આત્માની માતૃભાષા/30

From Ekatra Wiki
Revision as of 11:14, 16 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘આવ્યો છું મંદિરો જોવા—’ વિશે| પારુલ કંદર્પ દેસાઈ}} <poem> આવ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘આવ્યો છું મંદિરો જોવા—’ વિશે

પારુલ કંદર્પ દેસાઈ

આવ્યો છું મંદિરો જોવા, જોવા દક્ષિણ મંદિરો,
સેંકડો માઈલો કાપી, — ગિરિ ઓળંગી, કંદરો
વીંધતો રેલગાડીમાં વટાવી વન ને વડાં
મેદાનો માપતો વેગે ખેડેલાં ખેતરે મઢ્યાં.
ચોલ, ચૌલુક્ય ને પાંડ્ય, પલ્લવો, નાયકો અને
ધર્મી હોયશળે નિર્મ્યાં આ સુરમ્ય પ્રદેશને
ખૂણે ખૂણે, વળી કૈંક લક્ષ્મીવંતે રચાવિયાં
નગરે નગરે ગામોગામ, ભવ્ય સુહાવિયાં
તટે સમુદ્રને શાન્ત લાંબી શતાબ્દીઓ થકી,
મંદિરો; — કૈંક ખંડેરો, કૈંક તોયે રહ્યાં ટકી;
કૈં તો વિધર્મીઓ કેરા કરે લોપ્યાં અમર્ષમાં,
લીલીસૂકી અનુભવી કૈં કૈં સહદ્ર વર્ષમાં
ઊભાં છે. કાલ તો ફ્રેન્ચ અને અંગ્રેજનાં દળે
કોઠીકિલ્લા ગણી લીધાં ખપમાં વસમી પળે.
અને આજેય ‘એ.આર્.પી.’ પાટિયાં લટકેલ છે,
— પ્રજાને બસ દેવોને ભરોંસે શી મૂકેલ છે!
દેશની શેષ આશા શાં જોવા આવ્યો છું મંદિરો.
ડોકાતાં તાલઝુંડોની પૂંઠે તોતિંગ ગોપુરો.
ચાર દિઙ્નાગની સામે ઊભા ચાર દિશા મહીં
ટોપ પ્હેરેલ સંત્રી શાં. ક્યાંક તો લાગી છે રહી
લાંબી લંગાર કો ઊંચાં કો નીચાં ગોપુરો તણી,
વચ્ચે વિમાનની વીંટી આકૃતિ છેક વામણી.
ક્યાંક તો ઢગ શા આડાંઅવળાં ગોઠવી કીધા?
વિભુની વિભુતાના શું ગંજ છે ખડકી દીધા!
સ્વયં દિગ્ગજરાજો શું આવી ઝૂલંત બારણે!
શૈલકૂટ સમાં જાણે ચીંધી ર્હેતાં વિરાટને.
જગ ભંગુરની સામે ડોલતી ઉપહાસમાં
તાલનાં ઝુંડ માથેથી વાસુકિની ફણા સમાં.
અને અંદર ચોકે જે ઘાટીલા જળકુંડની
રમ્ય સોપાનમાલાને તટે ઊંચેરી માંડણી
પરે સભાગૃહ તણો સોહે સ્તંભસહદ્રથી,
એ તે મંડપ છે શું? — કે શિલાનું વન તો નથી?
ને આ પ્રદક્ષિણામાર્ગો શા પ્રલંબ રચેલ છે?
મોકળા, હાથીઅંબાડી સાથેયે સ્વારી સ્હેલ છે!
દીપમાળા રચી મોટા વર્તુલે, શેષનાગની
ફેણા સહદ્ર-શી; એની પ્રતિ ફેણે સુહે મણિ.
અને સામે જ નંદી જે બેઠો છે એય અલ્પ ના.
એની વપુસમૃદ્ધિની આવે શી રીત કલ્પના?
ઊભો એ થાય તો એની નીચે થઈ શકે જઈ
બળદો શીંગડે ઊંચે, ભીડ લેશ પડે નહીં.
લંબાતી ડોક, ને કર્ણો સરવા દીસતા અતિ,
નીકળી જીભ ફૂલેલાં નસ્કોરાં જઈ ચાટતી.
બેઠો છે પગ વાળીને જમણે પડખે નમી;
થતું કે કદી બેઠી જો બરડે માંખ, તો જમીં
પરે પગ પછાડીને જોરમાં પુચ્છ વીંઝતો
થૈ જશે હમણાં ઊભો, સારી પૃથ્વીથી ખીજતો!
અને ત્યાં કંઠની એના માલાઓ ઘંટડી તણી
સૌમ્ય સાન્ત્વન રેલંતી ર્હેશે મંજુ સ્વરે રણી!
મૂર્તિઓય મહાકાય: અનંતશાયી વિષ્ણુ આ,
ગોમટેશ્વર આ, ઉગ્ર નૃસિંહ વિશ્વજિષ્ણુ આ.
‘રાઈ'-`ચણા'-સમાણા આ ગણેશો હાથીથી વડા,
હોત શ્રીફળ-શા ત્યારે ગણેશો અહીં કેવડા?
મંદિરદ્વાર પાસે ત્યાં ઊભા છે રોકીને પથ,
આકાશ ચુંબતા ઊંચા અહો વિરાટ એ રથ!
ક્ષુદ્ર નામે અહીં કૈં ના, અને ના કાંઈ સાંકડું;
સીમાને ભેદીને રાજ્ય ભૂમાનું વિસ્તર્યું વડું.
સ્થાપત્યે ઊભરી જેવી સોહે ઊર્જિત ભવ્યતા,
શિલા શિલા તણાં હૈયે ઊભરે એવી રમ્યતા.
હમણાં જ છરીથી શું કાપીને ગોઠવ્યા ન હો,
દીવાલે પથ્થરો એવા સોમનાથે સુહે અહો!
કંકણાકૃતિ સ્તંભો તે સંઘાડેથી શું ઊતર્યા?
સ્તંભે સ્તંભે ટાંકણાનાં જાદુ અજબ ઊભર્યાં.
અહીં આ હારની હારો હાથીની ચાલી જાય છે,
અહીં અશ્વો રથો દોડે, ત્યાં સૈન્યો અથડાય છે.
મત્સ્યવેધ અહીં, ને આ વાલીવધ, પણે વળી
શીંકે કનૈયો પ્હોંચ્યો છે ગોપબાલપીઠે ચડી.
હર-ગૌરી એકરૂપ અહીં, હરહરિ તહીં,
વેણુ વગાડતી મૂર્તિ ધ્યાનસ્થ કૃષ્ણની અહીં.
હંસપંખી તણી પીઠે અલવે દેહ ટેકવી
રતિ સ્વારી કરે. એને માથે કાક રહ્યો લવી.
શિવ ને પાર્વતી વચ્ચે નૃત્યની સરસાઈ આ;
નટરાજ તણી રમ્યરુદ્ર લીલા શી છાઈ આ!
‘આવશે? નહિ આવે શું?’ તર્જનીને ઊંચી કરી
વિસામે નર્તકી, એની અંગુલિ કંકુથી ભરી.
ડાબે કર અરીસો ને માથેથી જમણો ઢળ્યો,
આશાભરી કરે ભાલે અંગુલિ થકી ચાંદલો.
કરે ચાપ, અને શું ત્યાં શરસ્થાને શરીર છે!
મૃગયા ખેલતી શી આ રમણી રસવીર છે!
વિવસ્ત્રા યુવતી આ થૈ વીંછી ખંખેરવા જતાં;
— એ તો કામ! કહે સંત, પેખી નિર્દોષ નગ્નતા.
શિરે કર મૂકી લાસ્યે રેલાવે રસનિઝરી,
દુષ્ટને કરવા ભસ્મ સ્વયં મોહિની થૈ હરિ.
નાના સ્વરૂપથી આવાં સુહતાં ભવ્યસુંદિર
દેશની દિવ્ય સિદ્ધિ-શાં જોવા આવ્યો છું મંદિર.
નથી અસુંદર કંઈ, નથી કૈં અહીં ક્ષુદ્ર કે?
દેવો અને ભૂદેવોને મન કો નથી શૂદ્ર કે?
ભૂમા ને ભવ્યતા વચ્ચે નથીને મન સાંકડાં?
પ્રજા ઝાઝેરીનાં શાને લાગે છે મુખ રાંકડાં?
માર્ગે રહી બ્હારથી જ દ્વારોની આરપારથી
દેવની કરતા ઝાંખી લોક આ કૈં મથી મથી.
અથવા ભીંતબારીથી સોનેરી શિખરે પડે
દૃષ્ટિ, એમ જઈ ઊભે, પ્રભુપ્રસાદ જો જડે.
અને જે ગર્ભદ્વારે જૈ ઊભે મૂર્તિ સમીપમાં,
એય ભોળાં અદવગાં, ઝાઝાં તો મૂર્છિતો સમાં.
પુરુષાર્થ તજી ભીરુ માગે કે કોક ક્યાંકથી
કરે સંધા સ્વાર્થ સિદ્ધ, આશરો અન્ય કો નથી.
દાસ્યદુર્બળ હૈયાંની પ્રભુશ્રદ્ધાય પાંગળી,
આવાંની પ્રભુયે તે હા! ઝાલે શી રીત આંગળી?
જુગની જડતાના આ કોટકિલ્લા સમાં અરે
મંદિરોમાં હશે ક્યાંયે ભરાયેલો પ્રભુ ખરે?
પ્રભુને ગર્ભગૃહથી કાઢી મૂકેલ હો ભલે,
ભૂમાભવ્ય શિલાવેશે રમે કિંતુ સ્થલે સ્થલે.
પ્રભુ પ્રત્યક્ષ સર્વત્ર શિલાનાં હૃદયે વસી,
સૌન્દર્યમૃગયા અર્થે આમંત્રે યાત્રીને હસી.
દેવ તો દેશનો ખૂણેખૂણો ભરી દીસે વસ્યા,
દેવનાં મંદિરોની — આ મનુષ્યોની જ શી દશા?
આજે વિદેશીને હાથે થયાં છેક જ જર્જર
દેશી મુજ, — દેવનાં એ જોવા આવ્યો છું મંદિર.
અમદાવાદ, ૧૧-૬-૧૯૪૫