કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૬. ભોમિયા વિના
/૬. ભોમિયા વિના
કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર
<poem> ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા, જંગલની કુંજ કુંજ જોવી ફરી; ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા, અંતરની આંખડી લ્હોવી જરી.