નિરંજન/૧૭. મિનારા પર

From Ekatra Wiki
Revision as of 11:04, 20 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૭. મિનારા પર

ત્રીજા દિવસની પૂર્વ દિશા પર સૂર્યનું લાલ ચુંબન પડ્યું ત્યારે નિરંજન કૉલેજના દરવાજા પર આવી ઊભો. અનંત યોજન પર ઊભેલ ઉષા યુવાનના મોં પર રંગોળી પૂરી રહી. તાજા કરેલા અંઘોળે એને નવી ઉષ્મા આપી હતી. ત્યાં તો તરત જ એક ગોરો સાર્જન્ટ સામે ખડો થયો. એના કમરપટામાં રિવોલ્વર હતી. બીજું કોઈ ત્યાં નહોતું. વિદ્યાર્થીઓએ કરવા ધારેલ ધ્વજક્રિયાની વાત પ્રિન્સિપાલને કાને પહોંચી ગઈ હોવી જોઈએ. ચકલુંય ત્યાં ફરકતું નહોતું. ``પાછા ફરી જાઓ! સાર્જન્ટે એક શહેનશાહની અદાથી ટૂંક શબ્દો સાથે લાંબી હાથ-ઇશારત કરી. ``શું છે? શા માટે? તમને ખબર નહીં હોય, પણ હું કશું... નિરંજને જાણ્યું કે સાર્જન્ટને સમજાવી શકાશે. પણ સાર્જન્ટની પોતાની સમજ સચોટ, અવિચલ અને ઈશ્વરદત્ત હતી. એના પ્રત્યેક બોલ પાછળ, પ્રત્યેક ચેષ્ટા પાછળ, પ્રત્યેક નિગાહ પાછળ પોણા બસો વર્ષની જૂની શાસનસત્તાનો પંજો હતો. ``બક બક નહીં, પાછા ફરો છો? સાવધાન – એક, બે, ત્રણ, ચાર... ગોરો દસનો આંકડો ગણવા લાગ્યો. બીતો બીતો પણ નિરંજન આગળ વધ્યો. ગોરો નિરંજનને હડબડાવવા લાગ્યો. નિરંજને મિનારાની સીડી ચડતાં ચડતાં ગાન આરંભ્યું:

 ચિરંતન કુમારી!
 ઊભાં રો'
 ન જાઓ!
 ઓ બ્રહ્મા-દુલારી!
 ન જાઓ!
 ન જાઓ!
 અહીં હંસ ખૂટ્યા
 વીણા-તાર તૂટ્યા
 હૃદય-કુંભ ફૂટ્યા
 તથાપિ ન જાઓ!... ચિરંતન

સંગીતના સૂરોએ અને સાર્જન્ટના ડારા-દબડાટોએ સામેની હોસ્ટેલમાં ચુપચાપ બની ગયેલ વસ્તીને સચેત કરી નાખી. જુવાનો બહાર નીકળી પરસાળમાં આવ્યા. તેઓએ પ્રેક્ષકો બનવામાં જ શાણપણ સમજી લીધું. સીડી પરથી ફરી વાર ગાનના સૂર ઊઠ્યા:

ભૂમિ વલ્લભીની
 છે તમ અશ્રુભીની
 સ્મૃતિ તક્ષશિલાની
ફરીથી જગાવો!
 ન જાઓ, ન જાઓ!... ચિરંતન

મિનારા ઉપર ઊભે ઊભે ગાનને ફરી ફરી ઉથલાવતા નિરંજને અગાધ સાગરના સીમાડા પર જલસ્નાન કરીને સૂર્યબિંબ નીકળતું જોયું ને એણે એક કપડાનો ટુકડો ગજવામાંથી કાઢીને એક લાકડીના દંડીકા પર પરોવ્યો; મિનારા ઉપર ગોઠવ્યો. કાપડના સફેદ ટુકડા ઉપર સાદું ભરતકામ હતું. એક રાજહંસ: હંસ પર સવાર બનેલી એક ચિરયૌવના: કુમારિકાના હાથમાં વીણાનું વાદ્ય.

ન જાઓ!
 ન જાઓ!

એ પદને સ્તોત્ર માફક ગાતાં કઢંગા બનેલા નિરંજનના કંઠમાં છેલ્લી પંક્તિઓ ચાલતી હતી:

તને નિન્દનારા
ન જાણે બિચારા,
ભૂમિ-પ્રેમ ધારા
અહીંથી વહી'તી... ચિરંતન

બધા દેશવીરો
સુધારક ફકીરો
 ને શોધક સુધીરો
અહીંથી ઉઠ્યા'તા... ચિરંતન

વગોવાય તોયે
વિમલતા ભરેલી!
હૃદય-પોયણામાં
સદાયે સૂતેલી!
તૂટેલી વીણાનાં
રુદન-ગાન ગાઓ
ન જાઓ!
ન જાઓ!

મિનારા પર એ સૂરોની ઝાલર બજતી હતી. સાર્જન્ટ નિરંજનનો હાથ પકડી નીચે ઘસડી જતો હતો. ને સાર્જન્ટે જોયું કે હોસ્ટેલનો પ્રાણ સળવળી ઊઠ્યો છે. યુવાનો દોટમદોટ ચાલ્યા આવે છે. સાર્જન્ટે મોટું જૂથ જોયું. જાડા જણ ભાળીને ગોધો વધુ વીફરે છે. એનો હાથ રિવોલ્વર પર ગયો ને એણે ડણક દીધી: ``ચાલ્યા જાઓ. ગાનધ્વનિ ચાલુ હતા:

ન જાઓ!
 ન જાઓ!
 – ચિરંતન કુમારી

`ચાલ્યા જાઓ' અને `ન જાઓ' એ બે સ્વરો વચ્ચેની પસંદગી યુગયુગોથી થયા કરી છે. એ પસંદગીના મામલા પર કાયરો પણ વીર બને છે. એકેય જુવાન ન ખસ્યો. સર્વે મળીને મિનારા પરના ગાનની ધૂન ઝીલવા લાગ્યા:

ચિરંતન કુમારી!
 ન જાઓ!
 ન જાઓ.

નિરંજન મહેનત કરીને ઊઠતો હતો. પાછો લથડિયું ખાઈને પટકાતો હતો. એના મોં પર સ્મિત ફરક્યું. એણે હાથ વતી કોઈકને વંદન કર્યાં. વિદ્યાર્થીઓના જૂથની પાછળથી એક પરિચિત અવાજ આવ્યો: ``સાર્જન્ટ, તમે ખોટો માણસ પકડ્યો લાગે છે. બોલનાર તરફ જોવા વિદ્યાર્થીઓ પાછળ ફર્યા. એ પ્રિન્સિપાલ હતા ને એની સાથે સુનીલા હતી. પોતાના પિતાના સંબંધદાવે સુનીલા આજે પ્રભાતે પ્રિન્સિપાલને મળવાને બહાને આવી હતી. એ આવી હતી નિરંજનનું તુચ્છ રોનક જોવા, પણ એણે અણધાર્યું દૃશ્ય દીઠું. ``મિનારા પર જઈ જુઓ, સાર્જન્ટે કહ્યું. પ્રિન્સિપાલે સીડી ચડવા માંડી. પછવાડે ટોળું ચડ્યું. ``નિરંજન, તું! પ્રિન્સિપાલને નવાઈ થઈ, ``શું કરે છે? ``ધ્વજ-પૂજન. ``આ શાનો ધ્વજ? ``વિદ્યાનો – સરસ્વતીનો. ``ત્યારે તો સાર્જન્ટે પૂરી બેવકૂફી કરી; તમારે એને સમજાવવું જોઈતું હતું ને? ``સમજાવવું! સુનીલાએ હસીને ટૌકો પૂર્યો, ``સાહેબ, તમારી કોમ સમજાવટથી પર છે. ``વાહ રે, ડાહી દીકરી! વાહ! શાબાશ! પ્રિન્સિપાલ હસ્યા. સુનીલાની વીખરેલી લટો એની રાતીચોળ આંખોને ઢાંકી ઢાંકી પાછી ઊડતી હતી. આંખોની લાલપના ભડકા આડે લટો જાણે ધૂમ્રશિખાઓ હોય તેવું લાગતું હતું. ધૂળમાં રોળાયેલો નિરંજન સીડી પર ચડ્યો. સહુએ સંકોચાઈને એને કેડી કરી આપી. પાછળ સાર્જન્ટને ચડતો જોતાં સહુએ સીડીનો માર્ગ પૂરી નાખ્યો. પ્રિન્સિપાલની મીટ ટોળા ઉપર રમતી હતી. ટોળામાં એણે ગુજરાતી, દક્ષિણી, પારસી તેમ જ ગોવાની જુવાનોને પણ જોયા. એ બધા નવી પતાકાને નિહાળવા તલસતા હતા. પ્રિન્સિપાલે વાવટા પરનું ચિત્ર ધારી ધારીને તપાસ્યું. ``સુનીલા! એણે પૂછ્યું, ``આ ચિત્રનો મર્મ મને સમજાવશો? ભારતવર્ષમાં છેલ્લાં દસ વર્ષોથી રહેતા એ ગોરા આચાર્યને પહેલી જ વાર ખબર પડી કે ભારતવર્ષની જ્ઞાનદેવીનું આટલું સૌમ્ય સ્વરૂપ કલ્પવામાં આવેલું છે. એણે માથા પરથી ટોપી ઉતારી. ``હવે એ સ્તવન ફરીથી ગાશો, નિરંજન? પ્રિન્સિપાલની વિનતિથી નિરંજને ફરી ગાન ઉપાડ્યું. એની સાદી પંક્તિઓને બીજા સૌએ ઉપાડી લીધી. મર્દોનાં ગળાં સમૂહમાં ગાય છે ત્યારે સ્ત્રીકંઠ કરતાંય વધુ મધુર ઘોર-રવ ઊઠે છે. એ ઘેરા ગંભીર ઘોષમાં એક જ ઝીણો નારી-રણકાર હતો. ગાન પૂરું થયે પ્રિન્સિપાલે નિરંજન પાસે જઈ કહ્યું: ``હું દિલગીર છું. હું સમજેલો કે બીજા જ એક ધ્વજનો તમાશો થવાનો છે. ``તમાશો નહીં સાહેબ, વંદન. નિરંજને સુધારો કર્યો. ``એ વંદન આજે અમારી તાકાત બહાર છે, વિવાદની વસ્તુ છે, માટે જ અમારે પામર બનીને આ નિર્દોષ મેંઢા જેવો ધ્વજ લાવવો પડ્યો. આપની દિલગીરી અમારા દુ:ખમાં વધારો કરનારી છે. ``ખેર, નિરંજન, આજના પ્રાત:કાલની ભાવનાને હું તકરારથી દૂષિત કરવા નથી માગતો. આપણે છૂટા પડી જઈશું? એમ કહીને એણે નિરંજનના દેહ પરથી ધૂળ-કચરો ઝાપટ્યાં, ને કહ્યું, ``યુ બેટર કમ, હેવ એ કપ ઓફ ટી વિથ મી. (ચાલો, મારી સાથે ચા પીઓ.) ``ના જી, કેટલાક વિદ્યાર્થીઓએ વિનતિ કરી. ``આપને વાંધો ન હોય તો અમે હોસ્ટેલમાં જ સૌ સાથે પીએ. ``લો, એ તો વધુ સારું. લઈ જાઓ સુખેથી. સુનીલા, તમે પણ સાથે જાઓ. કહીને ગોરો આ શરમથી બચવા ઝટપટ પોતાને બંગલે ગયો.