ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લાગણીમય વિચાર
Revision as of 12:36, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
લાગણીમય વિચાર : રા.વિ. પાઠકે કાવ્યના શબ્દાર્થયુગલની ચર્ચા કરતાં કરતાં ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’(પૃ. ૧૧૦)માં સૂચવ્યું છે કે છૂટા છૂટા શબ્દના અર્થ સાથે, વાક્યના અર્થ સાથે, વાક્યોચ્ચયના અર્થ સાથે, વ્યંગ્યાર્થ સાથે એમ વિશાળ અર્થમાં કાવ્યના અર્થને વિચાર સાથે સંબધ છે. વિચાર પણ કાવ્યનું ઉપાદાન છે. પણ સાથે સ્પષ્ટ કર્યું છે કે કાવ્યાર્થમાં એકલો વિચાર ન આવી શકે. બ. ક. ઠાકોરની વિચારપ્રધાન કવિતાની વ્યાખ્યાને પણ પરિષ્કૃત કરતા હોય એ રીતે રા. વિ. પાઠક કહે છે કે કાવ્ય લાગણીમિશ્ર વિચારને પ્રગટ કરે છે. એમને મતે વિચાર અને લાગણી બે જુદી વસ્તુઓ નથી. કાવ્યનું સૂક્ષ્મ ઉપાદાન લાગણીમય વિચાર અથવા વિચારનિષ્ઠ લાગણી છે.
ચં.ટો.