હોય છે. આ બાલકથા પ્રત્યક્ષ કલાપરિદર્શન (performing art)નો પણ એક મહત્ત્વનો આકર્ષક વિષય બની શકે છે. વળી, મુદ્રણ, ફિલ્માદિના કારણે તેમાં દૃશ્યાત્મકતાનાં ગુણલક્ષણો પણ ઉમેરાતાં રહ્યાં છે. જેમ બાલકથાનું સર્જનકથન તેમ તેનું સચિત્ર સુંદર મુદ્રણ પણ કલાદૃષ્ટિએ ધ્યાનાર્હ બાબત છે. તેથી બાળક જેટલી જ માવજત બાલકથાના પુસ્તકની લેવાય એ ઇચ્છનીય છે. શ્ર.ત્રિ.