ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વેણીસંહાર

From Ekatra Wiki
Revision as of 12:18, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વેણીસંહાર : મૃગરાજલક્ષ્મ ઉપાધિધારી ભટ્ટનારાયણ (૮૦૦ પૂર્વે)ની છઅંકી આ નાટ્યકૃતિ એ મહાભારતની કથાને વીરરસભરી ઘટનાઓમાં ગૂંથવાનું સાહસ છે. ધીરોદ્ધત નાયક ભીમ દ્વારા દ્રૌપદીના ચોટલાને દુર્યોધનના લોહીથી સીંચીને ગૂંથવાનો પ્રસંગ એમાં કેન્દ્રસ્થાને છે. કૃષ્ણની વિષ્ટિની નિષ્ફળતાથી માંડીને દ્રૌપદીની વેણી(ચોટલા)ને ગૂંથવા સુધીના પ્રસંગો એમાં વિકસેલા છે. ઓજસ્વી ભાષા, ધારદાર સંવાદો અને ગૌડી શૈલીની કર્કશતા ધ્યાનાકર્ષક છે. યુદ્ધનાં વીર-ભયાનક-બીભત્સરસભર્યાં વર્ણનો, કેટલાક પ્રસંગોનું રસપ્રદ આલેખન, બોલચાલની તરેહોથી ઊપસતી વ્યંજના, અંતિમ અંકમાં રહસ્યનું તત્ત્વ ઊભું કરવા દુર્યોધનના રાક્ષસમિત્ર ચાર્વાકના નવા પ્રસંગનું ઉમેરણ, અશ્વત્થામાના સંઘર્ષની અસરકારક રજૂઆત, તેજસ્વી પાત્રોનું ગૌરવ વગેરે એનાં જમા પાસાં છે. વીરરસની પ્રભાવોત્પાદકતા, છંદપ્રભુત્વ, વક્રોક્તિઓ અને પતાકાસ્થાનો નાટ્યકર્મની કુશળતા પ્રગટ કરે છે. છતાં કંટાળાજનક સંવાદો, વર્ણનોથી અટકતો કાર્યવેગ, કાવ્યતત્ત્વનો અતિરેક; અનુચિત શૃંગારરસ, પાત્રોની આપવડાઈઓ-ખામીઓ એને પ્રથમ કક્ષાની કૃતિ થતાં અટકાવે છે. હ.મા.