ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને જીવન

From Ekatra Wiki
Revision as of 05:33, 29 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્ય અને જીવન'''</span> : સાહિત્યક્ષેત્રમાં જી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાહિત્ય અને જીવન : સાહિત્યક્ષેત્રમાં જીવન અને સાહિત્યનો સંબંધ અવારનવાર ચર્ચાતો જોવા મળે છે. આ પ્રશ્નની આજુબાજુ ઘણાં મતમતાંતરો પણ ઊભાં થયા છે પણ એના પાયામાં એક હકીકતનો સ્વીકાર છે કે મનુષ્યચેતનાને સક્રિય કરવાની એની અર્નગળ શક્તિ છે. સાહિત્યને જીવન સાથે જોડનારાઓમાં સમાજધુરીણો, સુધારકો, સમાજહિતચિંતકો વગેરે છે. તે દરેક સાહિત્યની પ્રભાવક શક્તિને પિછાને છે પણ સાહિત્ય એમનું કામ કરી આપે એવી અપેક્ષા તેમને હોય છે. ધર્મઅનુયાયીઓ, રાજકારણીઓ કે સુધારકો પોતાનું દળણું સાહિત્ય પાસે દળાવવા ઇચ્છે છે. સૌ ઉપયોગિતાવાદીઓ સાહિત્ય ઉપર કોઈ ને કોઈ પ્રયોજન લાદતા રહ્યા છે. શિક્ષણ આપવું, બોધ આપવો, મનોરંજન આપવું એમ સાહિત્યનાં વિવિધ પ્રયોજનોની ચર્ચા ચાલે છે. સાહિત્ય દ્વારા આ બધું પણ સિદ્ધ થાય; પણ આ સિદ્ધ કરવા માટે જ સાહિત્ય લખાય એમ માનવું અનુચિત છે. અર્થાત્ સાહિત્ય અને જીવનને કાર્યકારણભાવથી જોડવાં એ બરોબર નથી. સાહિત્યની સામગ્રી અલબત્ત, જીવનમાંથી આવે છે, પણ એના ઉપર થયેલું સર્જકકર્મ એને પલટી નાખે છે. એટલે સાહિત્ય અને જીવનનું સમીકરણ કરી શકાય નહિ. સાહિત્યને વિવિધ ધર્મો બજાવવાનું કહેવું એ એને એના મૂળ ધર્મથી ફારેગ કરવા જેવું છે. કેટલીકવાર આ વસ્તુ સાહિત્યના સ્વરૂપની ચર્ચામાં પણ જોવા મળે છે. મૅથ્યુ આર્નલ્ડે કવિતા એ જીવનની સમીક્ષા છે એમ કહ્યું. એમનો આ મત ઘણો ચર્ચાયો. ગેરડે એનો સરસ જવાબ આપ્યો છે કે કવિતા એ કાંઈ જીવનની સમીક્ષા નથી પણ એ પોતે જ જીવન છે. એની આગવી ચેતનસૃષ્ટિ છે. એ એનાં વિશિષ્ટ સ્વૈચ્છિક નિયંત્રણોને અધીન રહે છે, બહારથી લાદવામાં આવેલા કોઈ નિયમોને નહિ. સાહિત્ય અને જીવનના પારસ્પરિક સંબંધની ચર્ચામાં એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે અનેકને પથપ્રદર્શક નીવડનાર સાહિત્યના સર્જકો અંગત જીવનમાં ક્યારેક શિથિલ અને પાંગળા કેમ જોવા મળે છે? સાચો સાહિત્યકાર સર્જન કરે છે ત્યારે તો એ દિવ્યતા સાથે શેકહેન્ડ કરી આવતો હોય છે. સ્ટીફન, સ્પેન્ડરે ‘The making of a poem’માં કહ્યું છે તે પ્રમાણે કવિનું કાર્ય એક સંતના કાર્ય જેવું છે. એ એક આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. કળાકારોના અંગત જીવનને કાર્યકારણ-ભાવથી જોડવું ન જોઈએ. દયારામ વિશે લખતાં ગોવર્ધનરામ એક અંગ્રેજી વાક્ય ‘The man won’t pray to god if it is the devil that ask him to do it’ ટાંકીને કહે છે કે “સમર્થ ગ્રન્થકારો સ્થૂલ જીવનની નીતિમાં શિથિલ હોય તેટલા જ કારણથી તેમના ગ્રન્થોના ઉત્તમ અંશોની અવજ્ઞા કરનારને આ અંગ્રેજી વાક્ય લાગુ પડવાનો પ્રસંગ છે” મહત્ત્વની વસ્તુ તે કળાકાર તરીકેનું એનું વ્યક્તિત્વ છે. ક્રોચેએ ‘Emprical personality’ અને Ideal Personality’ એ બે ભેદો પાડ્યા જ હતા. સાહિત્યનો સર્જક અંગત જીવનમાં કદાચ તેને શિથિલ લાગે પણ એ હંમેશાં એ સ્થિતિમાં રહેવા સર્જાયો નથી. કાળે કરીને એની ચેતના પર પડેલા મલિન આકા ઘસાય જ છે. સાહિત્ય અને જીવનના સાધનસાધ્ય સંબંધની રજૂઆત ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર આદિ ગાંધીયુગના લેખકોએ જોરશોરપૂર્વક કરેલી અને “સાહિત્ય એ જીવનરૂપી પ્રભુની સેવા કરનાર અનન્યનિષ્ઠ ભક્તને સ્થાને શોભે” એમ કહેલું. કદાચ એ સમયની જરૂરિયાત હશે. આજે વિવેચનમાં આ પ્રકારનો જીવનવાદી અભિગમ અપ્રતિષ્ઠિત છે. ર.જો.