કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨. રહસ્યઘન અંધકાર
Revision as of 07:28, 13 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. રહસ્યઘન અંધકાર|}} <poem> નાની મારી કુટિર મહીં માટી તણી દીવડી...")
૨. રહસ્યઘન અંધકાર
નાની મારી કુટિર મહીં માટી તણી દીવડીનાં
આછાં તેજે મધુરપ લહી’તી બધી જિંદગીની,
ને માન્યું’તું અધૂરપ કશીયે નથી, હું પ્રપૂર્ણ.
ત્યાં લાગી કો જરીક સરખી ફૂંક, દીવી બુઝાઈ,
છાઈ મારાં સ્ફુરિત બનિયાં લોચને ધૂમ્રલેખા,
ને ઝીણી કો જલન સહ ત્યાંથી ઝરે અંધકાર.
એને સીમા નથી અતલ ઊંડાણ એનાં કશાં રે!
દીવાતેજે નયન બનિયાં અંધ, તે અંધકારે
ન્યાળે છે કો નિરાળું અમિત કરુણાથી ભરેલું રહસ્ય.
(સંકલિત કવિતા, પૃ. ૪-૫)