કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/કવિ અને કવિતાઃ હરિકૃષ્ણ પાઠક

From Ekatra Wiki
Revision as of 10:25, 15 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કવિ અને કવિતાઃ હરિકૃષ્ણ પાઠક

હળવી શૈલીમાં નર્મ-મર્મ પ્રગટાવનાર કવિ હરિકૃષ્ણ પાઠકનો જન્મ તા. ૫-૮-૧૯૩૮ના રોજ બોટાદમાં. વતન ભોળાદ. માતાનું નામ મોંઘીબા હરિશંકર ભટ્ટ. પિતા રામચન્દ્ર જયંતીલાલ પાઠક. એમનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ બોટાદમાં. ૧૯૫૬માં મૅટ્રિક. ૧૯૬૧માં બી.એસસી. થઈ સોનગઢ (જિ. ભાવનગર)માં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૬૩માં તેઓ ગુજરાત રાજ્યના સચિવાલયમાં મદદનીશ તરીકે જોડાયા, પછીથી વિભાગીય અધિકારી, નાયબ સચિવ અને ૧૯૯૬માં સચિવ તરીકે નિવૃત્ત થયા. ઘસાઈને ગુજરાતી સાહિત્ય પરિષદનું કામ કરનારા ને પરિષદનું હિત જોનારા-જાળવનારા ખૂબ ઓછા છે, હરિકૃષ્ણ પાઠક એમાંના એક. પરિષદમાં વહીવટી મંત્રી તથા ઉપપ્રમુખ તરીકે એમણે સેવાઓ આપી છે. નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૯૭) તથા નરસિંહ મહેતા એવૉર્ડ (૨૦૧૩)થી તેઓ સન્માનિત થયા છે. ‘સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪), ‘અડવાપચીસી’ (૧૯૮૪), ‘જળના પડઘા’ (૧૯૯૫), ‘રાઈનાં ફૂલ’ (૨૦૦૪), ‘ઘટના ઘાટે’ (૨૦૦૯), ‘જળમાં લખવાં નામ’ (સમગ્ર કવિતા, ૨૦૧૦), ‘સાક્ષર બોતેરી’ (૨૦૧૧) તથા ‘અવધિ’ (૨૦૨૦) જેવા કાવ્યસંગ્રહો એમની પાસેથી સાંપડ્યા છે.


પ્રશ્નોરા નાગર પરિવારમાં જન્મ. જ્ઞાતિની લાક્ષણિકતાઓનો વારસો એમની હળવી શૈલી તથા વ્યંગ-વિનોદસભર વાણીમાં ઉજાગર થયો છે. પિતા રામચન્દ્ર પાઠકના મધુર કંઠે ગવાતા સ્તોત્રોથી ઘર ગુંજતું. પરંપરા, ધાર્મિક વાતાવરણ, પરિવારના સંસ્કાર, છંદ-લય, ભજનના લોકઢાળ… બધું શિશુ હરિકૃષ્ણના ચિત્તમાં રોપાતું રહેતું. ઘરમાં ‘બૃહદ્સ્તોત્રરત્નાકર’નો ગુટકો. એમાંનાં ઘણાં સ્તોત્ર તેઓ ગાતા અને જાણે-અજાણે ચિત્તમાં છંદ ઘૂંટાતા રહેતા. પિતાજી વિવિધ સામયિકોમાંથી બાળકોને જચે, પચે, આનંદ આપે તેવું વાંચી સંભળાવતા. આમ સાહિત્યરુચિનાં બીજ એમના શિશુચિત્તમાં રોપાતાં ગયાં. શાળામાં મોહમ્મદ માંકડ તથા અંબાલાલ સોમાણી જેવા શિક્ષકો મળ્યા. તેમની પાસે તેઓ લાડ કરીને વાર્તાઓ કહેવડાવતા. પારણાંનાં હાલરડાં, શેરીની રમતોનાં જોડકણાં-બોલકણાં, લય-પ્રાસની ગમ્મત અને પ્રાસાદિકતાં એમની શિશુચેતનામાં રસાતાં રહેલાં. ૧૯૬૧-૬૨માં તેઓ સોનગઢમાં શિક્ષક તરીકે જોડાયા ત્યારે તેમણે પહેલા પગારમાંથી, ચિત્રકળામાં રસ હોવાના કારણે ‘કુમાર’નું લવાજમ (રૂ. ૯/-) ભરેલું. પણ પછી તો કવિતાનો રંગ લાગ્યો, નાદ જાગ્યો. શિક્ષકની નોકરી છોડી તેઓ અમદાવાદમાં સચિવાલયમાં જોડાયા ત્યારે કવિતાનો આ નાદ એમને ‘કુમાર’ની બુધસભામાં લઈ ગયો. (૧૯૬૫). બુધસભામાં એમને ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી, લાભશંકર ઠાકર, રાવજી, ધીરુ પરીખ, માધવ રામાનુજ જેવા મિત્રો મળ્યા. ને એમની કવિતાને જાણે વસંત બેઠી.





કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકને યાદ કરતાં જ યાદ આવે –
‘ઊણાં-અધૂરાં મેલી કામ,
ભાઈ, મારે જળમાં લખવાં નામ.
… … …
… … …
‘ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે
ઠરવા નહીં કોઈ ઠામ,
તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ, મારે જળમાં લખવાં નામ.’


‘નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન,’


‘જળના પડઘા પડ્યા કરે
સ્થળકાળથી પાર વિસ્તરે.’


‘હૈયું ચૂક્યું થડકારો – જ્યાં આંખ બે ઢળી ગઈ,
જળની ઝીણી મહેક તો મારા મનને હરી ગઈ.’


‘પાંખો ફૂટી રહી છે વૃક્ષોની ડાળ ડાળે,
તરણું કળી રહ્યું છે; જંગલ કદાચ ઊડે.’


‘તડકા-છાંયા આગળ-પાછળ ફરતા રહેતા;
એ જ વાયરા વાય, બાંકડે બેઠો છું.’


‘હળુ ઠેસે હાલે. હરફર થતો શ્વાસ – હમણાં
મને ઘેરી લેશે ઘર ભર્યું ભર્યું…
જાઉં ઝબકી!
બધું વેચી આવ્યો… હવડ ઘરનું શુંય કરવું?’


‘થોડો-શો ભાવભીરુ છે, થોડો છે અળવીતરો;
રંગ-મેળવણી એવી – કેમે ના જાય ચીતર્યો.’

બાલ્યવય, કિશોરવય, ઘર, વતન, ગામ, વગડો, જળ, વૃક્ષ, પ્રકૃતિ… બધું આ કવિએ ભરપૂર માણ્યું છે. ‘શબ્દસૃષ્ટિ’ના વિશેષાંક – ‘કવિતા અને હું’માં એમણે કેફિયત આપતાં નોંધ્યું છે – ‘નાનપણથી હું પણ કંઈક અપ્તરંગી, થોડો તોફાની અને કલ્પનાલોકમાં વિહરનાર હતો. માટીનું, દેશી નળિયાંનું, ગારના લીંપણવાળું અમારું મેડીબંધ ઘર હતું. છાપરામાંથી ચળાઈને આવતાં ચાંદરણાં ગાર લીંપેલી ભોંય પર પડે અને તેમાં ધ્યાનથી જોઉં તો આકાશમાં વિહરતાં વાદળાંની ઝાંય સરતી દેખાય. મેડીની ઓસરીના છાપરા પર પડતી બારીમાં બેસીને આકરા તાપમાં તપતું ફળિયું જોયા કરું, તો વળી ચોમાસામાં નેવાંની ધારથી છલી ઊઠતું એ જ ફળિયું જોઉં, તેમાં એકઠું થઈ મોટા ધોરિયા રૂપે વહેતું પાણી ડેલા પાસેના ખાળિયામાંથી ધડધડાટ વહેતું હોય તે સાંભળ્યા કરું અને કલ્પના કરું કે હવે તો આ પાણીથી જ ગામની નદી અને તળાવ પણ છલકાઈ જશે!’ એ પાણીના પડઘા એમની કવિતાઓમાં વારંવાર પડતા રહ્યા છે ને એ જળની ઝીણી મહેક એમની કવિતામાં વહેતી રહી છે. ઘર-વતન-ગામ-વૃક્ષ-વગડોનાં શબ્દચિત્રો-કાવ્યચિત્રો એમનાં કાવ્યોમાં વારંવાર ઉઘાડ પામતાં રહ્યાં છે. ઘર-વતન-ગામનાં મૂળિયાં તથા પર્યાવરણ ખોયાની પીડા તારસ્વરે એમની કવિતામાં સારંગીની જેમ બજ્યા કરે છે. ‘પર્યાવરણ’નાં ઉક્તિકાવ્યોમાંથી ‘ટેકરી’ની શરૂઆતનો Landscape જુઓ – કોઈ ચિત્રકારે જાણે હમણાં જ વૉટર-કલરથી કામ કર્યું ન હોય! – (ચિત્રકળામાંનો એમનો રસ કાવ્યોમાં સંવેદન-ચિત્રો આલેખવામાં ખપ લાગ્યો છે.) —

‘આખાયે ઢોળાવ પર હતાં
નાનાંમોટાં ઝાડવાં,
વાંકાં-ચૂકાં થડ-ડાળખાં,
ઝીણાં મોટાં પાંદ, આછી-ઘેરી છાંય.
મથાળાની દેરીએ લોક આવતું-જતું
ચડતું-ઊતરતું.’
પરમ આત્મસંતોષ ઘૂંટતું ગીત ‘ઠીબનાં પાણી’માંનું સાવ ઓછી રેખા થકી સાંપડતું સુંદર લયાત્મક કાવ્યચિત્ર જોઈએ –
‘કોતર-કાંઠા બેટ કે ભાઠાં કોઈ નહીં અસબાબ,
ઢળતું માથે છાપરું, ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ.
નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી,
આ તો ઠીબનાં પાણી.’

માથે ઢળતું છાપરું ને ઝૂકતી ડાળખી તો ચિત્રની ફ્રેમની અંદર રહે છે, પણ ‘ચાંગળું તરે આભ’ – ‘તરે’ ક્રિયાપદ થકી ફ્રેમ ઓળંગીને વિસ્તરે છે ને નેહની લ્હાણી કરે છે. ચિત્રકળા ઉપરાંત નાનપણથી જ એમને કાર્ટૂનમાં વિશેષ રસ હતો, એમની ઝંખના તો કાર્ટૂનિસ્ટ થવાની હતી. એક ‘જાગતા નાગરિક’ તરીકે શેહ-શરમ વિના તેઓ સાચો અવાજ ઉઠાવતા રહ્યા. એ અવાજ આપણને એમનાં વ્યંગ-કટાક્ષકાવ્યોમાં તારસ્વરે સંભળાય છે. કાર્ટૂનિસ્ટ થવાની એમની ઝંખના એમનાં હળવી શૈલીનાં વ્યંગ-વિનોદકાવ્યોમાં ખીલતી જણાય છે. એમની ભીતર રહેલ કાર્ટૂનિસ્ટ ‘અડવા પચીસી’, ‘રાઈનાં ફૂલ’માં બરાબર ખીલ્યો-ખૂલ્યો છે ને નર્મ-મર્મ સાથે ઝીણી-જાડી રેખાઓ થકી બરાબર નિશાન તાક્યાં છે. આ બે સંગ્રહો વિશે ‘જળમાં લખવાં નામ’ના નિવેદનમાં કવિએ યોગ્ય રીતે નોંધ્યું છે: ‘હાસ્ય-કટાક્ષની પરંપરા જાળવતા આ બંને સંગ્રહોની કવિતામાંયે ભિન્નતા તો હતી જ. ‘અડવા પચીસી’માં માણસની ભીતર ઝાંકીને તેની તમામ મર્યાદાઓ અને અળવીતરાઈઓ સાથે તેને ચાહવાનું વલણ રહ્યું, તો ‘રાઈનાં ફૂલ’માં માણસનું બાહ્ય પ્રવર્તન, તેની ધીટતા, દંભ અને વાણી-વિલાસ કે વર્તન દ્વારા સર્જાતાં અન્યાય અને અતિરેકો સામે અવાજ ઉઠાવવાનું બન્યું. એક અર્થમાં ‘રાઈનાં ફૂલ’ની કવિતા એ ‘વળતા વાર’ની કવિતા હતી છતાં એ તીખાં અને તૂરાં ફૂલ હતાં તો કવિતાનાં જ.’ ‘સાક્ષર બોતેરી’માં સાક્ષરોની વિલક્ષણતા હળવી શૈલીમાં દર્શાવાઈ   છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂરજ કદાચ ઊગે’ના નિવેદનમાં એમણે લાઘવપૂર્વક નોંધ્યું છે : ‘થોડી બાલચોાલની ભાષાનો લય અને છંદ, છોડાં ઘરગથ્થુ ભાવકલ્પનો ને પ્રતીકો ને ક્યારેક વહી આવતો શબ્દ. એક ભરી ભરી સૃષ્ટિ કાયમ ખોઈ રહ્યો છું તેવી સતત થતી લાગણી.’

‘સ્વપ્નવત્ થઈ ગયેલું મોસાળનું ગામ ને ખોવાઈ ગયેલું વતન.’ સ્વજનો અને મિત્રો વચ્યેય થઈ આવતી એકાકીપણાની તીવ્ર લાગણી… ને આ બધાંની ઓતપ્રોત વહેતી મારી એક આંતર-વ્યથા.’ વ્યંગ-વિનોદની પાછળ આંતર-વ્યથા, પીડાની ધારા આ કવિમાં સતત વહેતી રહી છે. એમણે ‘પીડના દુહા’ આપ્યા છે એમાં કહ્યું છે :

‘પીડ ખરી એ જાણવી જે મૂગું કોરી ખાય,
ભીતર શારે શારડી, ને બહાર કશું ન કળાય.’
તો, એક ગીતમાં તેઓ કહે છે –
‘અમને પડ્યા પીડના હેવા
અંગ-ઉધાર લીધી છે, દૂજો કેમ ચૂકવે દેવાં?
અમને પડ્યા પીડના હેવા!’
અસહ્ય પીડાનો તેમજ કોઈ પણ પરિસ્થિતિનો તેઓ સ્વીકાર કરી શકે છે. સાક્ષીભાવના આ સ્વીકારની ગઝલ – ‘ભલે’ તથા ‘બાંકડે બેઠો છું’ યાદ આવે. ‘ભલે’માં એક લસરકે કેવું રેખાંકન રચાય છે, જોઈએ   –

‘આ હાથ ઉપર માથું મૂક્યું,
ને માથા ઉપર હાથ; ભલે.’


‘આ પોઢેલાં પાણીમાં પેઠો
પાછો ઝંઝાવાત; ભલે.’
એમની ગઝલોમાં હળવા વ્યંગ-ચાબખાય મળે. હળવી ગઝલો અને દોહા પર આ કવિની હથોટી છે. ઉદાહરણ જોઈએ –
‘ગઝલ ગાઈ નાખી તો એની તુમાખી,
ને ખિસ્સામાં રાખી તો એની તુમાખી.


ગઝલ શું ધા નાખે છે?
‘આ દાદના ધખારાથી બ્હાર મને કાઢો,
આ છીછરા દુબારાથી બ્હાર મને કાઢો.


‘બે વાત મારે ઊંચી કહેવી છે નજાકતથી,
આ ઢોલ ને નગારાથી બ્હાર મને કાઢો.’


મહેનત-મઝદૂરી કર્યે કોઈ ન દેતું ધ્યાન;
વીંઝો કેવળ મ્યાન, ભલા ભલા ચોંકી જતા.


‘અંતે અડવાને કશો સૂઝી ગયો ઉપાય,
પવન જેમનો વાય, મોઢું એમ ઘુમાવવું.’
આંતર-વહેણમાં પીડા સતત વહેતી હોય અને કવિમુખ વ્યંગ-વિનોદ થકી મરક મરક થતું રાખવું એ સહેલું નથી. અંદર અધ્યાત્મ ઝળહળતું હોય તો જ આ શક્ય બને, તો જ બધી પરિસ્થિતિ તથા બધા જ માણસનો સહજ સ્વીકાર થઈ શકે. આ ગીતમાં આ કવિ ઢળતી વયનો કેવો સહજ સ્વીકાર કરે છે! —
‘વળતાં પાણી ને વળતી જાતરા
એમાં ઓછું-અદકું શું લગાર?
… … …
… … …
હરિએ હૈયારી ઝીણી જોગવી
ભીતર કાઢવી રે ભાળ.
– વળતાં પાણી.’
આ કવિની ભીતર ઝીણી દીવડી સતત ઝગતી રહી છે, એમની ભીતર ભગવો ભર્યો પડ્યો છે –
‘એક ઘૂંટમાં ઘટમાં ખૂલે
પળનો પારાવાર,
બીજી ઘૂંટે પલકમાત્રમાં
શૂન્ય થાય સાકાર.
ઓગમ-ચોગમ અંદર-બાહિર
અમને ઊંડો ભેદ જડ્યો છે.
– ભીતર ભગવો ભર્યો પડ્યો છે.’

ભીતરનો ગેરુ રંગ એમની ભજનરંગી ઘણી કૃતિઓમાં ઘૂંટાતો પમાય છે. જેમ કે, ‘ઢળતી રાતે’, ‘માળો બાંધીને’, ‘ભણકારા ભાંગીને’, ‘કળીએ કપાણો’, ‘વરી હું…!’ આ કવિને આનંદી છોળથી ભીંજવે એવો ‘ઠેઠનો ઠેલો!’ મળ્યો છે. આથી જ તો બાવનબારાની ભાળ લાધી છે ને ‘મરમી વાણીના મરોડ’માં ‘સૂરનાં અંધારાં’ ગળે છે ને એમાં ‘પરોઢના ઉઘાડ’ ભળે છે, ને ‘સતને ઓવારે’ ઠરે છે ઠામ ને જળમાં લખાયા કરે છે નામ… ગીત, ગઝલ, સૉનેટ, છાંદસ, અછાંદસ બધાં સ્વરૂપોમાં આ કવિએ કામ કર્યું છે. બોલચાલની ઘરેલુ ભાષા પ્રયોજીને વિવિધ છંદો પાસેથી એમણે અત્યંત સહજતાથી ભાવપૂર્વક, સંવેદનપૂર્વક કામ લીધું છે. શિખરિણી, મંદાક્રાન્તા, અનુષ્ટુપ, હરિણી, વસંતતિલકા, પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત, કટાવ, મનહર, વંશસ્થ, સવૈયા, ઉપજાતિ, વનવેલી, પરંપરિત હરિગીત વગેરે છંદો તથા સોરઠી દુહા આ કવિની કલમમાંથી સહજ ફૂટે છે. ઘર-વતન-પ્રકૃતિ માટેનો પ્રેમ, માણસનું અડવાપણું તથા અવળચંડાઈ સ્વીકારીનેય એને ચાહવો, કોઈ પણ પરિસ્થિતિનો સ્વસ્થ સ્વીકાર કરીને સાક્ષીભાવે જગતને જોવું, પીડના હેવા પડે તોયે શબ્દ અને શબદના ટેકે ફરી ઊભા થવું ને વ્યંગ-વિનોદ-કટાક્ષ વેરતા રહેવું, સાહિત્યધર્મ અને નાગરિકધર્મ બજાવવો, શબ્દ-લય તથા કાવ્યસ્વરૂપની સૂક્ષ્મ સમજ, ચિત્ર-કાર્ટૂનકળાની સૂઝ, સંવેદનની ઝીણી રેખાઓ થકી કાવ્ય-ઘાટ ઘડવાનો કસબ… આ બધું એમની સર્જકચેતનામાં રસાતું રહ્યું છે ને ઘટના ઘાટે ધામ સર્જાતાં રહ્યાં છે ને જળમાં નામ લખાતાં રહ્યાં છે. ૧૧-૧૧-૨૦૨૧યોગેશ જોષી