ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રામચરિતમાનસ

From Ekatra Wiki
Revision as of 12:20, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રામચરિતમાનસ : હિન્દી સાહિત્યમાં જ નહીં પણ વિશ્વસાહિત્યમાં સ્થાન પામેલું તુલસીદાસનું મહાકાવ્ય. બોલચાલની અવધીના સાહિત્યિક રૂપને, ક્યાંક ક્યાંક વ્રજભાષાની છાંટને અને લોકપરંપરાની રચનાપ્રયુક્તિઓને પ્રગટ કરતા આ મહાકાવ્યનું ઉત્તરભારતના જનમાનસમાં અનન્યસ્થાન છે. ૧૫૭૪માં શરૂ થઈ, ૧૫૭૯માં વારાણસીમાં એ પૂરું થયું હતું. બાલ, અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા, સુંદર, લંકા અને ઉત્તર એમ સાત ખંડોમાં રામજન્મથી માંડીને લંકાવિજય તેમજ રાજ્યાભિષેક સુધી રામકથા એક રીતે જોઈએ તો અહીં આદર્શોના સંઘર્ષની કથા બની છે. એ મુખ્યત્વે ચોપાઈબંધમાં રજૂ થઈ છે, ક્યાંક ક્યાંક દોહા-સોરઠા, ક્યાંક હરિગીત કે સંસ્કૃત વૃત્તોનો પણ એમાં ઉપયોગ થયો છે. વાલ્મીકિ રામાયણ, અધ્યાત્મ રામાયણ, પ્રસન્નરાઘવ, હનુમન્નાટક, ગર્ગસંહિતા વગેરે ગ્રન્થોનો એમાં આધાર લેવાયો છે. કવિના સ્વાન્ત : સુખ માટે લખાયું હોવા છતાં અહીં સમાજ અને સંસ્કૃતિને પુન :પ્રાણિત કરવાનો ઉપક્રમ છે. આદર્શવાદી વલણ છતાં સામાજિક વાસ્તવનો ખ્યાલ વિસારે નથી પડાયો. શાસ્ત્રબુદ્ધિ અને સામાજિક વ્યવહારુ ડ્હાપણ-બંનેને ખપમાં લેવાયાં છે. આથી અહીં મનુષ્યની નિર્બળતાનો ઉપહાસ થયો નથી, પણ એ અંગેની કરુણાસભર સમજ વ્યક્ત થઈ છે. કથાનક, પરશુરામ-લક્ષ્મણ, કૈકેયી-દશરથ, ભરત-રામ, અંગદરાવણ વગેરેના નાટ્યાત્મક સંવાદોથી, બહુપરિમાણી ચરિત્રોથી અને જીવંત રૂપકોથી સજીવ થયું છે. આથી અહૃદયવર્ગ અને લોકસંપ્રદાય બંનેને આ મહાકાવ્ય એકસાથે આકર્ષી શકે છે. ચં.ટો.