ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સરસ્વતીકંઠાભણ
સરસ્વતીકંઠાભરણ : ભોજરચિત સંસ્કૃત અલંકારશાસ્ત્રનો પ્રસિદ્ધ ગ્રન્થ. એમાં, પાંચ પરિચ્છેદમાં વિભાજિત ૬૪૩ કારિકાઓ અને ૧૫૦૦ શ્લોક દ્વારા કાવ્યદોષ, ગુણ, અલંકાર, રસ ભાવ, વૃત્તિ અને ચતુર્વિધ નાટ્ય-સંધિઓની સમતોલ મીમાંસા થઈ છે. ગ્રન્થના પહેલા પરિચ્છેદમાં કાવ્યપ્રયોજન, કાવ્યલક્ષણ, કાવ્યના પ્રકારો, ૧૬ પદ દોષ, ૧૬ વાક્યદોષ, ૧૬ વાક્યાર્થદોષ તથા ૨૪ શબ્દગુણ અને ૨૪ વાક્યાર્થગુણનું નિરૂપણ થયું છે. તો, બીજા પરિચ્છેદમાં ૨૪ શબ્દાલંકાર, ત્રીજા પરિચ્છેદમાં ૨૪ અર્થાલંકાર અને ચોથા પરિચ્છેદમાં ૨૪ શબ્દાર્થાલંકારની સોદાહરણ ચર્ચા છે. નાટ્યકલાને લગતા પાંચમા પરિચ્છેદમાં રસ, ભાવ, નાયક અને નાયિકાના પ્રકાર તેમજ પેટાપ્રકાર, તેની વિશેષતાઓ, મુખ-પ્રતિમુખ નાટ્યસંધિઓ તથા ભારતી, કૈશિકી વગેરે ચતુર્વિધ વૃત્તિઓનું વિવેચન છે. ગ્રન્થના વર્ણ્યવિષયના સમર્થન માટે ભોજે વ્યાસ, વાલ્મીકિ, ભરત, ભામહ તેમજ કાલિદાસ, ભવભૂતિ અને બાણ આદિના શ્લોકની દૃષ્ટાંતરૂપ સહાય લઈ શાસ્ત્રીય કાવ્યાલંકાર-મીમાંસાની એક દૃઢમૂલ ભૂમિકા રચી છે. ર.ર.દ.