કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૩૩. કેવડિયાનો કાંટો
Revision as of 09:15, 13 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩. કેવડિયાનો કાંટો|}} <poem> કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વ...")
૩૩. કેવડિયાનો કાંટો
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
(સંકલિત કવિતા, પૃ. ૩૧૩)