ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોનેટ
સૉનેટ : ૧૪ પંક્તિના આ ઊર્મિકાવ્યપ્રકારનો પ્રારંભ સિસિલીમાં નહીં પરંતુ ઇટલીમાં કાવ્યસાહિત્યના કોલંબસ ગણાતા કવિ ગ્વીતોનીને હાથે તેરમી સદીના મધ્યભાગમાં થયો. વિદ્વાનો સૉનેટનો નાળસંબંધ ગ્રીક એપિગ્રામ સાથે એટલા માટે જોડે છે કે આ બંને સ્વરૂપોમાં ‘ચોટ’ અપેક્ષિત છે. આમ છતાં એવું મનાય છે કે દ્રાક્ષની વાડીઓમાં કામ કરતા શ્રમિકો થાક ન અનુભવાય એ માટે જે રચનાઓ જોડતા કે ગાતા એમાંથી સૉનેટની પરંપરા ઊભી થઈ. મહાકવિ દાન્તેએ ‘વિતાનુઓવા’ નામના ગદ્યપદ્યકાવ્યમાં સૉનેટ જાતિનાં થોડાં કાવ્યો આપ્યાં છે. પરંતુ પૂર્ણ અર્થમાં સૉનેટ ગ્વીતોનીને હાથે જ ઇટલીમાં ખેડાયું તે નિર્વિવાદ છે. એ પછી સૉનેટ, પોતાના લવચીકતાના ગુણને લીધે વિશ્વની લગભગ તમામ ભાષાઓમાં વિસ્તર્યું, વિકસ્યું અને જીવંત રહ્યું. મૂળ ઇટાલિયન શબ્દ સ્યૂનો(suono)નો અર્થ ‘અવાજ’ એવો થાય છે જેના ન્યૂનતાવાચક શબ્દ સૉનેટો(sonnetto જરીક અવાજ) પરથી સૉનેટ શબ્દ ઊતરી આવ્યો હોવાનું મનાય છે. કાવ્યતત્ત્વ, શિલ્પનિર્માણ અને સંખ્યાની દૃષ્ટિએ પણ પેટ્રાર્ક પાસેથી સમૃદ્ધ સૉનેટરચનાઓ મળે છે. એ પછી તો સૉનેટ યુરોપના દેશોમાં પણ પહોંચ્યું. સ્પેનમાં માર્કવીસ દ્વારા, પોર્ટુગલમાં સા દ મિરાવા દ્વારા, ફ્રાન્સમાં મેરટ, બૉદલેર, વાલેરી અને માલાર્મે જેવા કવિઓ દ્વારા, તો જર્મનીમાં રિલ્ક જેવા મોટા કવિ દ્વારા આવિષ્કાર પામ્યું. સૉનેટને અંગ્રેજીમાં લઈ જવાનું કામ સર ટૉમસ વાયટ અને અર્લ ઑફ સરેએ કર્યું. પેટ્રાર્કની સૉનેટરચનાઓ અષ્ટક અને ષટ્કમાં વિભાજિત થયેલી પરંતુ વાયટ એને યથાતથ સ્વરૂપે સ્વીકારવાને બદલે અષ્ટક(આઠ પંક્તિ) પછી આવતા ષટ્ક(છ પંક્તિ)ને ચતુષ્ટક (ચાર પંક્તિઓ) અને યુગ્મ(બે પંક્તિઓ) એમ બે વિભાગમાં વહેંચે છે. ઇંગ્લેન્ડમાં સૉનેટના પંક્તિવિભાજનમાં વિવિધ પ્રયોગો થયા છે. સરેએ અષ્ટક અને ષટ્કને બદલે ત્રણ ચતુષ્ક અને એક યુગ્મ એવું પંક્તિવિભાજન કર્યું. આ ફેરફારને લીધે, અગાઉનાં સૉનેટમાં નવમી પંક્તિએ આવતો ભાવપલટો છેક ૧૨મી પંક્તિ સુધી લંબાવવાની સાનુકૂળતા સધાઈ. શેક્સ્પીયર જેવા સિદ્ધહસ્ત કવિએ પંક્તિવિભાજનનું આ સ્વરૂપ સ્વીકારીને એવી ઉત્તમ રચનાઓ આપી કે તે સ્વરૂપ ‘શેક્સ્પીયરીયન સૉનેટ’ તરીકે પ્રસિદ્ધ પામ્યું. તેની પ્રાસયોજના આ મુજબ હતી : પ્રથમ ચતુષ્ક : ક, ખ, ક, ખ, દ્વિતીય ચતુષ્ટક : ગ, ઘ, ગ, ઘ, અને તૃતીય ચતુષ્ટક : ચ, છ, ચ, છ તથા અંતિમ યુગ્મક; જ, જ. એ પછી ઇંગ્લેન્ડમાં સૉનેટનો પ્રવાહ થોડો મંદ થયો પરંતુ સર ફિલિપ સિડની અને જ્હોન ડન જેવા સર્જકોએ સૉનેટને પોષ્યું. આ સમયગાળામાં મિલ્ટન વિષયવસ્તુ અને સ્વરૂપની મૌલિકતાને કારણે મહાન સૉનેટકાર તરીકે ઊપસી આવે છે. સૉનેટની પંક્તિઓના કોઈ વિભાગ ન કરતાં તે આગવી રીતે સળંગ ૧૪ પંક્તિઓમાં સૉનેટ રચે છે. છેલ્લી છ પંક્તિઓની પ્રાસરચનામાં મહદ્ અંશે તે પેટ્રાર્કને અનુસરે છે. મિલ્ટનની વિશેષતા છે કે સૉનેટની પંક્તિને અંતે વિરામને બદલ તે સળંગ રચના કરે છે. આ પ્રકારની રચનાઓ અન્ય કવિઓએ પણ કરી પરંતુ તે સ્વરૂપ મિલ્ટનશાઈ સૉનેટ તરીકે પ્રસિદ્ધ થયું. મિલ્ટન પછી સૉનેટક્ષેત્રે વળી, પાછી થોડી ઓટ આવી પણ એ જ પ્રવાહમાં થોમસ રસેલ, કાઉપર અને કૉલરિજ જેવા કવિઓએ સૉનેટનો પુનરોદય કર્યો. આમ તેરમી સદીથી શરૂ થયેલો સૉનેટપ્રવાહ આજે પણ વિશ્વભરની ભાષાઓમાં વહેતો રહ્યો છે. આ દરમિયાન સૉનેટ સતત બદલાતું-વિકસતું રહ્યું છે. અપવાદ રૂપે ક્યાંક તેર, સાડા તેર, સાડા ચૌદ અને પંદર પંક્તિઓના સૉનેટપ્રયોગો થયા છે પણ ચૌદ પંક્તિનું સ્વરૂપ જ સ્થિર અને રૂઢ થયું છે. ગ્વીતોની પૂર્વે સૉનેટગંધી રચનાઓમાં મુક્તપ્રાસયોજના હતી, જ્યારે ગ્વીતોનીએ પ્રાસયોજનાનું ચોક્કસ માળખું ગોઠવી સૉનેટને વધુ ચુસ્ત-બદ્ધ કર્યું. ગ્વીતોનીએ અષ્ટકની પ્રાસયોજના ક, ખ, ખ, ક/ક, ખ, ખ, ક મુજબ કરી. આ પરંપરામાં પેટ્રાર્ક પાસેથી પણ ઘણી રચનાઓ મળી પરંતુ રચનાવિધાનની દૃષ્ટિએ જોઈએ તો પેટ્રાર્કે ગુણવત્તા અને ઇયત્તા બંને રીતે વધુ રચનાઓ આપી. પેટ્રાર્કે ગ્વીતોનીના અષ્ટકનો સ્વીકાર કર્યો, પણ ષટ્કની પ્રાસયોજનામાં થોડો ફેરફાર કર્યો. એમાં ગ, ગ, ઘ/ગ, ગ, ઘ તથા ગ, ઘ, ચ/ગ, ઘ, ચ એવી પ્રાસયોજના ઊભી કરી જેને વ્યાપક રીતે સ્વીકૃતિ મળી. સ્પેન્સર જેવા કવિએ ચોથી અને પાંચમી, આઠમી અને નવમી પંક્તિઓમાં સમાન પ્રાસયોજનાથી સાંકળીની રીતે પ્રથમ ચતુષ્ક : ક, ખ, ક, ખ./દ્વિતીય ચતુષ્ક : ખ, ગ, ખ, ગ./ તૃતીય ચતુષ્ક : ગ, ઘ, ગ, ઘ તથા એક યુગ્મક : ચ, ચ-ની પદ્ધતિએ સૉનેટને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. આ પરંપરા ‘સ્પેન્સેરીઅન સૉનેટ’ તરીકે ઓળખાઈ પણ વિકસી નહીં. સૉનેટને વિશ્વના મોટાભાગના દેશોએ પોતીકા કાવ્યપ્રકાર તરીકે સ્વીકાર્યું છે. વર્ડ્ઝવર્થ જેવા કવિએ તો પ્રેમવિયોગને સ્થાને માનવજીવનની સનાતન બાબતોને આવરી લઈને સૉનેટને એક નવા શિખરે બેસાડ્યું. આમ સૉનેટ ઇટલી કે ઇંગ્લેન્ડ પૂરતું મર્યાદિત ન રહેતાં વિશ્વસમસ્તનું સાહિત્યસ્વરૂપ બની રહ્યું છે. હ.ત્રિ.