નિરંજન/૨. શ્રીપતરામ માસ્તર
ઓરડી પર જઈને એ પડ્યો. પડ્યાં પડ્યાં એને વિચારો આવ્યા: આખુંય ભાષણ શું ખુદ મને જ તમાચા લગાવવાના હેતુથી અપાયું? વિદ્યાર્થીઓ તો મને સુનીલાનું સ્નેહપાત્ર બન્યો માની મારું અહોભાગ્ય માનતા હશે, મારી ઈર્ષ્યા કરતા હશે; પણ મારી આંતરિક દશા તો શરમની છૂપી છરીથી વઢાઈ રહેલ છે. સુનીલાએ મને પછાડ્યો, બહુ નીચો પછાડ્યો! બારણાં પાસે ટપાલનો કાગળ આવીને પડ્યો હતો. એ કાગળ એના પિતાશ્રી શ્રીપતરામ માસ્તરનો હતો. પિતાજીએ મહત્ત્વના સમાચાર લખ્યા હતા: ``દીવાનસાહેબ ત્યાં પધારેલ છે, તો તું સલામે જઈ આવજે, ચૂકતો નહીં. તારા માટે અહીંની નોકરીની તજવીજ કરી રહેલ છું. તેનો આધાર તું દીવાનસાહેબના મન પર કેવીક છાપ પાડી આવે છે તે ઉપર રહેશે. નિરંજનને તે દિવસે પહેલી જ વાર જમતાં જમતાં કોળિયામાં કાંકરો આવ્યા જેવું લાગ્યું. આ દીવાનસાહેબને પોતે સોળ વર્ષની ઉંમરે જ્યારે પહેલી વાર સલામ કરવા ગયો હતો ત્યારે પોતે અમુક વાક્યો ગોઠવીને ગયેલાનું એને યાદ આવ્યું: ``ઇઝ યોર ઓનર્સ હેલ્થ ઓલરાઇટ? `યોર ઓનર' શબ્દો પ્રત્યેક વાક્યમાં એ ઉલટાવીસુલટાવીને બોલ્યો હતો. અને દીવાનસાહેબે ખુરસી પર બેસવા કહ્યું છતાં પોતે વિનય સાચવવા ખાતર જાજમ પર જ બેઠો હતો. આવ્યો ત્યારે, તેમ જ ગયો ત્યારે, દીવાનસાહેબના ઘૂંટણોને અડકીને પોતે નમન કર્યાં હતાં. એ જ દીવાનસાહેબને આજે એક વધુ વાર મળવાનું છે; આજના મેળાપ ઉપર નોકરીનો આધાર છે; પણ કમરનાં હાડકાંના કૂણા પડી ગયેલા મકોડામાં આજે થોડી કડકાઈ, થોડો સોજો પેઠાં છે. દીવાનસાહેબના ખોળામાં આજે હું ઝૂકવા જઈશ તો દીપશે કે કેમ? `યોર ઓનર' (`આપ નામદાર') શબ્દ મારા ગળામાંથી નીકળી શકશે કે કેમ? શંકા પડવા લાગી. સુનીલાની તિરસ્કારયુક્ત મુખમુદ્રા પોતાની સામે તરવરી ઊઠી. એ તિરસ્કારમાં લાગણીની ધાર હતી. એ તિરસ્કારની છૂરીને સુનીલાએ આજની ઘટના ઉપર ઘસીને શાનદાર બનાવી હતી. સુનીલા મને દીવાનના ચરણોમાં ઝૂકતો જુએ તો શું કહે? શું ધારે? પણ સુનીલાની અભિપ્રાયબુદ્ધિને ત્રાજવે હું આજે શા માટે મારા આચારવિચારને તોળવા બેઠો છું? એને ને મારે શું? મારી માતા શું ધારશે, પિતા શું ધારશે, બહુ બહુ તો પ્રભુ શું ધારશે, એ પ્રશ્ન બેશક વાજબી છે; પણ સુનીલા શું ધારશે એટલે? પોતે પોતાની જ મૂર્ખાઈ પર હસ્યો. એ હાસ્યનાં ચાંદૂડિયાં પાડનાર નાનો અરીસો ભીંત પર બરાબર સામે જ લટકતો હતો. અરીસામાં ઊભેલી આકૃતિ એમ કહેતી હતી કે, ઓ યાર! સુનીલા શું ધારશે, એ પ્રશ્ન કંઈ આજે પહેલવહેલો જ નથી છેડાયો. ને પ્રભુ શું ધારશે, એ પ્રશ્ન તો જીવનનો નથી, મૃત્યકાળનો છે. જીવનને લગતી હરએક સ્થિતિના પ્રશ્નો તો આપણને આપણી પ્રત્યેકની સુનીલાઓ જ પૂછતી હોય છે. એટલે કે કપડાં મેલાં હોય, હજામત વધી હોય, ડુંગળી કે લસણ ખવાઈ ગયું હોય, એકાંતેય અનુચિત શબ્દ બોલી જવાયો હોય, અરે, ટ્રામમાં કે ટ્રેનમાં કોઈની જોડે લડી ઊઠતાં બાયલાઈ બતાવી હોય, તો મનમાં ફાળ એ પડે છે, કે મારી – એ શું ધારશે? દીવાનસાહેબને મળવા તો જવું જ જોશે. રજવાડાના જૂના પેન્શનર શ્રીપતરામ માસ્તરનો પુત્ર સ્કોલરશિપના ટેકા વગર વિદ્યાનો પહાડ ઓળંગી શકવાનો નહોતો. સરસ્વતીના શિર ઉપર સર્જનહારે ડાબા હાથના આશીર્વાદ મૂક્યા છે. શ્રીપતરામ માસ્તરે પચીસ વર્ષ સુધી ગુજરાતી શાળા ભણાવ્યા પછી મેળવ્યાં હતાં બે વાનાં: વિનયવંત હોશિયારીનું એક સર્ટિફિકેટ: ને બીજું એક મિથ્યાભિમાન કે, અમુક દાક્તરસાહેબ અને અમુક કારભારીસાહેબ, ફલાણા રાષ્ટ્રનેતા અને ઢીંકણા પત્રકાર વગેરે બધા તો મારા નિશાળિયા હતા. પોતાને પાંખિયાં વગરની સ્લેટ મારીને ભાગી ગયેલો રખડુ નિશાળિયો મોટપણે વિમાન-વીર થઈ ગામમાં આવ્યો, ત્યારે એના માનના મેળાવડામાં સહુથી વધુ છાતી શ્રીપતરામભાઈની ફુલાઈ હતી. ફુલાતી છાતી પર ચાર આંગળ પહોળો હીરકોરનો ગડી પાડેલ દુપટ્ટો સજીને માસ્તરસાહેબ એ મેળાવડામાં ઘૂમ્યા હતા અને પોતાના ગામના એ વિમાન-વીરને `મારો નિશાળિયો, મારી સોટી ખાઈ ખાઈને વિદ્યા પામેલો' કહી આખા સંમેલનમાં પોતે ઓળખાણ કરાવી હતી. ને એને ગળે ફૂલહાર પહેરાવવાનો પોતાનો હક એમણે કેટલા જોશથી રજૂ કર્યો હતો! પણ એમને સહુએ હસી કાઢ્યા હતા. એટલે પછી પોતે નદીકાંઠાની કરેણ પરથી લાલ-ધોળાં કરેણનાં ફૂલો ચૂંટી લાવીને છાનીમાની એક ફૂલમાળા બનાવી રાખી હતી ને સવારથી એક જૂના ગળણામાં એ માળાને ભીની લપેટી રાખી હતી. સાંજરે કોઈ ન જાણે તેવી સિફતથી પોતે માળા ગજવામાં લઈ ગયા હતા; ને હજુ તો નગરશેઠ પ્રજા તરફનો ફૂલહાર ઝુલાવતા થોડુંક પ્રાથમિક ભાષણ કરતા હતા ત્યાં જ ડોસાએ ઊઠી, પોતાના જૂના નિશાળિયાની પાસે દોડી જઈ ઝટપટ ગજવામાંથી એ કરેણફૂલની માળા કાઢી, એને કંઠે આરોપી દીધી હતી. એટલું જ નહીં પણ `મહેરબાનો, આ મારો વિદ્યાર્થી જુઓ. એની સ્લેટના જખમનો ડાઘ હજુ મારા લમણા ઉપર છે', એમ પોતે પુકારી ઊઠ્યા હતા; ને એમને કોઈ બોલતા રોકે તે પૂર્વે તો પેલા વિમાન-વીરના માથા પર બેઉ હાથ મૂકી આશીર્વચનનો પોતે જ રચી રાખેલો એક દોહરો પોતે લલકારી મૂક્યો હતો. લલકાર કરતાં એના બોખા મોંમાંથી થૂંકના છાંટા ઊડ્યા હતા ને એની ઊંડી ગયેલી આંખોમાંથી દડદડ આંસુ વહ્યાં હતાં. ઘેર જઈ એમણે નિરંજનનાં બા પાસે બે કલાક સુધી ગર્વ કર્યો હતો કે સાંભળ્યું ને! નગરશેઠના હાથનો હાર તો ઠઠ્યો રહ્યો. આપણો હાર પહેલો પડ્યો. સહુ ફાટતે ડાચે જોઈ રહ્યા! ન જોઈ રહે! હું કોઈનો ગાંજ્યો જાઉં તેમ નથી. નિશાળિયો કોનો? મારો – મારો. આ જોઈ લો, મારા ડાબા લમણા ઉપર હજુ તો નિશાની છે: રૂપિયા જેવડું ચગદું પડી રહ્યું છે, જોઈ લો. એ લમણા પરનું ચગદું એ જ શ્રીપતરામ માસ્તરના તમામ રૂપિયાનો અવશેષ હતો, અથવા એમ કહો કે સરવાળો હતો. પણ નિરંજનની કૉલેજ-ફી માટે એ ચગદું કંઈ વટાવી શકાતું નથી; એ ચગદું ભલેને જીવનનાં સાચાં મૂલ મૂલવ્યે રાજા જ્યોર્જના તાજના કોહિનૂર જેટલું મૂલ્યવંતું હોય – ને શ્રીપતરામભાઈ મનમાં મનમાં એવું માનતાય ખરા – છતાં શહેનશાહના તાજના હીરા વચ્ચે તથા માસ્તરસાહેબના લમણા પર એક રઝળુ નિશાળિયાએ મારેલી સ્લેટના જખમની ચગદી વચ્ચે એક સમાનતા તો અવશ્ય રહેલી હતી: બેમાંથી એકેયને વટાવી શકાય તેમ નહોતું. શહેનશાહજાદાની કે નિરંજનની એકાદી ચોપડી પણ એ બેમાંથી ખરીદાય તેમ નહોતું. આમ છતાં કાઠિયાવાડની બંને કૉલેજો છોડીને મુંબઈ જેટલે દૂર અને ખર્ચાળ સ્થળે આવવાનું કારણ એ હતું કે નિરંજન પહેલા દરજ્જાનો પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો ને એ પ્રતિભાને પૂરું મેદાન મળે એવો માસ્તરસાહેબનો આગ્રહ હતો. ``તું તારે ઉપડ, હું ચાહે તે ભોગે તને ખરચી મોકલ્યા કરીશ. હું મારી જાતને વેચીશ. એ વાક્ય સાથે માસ્તરસાહેબે પુત્રને જે દિવસ વિદાય કરેલો, તે દિવસ ટ્રેનમાં આખે રસ્તે નિરંજન ડબાની બારી બહાર માથું રાખીને એકલો ને અણદીઠ્યો રડ્યો હતો.