આત્માની માતૃભાષા/નિવેદન
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના બેસણા વખતે હૈયું ભરાઈ આવેલું. બંને ઢીંચણ પર કપાળ ટેકવી ઝળઝળિયાં છુપાવી દીધાં. એ ક્ષણે પાછળથી કોઈ હાથ મારી પીઠ પસવારવા લાગ્યો. સ્વસ્થ થયા પછી મેં પાછળ નજર કરી તો ઉમાશંકર જોશી ! મારી પીઠ પસવારતો હતો કવિનો હાથ, ‘વિશ્વમાનવી’નો હાથ ! વીસમી સદીના યુગદ્રષ્ટા સર્જકનો હાથ ! એ વખતે ઉમાશંકર મને ઓળખતા નહોતા. અજાણ્યા છોકરાની પીઠે ફરતો હતો કવિનો હાથ. (‘શું શું સાથે લઈ જઈશ હું ?’ની પંક્તિ યાદ આવે છે : ‘અજાણ્યા માનવબંધુ તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ’,) પરિચય થયો એ પછી તેઓ જ્યારે મળતા ત્યારે ગાલથી ગાલ અડાડીને વહાલ કરતા ! એમના નર્યા, નીતર્યા વાત્સલ્યનો અનુભવ થયો છે હંમેશાં. હજીય જાણે આંખ સામે એમનો ચહેરો તરવરે છે – લંબગોળ ચહેરો. વિશાળ કપાળ. આછા વાળ. અવાજોનું અજવાળું નીરખતા-સાંભળતા કાન. નીચે તરફ જરી ઝૂકતું નાક. જરા મોટા કાચવાળાં ચશ્માં, એક કાચ વધુ જાડો. દૂરથી આવતા મંગલ શબ્દને સાંભળતી ને વિશ્વકવિતાના તેજને પીતી આંખો. યુગોને નીરખતી-પરખતી દૃષ્ટિ. અંતર્દૃષ્ટિ શબ્દખોજ, લયખોજ, આત્મખોજમાં લીન. ક્યારેક વાત અધૂરી છોડી દઈ આંખો પટપટાવે – એ થકી નર્મ-મર્મ વહેતા મૂકે. માર્મિક સ્મિત વેરતા પાતળા હોઠ – જાણે મૌનને છેલ્લો શબ્દ કહેતા ! સૌંદર્યો પીતું, અવનિનું અમૃત એકઠું કરતું હૃદય. નાજુક-નમણો પાતળો દેહ. ગાંધીદીક્ષિત મન – મેરુ જેવું મક્કમ – આદર્શો, સિદ્ધાંતો, મૂલ્યો, માનવ-મૂલ્યોને વરેલું. सत्यं परम् घीमहि। એ તેમનો તથા ‘સંસ્કૃતિ’નો ધ્યાનમંત્ર. અમદાવાદના એમના ઘરનું નામ ‘સેતુ’ – જાણે વ્યક્તિથી ‘વિશ્વમાનવી’ સુધીનો સેતુ – વ્યષ્ટિથી સમષ્ટિ સુધીનો સેતુ, શબ્દથી મૌન સુધીનો સેતુ, કૃતિ-પ્રકૃતિથી સંસ્કૃતિ સુધીનો સેતુ, ઉપાધિયોગથી સમાધિયોગ સુધીનો સેતુ. ‘નિષ્ઠાનું મોતી’, ‘સંવાદિતાના સાધક’, ‘સંસ્કૃતિસેતુ’, ‘સાક્ષરયુગનું ફરજંદ’, ‘તેજસ્વી, તપસ્વી શીલભદ્ર સારસ્વત’, વિશ્વશાંતિ, વિશ્વપ્રેમ ઝંખનાર, પ્રજ્ઞાવાન કવિ, દ્રષ્ટા એવા ઉમાશંકરનો જન્મ ઉત્તર ગુજરાતમાં ઈડર પાસે આવેલા બામણા ગામમાં તા. 21-7-1911ના રોજ થયેલો. તેમનું મૂળ ગામ શામળાજી પાસેના ડુંગરોમાં આવેલું લુસડિયા. પણ છપ્પનિયા દુકાળમાં તેમનું કુટુંબ બામણા આવીને વસેલું. તેઓ ભરપૂર કુટુંબપ્રેમ પામેલા. ભોમિયા વિના ભમવાનું મન થાય તેવા એ પ્રદેશના ડુંગરા, કોતરો ને કંદરા, વહેતાં ઝરણાં, છલકાતાં તળાવ, વૃક્ષરાજિથી ભર્યાં ભર્યાં જંગલો, કવિના ઘર પાછળના જાજરમાન ડુંગર ખંભેરિયા ને એની ઝાંઝરી, ઈડરના જંબેલસાનાં ઝરણ, એ પ્રદેશનાં લોકગીતો, લોકવાર્તાઓ, લોકમેળાઓ, લોકભાષા — આ બધાંયના સૌંદર્યને તેમણે ગળથૂથીના મધની જેમ આકંઠ પીધું છે – જે તેમના હૈયામાં ને રુધિરમાં હંમેશાં ધબકતું-ઝબકતું રહ્યું છે. એમનું પ્રાથમિક શિક્ષણ ધોરણ ત્રણ સુધી બામણાની શાળામાં, ચોથાથી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ ઈડરની શાળામાં. ત્યાં પન્નાલાલ પટેલ તેમના સહાધ્યાયી. તીવ્ર વાચનભૂખ, અદ્ભુત સ્મરણશક્તિ. તેજસ્વી વિદ્યાર્થી. શિક્ષકો સારા મળ્યા. 1928માં અમદાવાદની પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. મૅટ્રિકની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રમાં પ્રથમ. 1928-30 દરમિયાન ગુજરાત કૉલેજના વિદ્યાર્થી. 1928માં દિવાળીની રજાઓમાં તેમણે આબુનો પ્રવાસ કર્યો. નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમાના અનુભવમાંથી તેમણે સુંદર સૉનેટ રચ્યું. તેની છેલ્લી પંક્તિ : ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ આમ તેઓ આ સૉનેટથી સત્તર વર્ષની વયે કાવ્યદીક્ષા પામ્યા. આ સૉનેટ આબુથી ઊતરતાં અને ઈડર સુધી પગપાળા આવતાં મનમાં આકારિત થયેલું. ડુંગરોમાં તેઓ ખૂબ ભમ્યા છે ને તેમના મનની કોઢમાં કંઈ ને કંઈ સતત ચાલ્યા કર્યું છે. તેઓ ઇન્ટર આટ્સમાં હતા ત્યારે, 1930માં 19ની વયે તેમણે સ્વાતંત્ર્યચળવળમાં ઝંપલાવ્યું. તેઓ વીરમગામ છાવણીમાં જોડાયા ત્યારે, ‘તમે લડતમાં શા હેતુથી જોડાયા છો ?’ – એવા પ્રશ્નનો તેમણે ઉત્તર આપેલો : ‘જીવનનું નિયામક તત્ત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે એમ આ ધર્મયુદ્ધ દ્વારા સાબિત કરી ભારતવર્ષ પોતાની સ્વતંત્રતાના પાયા ઉપર આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધોની ઇમારત રચે એ સૈનિકજીવનનો પરમ લહાવ છે એ સમજણથી.’ 1930થી 1934 સુધી તેઓ સત્યાગ્રહની લડતમાં સક્રિય રહ્યા. આ દરમિયાન તેઓ સાબરમતી જેલમાં મરાઠી અને યરવડા જેલમાં બંગાળી શીખ્યા. જેલવાસ દરમિયાન તેઓ ઉર્દૂ પણ શીખ્યા. 1931માં તેમણે માત્ર વીસ વર્ષની વયે ‘વિશ્વશાંતિ’ સમું ખંડકાવ્ય રચ્યું. ગૂજરાત વિદ્યાપીઠની લાંબી અગાસીમાં આંટા મારતાં ‘વિશ્વશાંતિ’ના ખંડકો તેમના મનમાં આકાર ધારણ કરતા હતા. દિવસભર છ કલાક ખાદીકામ કરતાં તેઓ મનમાં ઘાટ પામેલી સંખ્યાબંધ પંક્તિઓ ઉતારી લેતા. માત્ર વીસ વર્ષની વયે આવું ખંડકાવ્ય રચે તે વીસમી સદીનો ‘સર્જક-મનીષી’ બની રહે એમાં શી નવાઈ ? પુત્રનાં લક્ષણ પારણામાંથી. ‘વિશ્વશાંતિ’માં નરસિંહરાવ દિવેટિયાને ‘સાક્ષરયુગનું ભાવિદર્શન’ થયેલું. દૂરથી આવતા મંગલ શબ્દને તેઓ નીરખી રહે છે. શતાબ્દીઓના ચિર શાંત ઘુમ્મટો ગજાવતો ચેતનમંત્ર તેઓ પામે છે. નિત્યપ્રવાસપંથે ધપતી ધરાએ જ નહિ, ઉમાશંકરેય પ્રકાશના ધોધ અમોઘ ઝીલ્યા છે ને એમની આત્મખોજની આંતરયાત્રા સતત વિકસતી રહી છે. તેમની ગાંધીદીક્ષા આ કાવ્ય થકી પમાય છે :
‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી !
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’
‘માનવી માનવી ઉરે એક માનવભાવ છે;
પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.’
‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !’
(‘સમગ્ર કવિતા’, પૃ. 19, 20)
આ કવિએ પત્રપુષ્પની પાંખડીએ પ્રભુનાં પ્રેમપરાગ પોઢણાં જોયાં છે ને કલ્લોલતાં પંખીની આંખડીએ પ્રભુનાં ગીતોને ચમકતાં નીરખ્યાં છે. આમ આ કાવ્યમાં તેમણે વિશ્વશાંતિની, વિશ્વપ્રેમની ને આત્મશાંતિની વાત સમજપૂર્વક, દૃષ્ટિપૂર્વક ઘૂંટી છે ને માનવપ્રેમનો મહામંત્ર ગજાવ્યો છે. એમની વાણી તથા એમનું જીવન અલગ નથી. આ Integrity વિરલ છે. 1934માં પિતાનું અવસાન થયું. એ જ સાલમાં ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. 1936માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના વિષયો સાથે બી.એ. તથા 1938માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો લઈ એમ.એ. થયા. સંસ્કૃત સાહિત્ય તેમજ પૂર્વ તથા પશ્ચિમના પ્રશિષ્ટ સાહિત્યના અભ્યાસથી તેઓ આત્મસમૃદ્ધ થતા રહ્યા. 1937માં એમની જ જ્ઞાતિનાં જ્યોત્સ્નાબહેન સાથે લગ્ન થયાં. આ લગ્નના કારણે તેમને નાતબહાર મુકાવાનું બનેલું. 1936માં ‘સાપના ભારા’ એકાંકીસંગ્રહ તથા 1937માં ‘શ્રાવણીમેળો’ વાર્તાસંગ્રહથી તેઓ એકાંકીકાર તથા વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠા પામ્યા. નાટ્યલેખન તથા વાર્તાલેખનનો અનુભવ એમને કાવ્યસર્જનમાંય ખપ લાગ્યો છે. મુંબઈમાં વિલેપાર્લેની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે, સિડનહામ કૉલેજમાં ગુજરાતી વ્યાખ્યાતા તરીકે તેમણે કામ કર્યું. 1939માં કાવ્યસંગ્રહ ‘નિશીથ’ પ્રગટ થયો. 1939માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંશોધન વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા ને સર્જન ઉપરાંત આ ગાળામાં વિવેચન-સંશોધન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. 1941માં પુત્રી નંદિની તથા 1948માં સ્વાતિનો જન્મ. 1946થી 1954 દરમિયાન તેમણે વ્યવસાયમુક્ત રહીને ‘ગુજરાતના સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક’ તરીકે ગુજરાતભરમાં અનૌપચારિક અધ્યાપનકાર્ય કર્યું આ દરમિયાન સર્જન-વિવેચન-અનુવાદ-સંપાદનનાં કાર્યો સાથે આત્મખોજની આંતરયાત્રાય ચાલતી રહી. 1947થી 1984 સુધી તેઓ ‘સંસ્કૃતિ’ માસિક (1980-84 સુધી ત્રૈમાસિક) દ્વારા સાહિત્ય, કલા, ઇતિહાસ, ધર્મ આદિ અંગેની પ્રેરક સામગ્રી આપતા રહ્યા. 1954થી ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ, પ્રધાન અધ્યાપક તરીકે કામ શરૂ કર્યું અને 30 નવેમ્બર, 1966 સુધી વેતન સાથે અને 31 માર્ચ, 1970 સુધી વિના વેતને ફરજ બજાવી. 1964માં જ્યોત્સ્નાબહેનનું અવસાન થયું. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદે, રાજ્યસભાના સભ્યપદે, દિલ્હીની સાહિત્ય અકાદેમીના પ્રમુખપદે તથા વિશ્વભારતી, શાંતિનિકેતનના કુલપતિપદે તેમણે કામ કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેમણે સક્રિય રસ દાખવ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે 1955માં નડિયાદમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે ‘કવિની સાધના’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી; 1967માં દિલ્હી ખાતેના 24મા અધિવેશનમાં તેમણે પ્રમુખપદેથી ‘કવિની શ્રદ્ધા’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. ભારત ઉપરાંત તેમણે વિશ્વના મહત્ત્વના દેશોનો પ્રવાસ કરેલો ને જે તે દેશોના ઐતિહાસિક-સાંસ્કૃતિક ચહેરા ઉપરાંત ‘વિશ્વમાનવી’ના સાંસ્કૃતિક ચહેરાનોય સાક્ષાત્કાર કરેલો. સાહિત્યના ગ્રંથો ઉપરાંત તેમણે અધ્યાત્મચિંતન, કેળવણીચિંતન તથા સાહિત્યિક પત્રકારત્વના ગ્રંથો પણ આપ્યા છે. રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (કન્નડ કવિ પુટપ્પા સાથે), ‘વિશ્વગુર્જરી પુરસ્કાર’, મહાકવિ કુમારન્ આશાન પારિતોષિક, ‘રવીન્દ્રતત્ત્વાચાર્ય’ની પદવી, કેન્દ્રીય સાહિત્ય અકાદેમીની ફૅલોશિપ આદિ સન્માન એમને પ્રાપ્ત થયેલાં. બાળપણના પ્રથમ ભાષાસંસ્કારના જાદુ વિશે તેમણે ‘સમગ્ર કવિતા’ના પ્રવેશ – ‘આત્માની માતૃભાષા’માં નોંધ્યું છે : ‘બાળાપણમાં એક એક શબ્દ, જીવવાનું શીખતાં શીખતાં, પહેલવહેલો ગ્રહણ થયો હશે – આકૃતિ સાથે સંબદ્ધ, કોઈ ગદ્ય કે અવાજ સાથે સંબદ્ધ, તે કશી ખબર આપ્યા વગર પચાસ-સાઠ વરસે પણ તેવા જ રૂપે ચેતનામાં પ્રતિબદ્ધ થઈ ઊઠે, કોશ કે શિષ્ટ સાહિત્યના અર્થ-સંદર્ભ કરતાં જુદા જ ઇન્દ્રિયગ્રાહ્યતાના સંદર્ભ સાથે, અને સર્જકનું આખું કલેવર ચમત્કારક આવેશથી સભર ભરાઈ જાય, – એ છે જાદુ બાળાપણના પ્રથમ ભાષાસંસ્કારનું.’ સાહિત્ય અંગેના વલણને પુષ્ટ કરનાર પરિબળોની વાત કરતાં ઉમાશંકરે લખ્યું છે : ‘અરવલ્લી ગિરિમાળાની દક્ષિણ તળેટીએથી હું આવું છું – મારા ગામની આસપાસ વહેળાઓ, નદીઓ, જંગલો અને ડુંગરો ઓળંગીને લાંબા મારગ કાપવાનું વારંવાર બન્યું છે. જુદી જુદી ઋતુઓમાં એ લાંબા પંથ મને કુદરત સાથે વાતે વળવાની, મારી જાત સાથે વાતે વળવાની તક આપતા.’ શૈશવમાં લાંબા પંથ કાપવાના ને કુદરત તથા જાત સાથે વાતે વળવાના કારણેસ્તો માઈલોના માઈલો આ કવિની અંદરથી પસાર થયા હશે, લહેરાતાં ખેતરોનો કંપ અંગઅંગે ફરક્યો હશે; કોઈ ખરતો તારો કવિને અનંતની કરુણાનો અશ્રુકણ લાગ્યો હશે ને વિશ્વોનાં વિશ્વો કવિની આરપાર પસાર થયાં હશે. ઉમાશંકરે પોતાની શબ્દયાત્રા વિશે વાત કરતાં ‘સમગ્ર કવિતા’ના પ્રવેશક ‘આત્માની માતૃભાષા’માં નોંધ્યું છે : ‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો ? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, — એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. એક બાજુ ઋણ વધતું જ જાય, બીજી બાજુ યત્કિંચિત્ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું ? શબ્દને વીસર્યો છું ? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે, કહો કે સ્વયંભૂ છે. શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઇડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ. કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.’ આમ આ કવિએ શબ્દધર્મ તો નિભાવ્યો જ છે, સાથે માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોના કેન્દ્ર તરફ ડગ ભરીને માનવધર્મ પણ ઉજાળ્યો છે. 1931માં તેઓ કરાચી કૉંગ્રેસ અધિવેશનમાં બેડી બંદરથી શઢવાળા નાના જહાજમાં ગયેલા એટલે સમુદ્રનો નિકટથી પરિચય થયેલો. ‘તે સમયની બુલંદ રાષ્ટ્રભાવના, શોષિતો પ્રત્યેની હમદર્દી અને એક પ્રકારની વૈશ્વિક ચેતના – તેનો પ્રગાઢ સંસ્પર્શ સહેજે અનુભવાતો. તેમાંથી ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ ઉદ્ગાર નીકળ્યો.’ –
‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.’
(સ. ક., પૃ. 58)
આ કવિના મુખેથી 1932માં, ખાસ્સો વહેલો, માક્સવાદી ઉદ્ગાર પણ નીકળે છે – ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે; ખંડેરની ભસ્મકણી ન લાધશે !’ (સ. ક., પૃ. 45) ‘ગંગોત્રી’નાં કેટલાંક કાવ્યોમાં વાસ્તવિકતાનો અભિગમ ઉત્કૃષ્ટ બનતો જણાય છે. બદલાયેલી ઇબારતવાળા શિખરિણીમાં ‘બળતાં પાણી’ અને ‘એક બાળકીને સ્મશાને લઈ જતાં’ જેવાં કાવ્યોમાં પીડા તીવ્રતર થઈને વ્યક્ત થઈ છે. ‘બળતાં પાણી’નું શરૂઆતનું ગતિશીલ દૃશ્ય જુઓ : ‘નદી દોડે, સોડે ભડ ભડ બળે ડુંગરવનો; પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી !’ (સ. ક., પૃ. 100) ‘બળતાં પાણી’ ઉપરાંત ‘ગંગોત્રી’માં ‘પીંછું’, ‘બીડમાં સાંજવેળા’ અને ‘વડ’ જેવાં સુંદર સૉનેટ મળે છે. બાળપણ ડુંગરોમાં ભમીને પસાર કર્યું હોઈ ઉમાશંકરના કાવ્યોમાં ડુંગરા ન પ્રગટે તો જ નવાઈ. કવિને ભોમિયા વિના ડુંગરા ભમવા છે ને વહેતાં ઝરણાંની આંખ લ્હોવી છે. ‘ઝંખના’ જેવા ગીતમાં ‘દર્શન’ કાજે પ્રાણબપૈયાનો ઝુરાપો ભવ્ય-વિરાટ કલ્પનો દ્વારા રજૂ થયો છે. દીનદલિતના જીવનની વેદના રજૂ કરતાં ગીતો પણ આ સંગ્રહમાંથી મળે છે. ‘દળણાના દાણા’ જેવું કથા-દૃશ્યો રજૂ કરતું કાવ્ય – એનો લય, સાદગી અને ડોશીની વેદના-સંવેદના – બધું સહૃદય ભાવકના ચિત્તમાં વસી જાય છે. ‘એક ચુસાયેલા ગોટલાને’ તથા ‘ઉકરડો’ જેવા વિષયનાં કાવ્યો પણ અહીં મળે છે. ‘નિશીથ’ના ઉદ્બોધનકાવ્ય (ઓડ)માં વૈદિક સૂર (ટોન)નો લાભ લઈને નર્તકના પદન્યાસ અને અંગહિલ્લોલનું પ્રત્યક્ષીકરણ કરાયું છે. નાદતત્ત્વ સાથે નટરાજનું ભવ્ય રૂપ કેવું ઊઘડે છે તેનું ઉદાહરણ જોઈએ : ‘નિશીથ હે ! નર્તક રુદ્રરમ્ય ! સ્વર્ગંગનો સોહત હાર કંઠે, કરાલ ઝંઝા-ડમરું બજે કરે, પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ, તેજોમેઘોની ઊડે દૂર પામરી. હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય !’ (સ. ક., પૃ. 129) ‘સખી મેં કલ્પી’તી –’, ‘મળી ન્હોતી જ્યારે –’, ‘બે પૂર્ણિમાઓ’ જેવાં સૉનેટ ‘નિશીથ’ સંગ્રહમાં સાંપડે છે. “સખી મેં કલ્પી’તી–”ની અંતિમ પંક્તિઓ જોઈએ : ‘મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના. છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.’ (સ. ક., પૃ. 146) આ સંગ્રહમાંની અનન્ય સૉનેટમાળા ‘આત્માનાં ખંડેર’માં યથાર્થના સ્વીકાર દ્વારા, સમજણ દ્વારા જીવનની સાચી પકડ લાધી છે. થોડાં ઉદાહરણ જોઈએ : ‘હતું સૌ : એ સાચું ! હતી પણ ખરી હુંની જ મણા; વિના હું બ્રહ્માંડે કવણ કરતે વિશ્વરમણા ?’ (સ. ક., પૃ. 241)
‘રે ! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા, ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જો’યે થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા !’ (સ. ક., પૃ. 243) ‘મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.’ (સ. ક., પૃ. 243)
‘યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે. અજાણ રમવું કશું ! સમજવું રિબાઈય તે.’ (સ. ક., પૃ. 249) આ સંગ્રહમાં કરુણપ્રશસ્તિકાવ્ય ‘સદ્ગત મોટાભાઈ’; ‘અન્નબ્રહ્મ’, ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’, ‘લોકલમાં’, ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ જેવાં વિશિષ્ટ છાંદસકાવ્યો તેમજ ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘દૂર શું ? નજીક શું ?’, ‘માનવીનું હૈયું’, ‘ગાણું અધૂરું’ જેવાં ગીતો; લોકરાસની રીતિનું ગીત ‘સાબરનો ગોઠિયો’, – ઘરાકનું ભાન ભૂલી વાંસળી વગાડવામાં લીન થઈ જતો ‘વાંસળી વેચનારો’ આદિ મળે છે. શોષિત સમાજની વાત ઉમાશંકર અવારનવાર કરતા રહ્યા છે. સમકાલીન ઘટનાઓ, સંદર્ભો એમના કાવ્યસર્જનમાં વણાતા આવે છે. સૌંદર્યને પીનાર આ કવિ ‘લોકલમાં’ કાવ્યમાં પાછળ રહેલ કન્યાને ડોક ફેરવીને કે પૂંઠ ફેરવીને નીરખતા નથી પરંતુ એ કન્યાની છબીને સામે બેઠેલ એક વૃદ્ધનાં કાલજર્જરિત, તૃપ્તપ્રસન્ન નેત્રમાં જુએ છે. ‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’માં એમણે નાટ્યકાવ્યો આપ્યાં છે, જેમાં બોલચાલની છટાઓને ભાવમયતાની કક્ષાએ રજૂ કરાઈ છે. પ્રસંગકાવ્યો માટે એમણે બોલચાલની લઢણોવાળા મિશ્ર ઉપજાતિ પાસેથી કામ લીધું છે. ‘મહાપ્રસ્થાન’માં એમણે પ્રવાહી કવિત (વનવેલી)નો મોટે ભાગે આધાર લીધો છે. ‘કચ’માં એમણે એમના પ્રિય શિખરિણી પાસેથી કામ લીધું છે. આ સંગ્રહોમાંથી ‘કર્ણ-કૃષ્ણ’ તથા ‘મંથરા’ જેવાં નાટ્યકાવ્યો મળે છે. ‘બાલ રાહુલ’માં બુદ્ધ એમના શિષ્ય આનંદને માર્મિક રીતે કહે છે : ‘તો સાંભળી લે થઈને સમાહિત આયુષ્યયાત્રાનું રહસ્ય સંચિત : જે જે થયો પ્રાપ્ત ઉપાધિયોગ, બની રહ્યો તે જ સમાધિયોગ.’ (સ. ક., પૃ. 295) નાટ્ય-કાવ્યની આ ક્ષણને ઉમાશંકરે વિશ્વવાત્સલ્ય-દીક્ષાની ઘડી તરીકે ઓળખાવી છે. ‘મંથરા’ની સર્જન-પ્રક્રિયાની વાત કવિએ પ્રવેશક – ‘નાટ્યકવિતાનું આહ્વાન’માં આમ કરી છે : ‘ ‘મંથરા’ કાંઈક એકાએક આવ્યું હતું. મારે સાત-આઠ કલાક ઊંઘવા જોઈએ. ઉજાગરો, લખવા માટે પણ, કરું નહીં. લીટીઓ ઉપર લીટીઓ આવે. પડખે બારીમાં એક ડાયરી પડી હતી તેમાં પડ્યો પડ્યો, અંધારામાં જ, પેન્સિલથી એ ઉતારી લઉં, એક ઉપર બીજી લીટી ન આવે એ માટે પાનું બદલતો જાઉં. બંનેની જિદ્દ ચાલી. મેં ઊભા થઈ દીવો કરી પંક્તિઓ ન ઉતારી તે ન જ ઉતારી. પંક્તિઓ, સૂતા પછી લાંબી વાર સુધી, આવતી ન અટકી તે ન જ અટકી. પછીથી જોઉં છું તો ‘મંથરા’નું મુખ્ય કામ તો આ જિદ્દ દરમિયાન જ થઈ ગયું હતું.’ પંક્તિઓની પંક્તિઓ આમ ઊતરી આવે એની પાછળ આ કવિની કેટલી સાધના રહી હશે ?! ‘આતિથ્ય’ સંગ્રહ અગાઉના સંગ્રહોથી કંઈક જુદો પડે છે. ‘પ્રણય-સપ્તક’, ‘નારી : કેટલાંક સ્વરૂપો –’ સૉનેટમાળામાં કવિએ પ્રણયજીવનની નાટ્યોર્મિઓને રજૂ કરી છે. આ સંગ્રહમાં ‘દયારામનો તંબૂર જોઈને’, ‘આવ્યો છું મંદિરો જોવા –’, ‘મધ્યાહ્ન’ જેવાં છંદોબદ્ધ કાવ્યો ઉપરાંત ‘શ્રાવણ હો’, ‘ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય...’ તથા ‘ગામને કૂવે’ જેવાં ગીતો સાંપડે છે. વ્યક્તિ-વિશેષ વિશેનાં કાવ્યો પણ આ સંગ્રહમાં મળે છે. તો, ‘કવિજન’ જેવાં આછા ઉપહાસની ફરફરવાળાં કાવ્યો પણ મળે છે. ‘વસંતવર્ષા’માં ‘પંચમી આવી વસંતની’, ‘થોડો એક તડકો’ જેવાં ગીતો; ‘ભલે શૃંગો ઊંચાં’, ‘ગયાં વર્ષો –’, ‘રહ્યાં વર્ષો તેમાં –’ જેવી રચનાઓ, ઉમાશંકરે નોંધ્યું છે તેમ, અડધે રસ્તે કાઢેલા જીવનના સરવૈયારૂપ સૉનેટરચનાઓ છે. કવિ પ્રકૃતિ તથા પ્રણય જીવ્યા છે, પદપદે જગમધુરપો લીધી છે ને સૌહાર્દોનો મધુપુટ રચી અવિશ્રાંત વિલસ્યા છે. આ કવિએ જીવનભર સૌંદર્યો પીધાં છે. જીવનને અડધે રસ્તે રચાયેલ ‘રહ્યાં વર્ષો તેમાં –’ કવિ કહે છે : ‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;’
‘મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા, દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં; નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવઝમે; જનોત્કર્ષે-હ્રાસે પરમ ઋતલીલા અભિરમે. — બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું : મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.’ (સ. ક., પૃ. 576) સૌંદર્યો પીતાં ‘કો અગમ લોકની’ અજબ લ્હેરખી ફરકે છે ને કવિહૃદય ખૂલી જાય છે ને રોમ રોમ કવિતા પ્રવેશે છે ને ભીતર વસે છે. ગાંધીજીના મૃત્યુ નિમિત્તે દર્શન રજૂ કરતી ‘રડો ન મુજ મૃત્યુને –’, ‘દર્શન’ ‘ઘરે આવું છું હું’ જેવી રચનાઓ ઉપરાંત આ સંગ્રહમાં કેટલાંક ચિરંજીવ મુક્તકો પણ મળે છે; જેમ કે – ‘મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છું’ (સ. ક., પૃ. 532)
‘મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.’ (સ. ક., પૃ. 540) સ્વતંત્રતાને અનુલક્ષતાં ‘તેં શું કર્યું ?’ તથા ‘દે વરદાન એટલું’ જેવાં કાવ્યો આ સંગ્રહમાં સાંપડે છે. પ્રવાસ નિમિત્તે સ્થળ-સંસ્કૃતિ વિષયકકાવ્યો, સમકાલીન ઘટના-પ્રસંગવિષયક કાવ્યો, લલિત કલાઓ અંગેનાં કાવ્યો, વ્યક્તિવિશેષ વિશેનાં કાવ્યો તેમની પાસેથી અવારનવાર મળતાં રહ્યાં છે, તો થોડાં શિશુકાવ્યો પણ તેમની પાસેથી મળ્યાં છે. ‘નિશીથ’માં નાદતત્ત્વના પ્રયોગો હતા તો ‘અભિજ્ઞા’થી મુક્તપદ્યના અને પદ્યમુક્તિના પ્રયોગો શરૂ થાય છે. વૈદિક છંદોઘોષસભર નાદતત્ત્વના સાક્ષાત્કાર પછી, ચારે પ્રકારના છંદો આત્મસાત્ કર્યા પછી, મુક્તપદ્ય ખેડવા અને છંદોમુક્તિ સુધી જવાની શરૂઆત ‘અભિજ્ઞા’ (1967)થી થઈ. ઉમાશંકરે નોંધ્યું છે : ‘છંદમુક્તિનો અર્થ લયમુક્તિ હરગિજ નથી.’ એમણે ‘મુક્તલય’ પાસેથી તેમજ બોલચાલના કાકુઓ તથા શબ્દના વજન પાસેથી કાવ્યખંડો-પંક્તિઓની આંતરજરૂરિયાત મુજબ સૂક્ષ્મ કામ લીધું છે. 1956માં રચાયેલી પ્રથમ – ‘ભિન્નભિન્ન છું’ – રચનાએ ગુજરાતી ભાષામાં છંદોમુક્તિના પ્રયોગોને મદદ કરી છે. આ કૃતિ માટે કવિએ નોંધ્યું છે : ‘1956માં કશુંક નવતર વ્યક્ત થવા મથતું હતું તેણે ગુજરાતી છંદોરચનાના ચારે પ્રકારોનો અને સાથે સાથે ગદ્યનો લાભ લઈને પોતાનો માર્ગ કર્યો.’ ‘છિન્નભિન્ન છું’ કહેતા કવિની ઝંખના તો છે Integrationની; આથી જ તો કવિ કહે છે : ‘છિન્નભિન્ન છું. નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો.’ (સ. ક., પૃ. 799) એક વ્યક્તિ તરીકે જ નહિ, કવિ તરીકે પણ છિન્નભિન્નતાનો ભાવ તેઓ અનુભવે છે ને ‘એક-કેન્દ્ર’ થવા મથી રહે છે. આ કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ : ‘દિનરાત રાતદિન ખિન્ન છું. એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું. ધબકધબકમાં ઊડી રહેલ છિન્નભિન્ન છું.’ (સ. ક., પૃ. 802) ‘શોધ’ કાવ્યના વિશિષ્ટ લયકર્મ વિશે કવિએ ‘પ્રતિશબ્દ’માં સૂક્ષ્મ ચર્ચા કરી છે. આ કવિ નાદથી, લયથી ક્યારેય દૂર જતા નથી. ‘શોધ’માંથી કેટલીક પંક્તિ જોઈએ : ‘ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો માતાના ચહેરામાં ટમકે, મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે ? કવિતા, આત્માની માતૃભાષા; મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો; સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ? (સ. ક., પૃ. 802) ‘છિન્નભિન્ન છું’ તથા ‘શોધ’ બંને રચનાઓને ‘સપ્તપદી’માં સમાવી હોઈ પછીથી ‘અભિજ્ઞા’માંથી કાઢી લીધેલી. ‘રાજસ્થાનમાંથી પસાર થતાં–’માં કાવ્યના લય સાથે ગાડીનો લય પણ કેવો ભળ્યો છે અને આ લય સંવેદનને ઉપસાવવામાં કેવી મદદ કરે છે ! આ કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ – ‘સન્ધાયે શમી, અંધકાર-રણે ચેતનના રેલા સમી રેલ લંબાયે આ જતી — જાણે પળ પછી પળ ઊંટ ખેંચે હળ : ચાસે ચાસે ધરતી આ પડખું બદલી રહી. આવી રાત, વેરતી મુઠ્ઠી ભરી તારા; પ્રભુની ફસલ, હવે જોઈએ, કેવીક હશે ગડડ ગડડ ! ગડડ ગડડ ! – ગડે ગાડી. (સ. ક., પૃ. 665) આ સંગ્રહમાં ‘ગુજરાત-સ્તવનો’, ‘વૃષભાવતાર’ જેવી હળવી રગની રચના, ‘ઘટમાં ઘૂંટાય નામ–’ તથા ‘શું શું સાથે લઈ જઈશ હું ?’ જેવી રચનાઓ મળે છે. ‘શું શું સાથે લઈ જઈશ હું ?’માં કવિ બાળકનાં અનંત આશ-ચમકતાં નેનાં સાથે લઈ જવા ઇચ્છે છે. તો, ‘શોધ’માં કવિ કહે છે : ‘શુશુઓનું હાસ્ય, મારી કવિતાનો શુભ્ર છંદ.’
‘કન્યાઓની આશા, મારી કવિતાની નસોનું રુધિર.’ એક વાર કવિ મિત્ર યજ્ઞેશ દવે સાથે હું એમના ઘરે ગયેલો. વાતમાંથી વાત નીકળતાં અમે કહ્યું : અમે વિજ્ઞાનના વિદ્યાર્થી હતા આથી તમારા જેવા કોઈ કવિ-અધ્યાપક પાસે અમને કવિતા ભણવાનો લ્હાવો નથી મળ્યો.’ ‘તો ચાલો, હું તમને એકાદ કાવ્ય ભણાવું.’ આમ કહી તેઓ અમને એમના અભ્યાસ-ખંડમાં લઈ ગયા ને એક કાવ્ય ભણાવવાનું શરૂ કર્યું. થોડી વારમાં ફોનની ઘંટડી રણકી. એમણે ફોન ઉપાડ્યો તો રૉંગનંબર હતો. છતાં તેમના ચહેરા પર રસક્ષતિની કોઈ રેખા જણાતી નહોતી. સામે છેડેથી કોઈ અજાણ્યા બાળકનો અવાજ આવતો હતો. બાળ-ભાષાના કાકુઓ સાથે ઉમાશંકરે એ અજાણ્યા બાળક સાથે રસપૂર્વક, સ્નેહપૂર્વક નિરાંતે વાત કરી. (શિશુઓનું હાસ્ય, મારી કવિતાનો શુભ્ર છંદ.) આ કવિની ભીતરનો સૂર સમષ્ટિના સૂર સાથે સતત મળતો આવે છે. તેમની વૈશ્વિક સંવેદના સતત ધબકતી રહી છે. આથી જ તો આ કવિમાં ‘વિશ્વ’, ‘બ્રહ્માંડ’-વ્યાપી સંવેદનો તાનપુરાની જેમ સતત બજ્યા કરે છે. આ કવિ તેનાં ત્રણ વામન ડગલાંમાં સમગ્ર વિશ્વને, બ્રહ્માંડને બાથમાં લે છે. આથી જ તો ‘માઈલોનાં માઈલો મારી અંદર’ જેવાં કાવ્યો પ્રગટે છે. જેની અંતિમ પંક્તિ જોઈએ : ‘સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહે. વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે ! (સ. ક., પૃ. 729) ભવ્ય-વિરાટ કલ્પનસભર ‘ગોકળગાય’ની પંક્તિઓ જોઈએ : ‘એક ગોકળગાય ચાલે. એની પીઠ પર નક્ષત્રોની પોઠ, બ્રહ્માંડોની પોઠ; એ ઝટ ઝટ કેમ કરી ચાલે ?’ (સ. ક., પૃ. 736) નાનપણથી જ ઝાડ જાણે કવિની આંતરચેતનામાં કોતરાઈને અંગભૂત બનેલાં. આથી એમની પાસેથી વૃક્ષકાવ્યો ન મળે તો જ નવાઈ. ‘એક ઝાડ’માં કવિએ ‘મૃત્યુ’ અને ‘ફળ’ બે શબ્દોને એક કરીને કમાલ કરી છે : ‘શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે મૃત્યુફળ.’ (સ. ક., પૃ. 731) આ કાવ્યમાં કવિએ ચિત્રકાર ન હોવાનો અફસોસ કર્યો છે પણ પીંછીના બદલે શબ્દ તથા નાદના લસરકે લસરકે એમણે સુંદર ગતિશીલ ચિત્રો અનેક કાવ્યોમાં આપ્યાં છે. એક ઉદાહરણ જોઈએ તો ‘માઈલોના માઈલો મારી અંદર’ની પંક્તિઓમાં સુંદર લૉંગ શૉટ ઝડપી, પછી ધીરે ધીરે zoom કરીને પછી કન્યાના ઝભલા પરના પતંગિયાને કેવું બતાવ્યું છે ! — ‘લહેરાતાં ખેતરોનો કંપ અંગઅંગે ફરકી રહે. જાણે હથેલીમાં રમે પેલાં ઘરો, ઝૂંપડીઓ, – આંગણાં ઑકળી-લીંપેલાં, છાપરે ચઢતો વેલો... ત્યાં પાસે કન્યાના ઝભલા પર વેલબુટ્ટો થઈ બેઠેલું પતંગિયું... સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઈ રહે. માઈલોના માઈલો મારી આરપાર પસાર થયાં કરે.’ (સ. ક., પૃ. 729) કવિએ પ્રાથમિક-માધ્યમિક શાળાનાં સાત વરસ ઈડરમાં ગાળેલાં. આથી ઈડરના પથ્થરે પથ્થર એમની સ્મૃતિમાં જડાયેલાં છે – ‘અમે ઈડરિયા પથ્થરો’ની કેટલીક પંક્તિઓ જોઈએ : ‘ભેંકાર તોતિંગ નગ્નતા બખોલ ભરેલું મૌન ભેખડે ઝઝૂમતી એકલતા પીઠ પર વાયુવરસાદના વાઘજરખ નખ-ઉઝરડા.’
‘પથ્થરિયા છાતી પર રૂપકડાં મંદિર-છૂંદણાં...’ (સ. ક., પૃ. 733) ‘ધારાવસ્ત્ર’ કાવ્યમાં કવિએ ભવ્ય કલ્પન દ્વારા પકડી ન શકાય તેવા અધ્યાત્મ-રહસ્યને ઘૂંટ્યું છે. ‘ધારાવસ્ત્ર’ સંગ્રહમાં ‘મૂળિયાં’, ‘એક પંખીને કંઈક –’, ‘ગોકળગાય’, ‘સીમ અને ઘર’, ‘અલ્વિદા દિલ્હી’, ‘ચંદ્રવદન એક...’ જેવાં કાવ્યો મળે છે. અગિયાર બાળકાવ્યો પણ આ સંગ્રહમાંથી મળે છે. ‘જઠરાગ્નિ’ના કૂળનું કાવ્ય ‘સ્વપ્નોનું એક નગર’ આ સંગ્રહમાં સાંપડે છે. તો, કટોકટીના સંદર્ભવાળું ‘વસંત છે’ પણ આ સંગ્રહમાં મળે છે : ‘તમે કહો છો વસંત છે પણ પંખીને કહો છો : ચૂપ ! અમને સૌને દર્પણ સમજીને જોયાં કરો છો પોતાનું રૂપ. ... ... ’ (સ. ક., પૃ. 765) ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છે તેમ, ‘સપ્તપદી’ ઉમાશંકરની કાવ્યગિરિમાળાનું સર્વોત્તમ શિખર છે. ‘સપ્તપદી’ શીર્ષકમાં, સાત પદો-કાવ્યો-ની બનેલી ‘સપ્તપદી’ ઉપરાંત, અંતરતમ સ્વરૂપ, પ્રભુ સાથે સાત ડગલાં ચાલવાની અગત્ય અંગે પણ ઇશારો હોવાનું ઉમાશંકરે નોંધ્યું છે. ‘છિન્નભિન્ન છું’નો વિષય છે એક-કેન્દ્ર વ્યક્તિત્વ, ‘શોધ’નો વિષય છે સર્જન-અભિવ્યક્તિ અંગેની શોધ. ‘નવપરિણીત પેલાં’માં પ્રણય, દામ્પત્યસ્નેહ એ integrityના ઘડતરમાં કેવું પ્રબળ તત્ત્વ છે તે દર્શાવાયું છે. ‘સ્વપ્નોને સળગવું હોય તો–’માં સામાજિક-જાગતિક સંદર્ભ ગૂંથાય છે ને વ્યક્તિને સુગ્રથિત કરવામાં ઉપકારક તત્ત્વોમાંના એક તરીકે દુરિતનોય સ્વીકાર છે. ‘પીછો’માં પ્રભુની અનિવાર્યતા પ્રબળપણે સંવેદાય છે. ‘મૃત્યુ-ક્ષણ’માં કવિ મૃત્યુ નિમિત્તે મૃત્યુ સાથે અને જીવન સાથેય જાણે હાથ મિલાવે છે. તા. 19-12-1988ના રોજ ઉમાશંકરે મૃત્યુ સાથે હાથ મેળવ્યા ને જે પ્રકૃતિને તેમણે અપાર ચાહી તે પ્રકૃતિમાં તેઓ મળી-ભળી ગયા. ‘મૃત્યુ-ક્ષણ’ વિશે કવિએ નોંધ્યું છે : ‘જીવન દરમિયાન જ ક્યારેક તો લાધતી અથવા જીવનને અંતે આવતી મૃત્યુ-ક્ષણ એ પ્રેમ અને મૃત્યુની અનુભૂતિની ક્ષણ છે અને એસ્તો એકત્વ અર્પનાર પરમ-એક-તત્ત્વના જીવંત સંસ્પર્શની ક્ષણ છે.’ ‘પંખીલોક’ ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છે તેમ, એમના કવિતામંદિરની સુવર્ણકળશરૂપ રચના છે. જેમાં, પૂર્ણાંક થવા તરફની ગતિ સંવેદાય છે; જેમાં ‘અભિવ્યક્તિના અંત:પ્રવાહના અંશો થોડે થોડે અંતરે ગૂંથાયે ગયા છે અને એ રીતે અંતરલોક સાથે એ વળોટ પામે છે’ અને ‘આનંદઘોષ નિપજાવનારું નીવડે છે.’ ‘પંખીલોક’ની અંતિમ પંક્તિઓ જોઈએ – ‘હતા પિતા મારે, હતી માતા. હા, હતી માતાની ભાષા. હતું વહાલપ-સ્ફુરેલું, પ્રાણપૂરેલું શરીર. હતું હૃદય – હતો એને કાન, હતો અવાજ. મારું કામ ? મારું નામ ? સપ્રાણ ક્ષણ, આનંદ-સ્પંદ, – એ કામ મારું માનવતાની સ્ફૂર્તિલી રફતારમાં મળી ગયું છે. મારા શબ્દ-આકારો જે કંઈ રસવીચિઓ તે હવે અન્ય હૃદયમય. નામ મારું ભાષામાં ઓગળી ગયું છે. વેઇટ-ઍ-બિટ્ !... છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’ (સ. ક., પૃ. 824) જેમણે ‘વિશ્વશાંતિ’ ને ‘વિશ્વપ્રેમ’નો મંત્ર જગાવ્યો, વિશ્વચેતનાના સંદર્ભમાં પૂર્ણતા તરફની જેમના જીવનની ગતિ રહી છે તેવા વિશ્વમાનવી, સર્જક-મનીષી ઉમાશંકરને શત શત વંદન.
ઉમાશંકર જોશીએ નોંધ્યું છે : ‘કાવ્ય જીવે છે આસ્વાદમાં’ (‘પ્રતિશબ્દ’, પૃ. 25) ઉમાશંકર જોશીનો અભિગમ આસ્વાદલક્ષી રહ્યો છે. ‘નિશ્ચેના મહેલમાં’ના એમના આસ્વાદ તરત યાદ આવે છે. સાથે કાવ્ય-આસ્વાદનું એમનું સુંદર સંપાદન ‘પ્રતિભા અને પ્રતિભાવ’ પણ યાદ આવે છે. ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી નિમિત્તે એમનાં કાવ્યોના આસ્વાદનો આ વિશેષાંક કરવાની તક મળી એ બદલ આનંદ અને આભારની લાગણી અનુભવું છું. આ વિશેષાંક માટે મુ. ભગતસાહેબ, ઉશનસ્, ભોળાભાઈ પટેલથી માંડીને રાજેશ પંડ્યા, કિશોર વ્યાસ, મહેન્દ્રસિંહ પરમાર સુધીના કવિઓ, વિવેચકો, અભ્યાસીઓ પાસેથી આસ્વાદલેખો સમયસર મળ્યા એ બદલ સહુનો આભાર માનું છું. સંજોગોવશાત્ ચિમનલાલ ત્રિવેદી, નલિન રાવળ, ગુલામમોહમ્મદ શેખ, શિરીષ પંચાલ, લાભશંકર પુરોહિત, જયંત પારેખ તથા રાજેશ પંડ્યા ‘મિસ્કીન’ પાસેથી આસ્વાદલેખો મળી ન શક્યા એનો રંજ છે. મુ. ભગતસાહેબને ‘પંખીલોક’ કાવ્યના આસ્વાદ માટે વિનંતી કરી હતી. પરંતુ એમને લાગ્યું કે અન્ય વિદ્વાને ‘પંખીલોક’ વિશે લખ્યું છે એમાં એમને વધારે કશું કહેવાનું નથી. આથી અન્ય કોઈ કાવ્યના આસ્વાદ માટે એમને વિનંતી કરી. ‘લોકલમાં’ કાવ્યનો આસ્વાદ એમની પાસેથી મળ્યો. આમ આ કાવ્યને બે કવિ-વિદ્વાનોના આસ્વાદનો લાભ મળ્યો. આ વિશેષાંકમાં ‘પંખીલોક’નો આસ્વાદ ન હોય એ કેમ ચાલે ? આથી બીજે પ્રગટ થયેલો ચંદ્રકાન્ત શેઠનો ‘પંખીલોક’નો આસ્વાદલેખ આ વિશેષાંકમાં સમાવ્યો છે. એ લેખ ફરી જોઈ જઈને એમણે જરૂરી સુધારા કરી આપ્યા તથા આ વિશેષાંકને એમના વિશેષ પરામર્શનનો લાભ મળ્યો છે એ બદલ એમનો આભાર માનું છું. સમયસર આ વિશેષાંક પ્રગટ કરવા બદલ રોહિત કોઠારી તથા ‘શારદા મુદ્રણાલય’ પરિવારનો આભારી છું. આનંદ તથા આભાર સાથે વિરમું છું. 19-12-2010 – યોગેશ જોષી