ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્તવિચાર

From Ekatra Wiki
Revision as of 16:18, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર'...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું પ્રેરક, પોષક અને ચાલક બળ મુખ્યત્વે ધર્મ છે. એ ધર્મના મૂળમાં છે શ્રુતિસાહિત્ય-વેદ-સંહિતાઓ, બ્રાહ્મણગ્રન્થો, આરણ્યકો અને ઉપનિષદો. તત્ત્વવિચાર – ‘આતમતત્ત્વ’નો વિચાર – પણ ધર્મનું જ અંગ બનીને રહેલો દેખાય છે – આપણા મધ્યકાલીન સાહિત્યમાં જીવનને ઊર્ધ્વગામી બનાવવાની પ્રક્રિયામાં અને પ્રાણીમાત્રનું શ્રેય કરવાના સર્વોચ્ચ લક્ષ્યની સાધનામાં ધર્મ અને તત્ત્વવિચાર બન્નેનું ભેગું પ્રદાન છે. જીવનની વિશુદ્ધિ અને વિવૃદ્ધિ માટે સદાચારને સૌથી વિશેષ મહત્ત્વ અપાયું છે, એટલે સુધી કે આચારને જ કેટલાકે ‘પરમ ધર્મ’ ગણ્યો છે. આપણા રોજિંદા વ્યવહારમાં આચારશુદ્ધિનો જે આગ્રહ છે તે વ્યક્તિ અને સમષ્ટિ ઉભયના હિતમાં સહાયરૂપ છે. આપણા આચાર્યો, સંતો, ઉપનિષદો સૌએ પોતપોતાની રીતે ધર્માચરણની વાતો કરી જ છે. સદ્વિચાર હોય તો સત્કર્મ થતાં રહે, વ્યવહાર ચોખ્ખો અને નિષ્કપટ રહે. ઈશ્વર સાક્ષી રૂપે સર્વત્ર રહ્યો છે. આપણાં કર્મો મુજબ જ આપણને ફળ મળે છે, દુષ્કર્મ કરનાર તેનાં માઠાં પરિણામોથી છટકી શકવાનો નથી, પાછળથી પસ્તાવું પડે એવું કામ ન કરવું, પરપીડામાં ન રાચવું, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમભર્યો વર્તાવ રાખવો એવી સલાહ અપાઈ છે. સત્કર્મોથી ભગવાન રીઝે છે તે માટે પ્રભુકૃપા પ્રાપ્ત કરવા ઝંખનારે શુદ્ધ અંત :કરણથી પ્રભુને પ્રાર્થવાના છે. સંસાર સ્વપ્નવત્ છે, દેહ નાશવંત છે, જે પેદા થયું છે તેનો નાશ નિશ્ચિત છે. પોતાનાં સુખસગવડનો જ વિચાર ન કરતાં પણ માણસે સૃષ્ટિના સર્જનહારનો – એની અપાર શક્તિ અને મહિમાનો – વિચાર કરી એના અનુગ્રહ માટે મથવાનું રહે છે. કર્મની સાથે પુનર્જન્મનો ખ્યાલ જોડાયેલો છે. અગાઉના જન્મોમાં કરેલાં કર્મોનાં ફળ પછીના જન્મમાં પણ ભોગવવાં જ પડે છે એવી વ્યાપક માન્યતા માણસના વર્તમાન જન્મનાં સુખદુઃખોને સમજાવવામાં ઉપકારક બની છે. મોક્ષની ઇચ્છાવાળાએ ચાલુ જન્મે નિષિદ્ધ કર્મો ન જ કરવાં, કામ્ય કર્મો – ફળની આશાથી થતાં કર્મોમાં પણ વિવેકબુદ્ધિ રાખવી એમ કહેવાયું છે. જે આવી પડે તે કરી છૂટવું. આસક્તિ બંધનકર્તા છે. કર્તવ્ય કર્મો કરતાં રહીને પણ પ્રારબ્ધ અને સંચિત કર્મોને ખપાવવા માટે વ્રતો, ઉપવાસ આદિનો આશ્રય લેવો જરૂરી છે. સમર્થ ગુરુના માર્ગદર્શનની આવશ્યકતા અનિવાર્ય ગણાઈ છે. સંસારી ગુરુઓ કે બની બેઠેલા ગુરુઓથી તો દૂર જ રહેવાનું છે. ઉપાસના કે ભક્તિ નવ પ્રકારની ગણાઈ છે : શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. નરસિંહ, મીરાં આદિ અનેક સાચા ભક્તોની વાણીમાં આપણે આ પ્રકારો રજૂ થતા જોઈએ છીએ. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું અન્ય લોકમાં નાંહી રે’, ‘અવર, વેપાર નહીં ભજન તોલે’, ‘રામનામનો મહિમા મોટો’, કૃષ્ણકીર્તન કરતાં ‘કોટિ, અઘ નાશ પામે’ અને ‘ભવસાગરનો ફેરો ટળે’, એમ કહેતો નરસિંહ ભક્તિના ફળ રૂપે પણ ભક્તિ જ ઇચ્છે છે. શ્રીકૃષ્ણરાસલીલાનો સાક્ષાત્કાર કરનાર નરસિંહ મોક્ષ નહિ, પણ જન્મોજન્મ અવતાર જ માગે છે જેથી એને ‘નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ’નો તેમજ ‘નંદકુમારને નીરખવા’નો લાભ મળે. ગોપીભાવે થતી ભક્તિનો મહિમા દર્શાવતાં અખા જેવો જ્ઞાની કવિ પણ ‘જ્ઞાની વિહારી ગોપી જશા’ કહે છે. પણ ભક્તિ જ્ઞાન-વૈરાગ્ય-મૂલક હોવી જોઈએ, નહીં તો અનર્થો સર્જે, એવી ચીમકી પણ અપાઈ છે. દયા ધર્મનું મૂળ છે, અભિમાન પાપનું મૂળ છે, માટે જયાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખવાની છે, અહંતા-મમતા અને સ્વાર્થવૃત્તિ, અતિશય આસક્તિ અને લોભલાલચ જન્માવે છે, ઈહજીવનમાં તે વિષમતા સર્જાવે છે અને આમુષ્મિક લાભોને અલભ્ય બનાવે છે તેથી તેનો ત્યાગ થવો જોઈએ. તૃષ્ણા અને લાલસાનો ધ્વંસ જેમ કર્મમાર્ગમાં તેમ ભક્તિમાર્ગમાં પણ હોય તો જ જ્ઞાનમાર્ગ સુલભ બને. પણ પ્રાકૃતજનને ભક્તિ તરફ વાળવા પ્રભુના મહિમાનું ગુણગાન, એના દેહસૌન્દર્ય અને આકર્ષક વેશભૂષાનું વર્ણન, મંદિરોમાં થતી ધાર્મિક ઉત્સવો-તહેવારોની ઉજવણી, જેવી બાબતોનું મહત્ત્વ છે. સૃષ્ટિના સર્જનહારની વિરાટ શક્તિ અને અનુપમ ઐશ્વર્યનો ખ્યાલ માણસને પોતાની મર્યાદાઓનું ભાન કરાવી પ્રભુ તરફ વાળી શકે. કેવળ ‘સ્વ’માં વિરમી ન જતાં ‘પરમ’ પ્રત્યે વત્તેઓછે વળનાર મનુષ્ય જ સમાજનું હિત સાધવામાં મદદરૂપ બની શકે. દુનિયામાં સત્ય દબાઈ જતું અને અસત્ય વિજયી બનતું દેખાય ત્યાં કવિઓએ તેને કળિકાળનું માહાત્મ્ય ગણી કળિયુગમાં કેવા કેવા અનર્થો પેદા થાય તેની ઝાંખી કરાવી છે. આપણા સમાજમાં અનેક દેવદેવીઓની ઉપાસના ભલે હોય, પણ તે સૌ એક જ પરમાત્માનાં વિભિન્ન સાકાર સ્વરૂપો છે. તેનો સ્પષ્ટ ખ્યાલ અપાયો છે. નામરૂપાત્મક જગતમાં સૃષ્ટિકર્તાની જેવીતેવી ઓળખ આપવા માટે પણ નામરૂપની મદદ લેવી જ પડે. ભક્તિ પાછળ સદ્ભાવના હોય, ઉપાસ્ય દેવી-દેવી માટે સાચી પ્રીતિ હોય અને એને ચરણે સર્વસ્વ સમર્પણ કરવાની તત્પરતા હોય તો એ ભક્તિ સાચી. જડભક્તિનો અને ઉપાસનામાં પ્રદર્શિત થતાં આડંબરનો મહિમા કરવો ખોટો છે. પ્રેમલક્ષણા ભક્તિ જ સર્વશ્રેષ્ઠ. જે વીતરાગી બની, નિરાશી ભક્તિ કરે તે જ સાચો ભક્ત. કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ પરસ્પર એટલા પ્રગાઢપણે સંકળાયેલા છે કે તેમને વ્યવહારમાં નામ ભલે જુદાં અપાયાં હોય પણ તે છે એક જ. જ્ઞાનથી મોક્ષ મળે એમ કહેવાયું છે પણ તે જ્ઞાનની પ્રાપ્તિના પાયામાં વૈરાગ્ય અને સાચી ભક્તિ રહેલાં છે. મુક્તિ માટેનું મુખ્ય સાધન વૈરાગ્ય છે. ‘આપોપા’ – અહંબુદ્ધિ અને રાગદ્વેષનો – જે ત્યાગ તે જ સાચો વૈરાગ્ય. તે વગર બાવાવેશ ધારણ કરવાનો કશો જ અર્થ નથી. સંસારની અસારતા સમજાય તો જ આસક્તિ દૂર થાય અને માણસ પ્રભુસ્મરણ તરફ વળે. જેમાં ક્યારેય ખોટ નથી એવો ‘હરિભજન વેપાર’ કરવામાં ચિત્ત ચોંટે અને ભજનની એકાગ્રતામાંથી જ્ઞાનોદય થાય. તન્મયતા આવતાં જીવ-શિવના ભેદ દૂર થઈ અભેદબુદ્ધિ પ્રગટે. એ અભેદબુદ્ધિના લીધે જડ-ચેતન સર્વમાં સર્વત્ર હરિનો જ સાક્ષાત્કાર થાય. જે છે તે એક અને અવિનાશી પ્રભુ છે. સમગ્ર સૃષ્ટિના મૂળમાં કારણ રૂપે એ જ રહ્યો છે, એના વિનાનો કોઈ ‘ઠાલોઠામ’ નથી, જગત એની જ અવર્ણનીય માયાશક્તિની પેદાશ છે, પંચભૂતના વિનાશી દેહોમાં પણ એનાં જ દર્શન કરવાનાં છે. પોતાના નાનકડા દેહબુદ્ધિના ‘અહં’ને ટાળી તેને તે વિરાટ ‘અહં’માં ઓગાળીને ‘હું બ્રહ્મ છું’ એ ભાવનો અનુભવ કરવાનો છે, એ અનુભવ તે જ મોક્ષ જીવનમુક્તિ. આ સમગ્ર પ્રક્રિયા પાછળ સદ્વિચાર – સત્ય શું છે, સાચું અસ્તિત્વ શેનું છે, એનો જ વિચાર રહેલો છે. દાન, દયા, જપ, તપ, તીર્થાટન, દેહદમન, સેવા, પૂજા, યજ્ઞયાગ વગેરેનું મહત્ત્વ લૌકિક દૃષ્ટિએ છે, તેવું જ અધ્યાત્મદૃષ્ટિએ છે. ત્યાગ અને સેવા, ભક્તિ અને યોગ ઇન્દ્રિયોને વિષયોમાં વહી જતી રોકીને મનની સ્થિરતા અને ચિત્તની શુદ્ધિ સાધે છે. દુન્યવી લાભોની આશામાં ભટકતું ચિત્ત લૌકિક પ્રવૃત્તિઓમાંથી વિરમી પ્રભુ તરફ વળે અને તેની પ્રભુતાનો સાક્ષાત્કાર કરી તેની આરાધનામાં તન્મય અને તદ્રૂપ બની જાય એ જ બ્રહ્મદશા. વ્યક્તિ મટીને વિરાટ બનવાનો આ કીમિયો જેની પાસે હોય તેને વ્યવહારનાં કોઈપણ ભેદ કે બંધન નડતાં નથી. જેણે બ્રહ્મદશા પ્રાપ્ત કરી હોય તેને અષ્ટમહાસિદ્ધિ કે નવનિધિનો લેશમાત્ર મોહ રહેતો નથી. આમ આપણી મધ્યકાલીન વિચારધારાનું આધ્યાત્મિક લક્ષ્ય તે પ્રાણીમાત્રની તેમજ જીવાત્મા-પરમાત્માની એકતાનો અનુભવ કરવો તે. જગતમાં પ્રવર્તતા આભાસી ભેદોને મિટાવી માણસે અભેદબુદ્ધિ સિદ્ધ કરવાની છે. હરિ-ગુરુ-સંતની સેવા ઉપદેશનું આપણું મધ્યકાલીન સાહિત્ય બ્રાહ્મણધર્મ, જૈનધર્મ, બૌદ્ધધર્મ, ઇસ્લામ, જર્થોસ્તીધર્મ, વિશિષ્ટાદ્વૈત, કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત આદિ ધર્મો કે સંપ્રદાયોની અલગ અને વિભિન્ન સિદ્ધાન્તમૂલક વિચારણા ભલે રજૂ કરતું હોય, પણ તે સૌના પાયામાં ઐહિક જીવનની ઉન્નતિ અંગેનો જે પારમાર્થિક ઉપદેશ છે તેમાં રહેલી એકતા અને સર્વગ્રાહિતાને જાણવીસમજવી ઘટે. ભૂ.ત્રિ.