ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માનસી
Revision as of 12:18, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
માનસી : વિજયરાય ક. વૈદ્ય દ્વારા ૧૯૩૫માં ભાવનગરથી પ્રકાશિત ત્રૈમાસિક. ૧૯૬૦માં પ્રકાશન બંધ થતાં સુધી પ્રભાકર બળવંતરાય મહેતા અને શરદ દવે સહતંત્રી. સર્જન, નિકષ, ધ્વનિ, મંજુષા અને સહયોગી જેવા વિભાગોમાં કવિતા, વાર્તા, નાટક, નિબંધ, વિવેચન ઉપરાંત અન્ય લલિતકલાઓ તથા ઇતિહાસ, ધર્મ-તત્ત્વજ્ઞાન, પર્યાવરણ જેવા વિષયોના અભ્યાસનિષ્ઠ લેખો પ્રગટ કરનારું ‘માનસી’ ગુજરાતી સાહિત્યની અઢી દાયકાની સાક્ષરપ્રવૃત્તિનું પ્રતિબિંબ ઝીલે છે. ‘ગોવર્ધનરામની શૈલી’, ‘પ્રાચીન ભારતીય વસાહતો’, ‘વિવેચનનો આદર્શ’, ‘રંગભૂમિ પરિષદનો અહેવાલ’, ‘મધ્યકાલીન ગુજરાતી’, ‘પૃથ્વી : તેનાં ઇતિહાસ અને હવામાન’ – જેવા લેખો તથા પ્રત્યેક અંકમાંની, સામ્પ્રત સાહિત્યિક ઘટનાઓ વિશેની તંત્રીની તીખી નુકતેચીની એ ‘માનસી’ની લાક્ષણિકતા હતી. ર.ર.દ.