ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં પ્રેરકબળો

From Ekatra Wiki
Revision as of 11:59, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં પ્રેરકબળો : હેમચન્દ્રાચાર્યથી દયારામ સુધીના ગુજરાતી સાહિત્યને અનેક પ્રકારનાં જીવનબળોએ ઘડ્યું છે. એમાં મોટામાં મોટું પ્રેરકબળ તે સાહિત્યને મળેલો ધર્માશ્રય અને લોકાશ્રય. વળી, એ સમય પણ સર્વત્ર ભક્તિ સંપ્રદાયના ઉદયનો હતો. મધ્યકાળનું પ્રજાજીવન પણ સંપ્રદાયબદ્ધ હતું. આ સ્થિતિમાં પ્રજા અને ધર્મ, સાહિત્યનું જે સ્વરૂપ ઇચ્છે અને સ્વીકારે એ જ અસ્તિત્વમાં આવે અને ટકે એ સહજ છે. કવિઓ ભાગવત, રામાયણ, મહાભારત જેવાં પુરાણોમાંથી કથાવસ્તુ લઈ આખ્યાનોની રચના કરે છે. વળી, પુરાણોમાંથી ભક્તિ અને જ્ઞાનનો બોધ મળતો હતો. આ પરિવેશમાં નરસિંહ, મીરાં, અખો, ભોજો, પ્રીતમ, દયારામ જેવા કવિઓ પદ ભજન ને ગરબીઓની રચના કરે છે. આખ્યાનની રચના દ્વારા પ્રેમાનંદ ભક્તિબોધ કરીને જનમનરંજન કરતાં કરતાં પ્રજાના ધર્મસંસ્કાર જાગ્રત રાખે છે ને પોષે છે. જ્યારે શામળ જેવો કવિ વાર્તાઓ દ્વારા પ્રજાને સંસારનાં ડહાપણ અને આનંદરસની લ્હાણ કરે છે. જોકે આનો અર્થ એમ પણ નથી કે મધ્યકાલીન સાહિત્યમાં મુનશી કહે છે તેમ ઐહિક રસોનું સુકવણું થયું છે. પ્રેરકબળ ધર્મ હોવા છતાં આખ્યાનો, લોકવાર્તાઓ, રાસાઓ, ફાગુઓ આદિનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે. ભલે તેમાં ઓછોવત્તો ધાર્મિક સંદર્ભ રહેલો હોય. ભક્તિસાહિત્ય, ખાસ કરીને કૃષ્ણભક્તિનું સાહિત્ય તો લોકમાનવભાવો, સહજ માનવ-સંવેદનોથી ધબકતું રહ્યું છે. વળી, ‘વસંતવિલાસ’ જેવી રચના શૃંગારરસથી ભરપૂર છે. ‘કાન્હડદે પ્રબંધ’ વીરરસનું ગાન કરે છે અને ‘સ્થૂલિભદ્ર કોશા ફાગ’ જેનું વસ્તુ જૈન પરંપરાનું છે પરંતુ એ શુદ્ધ વિરહકાવ્ય છે. આમ, મધ્યકાળનું સાહિત્ય ધર્માશ્રયી હતું ને તેના જીવનરસો જુદા હતા તેમ છતાં એ જીવનરસથી અનભિજ્ઞ પ્રજાનું સર્જન નથી. મધ્યકાળનું મોટાભાગનું સાહિત્ય કથ્યશ્રાવ્ય પ્રકારનું છે કેમકે તત્કાલીન સમાજમાં લોકશિક્ષણનો અભાવ હતો. ઔપચારિક શિક્ષણવ્યવસ્થા નહિવત્ હતી તેથી એ સમયમાં લોકશિક્ષણની તથા પરંપરાના સાતત્યને નભાવવાની જવાબદારી સાહિત્ય પર આવી પડી હતી. અક્ષરજ્ઞાન અને મુદ્રણકળાના અભાવને કારણે મોટાભાગનું સાહિત્ય પદ્યપ્રધાન રહ્યું છે. જે કંઈ વિચારસંક્રમણ કરવું હોય તે મૌખિક રીતે અને પ્રજાને રસ પડે એ રીતે કરવું પડતું. મૌખિક રીતે કરેલું સંક્રમણ ગદ્ય કરતાં પદ્યમાં હોય તો સ્મૃતિબદ્ધ કરવામાં સરળતા રહે. સાથે સાથે આ સાહિત્યને કંઠોપકંઠ પ્રવાસ કરવાનો હતો તેમાં પણ પદ્ય જ ઉપયોગી થાય. જોકે, આનો અર્થ એમ પણ નથી કે મધ્યકાલીન સાહિત્યમાં ગદ્ય નથી મળતું. ‘વચનામૃતો’ અને ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ના ગદ્યની તો આપણને જાણ છે જ. આ ઉપરાંત સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતીના મૂળગ્રન્થોના બાલાવબોધરૂપ વિચરણ રૂપે ગદ્યસાહિત્ય પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન સાહિત્યની કૃતિઓના વિષયો (વૈરાગ્ય, ભક્તિ, નીતિ, સદાચાર, ગુરુ વગેરે)માં એકવિધતા દેખાવાનું કારણ પણ તેને મળેલો ધર્માશ્રય ને લોકાશ્રય છે. વળી, આ સમયના સારા તેમજ મધ્યમ; બધા જ કવિઓનો હેતુ ભારતીય સંસ્કૃતિનો સનાતન સંદેશ (વૈરાગ્ય, ભક્તિ, ઈશ્વરપ્રાપ્તિની અભીપ્સા) પહોંચાડવાનો છે તેથી પણ વિષયોની પસંદગી અમુક જ દેખાય છે. નાટક જેવું સ્વરૂપ આ સમયમાં દેખાતું નથી કેમકે, ધર્માશ્રય-લોકાશ્રયના પરિવેશમાં નાટકના ઉદ્ભવ-વિકાસની કોઈ તક જ ન હતી. જે સાહિત્ય ઉપલબ્ધ છે તેનો રચનાર કવિવર્ગ વિવિધ ધર્મ અને લોકોના આશ્રયમાં ઊછરતો હતો તેથી પ્રત્યેક ધર્મસંપ્રદાયના કવિઓ અને તે તે ધર્મસંપ્રદાયોની કૃતિઓ મળે છે. તેમાં જૈનધર્મના સાધુઓ, વૈષ્ણવભક્તો, શક્તિના ઉપાસકો, વેદાન્તીઓ, ખોજાકવિઓ, સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ, પારસીકવિઓ એમ કવિઓનું વૈવિધ્ય છે. આમાં જૈનસાધુ કવિઓની સંખ્યા અને જૈનધર્મને કેન્દ્ર કરતી રચનાઓ વધારે છે. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં પંચોતેર ટકા જેટલું જૈનસાહિત્ય છે. તેનું કારણ જૈનકવિઓને ધર્મનો આશ્રય વધારે મળેલો, તેમની પાસે વિશાળ જ્ઞાનભંડારો પણ હતા. ધર્માશ્રયને કારણે દરેક સર્જકનો હેતુ ભક્તિનું ગાન કરવાનો જ હતો. તેથી કૃતિઓને અંતે તેઓ પોતાને ‘ભગત’, ‘દાસ’, ‘ભટ’ તરીકે જ ઓળખાવે છે. આને કારણે લોકસાહિત્ય જેવી સ્થિતિ પણ જોવા મળે છે. કવિપણાની કોઈને સભાનતા નથી તેથી આગળની પરંપરાનો લાભ લેવાનો તેમને સંકોચ નથી. મૌલિકતાનો આગ્રહ નહિવત્ છે. કી.જો.