ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂપક
રૂપક : વર્ણવેલાં ચરિત્રોનાં રૂપોને પોતાનામાં આરોપિત કરી નટ રંગભૂમિ પર પ્રદર્શિત કરે છે એ સંદર્ભમાં દૃશ્યકાવ્યના ભેદને ‘રૂપક’ કહ્યો છે. એટલે ધનંજય કહે છે તેમ રૂપનો આરોપ હોવાથી નાટકને ‘રૂપક’ની સંજ્ઞા મળી છે. ભરતે નાટ્યશાસ્ત્રના વીસમા અધ્યાયને ‘દશરૂપવિધાન’ કે ‘દશરૂપવિકલ્પન’ જેવી સંજ્ઞા આપી, એમાં નાટકનાં દશ રૂપ વર્ણવ્યાં છે. રૂપકોના ભેદકતત્ત્વ તરીકે કથાવસ્તુ નાયક અને રસ ગણાય છે. રૂપકોમાં કેટલાંક પ્રધાનરૂપક અને કેટલાંક અપ્રધાનરૂપક કહેવાય છે. ‘સાહિત્યદર્પણ’માં કુલ દશ ભેદો ઉપરાંત અન્ય ૧૮ ઉપરૂપકોનો પરિચય પણ આપ્યો છે. અલબત્ત, નાટક અને પ્રકરણ જેવાં બે પ્રધાનરૂપકને બાદ કરતાં ભાણ, વીથી, પ્રહસન ઇત્યાદિ અન્ય ૮ અપ્રધાનરૂપકોનું કેવળ ઐતિહાસિક મહત્ત્વ છે. સાહિત્યજગતમાં એના નમૂના વિરલ છે ને કેટલાંકના તો નમૂના મળતા જ નથી. રૂપકના દશ ભેદ આ પ્રમાણે છે : નાટકમાં પાંચથી દશ અંકમાં પાંચ સન્ધિ સહિત ઐતિહાસિક પૌરાણિકવૃત્ત વિસ્તરેલું હોય છે. એના કેન્દ્રમાં ધીરોદાત્ત નાયક હોય છે અને એમાં શૃંગાર કે વીરરસનું પ્રાધાન્ય હોય છે. ‘અભિજ્ઞાન શાકુન્તલ’ એનું ઉદાહરણ છે. પ્રકરણમાં પાંચથી દશ અંકમાં પંચ સન્ધિસહિતનું કલ્પિત કથાવસ્તુ હોય છે, જેના કેન્દ્રમાં ધીરપ્રશાન્ત નાયક હોય છે અને એમાં શૃંગારરસની પ્રધાનતા હોય છે. ‘મૃચ્છકટિક’ એનું ઉદાહરણ છે. ભાણમાં એક જ અંકમાં ઓછા અભિનય અને ઝાઝા કથનમાં એકોક્તિથી રજૂ થતું ધૂર્તચરિત્રથી સંબદ્ધ કલ્પિત કથાનક હોય છે. એમાં વીરરસ કે શૃંગારરસની પ્રધાનતા હોય છે. ‘ચતુર્ભાણી’ એક પ્રાચીન સંકલન છે. પ્રહસનમાં એક જ અંકમાં ધૂર્તકામુક પાખંડી પાત્રોનું કલ્પિત કથાનક હાસ્યપ્રધાન હોય છે. ભરતે એના શુદ્ધ અને સંકીર્ણ એમ બે પ્રકાર દર્શાવ્યા છે. ‘મત્તવિલાસ’ અને ‘ધૂર્તસમાગમ’ એનાં પ્રખ્યાત ઉદાહરણ છે. ડિમમાં ચાર અંકમાં વિમર્શ વગરની ચાર સંધિથી રજૂ થયેલું ઇતિવૃત્ત પૌરાણિક હોય છે. ધીરોદાત્ત નાયક અને શૃંગારરસ એનાં મહત્ત્વનાં તત્ત્વો છે. ભરતે ‘ત્રિપુરદાહ’ નામક ડિમનો ઉલ્લેખ કર્યો છે. વ્યાયોગમાં એક જ અંકમાં ગર્ભ અને વિમર્શસંધિ વગર માત્ર ત્રણ સન્ધિથી રજૂ થતાં પૌરાણિક કથાનકમાં ધીરોદાત્ત નાયક કેન્દ્રમાં હોય છે; અને એક જ દિવસની ઘટના નાટકનો વિષય બને છે. ભાસનું ‘મધ્યમવ્યાયોગ’ એનું ઉદાહરણ છે. સમવકારમાં ત્રણ અંકમાં વિમર્શ વગરની ચાર સન્ધિથી રજૂ થતું પૌરાણિક કથાનક વીરરસયુક્ત હોય છે. ઉપાયો અને પ્રયોજનોની અનેકવિધતા એની વિશેષતા છે. ભાસના ‘પંચરાત્ર’ને કેટલેક અંશે સમવકાર કહી શકાય. વીથીમાં એક જ અંકમાં કલ્પિત કથાનક શૃંગારને કેન્દ્રમાં લઈને ચાલે છે. વક્રોક્તિની પ્રધાનતા અહીં ધ્યાન ખેંચે છે. વિશ્વનાથે ‘માલવિકા’ નામની વીથીનો ઉલ્લેખ કર્યો છે. અંકને, કેટલાંક અન્ય રૂપકો પણ એક જ અંકના હોવાથી અને નાટકના એકમ તરીકે પણ ‘અંક’ આવતો હોવાથી વિસ્તારથી ‘ઉત્સૃષ્ટિકાંક’ સંજ્ઞા આપી છે. શોકગ્રસ્ત સ્ત્રીઓના પ્રલાપ, વિલાપ, ગભરાટ વગેરે ક્રિયાઓથી, વિયોગ દ્વારા ઉત્પન્ન કરુણરસ અહીં યુદ્ધવૃત્તાન્તના કેન્દ્રમાં હોય છે. વિશ્વનાથે ‘શર્મિષ્ઠાયયાતિ’નું ઉદાહરણ આપ્યું છે. ઇહામૃગમાં ચાર અંકમાં ગર્ભવિમર્શ વગરની ત્રણ સંધિમાં રજૂ થતા મિશ્ર કથાનકના કેન્દ્રમાં ધીરોદ્ધત નાયક હોય છે. એમાં પ્રતિનાયક દ્વારા થતો છળકપટનો ઉપયોગ મહત્ત્વનો છે. વિશ્વનાથે ‘કુસુમશેખર વિજય’નો ઇહામૃગ તરીકે ઉલ્લેખ કર્યો છે. ચં.ટો.