ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભક્તિઆંદોલન
ભક્તિઆંદોલન : ભારતીય ધર્મતત્ત્વદર્શનમાં મોક્ષપ્રાપ્તિ માટેના પ્રમુખ માર્ગોમાં કર્મ, જ્ઞાન, યોગ અને ભક્તિનો સમાવેશ થાય છે. સંસ્કૃત ભાષાના ‘ભજ્’ ધાતુ પરથી ઊતરી આવેલા ‘ભક્તિ’ શબ્દની વ્યાખ્યા કરતાં ભાગવતકાર વ્યાસે પૂજા-અર્ચના અને કથાદિશ્રવણ-ગાનના તલસાટને ભક્તિભાવ ગણ્યો છે. અન્ય માર્ગની તુલનાએ ભક્તિ સર્વજનસુલભ ધર્માચરણ હોઈ વિવિધ સંપ્રદાયના આચાર્યોએ એ માર્ગને પ્રાધાન્ય આપ્યું છે. અને તે લોકપ્રિય પણ થયો છે.
ભાગવતધર્મ એ ભક્તિમાર્ગનો મુખ્ય સંપ્રદાય છે. ઈ.સ.પૂ. ૧૪૦૦ની આસપાસ તેની સ્થાપના થઈ હોવાનું અનુમાન થયું છે. અલબત્ત, એ પૂર્વે પણ ભક્ત અને ભક્તિભાવની કલ્પના ઋગ્વેદના વરુણસૂત્રની કેટલીક ઋચાઓમાં મળે છે. ઉપનિષદકાળમાં નિર્ગુણ બ્રહ્મની અનુભૂતિ માટે મન, આકાશ, સૂર્ય, અગ્નિ, યજ્ઞ વગેરે સગુણ-પ્રતીકોની પૂજા-અર્ચના-ઉપાસનાના નિર્દેશો મળે છે.
ભાગવતધર્મે તેની પ્રારંભિક અવસ્થામાં પૂર્વવર્તી સાંખ્ય અને યોગમતના પ્રભાવ તળે એકેશ્વરવાદી ભક્તિને મહત્ત્વ આપેલું પરંતુ પછીના તબક્કામાં ભક્તિમાર્ગની સૂચિત પરંપરા શાંકરમતીય અદ્વૈતવાદના પ્રચલન-પ્રભાવ અને પુરોહિતયુગ બ્રાહ્મણવાદના કર્મકાંડીય એકાધિકારના પ્રાબલ્યને કારણે લુપ્તપ્રાય : થઈ ગઈ હતી. આ સ્થિતિમાં શંકરાચાર્ય પછી રામાનુજાચાર્ય અને મધ્વાચાર્યે દક્ષિણ ભારતમાં ભક્તિમાર્ગનો પુનરુદ્ધાદાર કરી પુનઃપ્રચલિત કર્યો. ભક્તિમાર્ગના આ સુવર્ણકાળની મહત્તા ‘ભક્તિ દ્રાવિડ ઉપજી, લાયે રામાનન્દ,/પરગટ કિયા કબીરને, સપ્તદ્વીપ નવખંડ.’ – જેવાં કવિતોમાં સમુચિત રૂપે ઘોષિત થઈ છે.
પુન : પ્રચલિત ભાગવતધર્મ મુખ્ય ચાર શાખાઓમાં વિભાજિત થઈને પ્રસ્તાર પામે છે : રામાનુજાચાર્ય સ્થાપિત શ્રીસંપ્રદાય, મધ્વાચાર્ય સ્થાપિત બ્રહ્મસંપ્રદાય, વિષ્ણુસ્વામીસ્થાપિત રુદ્રસંપ્રદાય, અને નિમ્બાર્કાચાર્ય સ્થાપિત સનકાદિક સંપ્રદાય. આ ચારેય સંપ્રદાયો તેની વિશિષ્ટતાના આધારે અલબત્ત, પારસ્પરિક ભિન્નતા ધરાવે છે પરંતુ શંકરાચાર્ય-પ્રણીત અદ્વૈતસિદ્ધાન્ત અને માયાવાદના અસ્વીકાર તથા ભગવાનનાં સગુણ રૂપોની ઉપાસના-ભક્તિના પ્રચાર-પ્રસાર અંગે સર્વસંમત છે.
ભક્તિમાર્ગના સૂચિત પ્રચાર-પ્રસાર અને પ્રસ્તારમાં આલવાર નાયનાર સંતોનો વિશેષ ફાળો છે. રામાનુજાચાર્ય આ જ સંતપરંપરાના સાધુ હતા. એમણે દક્ષિણ ભારતમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર લોકો માટે ભક્તિના બે અલગ માર્ગ ચીંધીને બ્રાહ્મણવાદનો અનિષ્ટકારી પ્રભાવ ઘટાડ્યો તો, ઉત્તર ભારતમાં એ ભક્તિધારાને, સ્વામી રામાનંદે જ્ઞાતિ-જાતિના વાડાઓ દૂર કરીને તેને સ્ત્રી-પુરુષ તેમજ બ્રાહ્મણ-બ્રાહ્મણેતર સૌ કોઈ માટે સહજસુલભ બનાવી. પછીથી એ ભક્તિધારા સગુણ-નિર્ગુણ તથા રામ અને કૃષ્ણભક્તિ રૂપે વિભાજિત થઈ સૂર, તુલસી, કબીર અને જાયસી ઉપરાંત અષ્ટછાપ કવિઓની જ્ઞાનમાર્ગી તથા પ્રેમમાર્ગી ભક્તિકવિતા દ્વારા ચરમોત્કર્ષ પામે છે. આ રીતે ભક્તિઆંદોલને, મધ્યયુગીન, સામાજિક અરાજકતાને પાર કરવા માટેના પ્રજાકીય પુરુષાર્થને સબળ ટેકો આપ્યો છે.
ગુજરાતી સાહિત્યમાં સૂચિત ભક્તિઆંદોલનનો પ્રભાવ નરસિંહ, મીરાં અને અખાની ભક્તિ કવિતામાં અનુક્રમે કૃષ્ણપ્રેમ અને જ્ઞાનાશ્રયી ઉપાસનામાં લક્ષિત થાય છે.
ર.ર.દ.