કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૦. પર્યાવરણ

From Ekatra Wiki
Revision as of 11:59, 14 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૦. પર્યાવરણ|}} <poem> (ત્રણ ઉક્તિ-કાવ્યો) ૧ ટેકરી આખાયે ઢોળાવ પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૦. પર્યાવરણ

(ત્રણ ઉક્તિ-કાવ્યો)


ટેકરી

આખાયે ઢોળાવ પર હતાં
નાનાંમોટાં ઝાડવાં,
વાંકાં-ચૂકાં થડ-ડાળખાં,
ઝીણાં મોટાં પાંદ, આછી-ઘેરી છાંય.
મથાળાની દેરીએ લોક આવતું-જતું
ચડતું-ઊતરતું.
મળી રહેતો છાંયો, મળી જતો પોરો;
ઝાઝો નહીં તો થોડો.
ક્યાંક વીંટાતા દોરા-ધાગા,
ક્યાંક ચડાવાતી ચૂંદડી લાલ-પીળી;
ક્યાંક વળી પથ્થરો ગોઠવીને દેગ ચડાવતું લોક.
હવે બધુંયે ઉજ્જડ.
નહીં એકે ઝાડ કે પાંદડું,
નહીં ઘાસચારાનું તણખલું.
બકરાં-કૂતરાંએ ઢૂકતાં નથી હવે.
કાળીબંજર ભોંયની વચ્ચે ઊભી છું
ક્યારેક કો’ક આવીને ખોદી ખાય તેની રાહમાં…


નદી

અડખે પડખે
આઘે ને પાસે ઊભાં છે
સાવ બોડા ડુંગરા ડુંગરી ને ટેકરીઓ.
વાદળાં ગગડે ને મૂંઝાઈ મરું છું
મનમાં ને મનમાં.
હમણાં ડહોળાં ડહોળાં પાણી ભેળી તણાઈ આવશે
થોકબંધ ધૂળ-માટી ને કોલસી
ને કેટલોયે કૂડો-કચરો.
માટીને વળગીને પકડી રાખનારાં મૂળિયાં
ક્યાંય રહ્યાં નથી નામનાંયે;
ત્યાં ઝાડપાનની તો વાત ક્યાં કરવી?
વરસોવરસ પુરાતો જાય છે પટ.
વરસો પહેલાંના લીસા સુંવાળા ને રંગરંગી કાંકરા
તો ધરબાઈ ગયા છે ક્યાંય ઊંડે… ઊંડે… ઊંડે…
ચડી ગયા છે થર ઉપર થર ઉપર થર
ધૂળ ને કોલસીના.
વાદળાં ગગડે ને કંપું છું થર થર થર થર…
નથી રહ્યો એકેય ધરો
જે રહેતો ભર્યો ભર્યો આખું વરસ.
હવે તો સહેજમાં છલકાઈ જાઉં છું
ને વેરી દઉં છું તબાહી આખા મુલકમાં.
માતા ગણીને લોક કાંઠે વસ્યું’તું ને કરતું’તું પૂજા
એ બધુંય મરી પરવાર્યું.
હવે તો સહેજમાં છલી જાઉં છું; ને છળી જાઉં છું…
પછી આખુંયે વરસ વેઠું છું તરસ.
ખુદ તરસે મરું; ને એથીયે વધુ લાજી મરું,
એક પાતળી ઝીણી સરવાણીયે
હવે વહી શકતી નથી…


વગડો

આટલો ભેંકાર તો હું ક્યારેય નહોતો.
આવળબાવળની કાંટ્યમાં
દોડતાં રહેતાં સસલાં ને શિયાળ,
બપોરે બોલતો હોલો
ને રાતે ઘુવડ ને ચીબરી,
ખુલ્લા આકાશમાં ચકરાવા લેતાં ગીધ ને સમળા,
પણ શુંયે થયું છે હમણાં હમણાં
કે ઉચાળા ભરી ગયું છે જીવતું જણેજણ;
ને જે અહીં વળગીને રહ્યું એય મરી પરવાર્યું સાવ.
હવે તો તમરાંયે બોલતાં નથી.
આડો ને ઊભો વહેરાઈ-વેતરાઈ ગયો છું
કાળી કાળી ડામરની સડકોથી.
ઝંખું છું ઢોરની ખરીઓની છાપને;
ઝંખું છું ચૈડ-ચૂં કરતા જોડા
ને ફૂમતાળી મોજડીની હરફર;
પાવાના સૂર ને ગાણાંના વીંજણા
ઝંખું છું રાત ને દિવસ.
પણ ઊડી ઊડીને આવે છે ઊકળતા વાયરા
કાળી કોલસી ને ધોળી રાખ…
આખોયે કાબરચીતરો થઈને પડ્યો છું.
જાણે કોઈ આજાર, અશક્ત, કોઢિયો હબશી.
આ ઝાડપાન, જીવજંત ને નદી-નાળાં
તો મરી પરવાર્યાં સાવ;
પણ મારે તો મોતનાંય છેટાં છે!
(જળમાં લખવાં નામ, પૃ. ૧૯૫-૧૯૭)