ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હરિવંશી સંપ્રદાય
હરિવંશી સંપ્રદાય : રામાનુજથી શરૂ થયેલી વૈષ્ણવ પરંપરામાં વિષ્ણુ અને તેના ચોવીસ અવતારોમાંથી શ્રીકૃષ્ણકેન્દ્રી ઉપાસના શરૂ થઈ. શ્રીકૃષ્ણ સાથે રાધાનો યોગ થયો અને માત્ર રાધા-કૃષ્ણની આરાધના કરતા અનેકવિધ સંપ્રદાયો આવિર્ભાવ પામ્યા. આવા સંપ્રદાયોમાં હરિવંશી સંપ્રદાય, જેને હિત હરિવંશી અથવા રાધાવલ્લભી સંપ્રદાય તરીકે પણ ઓળખે છે, વૃંદાવનમાં સ્થિર થયો. આ સંપ્રદાયના સ્થાપક હિતહરિવંશજીનો જન્મ સાંપ્રદાયિક માન્યતાનુસાર વિ.સં. ૧૫૫૯ના ચૈત્ર સુદી એકાદશીએ મથુરાની બાજુના બાદગાંવમાં થયો હતો. કહે છે કે ખુદ રાધાજીએ એમને સંપ્રદાય સ્થાપવાની પ્રેરણા આપી હતી અને વિ.સં. ૧૫૮૨(ઈ.સ. ૧૫૨૬માં) વૃંદાવનમાં રાધાવલ્લભની પ્રતિમાનું સ્થાપન કરી આ સંપ્રદાયની સ્થાપના કરેલી. માત્ર ભક્તિ અને એમાં પણ પ્રેમલક્ષણાભક્તિને પ્રાધાન્ય આપતા આ સંપ્રદાય પાસે પોતાનું દાર્શનિક સાહિત્ય નહિવત્ છે જ્યારે રાધાકૃષ્ણની કુંજલીલાનું વર્ણન કરતું લલિતસાહિત્ય વિશાળ છે, જેમાં સ્થાપક હિતહરિવંશરચિત ‘હિત-ચૌરાસી’ અને અન્ય માધુરીભાવની રચનાઓ છે. આ સંપ્રદાયમાં માત્ર સંયોગ-સુખની લીલાનો સ્વીકાર હોવાથી સ્વકીયા, પરકીયાના ભેદ નથી તેમજ વિરહગાન પણ નથી. સતત મિલન, જેને પ્રેમાદ્વૈત કહે છે, એના સંકીર્તનની મસ્તી અને ઉત્કટતા, હરિવંશી સંપ્રદાયની અન્ય વૈષ્ણવ સંપ્રદાયોથી જુદી પડતી વિશિષ્ટતા છે. ન.પ.