ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસગંગાધર

From Ekatra Wiki
Revision as of 12:24, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રસગંગાધર'''</span> : સંભવત : સત્તરમી સદીના મધ્યભાગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રસગંગાધર : સંભવત : સત્તરમી સદીના મધ્યભાગમાં રચાયેલો પંડિતરાજ જગન્નાથકૃત સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. બે આનનમાં મળતો આ ગ્રન્થ કર્તાએ પોતાના ઉત્તરાયુષ્યમાં રચવા માંડ્યો હતો એટલે કર્તાના અવસાનને કારણે તે અપૂર્ણ રહ્યો હોવાની સંભાવના છે. નવ્યન્યાયની પદ્ધતિએ રચાયેલા આ ગ્રન્થમાં પૂર્વવર્તી આચાર્યોના જે તે વિષય પરના વિચારોનું ખંડન અને પછી પોતાના મતનું પ્રતિપાદન એ રીતે વિષયનિરૂપણ થયું છે. પહેલા આનનમાં કાવ્યલક્ષણ, કાવ્યહેતુ, કાવ્યપ્રકાર, રસ, ભાવ દોષ, ગુણ તથા અસંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યના પ્રકારોની ચર્ચા છે. બીજા આનનમાં શબ્દશક્તિમૂલધ્વનિ અને અર્થશક્તિ મૂલધ્વનિના પ્રભેદો તથા ૧૭ અર્થાલંકારોની ચર્ચા છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રના વિકાસમાં સૌથી છેલ્લો ઉલ્લેખનીય આ ગ્રન્થ છે. આખો ગ્રન્થ કર્તાની સૂક્ષ્મ તર્કશક્તિ અને મૌલિક વિચારશક્તિનો દ્યોતક છે. જગન્નાથ મૂળત : ધ્વનિવાદી આચાર્ય છે. પરંતુ ધ્વનિવાદી આચાર્યોની વિચારણામાં રહેલા દોષ તરફ પણ તેઓ અંગૂલિનિર્દેશ કરે છે. પ્રતિભાને કાવ્યસર્જનની એકમેવ શક્તિ તરીકે સ્વીકારી અદૃષ્ટ પ્રતિભા અને વ્યુત્પત્તિઅભ્યાસથી આવતી દૃષ્ટ પ્રતિભા એમ એના બે ભેદ બતાવે છે. કાવ્યના ઉત્તમોત્તમ ઉત્તમ મધ્યમ અને અધમ એમ એમણે પાડેલા ચાર પ્રકારોમાં ઉત્તમ કાવ્ય વિશેની એમની સમજ સર્વથા મૌલિક છે. શબ્દાલંકારોને તેમણે શબ્દશક્તિની ચર્ચામાં સમાવ્યા છે તથા તિરસ્કાર નામનો નવો અર્થાલંકાર બતાવ્યો છે. ‘ગુરુમર્મપ્રકાશ’ નામની નાગેશભટ્ટની ટીકા આ ગ્રન્થ પર મળે છે. પંડિત જગન્નાથના પિતાનું નામ પેરમભટ્ટ કે પેરુભટ્ટ અને માતાનું નામ લક્ષ્મી હતું. તેઓ તૈલંગ બ્રાહ્મણ હતા અને શાહજહાંના દરબારમાં તેમને સ્થાન મળ્યું હતું. શાહજહાંએ તેમની વિદ્વત્તાથી પ્રસન્ન થઈ પંડિતરાજની પદવી એમને આપેલી. ‘ચિત્રમીમાંસાખંડન’ ‘અમૃતલહરી’, ‘પ્રાણાભરણ’, ‘ભામિનીવિલાસ’, ‘ગંગાલહરી’ વગેરે અન્ય ગ્રન્થો પણ એમણે રચ્યા છે. જ.ગા.