નિરંજન/૩૬. `મારા વહાલા!'
તે દિવસ દરિયાની નાનકડી સફર નિરંજનના મન ઉપર કોઈ એવી અસર કરી ગઈ કે, કોણ જાણે ક્યાંથી, એને આવતો શિયાળો સાંભર્યો: શિયાળે તો પોતાનાં લગ્ન થવાનાં છે.
પણ લગ્નની શી એવી ઉતાવળ છે? થોડો કાળ જવા દઉં તો? કયું કારણ બતાવી મુદ્દત લંબાવવી?
હા, બરાબર છે. સરયુ આગળ અભ્યાસ કરે એ જરૂરનું છે. એકાદ વર્ષ કોઈ સારા વિદ્યાલયમાં મુકાય તો એના દિલની તેમ જ દેહની ખિલાવટ થાય.
સરયુનાં માબાપ એ માનશે? સરયુ પોતે કબૂલ કરશે? કેમ નહીં કરે? હું કેટલો આત્મભોગ આપીને પરણવા તત્પર થયો છું! અને મારી લાગણીને શું એ બધાં આટલું માન નહીં આપે?
પણ મારી એ લાગણી કઈ, જે આટલા માનની આશા સેવે છે? મારી દયાની લાગણી –
એવી વિચાર-સાંકળીને ટપાલીના ઠબઠબાટે તોડી નાખી. એક પરબીડિયું હતું. `નોટ-પેડ' હતું. હશે કોઈક ગામડિયા સગાનું, કોઈક બેકાર ભાઈ-દીકરાને મુંબીમાં ઠેકાણે પાડી દેવાનું! ખૂબ સતાવે છે આ બધા ગામડાંના પિછાનદારો! નથી જોઈતું પરબીડિયું. કાઢવા દે પાછું, એટલે `નોટ-પેડ' લખતાં બંધ પડી જાય.
ટપાલી છેક બહાર નીકળી ગયો તે પછી વળી વિચાર આવ્યો કે લાવ, હવે એક વાર લઈ લઉં. ટપાલીને પાછો તેડાવી એણે બે આના ભરી આપ્યા.
ફોડીને વાંચે તો કાગળનું સંબોધન જ ભડકાવનારું! –
``મારા વહાલા!
કાગળનું સંબોધન એટલેથી જ નહોતું અટકી જતું.
``મારા વહાલા શુભોપમા યોગ્ય સ્વામીનાથની ચિરંજીવી ઈશ્વર અખંડ રાખે. વગેરે વગેરેનો શંભુમેળો!
લખનારે કોઈ પરાયા પ્રેમપત્રોમાં કદી ડોકિયું કર્યું જણાતું નહોતું. વીસમી સદીના ચડતા સૂર્યને વિશે એ એક વિસ્મયની વાત લાગી.
અંદર લખ્યું હતું કે:
હવે મને અહીં જરીકે ચેન પડતું નથી. બહુ મૂંઝાઉં છું. પરણીને પછી મને ઠીક પડે ત્યાં રાખજો. દાસીને દયા કરી આ કેદખાનામાંથી છોડાવો. દાસીના અપરાધ થયા હશે, તેની ક્ષમા કરો. હું તો અણસમજુ છું. વધુ શું લખું? આ કાગળ માળીની ઓરડીમાં બેસી બેસી ત્રણ દિવસે પૂરો કરું છું. ટપાલમાં નાખવા ગજુને આપ્યો છે. તમને પહોંચશે કે નહીં પહોંચે? પકડાશે તો મારા ભોગ મળશે.
લિ. તમારી અપરાધી દાસી
સરયુના ચરણ-પ્રણામ.