પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪.
ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદઃ
વડોદરા એપ્રિલ: ૧૯૧૨
આજથી સો ઉપરાંત વર્ષ પૂર્વે રણછોડભાઈ જન્મેલા. એમના સમયમાં શિક્ષણ મેળવવું અને વિકાસ સાધવો એ કેટલું મુશ્કેલ હશે તેની તો આજે કલ્પના પણ ઘણાને નહિ આવે. છતાં એમના જમાનાનાં સાધનોનો અને બળોનો બને તેટલો લાભ લઈ રણછોડભાઈએ પ્રગતિ સાધી. એમનું જાહેર જીવન અમદાવાદમાં શરૂ થયેલું.
ગુજરાત આજે એમને ઓળખે છે રંગભૂમિ અને નાટકને લોકપ્રિય બનાવવાના પ્રયાસ કરનાર સાહિત્યકારના આદિપુરુષ તરીકે. એમણે જાતે પણ ‘લલિતા દુઃખદર્શક નાટક’, ‘જયકુમારી વિજય નાટક’ આદિ ઘણાં નાટકો લખ્યાં છે અને એ બધાંમાં પણ વિષયની વિવિધતાનું અને જનસમાજને ઉન્નત બનાવવાની એમની વૃત્તિનું દર્શન થાય છે.
સાહિત્ય પરિષદને પ્રમુખપદે તો તેઓ ૧૯૦૭માં બીજી પરિષદ મળી ત્યારે આવ્યા હોત. પણ એમને સંયોગ અનુકૂળ ન હતા એટલે એમની ચૂંટણી ફરીને ચોથી પરિષદ વખતે થઈ અને એમણે એ પ્રમુખસ્થાનેથી ગુજરાતી સાહિત્યના તત્કાળ ધ્યાન ખેંચતા પ્રશ્નોની ચર્ચા કરી.
એમણે ગુજરાતને ઘણું આપ્યું છે. સતત પ્રવૃત્તિમાં જીવન ગાળનાર રણછોડભાઈની શક્તિ અને ઉત્સાહ આજે પણ એમના સાહિત્યવિસ્તારમાં મૂર્તિમન્ત છે.
શ્રીમંત મહારાજા શ્રી. સયાજીરાવ, સેનાખાસખેલ, સમશેર બહાદુર; સન્માનકારિણી સભાના પ્રમુખ શ્રીમંત રાવબહાદુર સંપતરાવસાહેબ અને વર્તમાન પરિષદના સભ્ય, સન્નારીઓ અને પ્રેક્ષકજનો! આજના સાહિત્ય સંમેલન સમયે પ્રમુખસ્થાન સ્વીકારવાને જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે, પ્રથમ તો મેં વિરામી જવાની ધારણા કરી હતી; તે એવા વિચારથી કે, વિશેષ યોગ્યતાવાળા અને વિશેષ ઉત્સાહવાળા પુરુષોને આગળ કરીને, મારા જેવા વૃદ્ધે તો તેમની પીઠ ઠોકીને બની શકે તે પ્રમાણે તેમને સહાયભૂત થવું એ જ ઘટિત છે. કારણ કે હવે પછી પરિષદ ભરાઈ ત્યાં સુધી કરવાનાં કાર્યોનું જોખમ પ્રમુખને શિર રહેવું જોઈએ. તે પ્રમાણે કાર્યસિદ્ધિ થઈ શકે નહિ તો અવસ્થાભાર વહન કર્યો ગણાય. પણ લાગલું જ મારા મનમાં એમ સ્ફુરી આવ્યું કે, આપણને તો મહાસમર્થ શ્રીમંત મહારાજાસાહેબનો આશ્રય મળવાનો છે. તેથી તેમની સહાયને લીધે આપણા કાર્યમાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા આવવાનો સંભવ જ નથી. તો બેધડક આવા શુભ કાર્યમાં આપણે ઊભા રહેવું, એ જ ઉત્તમ માર્ગ છે. મહાશયો! આવા જ વિચારથી મેં પ્રમુખસ્થાન સ્વીકાર્યું છે અને તેમ કરવાનો મારો મુખ્ય હેતુ એ છે કે, જો હું હવે વૃદ્ધ થયો છું, તથાપિ ગુર્જરગિરાના વાઙ્મયનો વિસ્તાર વધેલો જોવાની મારી તીવ્ર તૃષ્ણા અતિ બળવતી થતી જાય છે. માટે તેના કાર્યમાં ઉત્સાહથી ભાગ લેવો એ મારા અંતઃકરણે આનંદદાયક માન્યું છે. તેથી, સજ્જનો! આપે સર્વેએ એકમતે પ્રમુખ થવાનો પ્રસંગ મને આપ્યો છે, એટલા માટે આપ સર્વનો હું અંતઃકરણપૂવક આભાર માનું તેના પહેલાં, જે ઐશ્વર્યસંપન્ન મહાવ્યક્તિ અહીં બિરાજમાન છે, અષ્ટદેવના અંશે અહીં પ્રત્યક્ષ મૂર્તિમાન છે, એવા મહારાજાધિરાજ શ્રીમંત સયાજીરાવનો આપણે સર્વેએ પ્રથમ આભાર માનવો એ યોગ્ય છે. મહાશયો! આ મહામંડળને યોગ્ય મહત્તા આપી ઉત્સાહી કરનાર આ દેવાંશી પુરુષની ઉદારવૃત્તિ કેટલી છે તે તો જુઓ! એઓશ્રી સર્વત્ર અધિપતિ છતાં આવા જનસમૂહના કાર્ય આપણે સ્વતંત્રતાથી કેવી રીતે કરીએ છીએ, તે પોતાની નજરે જોવાને, આપણને ઉત્તેજન આપવાની ખાતર પોતાની સમક્ષ આપણને આટલી બધી છૂટ આપે છે! તેમાં વિશેષ કરીને મારે એઓશ્રીનો આભાર કેવા શબ્દોમાં માનવો એ સૂઝી આવતું નથી.
રાજશ્રીના પ્રતાપી તેજમાં અંજાઈ જવાય તે સ્વાભાવિક છે. રાજાના પ્રતાપનો મહિમા કાલિદાસ જેવા મહાકવિને અસર કરનારો લાગ્યો છે, તો તેના આગળ મારું તે શું ગજું? તો પણ આભારનું કાંઈક લૌક્કિ ચિહ્ન બતાવવા, મહાશયો! મારી સાથે એક અવાજે સર્વ બોલો કે–
હૃદયકમળ ફૂલવાથી આદરફૂલડાં વધાવતાં ધરીએ,
નજર રખી પરિષદ પર કૃપા કરીને સ્વીકાર તે કરીએ.
પ્રથમ ધર્મ બજાવવો યોગ્ય હતો તે આ રીતે બજાવ્યો; હવે મહાશયો! આપ સર્વેનો સામટો ઉપકાર માનીને હું મારા ભાષણનો પ્રારંભ કરું છું.
શ્રી ગુર્જરીગિરાના ઉત્કર્ષમાં સતત ઉત્સાહ રાખનાર અને તેમાં પ્રવૃત્તિ કરનાર સજ્જનોનું આ ચોથી વારનું સંમેલન વર્તમાનકાળમાં, ભારતના નૃપતિઓના અનેક રીતે અગ્રણી ગણાતા, શ્રીમંત મહારાજાધિરાજ શ્રી. સયાજીરાવ ગાયકવાડના રાજ્યની રાજધાનીરૂપ અનેક રીતે પ્રસિદ્ધ એવા આ વટપદ્ર–વડોદરામાં થયું. એ સર્વને અભિનંદનીય છે.
પ્રાચીનકાળમાં લાટ. આનર્ત અને સુરાષ્ટ્ર એ દેશો નિરનિરાળા હતા. તેવા સમયમાં ઉત્તર પંજાબ તરફથી આ તરફ ગૂર્જરો આવ્યા અને તેઓએ જેટલો ભાગ જીતી લીધો, તેટલો ગુર્જરાષ્ટ્ર અથવા ગુજરાત અથવા એવા નામથી ઓળખાવા લાગ્યો. આ ભાગમાં બોલાતી ભાષા ગૂર્જર અથવા ગુજરાતીગિરાના નામની પ્રસિદ્ધિ પામી. પ્રારંભમાં તો આ ભાગની ભાષા અપભ્રંશ કહેવાતી હતી, પણ તે વાગ્વ્યાપારાદિ કારણોથી ઉત્તરોત્તર અધિક ન્યૂત વિકૃતિ પામી. તેણે હમણાં જેમ બોલાય છે તેવી સ્થિતિનું રૂપ ધારણ કર્યું. જેમ એક સુન્દર સ્ત્રી વિવિધ જાતના ભિન્ન વસ્ત્રાલંકારોથી અલૌકિક સૌન્દર્યવતી જણાય તેમ, આપણી ગુજરાતી ભાષા જુદા જુદા સમર્થ લેખકોએ અર્પેલાં, ભાષા અને વિચાર આદિ વસ્ત્રાલંકારોથી સુશોભિત બની આપણાં તેમ જ અન્ય ભાષાભક્તોનાં મન હરવા શક્તિમાન થઈ છે.
આવી ગૂર્જરી ગિરા જેઓની માતૃભાષા છે, તેવા લોકોના નિવાસસ્થળની મર્યાદા, ઉત્તરમાં કચ્છ–કાઠિયાવાડ અને દક્ષિણમાં મુંબઈ ગણી શકાય. એ બંને વિભાગની રાજધાનીઓ મુંબઈ અને રાજકોટમાં આપણી બીજી અને ત્રીજી પરિષદો ભરાઈ. એ ઉભયની મધ્યમાં જે ચારુતર દેશ છે, તે એક પ્રકારે બે મહાન સત્તાથી વિભક્ત છે. તેના અમુક ભાગમાં બ્રિટિશ સત્તા છે અને અમુક ભાગમાં શ્રીમંત ગાયકવાડ સરકારનું શાસન પ્રવર્તે છે. પ્રથમની રાજધાની અમદાવાદમાં આપણી પ્રથમ પરિષદ ભરાઈ, દ્વિતીયની રાજધાની આ સુશોભિત વટપદ્ર–વડોદરી નગરીમાં ક્રમે કરી, વર્તમાન ચોથી પરિષદ ભરવાનો લાભ આપણને પ્રાપ્ત થયો છે.
પ્રાચીન ઇતિહાસનું અવલોકન કરતાં, વટપદ્ર નામથી આ નગરનો ઉલ્લેખ સુમારે સંવત ૧૧૭૯માં થયેલો જણાય છે. પ્રારંભમાં જ એ મોટું શહેર હોવું જોઈએ. પછીથી તે અનેક કારણોથી ઉત્તરોત્તર ઉત્કર્ષ પામતું રહ્યું છે.
વર્તમાન નરેશ શ્રીમાન સયાજીરાવનાં ઉત્સાહ, કાર્યદક્ષતા, પ્રજાપ્રેમ આદિ અનેક ગુણસંપત્તિ જે અન્ય રાજાઓને અનુકરણીય છે તેના યોગે કરીને, આ નગરની બાહ્ય તથા અંતર ઉત્કર્ષતાની સીમા ચમત્કાર ઉત્પન્ન કરતી, છલંગો મારતી, વૃદ્ધિ પામતી જાય છે. ટૂંકામાં એટલું જ કહી શકાય છે કે, વડોદરાનું રાજ્ય દેશી રાજ્યોના સમૂહમાં એક આદર્શ અને દર્શનીય થઈ પડ્યું છે.
આ રાજ્યના એક મહાન અલંકારરૂપ મહાકવિ પ્રેમાનંદ આજથી આશરે બસો વર્ષ ઉપર આ નગરમાં થઈ ગયા છે. ગુજરાતી ભાષાના ગણાતા આરંભકાળ પછી, સુમારે બસો વર્ષનો તે સમય હતો; તેઓના ગ્રંથો સાક્ષી પૂરે છે કે, તેઓ એક સમર્થ વિદ્વાન અને સંસ્કૃત, હિન્દી આદિ ભાષાઓથી સુપરિચિત હતા. પોતાની માતૃભાષાનું કાવ્ય નામનું અંગ, પરમ પુષ્ટ તથા વિશેષ સુંદર કરવા, તેમણે કેડ કસી હતી અને પાઘડી નહિ બાંધવાનું પણ પણ લીધું હતું. તેમણે પોતે શૃંગાર, હાસ્ય, કરુણ આદિ વિવિધ રસોથી છલકાઈ જતા, ઉપમા આદિ અનેક અલંકારોથી વિભૂષિત, નાનાવિધ પદબંધવાળા, અમર કીર્તિ આપનારા ગ્રંથો રચ્યા એટલું જ નહિ પણ, રત્નેશ્વર આદિ શિષ્યરત્નો પણ ઉત્પન્ન કર્યા; તેમની માતૃભાષાની અનુકરણીય સેવથી ગુર્જરભાષા સુપોષિત થઈ. કવિરાજ પ્રેમાનંદની કૃતિઓ બે પ્રકારની હતી – એક સામાન્ય વર્ગને માટે અને બીજી ઉચ્ચતર વર્ગને માટે લખાયલી; તેમાંથી પોતાના સમયના લોકહૃદયને આલેખનારી પહેલી, ઘણીખરી, પ્રચલિત ગેય રાગોમાં છે. અને તેમાં નળાખ્યાન, ઓખાહરણ, સુદામાચરિત્ર, મામેરું આદિ ગુજરાતમાં ઘેર ઘરે ગવાતાં આખ્યાનો લોકપ્રિયતા પામ્યાં છે.
તે સમયે તેનો ઉચ્ચ સત્કાર કરનાર વર્ગના અભાવથી અથવા તો બીજા કોઈ કારણથી, તેમની જ અષ્ટાવક્ર-આખ્યાન આદિ બીજી કૃતિઓના સંબંધમાં તેમ થયું જણાતું નથી.
શ્રીમંત નામદાર મહારાજાધિરાજ સયાજીરાવ ગાયકવાડ – તેમના ગૂર્જર સાહિત્ય ઉપર ઉપકારો
ગમે તેમ હો, પરંતુ પ્રેમાનંદ જેવા મહાન પુરુષને તથા રત્નેશ્વર, ધીરો, ભોજો, દયારામ, તથા તેવા જ બીજા પોતાના રાજ્યના અલંકારભૂત સાક્ષરોને યથાર્થ સજીવ અને અમર કરવાના મહત્ કર્મનું અપૂર્વ માન, આરંભમાં નામદાર મહારાજાશ્રીને ઘટે છે. જેમ નામદારશ્રીની સૂક્ષ્મ દૃષ્ટિ રાજ્યતંત્રના પ્રત્યેક નાનામોટા કાર્યને નીરખી રહી છે, તેમ તેઓની મર્યાદામાંથી સાહિત્યક્ષેત્ર પણ બાકી રહેવા પામ્યું નથી. તેઓશ્રીની વિદ્યાવિલાસવૃત્તિ સુપ્રસિદ્ધ છે. તેઓશ્રીએ અનેક ગ્રંથો રચ્યા છે, એટલું જ નહિ પણ તેઓશ્રી એક સુભાષિત વક્તા છે. એવા પુરુષસિંહ સર્વત્ર વિદ્યાને તથા સાહિત્યને ઉત્તજન આપે એમાં આશ્ચર્ય નથી. આ રાજ્યમાં પૂર્વે છ શાળાઓ હતી અને તેનું ખર્ચ રૂ. ૧૩,૦૦૦ થતું હતું તેને બદલે હાલમાં ૩,૦૨૬ નિશાળો થઈ છે અને કેળવણી ખાતે ખર્ચ ૧૪,૦૬,૦૮૬ રૂપિયાનું થાય છે. ગ્રંથકર્તાઓને પ્રતિવર્ષ ઉત્તેજન આપવામાં આવે છે. ગઈ સાલ રૂ. ૨,૫૦૦ તેમને બક્ષિસ અપાયા હતા. વળી સાહિત્યનો લાભ જનસમૂહને રાજ્યમાં સર્વત્ર મળે એટલા માટે પુસ્તકાલયની વ્યવસ્થાના સંબંધમાં પણ વિશેષ-શિક્ષણ અપાય છે. અને પ્રત્યેક મુખ્ય ભાગમાં વિદ્યાપ્રચારાર્થે મહાન પુસ્તકાલયો સ્થાપવામાં આવ્યાં છે. વળી રાજ્યને ખર્ચે મફત અને ફરજિયાત કેળવણી સર્વત્ર અપાય છે, અને અનેકવિધ વિષયોનું શિક્ષણ ગુજરાતી ભાષા દ્વારા જ અપાય, એવી એક મહાન સંસ્થા સ્થાપવા પૂર્વે, તે કામને યોગ્ય શિક્ષકો તૈયાર કરવા એક શાળા પણ તેઓશ્રીએ ચાલુ કરાવી છે. અર્થાત્ વિદ્યાની પ્રવૃત્તિ સારુ જેટલું આવશ્યક છે, તેટલું બધું આ રાજ્યમાં એકત્ર કરાયેલું જોવામાં આવે છે.1
આ સર્વ, નામદાર મહારાજાશ્રીને નિઃસંશય પ્રજાના અભારને પાત્ર બનાવે છે.
પ્રસ્તુત ગુજરાતી ભાષાના સંબંધમાં નામદાર મહારાજાશ્રીએ જે સમદૃષ્ટિ અને ઉદારતા દર્શાવ્યાં છે તે, અત્યંત પ્રશંસાને પાત્ર છે. તેમની જ આજ્ઞાથી સ્વભાષા દ્વારા વિજ્ઞાન આદિનું શિક્ષણ આપવા કળાભુવનની સ્થાપના થઈ અને જ્ઞાનમંજૂષા-ગ્રંથાવલિની યોજના થઈ. અને તેઓશ્રીની જ આજ્ઞાથી પ્રાચીન ગૂર્જર કાવ્યસાહિત્યના રત્નખાણરૂપ પ્રાચીન કાવ્યમાળાના ૩૫ સટીક અંકો પ્રસિદ્ધ થયા. એ અંકો પ્રેમાનંદ, દયારામ આદિના યશઃશરીરને કાળબળથી નાશ થતાં અટકાવવામાં સારા સાધનભૂત થયા. એ શુભ કાર્યની યોજનામાં મારા સન્મિત્ર રાજ્યનીતિવિશારદ દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ પણ આદ્ય સૂચકરૂપે ભાગી હતા. તેમનો એ ઉપકાર ગૂર્જરપ્રજાએ સંભારી રાખવા યોગ્ય છે. એ કાર્યારંભના ઉપરી, મારા મિત્ર રાવબહાદુર હરગોવિંદદાસે તથા કાવ્યસંશોધન અને ટીકાના કાર્યના અગ્રણી રા. રા. છોટાલાલ નરભેરામે પણ જે યથાયોગ્ય શ્રમ લીધો છે તે પણ ધન્યવાદને પાત્ર છે.
વળી આ રાજ્યમાં પુણ્યતમ અને પુરાતન સ્થળો બહુ સંખ્યામાં છે. જેવાં કે ગુજરાતની પ્રાચીન રાજધાની અણહિલવાડ પાટણ, સિદ્ધપુર પાટણ, તેથી પણ વિશેષ પુરાતન સુપ્રસિદ્ધ વડનગર, કારવણ (કાયાવરોહણ તીર્થ), ચાણોદ, કર્નાળી, મોઢેરા, ડભોઈ ઇત્યાદિ છે. તેમાંથી ડભોઈનાં પુરાતન કામોનું એક સચિત્ર પુસ્તક મહારાજાશ્રીએ બહુ દ્રવ્ય ખરચીને પ્રસિદ્ધ કરાવી, આ વિષયમાં પણ પોતાની અભિરુચિ અને પ્રસન્નતા દર્શાવ્યાં છે. એ આદિ અનેક નાનાંમોટાં કાર્યો એઓશ્રીની દેખરેખ નીચે થયાં છે. વળી સુપ્રસિદ્ધ વિદ્વાન સ્વર્ગસ્થ મણિલાલ નભુભાઈ દ્વિવેદીને ખાસ આશ્રય આપી, અણહિલવાડ પાટણના જગદ્વિખ્યાત પ્રાચીન જૈન ભંડારો તપાસાવી તેમાંથી ઉપલબ્ધ કેટલાએક સારા ગ્રંથોનાં ભાષાંતર કરાવી પ્રકટ કરાવ્યાં છે.2
આ પ્રમાણે વિદ્યાવૃદ્ધિનાં મુખ્ય સાધનો ઉપર ઘણી કાળજી રાખવામાં અગ્રણી નરેશરત્નની સાહિત્યસેવા વિષે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
ભારતવર્ષના રાજલક્ષ્મીના નિવાસરૂપ રાજામહારાજાઓએ આવાં ચરિત્રનું અવશ્ય અનુકરણ કરી, સ્વરાજ્યમાં વિદ્યાલક્ષ્મીની સુવૃદ્ધિ કરવી બહુ યોગ્ય છે. તેમ જ, ગુજરાતી ભાષાના અભિમાની વિદ્વાનોએ પણ પ્રેમાનંદની મતિ અને કૃતિને અનુસરવા સદા ખંતીલા રહેવાની કાળજી રાખવી ઘટે છે.
ગત આઠ વર્ષમાં ત્રણ પરિષદો ભરાઈ ચૂકી. તેઓમાં નાના વિષય સંબંધી અનેક ઉચ્ચાવચ પંક્તિના નિબંધો આવ્યા હતા. તેમાં કેટલાએક સૂચનાત્મક હતા અને કેટલાએક વસ્તુપ્રકાશક હતા, તો કેટલાએક અધિક ચર્ચાને અવકાશ આપે એવા હતા. નિર્દિષ્ટ યાદી શ્રમ લઈને તૈયાર કરવામાં આવી હતી. તેમાંના વિષયોમાંથી ઘણા ઉપર એક પણ નિબંધ ન હતો, ત્યારે કોઈ કોઈ વિષય ઉપર અનેક નિબંધ આવ્યા હતા. હજી ઘણા વિષયો અચુંબિત રહ્યા છે. તે સંબંધી સારાં લખાણ થઈને ઉત્તરોત્તર ઉત્તમ નિબંધો લખાતા જાય, તેમ જ સારી રીતે ચર્ચા થઈને લખાયલા નિબંધોમાંથી સાર ખેંચાઈ, નિર્ણય ઉપર આવીને તેમાંથી કંઈ લોકોપયોગી કાર્યો ઘડાઈ, તેની પ્રસિદ્ધિ થાય, એવી મારી સબળ ઇચ્છા છે.
આવા પ્રકારના સત્વર નિર્ણયે આવવા જેવા વિષયોમાંથી પરિષદે એક જોડણી વિષેનો અગત્યનો વિષય ચર્ચા અને નિર્ણય માટે હાથમાં લીધો છે. એ વિષય અધિક ઊહાપોહ કરવા જેવો, વધુ અગત્યનો હોતાં, તેનું નિરાકરણ સત્વર કરી નાખવાની ઘણી અગત્ય છે. આ વિષયમાં વિવાદનાં સ્થાન ઘણાં છે અને તે અગત્યનાં છે ખરાં, પણ તેનો જ્યારે ત્યારે પણ અંત આણ્યા વિના સિદ્ધિ નથી. કેમ કે, ગૂજરાત વર્નાક્યુલર સોસાયટીએ ગૂર્જર ભાષાનો કોશ રચવાનું જે ઉપયોગી કાર્ય હાથમાં લીધું છે, તેમાં આપણી પરિષદે નિર્ણય કરેલા નિયમાનુસાર શબ્દોની જોડણી દાખલ થાય, તો તે આપણે એક મહાન કાર્ય કર્યું ગણાશે.
રાજકોટની પરિષદથી આપણી પરિષદની કાર્યવહીમાં દાખલ થયેલો બીજો વિષય યુનિવર્સિટીની કેળવણીમાં દેશી ભાષાઓનો પ્રવેશ કરાવવા વિષેનો છે. આ વિષે પ્રથમ પ્રયત્ન ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેએ કર્યો હતો. આવા પ્રકારની સૂચનાઓ જેમ પ્રારંભમાં વિવાદને પાત્ર થઈ, તેમાં નાના પ્રકારનાં વિઘ્નો નડે છે તેમ, આ વિષયમાં પણ થયું હતું. તો પણ આવા ઉપયોગી અને મહાન કાર્યમાં ભગીરથની પેઠે પ્રયત્ન કરવામાં ઉત્તરાધિકારીઓ મંડ્યા રહેવાથી શુભ પરિણામ આવી ચૂક્યું છે. યુનિવર્સિટીની આદિ અને અન્તની બે પરીક્ષાઓ-મેટ્રિક્યુલેશન તથા એમ.એ. એ બેમાં દેશી ભાષાઓને સ્થાન મળ્યું છે. એના પરિણામરૂપે ગુજરાતી પુસ્તકોનું અધિક વાચન તથા લેખન વિસ્તરાવા માંડ્યું છે, અને ભાષાદિમાં સુધારો અનેક દિશામાં પ્રકટ થતો જોવામાં આવે છે. હમણાં બી.એ.ની પરીક્ષાઓમાં પ્રાચીન દેશી ભાષાઓને દેશવટો આપવામાં આવ્યો છે; તો તેનું સ્થાન આપણી વર્તમાન ભાષાઓને આપવામાં આવે એટલા માટે, પ્રયત્ન ચાલતો કરવાનું કામ મને અગત્યનું લાગે છે. કારણ કે મારું માનવું એવું છે કે, અનેક જાતિના સમાજો પર સાહિત્યની પ્રબળ અસર થાય છે અને તે સાહિત્યની ઉન્નતિ અને વિસ્તાર સારુ તેનું પરિશીલન ફરજિયાત થવાની અગત્ય છે. કારણ કે ઘણી વાર જોવામાં આવે છે કે, આ સંસારની અનેક ઉપાધિઓ, તથા મનુષ્યગત નાનાવિધ દોષોને લીધે, અમુક કાર્યો ગમે તેવાં લાભદાયક અને સારાં હોય છે, તો પણ તે ફરજ-ધર્મના બંધન વિના સારી રીતે પ્રાપ્ત કરી શકાતા નથી.
વળી આ હેતુ સિદ્ધ કરવા સારુ દેશી ભાષામાં ઉચ્ચ કેળવણીનાં વિષયો વિદ્યાર્થીઓને શીખવવાની વ્યવસ્થા અતિશય અગત્યની છે. વિદેશીય વિષયો, વિદેશીય ભાષામાં સમજાવવા કરતાં સ્વદેશી ભાષામાં શીખવવા વધારે ઉચિત છે, કેમ કે તેથી, વિદ્યાર્થીઓને પણ તે વિષય સમજવાની સરળતા થાય છે.
માતૃભાષા દ્વારા જેમણે સારી અને સંગીન કેળવણી લીધેલી હોય છે. તેમની લેખનશૈલી અભ્યાસે કરીને છટાદાર થયેલી જોવામાં આવે છે. બ્રિટિશ સરકારે કૃપાવંત થઈને સન ૧૮૦૦ પછી તેની પ્રથમ પચ્ચીશીથી, ખુદ મહેતાજીઓ તૈયાર કરવા માટે, મુંબઈમાં નૉર્મલ સ્કૂલ સ્થાપી, ત્યાર પછી દેશી ભાષામાં કેળવણી આપવાનો પ્રારંભ થયો. દેશી ભાષાનો સારો અભ્યાસ કરીને જેઓને પછવાડેથી અંગ્રેજી ભાષામાં કેળવણી લેવાનો લાભ મળ્યો, તેઓ સામાન્ય રીતે સારું જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા, અને તેઓએ દેશી ભાષામાં લેખ લખવા માંડ્યા. તેથી તેઓ પરિણામે સારા લેખકો નીવડ્યા છે એમ આપણા જોવામાં આવ્યું છે. કેળવણી ખાતા માટે નૉર્મલ સ્કૂલ દ્વારા અથવા બીજી રીતે ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પામી, યોગ્યતા મેળવેલા જનોમાં કવિ નર્મદાશંકરની પણ પ્રથમ ગણના હતી. તેઓ કતાર ગામના મહેતાજી નિમાયા હતા અને છેવટે મુંબઈમાં આવી સાહિત્યના ઉત્સાહમાં મંડ્યા રહેવાથી પછવાડેથી, પોતે મેળવેલી યોગ્યતાને પાત્ર થયા હતા.
મુંબઈમાં આ સ્કૂલ સ્થપાયા પછી અમદાવાદમાં નૉર્મલ સ્કૂલ પ્રથમ સ્થપાઈ અને તેમાં રા.સા. મહીપતરામ નિમાયા. તેઓ યુરોપમાં જઈ, ત્યાંની શિક્ષણપદ્ધતિનું અવલોકન કરી આવ્યા. ગુજરાતી નિશાળોમાં સારું જ્ઞાન મેળવ્યા પછી જેઓ નૉર્મલ સ્કૂલમાં દાખલ થયા. તેઓમાં ઉપર જણાવ્યું તેમ, જેમણે અંગ્રેજી જ્ઞાન પ્રાપ્ત કર્યુ તેઓ સારા લેખકો થયા છે એટલું જ નહિ પણ તેઓ જ્યાં જ્યાં ગયા છે, ત્યાં ત્યાં વિદ્યાવૃદ્ધિનાં કાર્ય કરવામાં, સામાન્ય લોકોને બોધ આપવામાં અને કેળવણીના લાભ આપવામાં આગેવાન નીવડ્યા છે. રા.સા. મહીપતરામ પોતે સારા ગ્રંથકાર હોવાથી, તેમના શિષ્યો પણ તેમનું અનુકરણ કરવા લાગ્યા હતા. મારા મિત્ર હરિલાલ તથા તેમના જોડિયા રા. હરિવલ્લભ આદિ તેમાં રહેલા ઘણા બતાવી શકાય એમ છે. મુંબઈમાં સાપ્તાહિક ‘સત્યવક્તા’ ચલાવનાર પણ રા. હરિલાલ હતા.
માતૃભાષા દ્વારા સારી કેળવણી લીધેલા કેવા નીવડે છે તેનાં હજી વધારે દાખલા બતાવી શકાય એમ છે; પણ તેના વિસ્તારમાં નહિ ઊતરતાં એટલું જ કહેવું બસ છે કે, હવે તો દેશી ભાષામાં ઉચ્ચ કેળવણી આપવાનો સમય એની મેળે જ પ્રાપ્ત થયો છે. ચોથા ધોરણ સુધી ગુજરાતી શાળામાં અભ્યાસ કરી, અંગ્રેજી શાળામાં દાખલ થયેલા કોઈ ભાગ્યે જ સારા લેખક થયા હશે; પણ જેઓ દ્વિતીય ભાષા તરીકે સંસ્કૃત ભાષા લઈને પોતાનું દેશી ભાષાનું જ્ઞાન ઉત્તમ કરી શક્યા છે, તેઓ જ સારા લેખક નીવડ્યા છે. પ્રથમ તો મફત કેળવણી આપવામાં આવતી અને પુસ્તકોના પૈસા બેસતા નહિ. હમણાં ભારે ફી આપવી પડે છે, વીશીખર્ચ દસથી તે પંદર રૂપિયા સુધી ભરવું પડે છે, તેથી ગરીબ છોકરાઓ ઊંચી કેળવણીનો લાભ લેતા અટકી પડ્યા છે. તેઓની આંતરડી ઠારવાને દેશી ભાષામાં મફત ઉચ્ચ કેળવણી આપવાની યોજના કરવાની ખરેખરી અગત્ય આપણે શિરે આવી પડી છે.
નાના પ્રકારની વિદ્યા – વિજ્ઞાનશાસ્ત્રના પેટામાં આવી જાય છે. તેની કેળવણી દેશી ભાષા દ્વારા આપવાની પાઠશાળાઓ સ્થાપવામાં આવશે, તો આ કાર્યની સારી રીતે સિદ્ધિ થશે. આવી પાઠશાળાની અગત્ય નામદાર શ્રીમંત સયાજીરાવ મહારાજસાહેબના ધ્યાનમાં બરાબર ઊતરી છે, એ ખુશી થવા જેવી વાત છે. આ વિદ્યાવિલાસી મહારાજાસાહેબે મરાઠી સાહિત્ય પરિષદને પોતાની રાજધાનીમાં ભરવાનું માન આપ્યું હતું, તે પ્રસંગે તેઓ શ્રીમુખે વદ્યા હતા કેઃ
“દેશી ભાષાઓ દ્વારા ઊંચામાં ઊંચી કેળવણી, શુદ્ધ અપાતી થવી જોઈએ એવું મારું મત પણ છે. દેશી ભાષાઓની ઉન્નતિ કરવી જોઈએ; દેશી ભાષાઓ દ્વારા શિક્ષણ આપવાનો આરંભ જ્યારે યુનિવર્સિટી કરવાની હોય ત્યારે કરે, પણ અમે શરૂઆત કરવાના છીએ. આખા રાષ્ટ્રના ઉદ્ધાર માટે દેશી ભાષાઓ જ સાધન હોઈ શકે.”
આવા સુદૃઢ જેમના વિચાર જે આપણને જ બોધ કરે છે, તેમને વીનવવા જવાનો અવકાશ ક્યાં રહે છે? ‘राजा कालस्य कारणम्।’ પોતે વિદ્યાવૃદ્ધિનો યુગ વર્તાવી દીધો છે. પોતે શ્રીમુખે વદ્યા તે જ પ્રમાણે વર્ત્યા છે. આ સ્થાને કહેવાને હર્ષ ઉત્પન્ન થાય છે કે, એ કૃપાળુ મહારાજશ્રી પોતે જ ગુજરાતી પાઠશાળાનો પ્રારંભ કરી ચૂક્યા છે. મહારાજશ્રીનાં બેતાલીસ મોટાં નગર અથવા શહેર છે, ત્યાં ઉચ્ચ કેળવણીનાં ધોરણે શિક્ષણ આપવાની યોજના થાય છે અને ત્યાંથી પસાર થનારા અભ્યાસીઓ ગૂર્જર પાઠશાળામાં દાખલ થાય, ત્યાં જે ઉચ્ચ જાતિનો અભ્યાસક્રમ યોજેલો હોય, તેની પરીક્ષામાં જેઓ પાસ થાય, તેઓને ક્રમવાર પદવીઓ આપવામાં આવે, તેમ જ તેમાં પાસ થયેલાઓને સરકારી નોકરીમાં દાખલ કરવામાં આવે, તો આવી પાઠશાળાની સ્થિતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય એમાં નવાઈ નથી. મને લાગે છે કે, આવી યોજના નામદાર મહારાજશ્રીએ ધારી રાખી હશે જ અને તેમનું યથાયોગ્ય પરિણામ આપણે સત્વર જોઈશું.
નામદાર ગાયકવાડ સરકારની મોટી વસ્તીને3 ગૂર્જર ભાષામાં ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી લેવાનાં સાધનો મળવાથી. તેઓની ઉન્નતિ થવામાં પણ વાર લાગવાની નથી. આખી વસ્તીમાં હમણાં ભણનારાની સંખ્યા ૧,૮૫,૪૭૭ થાય છે, તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જશે.
આપણી બ્રિટિશ રાજ્યની ગુજરાતી પ્રજા માટે ગૂર્જર પાઠશાળાઓ સ્થાપવા આપણે પ્રયત્ન કરીશું તો તે પણ બની શકે એમ છે. વિદ્યાખાતાના ઉપરી અધિકારીઓનો અભિપ્રાય દેશી ભાષા દ્વારા ઉચ્ચ કેળવણી આપવાનો જણાયો હતો.
આટલું ગત પરિષદોએ ઉપાડેલી કાર્યવાહી સંબંધી જે સૂચન કરવા યોગ્ય હતું. તે મેં દર્શાવ્યું છે. વાચનમાળાનો પ્રશ્ન પણ તેણે ઉપાડ્યો છે. પરંતુ તે માટે એક સ્વતંત્ર કમિટી નિમાયલી હોવાથી એ પ્રશ્નમાં ઊતરવું એ યોગ્ય નહિ લાગવાથી, હવે હું પ્રાકૃત સાહિત્ય આદિ સંબંધમાં મારા વિચારો યથાશક્તિ જણાવું છું.
સાહિત્ય શબ્દપ્રધાન અર્થમાં જેટલું વાઙ્મય છે તેને લાગુ પડે છે; પણ ગૌણ અર્થમાં તે આનંદ સહિત ઉપદેશ આપનાર એવા કાર્યાદિના અર્થમાં વપરાય છે. આપણે એ સંકુચિત અર્થનો ત્યાગ કરી જ્ઞાન માત્ર–તેના વિષયો અને તેનાં સાધનો–એ સર્વનું ગ્રહણ કરવાનો છે. અને એ જ દૃષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને. સાહિત્ય પરિષદોમાં અપેક્ષિત નિબંધોના વિષયોની યાદીઓ વિસ્તારમાં આપી છે. પ્રથમ પરિષદમાં પ્રમુખ સદ્ગત સાક્ષર શ્રી. ગોવર્ધનરામે પોતાનાં ભાષણમાં સાહિત્યને માત્ર ઉપર જણાવેલા દ્વિતીય અર્થમાં લઈને તેના વિભાગો દર્શાવ્યા હતા; અને તેનો આરંભકાળ આશરે ૧૪૦૦નો દર્શાવ્યો હતો. બીજી પરિષદના પ્રમુખ સાક્ષર શ્રી. કેશવલાલે, પોતાના ભાષણમાં પ્રધાન પણ આશરે તે કાળને દોઢ-બે શતક પૂર્વે ઠરાવવા પ્રયત્ન કર્યો હતો. ત્રીજી પરિષદના પ્રમુખ મારા મિત્ર દી.બા. અંબાલાલભાઈએ એક લિપિ, જોડણી, શબ્દો આદિ સાહિત્યના દેહભૂત વિષયો ઉપર વિચારદૃષ્ટિને પ્રેરી હતી. એ સર્વ ઉપયોગી વિષયો હતા.
સાહિત્યની સમાજ ઉપર અને સમાજની સાહિત્ય ઉપર અસરો રૂપ જ જે પરસ્પર, ઉપકાર્ય–ઉપકારક ભાવ છે, તે આપ સર્વના લક્ષમાં છે જ. સાહિત્યની ઉન્નતિ એ સમાજની પ્રગતિ છે અને સમાજની પ્રગતિ એ નવા નવા સાહિત્યને પ્રકટ કરાવી તેને વિસ્તારે છે. જેમ જેમ વાચકવર્ગ અધિક જ્ઞાનની ઉપલબ્ધિ સારુ, ઉચ્ચ વિષયો ગ્રહણ કરવા સારુ જિજ્ઞાસુ થાય છે, તેમ તેમ લેખક વર્ગને નવા નવા શબ્દો અને વિચારદર્શન શૈલીની જરૂર પડતી જાય છે; વાક્યો આદિની રચનામાં અધિક સાવધાન થવું પડે છે અને એ પ્રકારે તેઓ ભાષાના શબ્દકોષ, વિચારદર્શન તથા લેખનશૈલીની અભિવૃદ્ધિ કરે છે.
વિષય પરત્વે સાહિત્યના ત્રણ વિભાગો પડે છે. કાવ્ય (Poetry), દર્શન (Philosophy), અને વિજ્ઞાનશાસ્ત્રો (Science). એમાં વિજ્ઞાન એ ઐહિક – એટલે સૃષ્ટિજન્મ પદાર્થો સાથે સંબંધ ધરાવે છે. દર્શનનો સંબંધ ઈશ્વરાદિ પારલૌકિક પદાર્થો પરાયણ છે. આ બન્ને વિષયો ઘણા ગંભીર હોતાં શ્રમ વિના એકદમ સાધ્ય થઈ શકે તેવા નથી. કાવ્યનો વિષય નૈસર્ગિક હોતાં મનુષ્યપ્રાણીના મનમાં એની મેળે સ્વાભાવિક રીતે ઉદ્ભવેલો રહે છે, અને સમાજ ઉપર તે સત્વર અસર કરી શકે છે, તેથી જ પૂર્વકાળથી આરંભમાં કાવ્યસાહિત્યની યોજના થતી આવી છે, કેમ કે એ, મનને પ્રસન્નતાપૂર્વક કઠિણ વિષયોમાં પણ અભિમુખ કરાવે છે, અને શ્રમિત થયેલાં મનોને વિનોદ પ્રાપ્ત કરાવે છે, તથા મુગ્ધોને અર્થાત્ અનુભવીઓને સંસારની સ્થિતિનું દર્શન અને ભાન કરાવે છે, આવો વિવેક હોવાથી સાહિત્યની ઉત્પત્તિ અને તેનાં અંગોના વિકાસના સંબંધમાં સર્વ ભાષાઓમાં કાવ્યસાહિત્ય વધારે લોકપ્રિય અને વિસ્તાર પામેલું જોવામાં આવે છે. આપણી ગુજરાતી ભાષામાં તો આત્મજ્ઞાનાદિ વિષયનો પ્રચાર કવિતાના સાધન દ્વારા થયેલો છે. પરંતુ વિજ્ઞાનની તેટલી ઉન્નતિ થતી અટકી પડી છે. તેનાં કારણ એ છે કે, માયાના પ્રપંચમાંથી જ્ઞાનીઓ વિમુક્ત થતા ગયા, આ નાશવંત સંસાર ઉપરથી તેમની વૃત્તિ વિરામી ગઈ, તેઓ જ નાના પ્રકારની વિદ્યા શીખવનારા હતા, અને નાના પ્રકારની હમણાં જે શોધ થતી જોવામાં આવે છે, તેમાંની જે તે સમયે પ્રચલિત હતી તે તેમણે વિસારી દીધી, અને પરિણામે તેમનું શિક્ષણ આપનારાં રહેતાં રહેતાં બંધ થઈ ગયાં. વળી આ દેશમાં અન્નપાનાદિની જોઈએ એટલી અનુકૂળતા હોવાથી સર્વનો નિર્વાહ સારી રીતે ચાલવા લાગ્યો, એટલે તેમને તે માટે વિશેષ કડાકૂટ કરવાની અગત્ય રહી નહિ. પરંતુ સમય વીતતો ગયો તેમ તેમ, દેશની સમૃદ્ધિ જોઈને બહારના લોકોનું આગમન થવા લાગ્યું અને સમયે સમયે તેમના તરફથી દેશ ઉપર આક્રમણો થવા લાગ્યાં. તેમાં વળી, કળિયુગના યોગે કરીને માંહોમાંહે આન્તરકલહો ચાલતા જ રહ્યા.
પરંતુ ગત શતકથી એ કલહો બ્રિટિશ સામ્રાજ્યની શીતળ છાયા નીચે, નષ્ટપ્રાય થઈ ગયા છે. એટલે હવે ઠરીને બેસવાનો વારો આવ્યો છે. તેથી નવીન દિશામાં સાહિત્યે હવે ક્રમે ક્રમે પ્રગતિ કરવા માંડી છે.
બ્રિટિશો સાથે આપણો સંબંધ વ્યાપાર દ્વારા થયો હતો. એ સંબંધ ઈશ્વરેચ્છાથી બહુ દિશામાં વિસ્તૃત થઈ ગયો, અને સંક્ષેપમાં કહીએ તો વર્તમાનકાળમાં પરસ્પર વ્યાપારે એક વિલક્ષણ સ્વરૂપ ધર્યું છે; તે એ છે કે, આવતા સમયમાં પશ્ચિમવાસીઓએ વિજ્ઞાનની જે વૃદ્ધિ કરી છે, તેનો લાભ આપણને આપે છે અને તેના બદલામાં, આપણા પૂર્વજોએ જે અપૂર્વ અને અલૌકિક રહસ્યમય આધ્યાત્મિક આદિ સુપ્રતિષ્ઠિત કર્યું છે, તેનો લાભ તેઓ લે છે.
આપણું ગુજરાતી કાવ્યસાહિત્ય કાલકૃતભેદની બે પ્રકારનું છે. એક પ્રાચીન અને બીજું અર્વાચીન.
ગુજરાતી ભાષાનું ઉપલબ્ધ પ્રાચીન કાવ્યસાહિત્ય ભારત–સન્માન્ય પરમભક્ત નરસિંહ મહેતાથી આરંભાતું બહુ જનો ગણે છે. એ સમય ભક્તિનો હતો, ધર્મનો હતો. ગુજરાતમાં ગીતગોવિંદ, ભાગવત આદિ કૃષ્ણલીલાનાં વર્ણન કરનારાં કાવ્ય અને પુરાણોએ સારો પ્રવેશ કર્યો હતો. તેના સંસ્કારોથી નરસિંહ મહેતા તથા તેના સમકાલીન કવિઓની કવિતા રચાયેલી છે. જેમ કવિ બાણ તથા ભીમે સંસ્કૃત કાદંબરી, ભાગવત, પ્રબોધચંદ્રોદય આદિનાં વધઘટ કરેલાં અવતરણો ગુજરાતી ભાષામાં કર્યાં, તેમ છૂટક પદો અને રાગબદ્ધ કવિતા પણ બની. મુખ્યત્વે તે કવિતા ધર્મમૂલક છે. તે પછીના શતકમાં નાના પ્રકારનાં પદોને બદલે પુરાણમૂલક અનેક મોટાં જુદાં જુદાં આખ્યાનો ગેય રાગોમાં રચાવા માંડ્યાં, અને તે લોકોમાં બહુ પ્રચલિત થયાં. આવા લેખકોમાં વિષ્ણુદાસ મુખ્ય હતા. ત્યાર પછીના શતકમાં આવાં આખ્યાનો ઉપરાંત લૌકિક વાર્તાઓ કવિતામાં રચાવા માંડી; એમાં શામળભટની વાર્તાઓ મુખ્ય છે. આ સમયમાં છપય આદિ જાતિ અને બીજા છંદોનો ઉપયોગ થવા માંડ્યો. પ્રેમાનંદનો શિષ્ય રત્નેશ્વર સંસ્કૃત સુપઠિત કવિ હતો. તેણે વસંતતલિકા આદિ વૃત્તોમાં કવિતા રચી. એ સમયમાં ગૂર્જર કાવ્યસાહિત્ય બહુ વિસ્તાર પામી ગયું છે; એક તરફ શ્રુંગારાદિ રસમય આખ્યાનો લખાતાં હતાં, તેમ બીજા ભાગમાં શાન્તરસપ્રધાન કવિતાસાહિત્ય પણ સમાન પ્રમાણમાં રચાયું જ જતું હતું. કવિરાજ પ્રેમાનંદસંબંધી ઉપર કથન થયેલું હોવાથી અત્રે તેની પુનરુક્તિ આવશ્યક નથી. અખાએ ઉચ્ચ વેદાંતનો કવિતા દ્વારા પ્રચાર કર્યો અને ધીરો ભોજો આદિ બીજા કવિઓએ સામાન્ય લોકોમાં પ્રિય થઈ પડે એવાં પદોમાં સિદ્ધાંતદર્શનના સાધનભૂત વૈરાગ્ય આદિનો ઉપદેશ કર્યો.
ગૂર્જર ભાષાના સાહિત્યમાં એક વિલક્ષણતા એ જણાય છે કે, કેટલેક ભાગે જુદા જુદા કવિઓએ, કેવળ શ્રુંગાર કે કેવળ વૈરાગ્ય વર્ણવ્યો છે. અને કેટલાક ભાગમાં તો એક જ કવિએ એ બન્ને વિરોધી રસોનો ઉત્કૃષ્ટ રીતે જનસમાજને આસ્વાદ આપ્યો છે. દયારામની શ્રુંગાર અને વૈરાગ્ય ઉભય રસની કવિતા છે. સદ્ગત ગોવર્ધનભાઈના સરસ્વતીચંદ્રમાં આદ્ય બે ભાગમાં તથા અંતિમ બે ભાગમાં એવો રસભેદ છે. એક પાસ નર્મદાશંકર જુસ્સાવાળી તેમ જ શ્રુંગારરસપ્રધાનવાળી કવિતા રચતા જતા હતા. તો બીજી પાસ કવિ દલપતરામ નીતિવર્ધક તેમ જ ઉદ્યોગપ્રેરક કવિતાઓ રચતા હતા. એ પ્રમાણે તેમનામાં પણ આવો ભેદ હતો.
પ્રાચીન કવિઓની શ્રેણીનો સમય ગુજરાતના સુપ્રખ્યાન કવિ, રસમૂર્તિ દયારામભાઈની હયાતી સુધીનો ગણી. તેનો અંત પણ તે જ સમયે સાથે ગણવો ઉચિત છે.
પ્રાચીન કાવ્યસાહિત્યના ક્ષેત્રમાં જૈન લેખકોએ પણ સંગીન વૃદ્ધિ કરી છે, તે આપણા લક્ષ બહાર રાખવું ઘટતું નથી. ગુજરાતના ઇતિહાસમાં જૈનોએ બહુ અગ્રણી ભાગ લીધો છે, પણ તે વિષયનો વિસ્તાર કરવાને આ યોગ્ય સ્થળ નથી. જૈન મુનિઓએ ઘણા રાસા, સઝાયો, આદિ અનેક રસપૂર્ણ કવિતા નાના પ્રકારના દેશી રાગોમાં, તેમ જ છંદોમાં લખી છે. સંવત4 ૧૪૦૦થી તે સાહિત્યનો પ્રસિદ્ધ આરંભ થયો હોય એમ હમણાં જણાય છે. પ્રારંભ થોડે થોડે થતાં પાછળથી તેમાં બહુ ગ્રંથો રચાયા છે; તેમાં કેટલાક બહુ વખાણવા યોગ્ય કાવ્યગ્રંથો પણ રચાયા છે. જેવા કે, શ્રીપાળરાસ, વસંતવિલાસ, વિમળમંત્રી રાસ, નળાખ્યાન, નંદબત્રીશી, મૃગાવતી રાસો, મદનરેખા આદિ.
બ્રાહ્મણ તથા જૈન વચ્ચે ધર્મમૂલક વિરોધ હોવાથી, જો કે બન્નેની ભાષા એક હતી પણ, પોતપોતાના ધર્માનુયાયીઓને ઉપયોગમાં આવે તેને માટે, બન્નેને ભિન્ન સાહિત્ય રચવાની અગત્ય પડેલી જણાય છે. આવા ધર્મવિરોધનું સારું પરિણામ એ આવ્યું કે, એથી ભાષાસાહિત્યના ગ્રંથોની સંખ્યામાં સારો વધારો થયો. ખેદની વાત તો એ થાય છે કે, એક ધર્મના એક માર્ગના પંથીઓ બીજા માર્ગના પંથીઓનું ગ્રહણ કરતા નથી, અને તેથી ગુજરાતી સાહિત્યની ચર્ચામાં અત્યાર સુધી મોટે ભાગે, જૈન સાધુઓનો જોઈતો ઉલ્લેખ થયો દેખાતો નથી. પણ કાવ્યાદિ જેવા સાહિત્યમાં, ધર્મ જેવા ભિન્ન વિષયને કાંઈ પણ લાગતુંવળગતું નથી, અને જેનું રસ એ જીવન છે, એવું કાવ્યાદિ સાહિત્ય જૈનોએ લખ્યું હોય તો પણ, તે તેના રસવત્તા ધર્મને લીધે સર્વ રસિક વાચકોએ ગ્રહણ કરવા યોગ્ય છે.
અણહિલવાડ પાટણ, જેસલમેર આદિ ભારતનાં અનેક સુપ્રસિદ્ધ સ્થળોએ પુસ્તકના ભંડારો સ્થાપી જૈનોએ, જૈન તેમ જ બ્રાહ્મણધર્મીઓને હાથે રચાયલા અનેક ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે. એવો જૈનોનો મહાન ઉપકાર આપણે ભૂલી જવો જોઈએ નહિ.
પ્રાચીન સાહિત્યસંબંધી આટલું દિગ્દર્શક જણાવ્યા પછી, હું હવે અર્વાચીન સાહિત્યસંબંધી જણાવું છું. કૃપાવંત બ્રિટિશ સરકારના આશ્રય હેઠળ નવીન કેળવણી આપવાને અર્થે જે શિક્ષણ અને વિદ્યાવૃદ્ધિના પ્રયાસો આદરવામાં આવ્યા છે, તે અર્વાચીન સાહિત્યનાં ખેડાણમાં મુખ્ય ભાગ ભજવે છે. એ નવીન શિક્ષણપદ્ધતિ અને વિદ્યાવૃદ્ધિના પ્રયાસનાં ઉઘાડેલાં નવીન ક્ષેત્રોમાં તે જમાનાના કેળવાયલાઓએ જે કર્તવ્ય બજાવેલું છે, તે અર્વાચીન સાહિત્યની ઘટનાના પૂર્વરંગ જેવું હોવાથી, તેનું દિગ્દર્શન અત્રે કરવું ઉચિત છે.
ગૂજરાતી પ્રજાને નવીન શિક્ષણ આપવાના હેતુથી સન ૧૮૨૦માં નેટિવ સ્કૂલ બુક અને નેટિવ સ્કૂલ સોસાયટી સ્થાપવામાં આવી. તે સમયે ઍલ્ફિન્સ્ટન મુંબઈના ગવર્નર હતા. તેઓનો અભિપ્રાય લોકને દેશી ભાષાઓમાં કેળવણી આપવાનો થવાથી, સન ૧૮૨૨માં ‘હિન્દ નિશાળ’ અને ‘પુસ્તક મંડળ’ એવું નામ ધારણ કરેલી સંસ્થા ચાલતી થઈ. તેમાં અંગ્રેજ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. પ્રથમ પુસ્તકો મરાઠી ભાષામાં રચાયાં. તે વેળાએ કેળવણીના આગેવાન મરાઠી હતા, તેથી તેમણે અથવા તો અંગ્રેજોએ મળીને ગુજરાતીમાં કેળવણીનાં પુસ્તકોનાં ભાષાન્તર કર્યાં.5
પછવાડેથી રણછોડભાઈ ગિરિધરભાઈ આદિ પઠિત ગૃહસ્થો એ હિલચાલમાં દાખલ થયા, ત્યારે ગૂર્જર ગિરાને શોભા મળવા લાગી. તેમના પછી કરસનદાસ મંછારામ6, મોહનલાલ રણછોડદાસ7 અને પ્રાણલાલ મથુરાંદાસ8 એઓએ સારાં ભાષાંતર કર્યાં. આગળ જતાં સૃષ્ટિજન્ય ઈશ્વરજ્ઞાન, મંત્રશાસ્ત્રનાં મૂળતત્ત્વ, ગ્રીનસાહેબની ખગોળવિદ્યા, ઇત્યાદિ ગ્રંથોનો તેમાં ઉમેરો થયો હતો.
પ્રારંભ સમયની ઍલ્ફિન્સ્ટન પાઠશાળાના આ ગૃહસ્થો અભ્યાસી હતા. એમના પછી એ જ પાઠશાળામાં અભ્યાસ કરનારા અને બીજા ગૃહસ્થો, હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ, મયારામ શંભુનાથ, કરસનદાસ માધવદાસ, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ, નર્મદાશંકર લાલશંકર, દલપતરામ ખખ્ખર, ઝવેરીલાલ ઉમિયાશંકર, ગંગાદાસ કિશોરદાસ આદિ ગૂજરાતી ભાષાના ઉત્કર્ષ માટે સ્થપાયેલ ‘બુદ્ધિવર્ધક’ હિન્દુ સભામાં ભાષણો આપવાનાં અને આ ભૂમિમાં સુધારાનાં બીજ રોપવાના કાર્યમાં અંતઃકરણપૂર્વક મંડ્યા હતા.
આણી તરફ સુરતવાસી દુર્ગાશંકર મહેતાજી, નંદશંકર અને નવલરામ આદિ વિદ્યાવૃત્તિનાં કાર્યોમાં મંડી પડ્યા હતા. અમદાવાદમાં પ્રથમ ભોગીલાલ પ્રાણવલ્લભદાસે વિદ્યાનાં બીજ વાવ્યાં હતાં અને ત્યાંથી ઝવેરીલાલ ઉમિયાશંકર આદિ ઉત્સાહી પુરુષોને મુંબઈની પાઠશાળામાં મોકલવા યોગ્ય કરીને તેમને ત્યાંના વિદ્વાન મંડળમાં દાખલ થવાથી યોગ્યતાએ પહોંચાડી દેવાને સાધનભૂત થયા હતા. મગનલાલ વખતચંદ અને એદલજી ડોસાભાઈ એઓએ ‘ગુજરાતનો ઇતિહાસ’ આદિ પુસ્તકો રચ્યાં હતાં. ગુજરાત વર્નાક્યૂલર સોસાયટીની ફાર્બસસાહેબે સ્થાપના કરી હતી. (૧૮૪૮) વર્તમાનપત્રો અને માસિક પણ પછવાડેથી ચાલતાં થયાં હતાં.
પછી અમારો સમય આવ્યો. રા.બ. ભોળાનાથભાઈ, કવિ દલપતરામ, રા.સા. મહીપતરામ, રા. મનસુખરામ, રા. ભાઈશંકર ન્હાનાભાઈ આદિનું મંડળ રચાયું હતું. પ્રથમ જે વિદ્યાભ્યાસક સભા સ્થપાયલી બંધ પડી ગઈ હતી, તેનો મંત્રી મને નીમ્યો હતો. અને તે સભા પૂરેપૂરી જાગ્રત કરવામાં અમે સર્વેએ પૂરી કાળજી રાખી હતી. મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં કવિ નર્મદ ગર્જના કરી રહ્યા હતા, ત્યારે અમદાવાદમાં કવિ દલપતરામ પોતાની કવિતાની મધુરતાથી સભાનું મનરંજન કરતા હતા. અમદાવાદમાં ધર્મસભા સ્થાપવામાં આવી હતી અને ‘ધર્મપ્રકાશ’ ચોપાનિયું ચાલતું કર્યુ હતું અને ગૂજરાતી ભાષાની વૃદ્ધિ કરનાર અને તેની સેવામાં તત્પર મંડ્યા રહેનાર શાસ્ત્રી વ્રજલાલ પણ આ વેળાએ અહીં જ વિદ્યાપ્રસારનાં આવાં કાર્યોમાં મહાલતા હતા. તેઓ તેના તંત્રી હતા. પાછળથી તેમણે ગૂજરાત વર્નાક્યૂલર સોસાયટીમાં ગુજરાતી ભાષાનો કોષ રચવાની યોજના પણ કરી હતી.
મારા પરમ મિત્ર સદ્ગત મનઃસુખરામ પ્રથમ મુંબઈ ગયા અને પછીથી હું પણ ત્યાં જવા પ્રેરાયો. તેમ જ બીજા પણ કેટલાક ત્યાં ભેગા થતાં, મુંબઈગરા અને અમદાવાદીનું મિશ્રણ દૂધમાં સાકર ભળ્યા પ્રમાણે વિદ્યાવૃદ્ધિના કાર્યમાં અનુકૂળ થઈ પડ્યું.
સુરાષ્ટ્રની રાજધાની રાજકોટમાં પ્રથમ ભોગીલાલભાઈ અને સુધારાનો ઝુંડો પકડી રહેલા દુર્ગારામ મહેતાજી તથા પછવાડેથી મોતીલાલ રામપ્રસાદ, નવલરામભાઈ, ગોપાળભાઈ સૂરભાઈ એઓને આ સૂનું અને નવીન ક્ષેત્ર સોંપતાં તેઓએ ત્યાં વિદ્યાવૃદ્ધિ કરવામાં પાછી પાની કરી નથી. વડોદરા રાજ્યમાં પણ આ સમયે આવો વિદ્યાવૃદ્ધિનો પ્રારંભ થવા માંડ્યો હતો.
આ પ્રમાણે મુંબઈ, સુતર, અમદાવાદ, રાજકોટ આદિ મુખ્ય સ્થાનોમાં વિદ્યાવૃદ્ધિનો પ્રારંભ થયા પછી, ભાષાખેડાણનાં કાર્યો પણ ચાલતાં થયાં હતાં અને તે નાના પ્રકારે વિસ્તારાતાં હતાં. વિદ્યાપ્રચારિકા નવી સંસ્થાઓમાં છાપખાનાં પણ સ્થપાતાં જતાં હતાં. આ પ્રમાણે સાહિત્યક્ષેત્રમાં નવી જાતનાં બીજ રોપાતાં હતાં અને તેને ખિલાવનારા નવીન માળીઓ નવીન પ્રકારના બુટ્ટાનો ઉઠાવ કરતા હતા.
ધર્મના જ્ઞાનના પ્રચારને અર્થે મુંબઈમાં ભૂલેશ્વર આગળ શુદ્ધાદ્વૈત જ્ઞાનનો બોધ સદ્ગત ગટુલાલજી અને અદ્વૈત જ્ઞાનનો ઉપદેશ વેદધર્મસભામાં વે.પા. જયકૃષ્ણ વ્યાસ વ્યાખ્યાનો દ્વારા આપતા અને અપાવતા હતા. તેને માટે પુસ્તકો અને ચોપાનિયાં પ્રકટ થતાં હતાં. વૈદકજ્ઞાન આપવાને વૈદ્ય પ્રભુરામ, ડૉ. ભાલચંદ્ર અને ડૉ. પોપટભાઈના પ્રયાસથી એક સંસ્થા સ્થપાઈ. આ સર્વેનાં પરિણામમાં પછવાડેથી બીજી સારી સંસ્થાઓ સ્થપાઈ છે.
જૈનોએ પણ પોતાના ધર્મવિષયક જ્ઞાનના ભંડાર ખોલીને પુસ્તકો છપાવી તથા સંસ્થાઓ સ્થાપીને પ્રગતિ કરવા માંડી હતી. તેમના પ્રાચીન સાહિત્યના પ્રયાસ વિષે નિરાળું કથન કર્યું છે.
આ પ્રકારે સર્વત્ર સામટા ઉદ્યોગો ચાલતાં દયારામ પછી સાહિત્યની પ્રગતિ નાનાવિધ થવા માંડી. તેનું દિગ્દર્શન થતાં જણાશે કે પૂર્વ ના કરતાં એક નવીન પ્રકારનું વિલક્ષણ રંગ ધારણ કરતું સાહિત્ય ઉત્પન્ન થયું છે અને તે યુનિવર્સિટી દ્વારા વધારે શિક્ષણ પામેલા યુવકોના હાથથી જે નવીનતર સાહિત્યનો આરંભ થવા માંડ્યો છે. તેની મધ્યેના અવકાશની પૂરતી કરનારું છે. એ ઉભયને જોડનારું છે, સાંકળરૂપ છે, સંધિરૂપ છે. ખરું જોતાં, એ સાહિત્યમાં કેવળ નવીન વિચારોની પ્રધાનપણે સંકલના નથી, તેમ જ, તે કેવળ પ્રાચીનનું અનુકરણ પણ નથી. પરંતુ સાહિત્યનાં વિવિધ બીજોનો તેમાં નિક્ષેપ થયો છે. એ સંબંધમાં આ અવસરે અલ્પમાં ઉપસંહાર કરું તો તે ક્ષન્તવ્ય જ ગણાશે.
સંધિરૂપ સાહિત્યનો જે સમય ઉપર જણાવ્યો, તેને અમારા સમયના સાહિત્યનો સમય કહેવામાં આવે, તો તેમાં કોઈ બાધ નડે એમ નથી. એ સાહિત્યનાં મુખ્ય ભેદકારક ચિહ્ન, ગદ્યલેખો તથા નાટકો, તેમ જ જૈનોને સ્થળે પારસી ભાઈઓએ જે ભાગ લેવા માંડ્યો, તે ગણી શકાય એમ છે. દયારામભાઈના સમય સુધીમાં ગદ્યભાગ, બહુધા કોઈ કોઈ સંસ્કૃત ગ્રંથોનાં શાસ્ત્રીય શૈલીમાં ભાષાન્તરો થતાં, તે હતો. ગદ્ય માત્ર કથન કરવામાં જ વપરાતું, એટલે વિશિષ્ટ સાહિત્યમાં તેનો આશ્રય લેવાતો નહિ એમ લાગે છે. પરંતુ ત્યારે પછી તો, અંગ્રેજી ભાષામાં નિબંધાદિ લેખો ગદ્યમાં હોય છે, તે જોઈને ગુજરાતીમાં તેવો જ આરંભ થવા માંડ્યો. આવા આરંભિક ગદ્યમાં હમણાં વિકાસ પામેલી વિવિધ શૈલીના ચમત્કારો ન હતા પણ તેની ભાષા સરળ અને સાદી હતી. પરંતુ અમારા જ સમયમાં થોડા કાળમાં ક્રમે ક્રમે તેમાં સાહિત્યોચિત લક્ષણો આવવા માંડ્યાં. મારા મિત્ર સદ્ગત મનઃસુખરામે ઉત્તરોત્તર સંસ્કૃત શબ્દોના અધિક ઉમેરણના પ્રયત્નો પોતાના લેખોમાં કર્યા. તે સમયે ભાષાશુદ્ધિ તથા શબ્દલેખનશૈલીના સંબંધમાં પણ હાલની પેઠે બહુ વાદવિવાદ થતા. તે તે સમયનાં “બુદ્ધિવર્ધક”, “બુદ્ધિપ્રકાશ”, “સૌરાષ્ટ્ર દર્પણ” આદિના વિષયો જોવાથી જણાય એમ છે. એ ગદ્ય ક્રમે કરીને કેટલા બધા વિકાસને પામ્યું છે એ સર્વેને સુવિદિત જ છે.
જ્ઞાનના જે જે વિવિધ વિષયો છે. તે સંબંધમાં કોઈ કોઈ સારા લેખકો તે સમયમાં થયા; તેમાં ગદ્યનિબંધલેખકોમાં કવિ નર્મદાશંકર અને રા. મનઃસુખરામ સારી પ્રતિષ્ઠા પામેલા છે. કવિ નર્મદાશંકરે ગદ્ય તથા પદ્ય બન્નેની રચના કરી તથા અંગ્રેજી કવિતાનું અને મરાઠી કવિતાનું કેટલેક અંશે અનુકરણ કર્યું; દયારામ આદિ પ્રાચીન કવિઓના લેખો અને ચરિત્રોનો ઉદ્ધાર પણ કર્યો; અને સાધન વિષયમાં પિંગળ, રસ અને અલંકારોના પ્રવેશકો રચ્યા. કોષ રચવાનો સ્તુત્ય પ્રયત્ન પણ તેઓએ જ કર્યો. કવિ દલપતરામે પિંગળ રચ્યું, હિંદી કવિતાનું અનુકરણ કર્યું, નીતિવર્ધક કવિતાઓ રચી અને ગુજરાતને ચિરસ્મરણીય અને પરોપકાર ફાર્બસસાહેબના આશ્રય વડે ઐતિહાસિક શોધો કરી. રા.બ. નંદશંકરે કરણઘેલાની સુપ્રસિદ્ધ લોકપ્રિય કથા નવીન શૈલી ઉપર ગદ્યમાં રચી.
કરસનદાસ મૂળજી સુધારાના આગેવાન નાયક હતા. તેમણે નીતિવચન, સંસારસુખ, ઇંગ્લાંડનો પ્રવાસ, આદિ પુસ્તકો રચ્યાં અને “સત્યપ્રકાશ” વર્તમાનપત્ર ચલાવી છેવટે તે “રાસ્તગોફ્તાર” સાથે મેળવી દીધું. તેઓ કેટલીક મુદત સુધી “રાસ્તગોફ્તાર”ના તંત્રી હતા. રાવસાહેબ મહીપતરામે પણ નવલકથાઓ રચી, તેમ જ નાનાવિધના વિષયો અને તેમાં વિશેષ કરીને કેળવણીના વિષયો ચર્ચ્યા. શાળોપયોગી પુસ્તકો રચ્યાં અને મારી જ પ્રેરણાથી ‘ભવાઈસંગ્રહ’ અવ્યવસ્થિત હતો તેનો ઉદ્ધાર કરી પ્રસિદ્ધિમાં આણ્યો. મુંબઈમાં હતા ત્યારે પણ તેઓ “સત્યપ્રકાશ”ના અધિપતિનું કામ કરતા અને પ્રકીર્ણ વિષયો લખતા.
નાટ્યશાસ્ત્રમાં પ્રવેશ કરવાને અર્થે અને ભવાઈ જેવાં ભૂંડાં રૂપકો ભજવી બતાવવાનો અટકાવ થાય એવા હેતુથી મેં પણ નાટકોનો વિષય હાથમાં લીધો. રા.રા. ભાઈશંકર ન્હાનાભાઈએ પણ એ જ માર્ગે નાટકો રચ્યાં. શીઘ્ર કવિ શંકરલાલે સાવિત્રી નાટક સંસ્કૃત અને ગૂજરાતીમાં રચ્યું. શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસે ભાષાસંબંધી શોધો કરી અને પ્રકીર્ણ ગદ્ય લખ્યું. યુરોપ આદિ દેશોમાં પણ જેની કીર્તિ પહોંચી ગયલી એવા પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીએ, સુપ્રસિદ્ધ દાક્તર ભાઉ દાજીના આશ્રયથી પ્રાચીન ઐતિહાસિક શોધોમાં શ્રમ લેવા માંડ્યો હતો. એમના જેવી કીર્તિ હજી સુધી નવીન વર્ગમાં કોઈએ પ્રાપ્ત કરી જણાતી નથી. તે પછી રાજકોટ સંગ્રહસ્થાનવાળા ક્યુરેટર આચાર્ય વલ્લભજી હરિદત્તે પણ રા. ભગવાનલાલના પ્રયાસનું ઘણે અંશે અનુકરણ કર્યું છે. રા. રતિરામ દુર્ગારામ કંઈક એ દિશામાં પ્રયત્ન કરતા હતા, અને જો તેઓ વિશેષ જીવ્યા હોત તો, દાખલો નોંધવા જેવાં કૃત્ય કરે એવા હતા. તેમણે ગૂજરાતના ઇતિહાસસંબંધી કેટલાક લેખો લખ્યા છે.
નવલગ્રંથાવલિમાં આવેલી સાહિત્યગૂંથણી કરીને વિવેકી નવલરામે પણ સાહિત્યમાં નવલ પ્રકાર ઉમેર્યો છે. એમણે પ્રધાનપણે કેળવણી વિષેના પ્રશ્નો હસ્તગત કર્યા હતા. ગ્રંથોનું વિવેચન કરનાર ટીકાકાર તરીકે એમની કીર્તિ અચળ રહી છે. સર્વદેશીય લખાણ કરવાની એમનામાં શક્તિ હતી. ઝવેરીલાલ, દલપતરામ ખખ્ખર એઓએ “બુદ્ધિવર્ધક”માં લેખો લખ્યા અને શાકુન્તલનાં ભાષાન્તર કર્યાં. બીજા પણ કેટલાક લેખકો આ સમયમાં થયા છે. વિજ્ઞાનાદિ વિષયસંબંધી કેટલાક લેખકોએ તે સમયનાં વર્તમાનપત્ર અને માસિકોમાં નાનામોટા લેખો લખી દેશમાં પ્રવેશ પામેલી ઘણી નવી શોધો ઉપર અજવાળું નાખવા માંડ્યું હતું. ઉચ્ચ તથા મધ્યમવર્ગના લોકોમાં ઉચ્ચ વિચારો પ્રકટાવવા સારુ (અમદાવાદમાં) “બુદ્ધિપ્રકાશ”, (મુંબઈમાં) “બુદ્ધિવર્ધક”, (કાઠિયાવાડ–જૂનાગઢમાં) “સૌરાષ્ટ્રદર્પણ”, (રાજકોટમાં) “વિજ્ઞાન વિલાસ” એવાં એવાં માસિકો પ્રસિદ્ધ થતાં હતાં. “ધર્મપ્રકાશ” ધાર્મિક વિષયો માટે નીકળતું હતું અને સુપ્રસિદ્ધ કેશવલાલ હરિરામના “આર્યધર્મ પ્રકાશ” ચોપાનિયામાં ધર્મસંબંધી વિષયો આવતા. આ પ્રમાણે માસિકોની સાહિત્યપ્રવૃત્તિ ચાલવા સાથે સામાન્ય ગ્રંથો લખાતા હતા. પણ ઉચ્ચ પ્રકારનાં દર્શનશાસ્ત્રો સંબંધમાં બહુ જાણવાયોગ્ય લેખો કે ગ્રંથો લખાયા ન હતા. શાસ્ત્રી વ્રજલાલે એક ન્યાયનો ગ્રંથ અને મનઃસુખરામે કરેલું વિચારસાગરનું ભાષાન્તર, એ આદિ ચારપાંચ ગ્રંથો ગણાવી શકાય એટલું એ સંબંધી લેખન થયેલું છે.
મુંબઈમાં કેળવણીનો પ્રારંભ થયો ત્યારથી જ આગેવાન થઈ, આપણા પારસીભાઈઓએ તેમાં ભાગ લેવા માંડ્યો હતો. છેક સન ૧૮૧૯માં “મુંબઈ સમાચાર” (વર્તમાનપત્ર)ની પ્રથમ સ્થાપના થઈ હતી. આજે એ પત્રને ૯૩ વર્ષ થયાં છે. પારસીભાઈઓએ નાનામોટા ગ્રંથો રચવા પ્રારંભ કર્યા. પ્રથમ શિલા છાપખાનામાં અને પછીથી લીટી વિનાના બોડિયા અક્ષરોનાં બીબાં પણ તેમણે જ પાડીને છાપખાનાં ચાલતાં કર્યાં. બીજું દૈનિક પત્ર “જામે જમશેદ” ૧૮૩૧માં પ્રારંભાયું. હિન્દના દાદાનું યોગ્ય પદ પ્રાપ્ત કરનારા દાદાભાઈ નવરોજજીનું આખું જીવતર સાહિત્યસેવામાં ગયું છે એમ કહીએ તો તે યોગ્ય કહેવાશે. એમની સાથે નવરોજજી ફરદુનજી, અરદેશર મુસ અને બહેરામજી મર્ઝબાન એઓએ અઠવાડિયાનું “રાસ્તગોફ્તાર” આજથી ૬૧ વર્ષ ઉપર પ્રકટ કરવા માંડ્યું. “દફતર આશકારા” નામનું છાપખાનું પણ તે સમયથી ચાલતું આવ્યું છે. “જ્ઞાનપ્રસારક” ચોપાનિયું અને પછવાડેથી “સ્ત્રીબોધ” પણ ત્યાંથી જ પ્રારંભાયાં. “ચાબુક” નામનું અઠવાડિયામાં બે વાર પ્રકટ થતું વર્તમાનપત્ર ઘણી મુદત સુધી ચાલતું હતું. સાહિત્ય, વ્યાપાર અને નાના પ્રકારના ઉદ્યોગોમાં મચેલા રહેતા આપણા એ ભાઈઓએ જ આપણને સાહિત્યક્ષેત્રમાં દોર્યા છે એમ કહીએ તો તે યોગ્ય જ કહેવાશે. પારસી “હિંદી પંચ” જે રમૂજ સાથે જ્ઞાન અને ચાનક આપનારું પત્ર છે, તે પણ એઓની જ ઊલટથી ચાલતું આવ્યું છે. ને “સાંજ વર્તમાન” એ પણ એક દૈનિક છે. આ પ્રમાણે વર્તમાનપત્રો અને “જ્ઞાનવર્ધક”, “નૂરેએલમ્” આદિ માસિકો તેમના જ ઉત્સાહથી ચાલે છે.
અમારા સમયમાં શેઠ બહેરામજી, કેખુશરો, ન્હાનાભાઈ રુસ્તમજી રાણીના, અરદેસર ફરામજી, મુસ માણેકજી બરજોરજી, મીનોચેર હોમજી આદિ ઉત્સાહિત લેખકો અમારા મિત્ર હતા. અને પ્રતિ દિવસ અમે ભેગા થતા હતા, અને અનેક વિષયો ઉપર ચર્ચા ચલાવી આનંદ આપતા અને લેતા હતા. એઓ શુદ્ધ ગૂજરાતી ભાષાના ઉત્તેજક હતા. અને શુદ્ધ બોલવા અને લખવા ઉપર આદર રાખતા હતા. અને હું તથા મારા મિત્ર મનઃસુખરામ તેઓને એ જ ઉદ્દેશ પૂરો કરવાને ઉત્તેજન આપતા હતા તે તેઓ આદરસહિત સ્વીકારતા હતા. પછવાડેથી શેઠ જહાંગીરજી મર્ઝબાન અને બહેરામજી મલબારી આદિ અમારા સ્નેહીઓ પણ અમારા સહવાસમાં આવ્યા હતા. તેઓની પ્રકીર્ણ કવિતા એ તેમની નવીન ભાષાનો નમૂનો છે. આ સદ્ગૃહસ્થોએ જે આરંભ કર્યો. તેને ઓછાવત્તા પ્રમાણમાં બીજા પારસી લોકોએ પણ ઉપાડી લીધો છે. તેના પરિણામમાં પારસીભાઈઓને હાથે ગુજરાતી ભાષામાં મોટું સાહિત્ય ઉમેરાયું છે. કથાવિભાગ અને નાટકરચનામાં મારા મિત્ર મિ. કાવસજી આગળ પડેલા હતા. મિ. જહાંગીરજી મર્ઝબાન જેવા હસમુખા અને આનંદી છે તેવાં જ એમનાં કથાનાં પુસ્તકો રમૂજી બનાવી શક્યા છે. એમના ગ્રંથો હિન્દુકુટુંબોમાં બહુ આદરથી વંચાય છે. પારસીભાઈઓ વિજ્ઞાનશાસ્ત્ર અંગ્રેજી દ્વારા શીખ્યા હોય તો તે ગુજરાતીમાં લખવાને પણ ચૂક્યા નથી.
પારસીધર્મ સંબંધમાં કેટલાક સામાન્ય ગ્રંથો તેઓએ ગુજરાતીમાં લખ્યા છે. તો પણ ઉચ્ચ દાર્શનિક વિષયો તેમની પ્રકૃતિ વિરુદ્ધ હોય એમ સમજાય છે. ઘણા પારસી ભાઈઓ વેદાન્ત મતને પણ સ્વીકારનારા છે. સામાન્ય ભાષામાં ઘણા ગ્રંથો હિન્દુભાઈઓ કરતાં પણ વધારે તેઓએ લખ્યા છે.
પારસી કોમમાં સ્ત્રી તથા પુરુષો ઉભયમાં અંગ્રેજી ભાષાનો પ્રસાર સારો થતો જાય છે. અને તેથી તેઓ બને તેટલો લેખક થવા ઉપર પ્રેમ રાખે છે. તેઓ વસ્તીના પ્રમાણમાં યુનિવર્સિટીની પદવીઓ વધારે પ્રમાણમાં મેળવે છે, એ આપણે અનુકરણીય છે. ‘સ્ત્રીબોધ’ ચોપાનિયું સર્વત્ર માન્ય છે અને તે અમારા મિત્ર કાબરાજીનાં પુત્રી શિરીનબાઈ ચલાવે છે.
નવા લેખકોમાં મિ. અરદેશર ખબરદાર શુદ્ધ અને રસિક કવિતા રચનારા કવિ છે. એવા વધારે પારસી કવિઓ નીપજે અને સર્વત્ર ગ્રંથરચનામાં શુદ્ધ ગુજરાતી લખવાનો અભ્યાસ પાડે, એવી અમારી અંતઃકરણની ઇચ્છા છે. વિશેષ એટલા માટે કે એવા ઉત્સાહી ભાઈઓ અને બહેનો આપણા સાહિત્યમાં ભાગ લેનારાં જેમ વધારે નીકળી આવશે, તેમ તે આપણને વધારે લાભદાયક થઈ પડશે.
ધર્મના કારણને લઈને જૈનોનાં સાહિત્ય ઉપર જેમ ઓછી અભિરુચિ જણાય છે, તેમ ભાષાના કારણને લઈને પારસીભાઈઓ સાહિત્યસેવામાં ઓછા ગણાય, એમ થવા દેવા જેવું નથી. વાચકવર્ગમાં આવી ઉપેક્ષા, તેમના વાર્તાના ગ્રંથો સંબંધમાં થતી નથી એ વાત ખરી છે, પણ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો બાધ નડે નહિ, એમ થવાને ભાષા અને શૈલીમાં તો નવા સાક્ષર પારસી યુવકોએ હિન્દુ ભાઈઓનું અનુકરણ કરવું જ જોઈએ. તેમણે પોતાના પણ ગ્રંથોની ભાષાશુદ્ધિ તથા શબ્દલેખનપદ્ધતિ સંબંધમાં વિશેષ કાળજી રાખવી જોઈએ, કે જેથી તેમના ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકે.
આપણી ભાષામાં જુદાં જુદાં સાહિત્યોની સંપત્તિ આટલે સુધી મારા સમકાલીન સાક્ષરબંધુઓએ વધારી મૂકી હતી, તેવામાં નવીન ગ્રૅજ્યુએટોએ સાહિત્યનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં બની શક્યા પ્રમાણે પ્રયાસ કર્યા. પૂર્વના લેખકોએ ગૂર્જર-સાહિત્યસંપત્તિ વધારવાને એકલા સંસ્કૃત-ભંડારનો આશ્રય લીધો હતો, ત્યારે આધુનિક લેખકો સંસ્કૃત તેમ જ અંગ્રેજી આદિ ભાષામાં પ્રસિદ્ધ થયેલા સાહિત્યભંડારમાં પેઠા. તેઓએ ભાષાન્તરો, અનુકરણો અને પ્રાપ્ત કરી લીધેલી વસ્તુ ઉપરથી તથા સ્વકલ્પિત તરંગો ઉપરથી નાના પ્રકારની રચનાઓ કરવા માંડી. પણ ટૂંકામાં કહીએ તો ઇંગ્લિશ લેખોનું વિશેષતાએ તેમણે અનુકરણ કરવા માંડ્યું. એવા નવશિક્ષિતોમાં પણ રા. ભીમરાવે પ્રાચીન રીતિ પ્રમાણે પૃથુરાજ રાસો કાવ્ય લખ્યું. તેમ જ રા.રા. દોલતરામ કૃપારામ પંડ્યાએ જૂની શૈલી ઉપર કાવ્યમાં ઇંદ્રજીતવધ, કથામાં કુસુમાવલિ આદિ રસભરિત કલ્પનાયુક્ત બોધદાયક કૃતિઓ લખી. રા. મણિલાલે થોડી ભાવપૂર્ણ ગઝલો અને કાન્તા નાટક રચ્યાં. રા. ગોવર્ધનરામે કાવ્ય તથા નવલકથા ઉભય લખ્યાં. રા. નરસિંહરાવે પાશ્ચાત્ય નીતિની કવિતાનો દુર્ઘટ થઈ પડેલો પરિચય ઇંગ્લિશ નહિ જાણનારા મોટા વર્ગને કરાવ્યો. ઈ.સ. ૧૮૮૮થી તેઓ શબ્દ લેખનપદ્ધતિ સંબંધી ચર્ચા અદ્યાપિ પર્યંત ચલાવતા રહ્યા છે. નવા વર્ગના ગદ્યલેખકોમાં રા. મણિલાલ નભુભાઈના ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’માંના લેખો ગુજરાતી લેખનશૈલીના આદર્શરૂપ છે. રા. રમણભાઈએ સાહિત્ય સંબંધમાં બહુ સારાં વિવેચનો લખ્યાં છે. દૃશ્યકાવ્ય વિષયમાં વિસ્તારભય આદિ કેટલાંક કારણોથી તે સંબંધમાં વિશેષ અત્ર કથવું ઉચિત જણાતું નથી. હાલમાં કાવ્યવર્ગમાં રા. કલાપી (તે લાઠીના સ્વર્ગસ્થ ઠાકોરસાહેબ સૂરસિંહજી)નાં કાવ્યો અને કથાવર્ગમાં રા. ગોવર્ધનરામનું સરસ્વતીચંદ્ર, જે પ્રશંસાને પાત્ર થયાં છે તે બહુ યોગ્ય છે. સ્વ. કવીશ્વર દલપતરામના પુત્ર ન્હાનાલાલે બહુધા ગદ્યશૈલીનાં કાવ્ય લખ્યાં છે. તેમનાં છંદ અને રાગબદ્ધ કાવ્યોનો લોકમાં કાંઈક આદર થતો જાય છે. હાલની મોટે ભાગે ચાલતી સાહિત્યપ્રવૃત્તિ સંબંધી આ એક સૂચના કરવી ઇષ્ટ છે કે, અમુક ભાષાની સાહિત્યની સંપત્તિની ઉચ્ચતાનું માપ અનુકરણો અને ભાષાંતરોથી નથી થતું, પણ તેની અંદર સ્વતંત્ર પ્રતિભાશક્તિથી લખાયલા ગ્રંથોની સંખ્યાથી થાય છે, પરંતુ હાલમાં તેવી પ્રતિના ગ્રંથો બહુધા લખાય છે. વળી મિશ્ર પદ્ધતિ ઉપર લખાતી કવિતામાં રા. કેશવલાલ હરિરામકૃત કેશવકૃતિ તથા રા. મણિલાલ છબારામની કવિતા ગૂજરાતી ભાષામાં સારું સ્થાન લે તેવી અને લોકપ્રિય જણાય છે. સ્ત્રીજનોની કૃતિઓમાં ઑન. લલ્લુભાઈ શામળદાસના સુપુત્રી સદ્ગત અ.સૌ. સુમતિના લેખો તથા સમાલોચકમાં એક સ્ત્રીજનની સંજ્ઞાથી લખનાર ગં.સ્વ. સવિતાની કવિતા આદિ સારા; ચિત્તાકર્ષક થયાનું જાણ્યામાં છે. તેઓની મનોહારિણી સરળ વાણીમાં સારો રસ અને ઉપદેશ રહેલા છે. સદ્ગત સુમતિએ “દિવ્યમેષપાલબાલ” એવા નામનું એક કાવ્ય લખ્યું છે. તેમાં એક હરિગીત જાતિ તેમણે રચી છે. તે તેમને જ લાગુ પડતી હોવાથી આ સ્થાને ઉમેરું છું.
તુજ મૃત્યુ પછી તારી પ્રસંશા, અખિલ જગમાં પ્રસરશે,
તુજ કીર્તિસ્થંભો સર્વ સ્થલમાં, જગતના જન નાખશે;
તુજ કાર્યના લેખો લખાશે શ્વેત શીલાઓ પરે,
તુજ ગુણનાં ગાનો ગવાશે કાવ્ય કરશે કવિ ખરે.
સૌ. સુમતિએ ધાર્યું નહિ હોય કે આ પોતાનો લેખ પોતા ઉપર જ લાગુ પડવાનો છે.
જ્ઞાનપૂર્વક ભજન કરવા જેવા આ ઉપયોગી વિષયમાં જનસમૂહ સારો કેળવાયેલો નહિ હોવાથી તે વિષયના જાણકાર લખનારાઓ હોવા છતાં પણ આપણા સાહિત્યમાં જોઈએ તેવી વૃદ્ધિ થઈ નથી. બંગાળી ભાષામાં માનસશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર સંબંધી નવીન વિચારશીલ લેખોની સંખ્યા વધતી જાય છે. તેનું કારણ પણ તે લોકોનો તે વિષય પર પ્રેમ વધવાને લીધે જ છે. તેથી જ મને એવી સબળ આશા રહે છે કે, ધીરે ધીરે તે તરફ વળતી જતી લોકરુચિને સંતોષે એવા આ વિષયના સ્વતંત્ર વિચારના ફળરૂપ ગ્રંથો લખાશે.
દર્શનશાસ્ત્ર સંબંધી ચર્ચા, પાતંજલ યોગદર્શન, રા.બ. કમળાશંકરનો બ્રહ્મસૂત્રનો અનુવાદ તથા આચાર્ય નથુરામકૃત બ્રહ્મસૂત્ર એ આદિ ગ્રંથ પ્રગટ થયા છે. ગીતાનાં જુદાં જુદાં ભાષાન્તરો થયાં છે. મારા મિત્ર સદ્ગત મનઃસુખરામનું ગીતાનું કવિતામાં ભાષાન્તર અને તે ઉપર વિસ્તારપૂર્વક ટીકાનો ઘણો ઉપયોગી ગ્રંથ લગભગ પૂરો થવા આવ્યો છે. એમનો જ વિચારસાગર જિજ્ઞાસુઓને વધારે પ્રિય થઈ પડેલો જણાય છે. યોગવાસિષ્ઠ, યોગકૌસ્તુભ યોગચિંતામણી, સર્વદર્શન આદિ ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. સાક્ષર મણિલાલ નભુભાઈનો સિદ્ધાંતસાર, શ્રીમદ્ભગવદ્ગીતાનું સટીક ભાષાન્તર અને સંગીતશાસ્ત્રી ગોપાળ રાવ બર્વેનો યોગનો ગ્રંથ ઇત્યાદિ ગ્રંથો પ્રસિદ્ધ થયેલા છે.
વળી, આવા ગુજરાતી સાહિત્યમાં, ગદ્યમાં તેમ જ પદ્યમાં એક નવીનતાભર્યો વધારો શ્રીમાન નૃસિંહાચાર્યે સ્થાપેલા ‘શ્રેયસાધક અધિકારી મંડળ’ દ્વારા થયો છે. આ મંડળ ભણીથી મહાકાલ આદિ પાંચ માસિકો નીકળે છે. આ માસિકોમાં જે લેખો આવે છે તે મુખ્યત્વે કરીને મનુષ્યજીવનને વધારે સુખી કરે અને વધારે ઉચ્ચ સ્થિતિએ પહોંચાડે એવા જ્ઞાનના ભરેલા અને ઉચ્ચ ધોરણને અનુસરીને લખાય છે. તે સાથે વળી શારીરિક વિષયો સંબંધી તેમ જ કેટલીક વાર શ્રેષ્ઠ શાસ્ત્રીય પ્રકારના પણ લેખો જોવામાં આવે છે. આ માસિકોની ભાષા શુદ્ધ અને સંસ્કારી જણાય છે અને તેની શૈલીમાં એક અમુક જાતની વિલક્ષણતા પ્રગટ થયેલી જોવામાં આવે છે કે તેને લીધે તેનો જુદો નિર્દેશ કરવો યોગ્ય જણાય છે. આ મંડળનો ઉદ્દેશ શુષ્કધર્મી થઈ જવાનો જણાતો નથી અને તેથી તેના ઉપદેશકો તેવો ઉપદેશ પણ કરતા નથી, પણ જ્ઞાનના વિષયોની સાથે સાથે સનાતન ધર્મને તથા સિદ્ધાંતને અનુકૂળ આવે તેવી સિદ્ધાંતપ્રાપક ક્રિયાઓ વિષે પણ ઉપદેશ કરવામાં આવે છે. પ્રારંભમાં આવા નૂતન મંડળને વધતાં જે અડચણો નડવી જોઈએ તે નડી હતી. પરંતુ ગૂજરાતમાં સ્થપાયલા એવા બીજા કેટલાક સમાજો હજુ સુધી જ્યાંનાં ત્યાં સ્થિર રહેલા જણાય છે; ત્યારે આ મંડળ તો સ્ત્રીવર્ગ અને પુરુષવર્ગ બન્નેમાં લોકપ્રિયતા ધારણ કરતું ચાલ્યું જાય છે. ખેદ એટલો જ થાય છે કે, શ્રીમાન્ નૃસિંહાચાર્ય પછી તેમના શિષ્ય છોટાલાલ માસ્તર કે જેમણે આ સમાજ સારી રીતે જમાવી રાખ્યો હતો, તેઓએ થોડા સમય પૂર્વે વિદેહપદ ધારણ કર્યું છે. આ ભાઈ જૈન હતા છતાં પણ વેદાન્તનો અભ્યાસ થતાં તેઓ બ્રાહ્મણધર્મ પાળતા હતા.
જનસમૂહને અને તેથી આખા દેશને વિજ્ઞાન સાહિત્ય અતિ ઉપયોગી છે. વિજ્ઞાનશાસ્ત્રના જ્ઞાનની ડગલે ડગલે અગત્ય પડે છે. વિજ્ઞાન વિષયની વૃદ્ધિ ઉપર સાહિત્યની ઉન્નતિ અને દેશની ઉન્નતિનો આધાર રહ્યો છે. વિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસ વિના નાના પ્રકારના ઉદ્યોગોનો અને નવીન કારીગરીનો વિસ્તાર થવાનો નથી. અને તેમ થયા વિના દેશનું દારિદ્ર્ય જાય એમ નથી. આ વિષે મારા મિત્ર રા.બ. હરગોવિંદદાસ કાંટાવાળાએ ‘દેશી કારીગરીને ઉત્તેજન’ એવા નામનો બહુ ઉપયોગી અને સારો ગ્રંથ રચીને, તેમાં જે દેશદાઝ બતાવી છે અને એ સાક્ષર કાંટાવાળાએ તે દ્વારા દેશબાંધવોમાં જે હૃદયભેદક કાંટો ખોસ્યો છે. તે વિજ્ઞાનશાસ્ત્રનો બહોળો અભ્યાસ થવાથી જ નીકળી શકે એમ છે.
વિજ્ઞાન સાહિત્યનું મથાળું ઘણું વિસ્તારવાળું છે. એમાં ઘણાં શાસ્ત્રોનો સમાવેશ થાય છે. ભૌક્તિક વિદ્યા, પ્રકૃતિવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, ભૂતળવિદ્યા, રસાયનશાસ્ત્ર પ્રાણીવિદ્યા, વનસ્પતિશાસ્ત્ર ઇત્યાદિનો સમાવેશ થાય છે. રા.સા. મહીપતરામે ભૂસ્તરવિદ્યાનાં મૂળતત્ત્વો, પદાર્થવિજ્ઞાન આદિ પુસ્તકો અંગ્રેજી ઉપરથી રચ્યાં છે. રા. ડાહ્યાભાઈ દેરાસરીએ “સરળ પદાર્થ વિજ્ઞાન” નામનો ગ્રંથ રચ્યો છે. રા.બ. લાલશંકરે ‘ભૂતળવિદ્યા’ની રચના કરી છે. રસાયનશાસ્ત્ર સંબંધી પ્રો. ત્રિભવનદાસ ગજ્જરે બહુ સારી યોજના કરી છે. હું ઇચ્છું છું કે, ટૂંક મુદતમાં એમનું કારખાનું બર્ગોઆઈનના કારખાનાને ટક્કર મારે એવું થાય. મારા મિત્ર સદ્ગત ડૉ. ધીરજરામ દલપતરામે નાનું કેમિસ્ટ્રીનું જે પુસ્તક બહાર પાડ્યું હતું તે પ્રથમ જ હતું. દાક્તર કેખુશરો વિકાજીએ પણ આ વિષય ઉપર લખાણ કર્યું છે. હાલમાં પોરબંદરના રા. જયકૃષ્ણ ઇંદ્રજીએ વનસ્પતિશાસ્ત્ર નામે એક મોટો ગ્રંથ બહુ શ્રમ લઈ પ્રકટ કર્યો છે. ગુજરાતી વાચનમાળામાં ઉપરના વિષયોના પાઠોની યોજના કરવામાં આવે છે એ પણ ઠીક કર્યું છે.
આપણી ગુજરાત વર્નાક્યૂલર સોસાયટી તરફથી એ વિષયના કેટલાક ગ્રંથો હાલમાં પ્રકટ કરવાનું સ્તુત્ય કાર્ય શરૂ થયું છે. તેમ જ ના.શ્રી ગાયકવાડ સરકાર તરફથી પણ જ્ઞાનમંજુષાદિ ગ્રંથાવલિ દ્વારા એવા લોકોપયોગી વિષયો લોકોમાં અધિક પ્રચાર પામે એવા પ્રશસ્ત પ્રયાસો થયા છે, તો પણ એવાં સાધનોનો લાભ લોકો વધારે ને વધારે લઈ શકે તેમ થવાની ઘણી અગત્ય છે.
મારા માનવા પ્રમાણે સાહિત્યનો એવો ક્રમ છે કે, પ્રથમ સામાન્ય સાહિત્ય પાકે પાયે રચાય છે, ત્યાર પછી વિશેષ સાહિત્યનો વારો આવે છે. ગૂર્જર સાહિત્યમાં સામાન્ય સાહિત્ય અગાઉ કરતાં ઉચ્ચ પ્રકારનું થયું છે અને હવે વિશેષ સાહિત્યનો આરંભ થવાની જરૂર જણાય છે. આજથી પચાસ વર્ષ પહેલાં તે પ્રકારનો વાચકવર્ગ અને લેખકવર્ગ હતો તેથી બહુ ઉચ્ચ પ્રકારનો હાલનો ઉભય વર્ગ અનેક કારણોથી થયો છે, એ નિર્વિવાદ પ્રત્યક્ષ જણાઈ આવે છે. તેનાં, સામાન્ય કેળવણીનો અધિક પ્રચાર, યુનિવર્સિટીમાં અપાતું શિક્ષણ, મુદ્રણાલયોની સહાયતા, વાચકોની વધતી જતી અભિરુચિ અને અનુકૂળતા અને તે કારણોથી વધતો જતો લેખકોનો ઉત્સાહ તેમ જ સ્ત્રીકેળવણીનો વિસ્તાર એ આદિ કારણો છે.
ગુજરાતી સાહિત્ય ખરી અને દૃઢ ઉન્નતિએ પહોંચે એમ કરવા તેની વૃદ્ધિ ચાહનારાઓએ પૂર્વાપરનો વિચાર કરી, પોતાનાં પગલાં ભરવા માંડવાનો હવે સમય આવી પહોંચ્યો છે. આ કાર્ય આપણા નવીન યુવકવર્ગને હાથે થવાનું છે, અને તેથી તેઓને થોડી યથામતિ નમ્ર સૂચનાઓ કરવી યોગ્ય જણાય છે.
હમણાંના યુવકવર્ગનો એ દિશામાં ઉત્સાહ બહુ પ્રશંસનીય છે. અમુક વિશેષ કાર્યોમાં તત્કાલ અર્થલાભ કે ધન્યવાદ ન મળે, તો પણ મંદ ન થતાં તે પાછળ તેમણે સતત મંડ્યા રહેવું જોઈએ. કાવ્યવાદિકોમાં અંધ અનુકરણો થવાને બદલે રસાદિક કાવ્યતત્ત્વોની જે મીમાંસા હજી લગણ થઈ છે તેથી પણ વધારે થવાની અગત્ય છે. તેમાં માત્ર થોડી જ વ્યક્તિઓ ભાગ લેતી જણાય છે, તેથી વધારે લેતી થશે ત્યારે તેનાં ઇષ્ટ અને સારાં પરિણામો આવશે. પ્રગટ થતાં કાવ્ય અને કથાઓ આદિ ઉપર પણ વધારે નિષ્પક્ષપાત, વધારે વિસ્તૃત અને રસાદિક વિશેષ આવશ્યક કાવ્યતત્ત્વોની વધારે પરીક્ષા કરતાં એવાં સમાલોચનો થવાની વિશેષ અપેક્ષા રહે છે. ભાષા, વ્યુત્પત્તિ આદિને અંગે થતા વાદવિવાદો આડેતેડે અને વાંકેચૂકે માર્ગે ચડી જવાને બદલે સત્યપ્રાપ્તિ જેમ શીઘ્ર થાય તેમ થવું જોઈએ. બાદ એ “वादे वादे जायते तत्त्वबोधः” એવા ઉચ્ચ આશયથી કે ફલબુદ્ધિથી થવો જોઈએ. આવું થવાથી આપણું સાહિત્ય અવશ્ય સુંદરતર થશે.
અમુક જાતિની ગ્રંથવૃદ્ધિનું માપ માસિકોમાં આવતા તે તે વિષય સંબંધી લેખોનાં માપ ઉપરથી અનુમાની શકાય તેમ છે. એમ જોતાં હાલનાં માસિકોમાં તેવા શાસ્ત્રીય કે વિજ્ઞાન સંબંધી લેખો ઓછા જોવામાં આવે છે. અને તેના વાચકો તેથી પણ ઓછા હશે જ. આ સ્થિતિમાં સુધારો થવો ઘટે છે. પાઠશાળામાં શિક્ષણ દ્વારા આ કામો અધિક થઈ શકે; તેવા પ્રબંધો જ્યાં સુધી થયા હોય નહિ ત્યાં સુધી ક્રમબોધની શૈલી દ્વારા કરતાં ભાષણોથી થોડુંઘણું થઈ શકે ખરું. સાહિત્ય પરિષદમાં આવી વ્યાખ્યાનમાળાની યોજના થઈ હતી. પરંતુ તે સંબંધમાં હજી કાંઈ પણ થયું હોય એમ જણાતું નથી. આ વાત જે મને સાક્ષરરૂપે સિદ્ધ થયેલા સજ્જનોને બે બોલ કહેવાને લલચાવે છે.
રા.બ. કમળાશંકર, રા.રા. કેશવલાલ, રા.રા. નરસિંહરાવ, રા.બ. રમણભાઈ આદિ કેટલાક સજ્જનો તો અનેક નાના પ્રકારના વ્યવસાયમાં નિમગ્ન હોવા છતાં અનેક પ્રકારે ગૂજરાતી ભાષાસાહિત્યની વૃદ્ધિમાં પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે. એને માટે એઓ બહુ ધન્યવાદને પાત્ર છે અને એમના ઉદ્યોગ અને ઉત્સાહનાં દૃષ્ટાંતો આપણા યુવકવર્ગને ખરેખર અનુકરણીય છે. વળી, પ્રતિષ્ઠિત સાક્ષરોમાં કેટલાક સારા વિદ્વાનો તરીકે પંકાયેલા છે અને સારી શક્તિવાળા છે; પરંતુ તેઓ તરફથી લેખો કે ગ્રંથો દ્વારા ઉત્સુક વાચકોને જે લાભ મળવો જોઈએ તે જોઈતા પ્રમાણમાં મળતો નથી અથવા મળે છે તો તે નહિવત્ જ મળે છે. આ વાત પણ આવે પ્રસંગે સ્મરણમાં આવતાં ખેદ થાય છે.
અંતમાં મારે લેખકબંધુઓને એવી વિજ્ઞપ્તિ કરવાની છે કે, લેખોની સંખ્યા કરતાં લેખોના ખરા ગુણોની સંપત્તિ ભણી લક્ષ રાખવું યોગ્ય છે. અને તેમ થવામાં વધારે વિશાળ વાચન અને વધારે ઊંડા અભ્યાસ તથા વિચારની અગત્ય છે. એ લક્ષ બહાર રહેવું જોઈએ નહિ.
વળી વર્તમાન સાહિત્યનું અવલોકન કરતાં જ એક બીજી સૂચના કરવાનું મન થાય છે તે એ કે, જેઓ ઉચ્ચ પંક્તિના લેખકો છે અને જેઓ પ્રાસાદિક કવિતા કરી શકે છે, તે સિવાયના લેખકોએ માત્ર સામાન્ય કવિતા કે વાતો રૂપ સાહિત્ય રચી તેમાં સરસાઈ મેળવવાના પ્રયત્નોમાં પોતાની શક્તિ રોકવાને બદલે આપણા સાહિત્યના અંગમાં જે ન્યૂનતાઓ છે તે પૂર્ણ કરવા તરફ પોતાનાં ચિત્ત લગાડવાં. એ દિશામાં પણ તેમણે કરેલા પ્રયાસોની સાહિત્યસેવામાં સારી રીતે ગણના થઈ શકશે. એવા હાથ ધરવા જેવા ઉપયોગી વિષયોમાં ચિત્ર, સંગીત, શિલ્પાદિ લલિત કળાઓ તથા તેઓના ગુણદોષોની પરીક્ષા કરવાની શક્તિ ઉત્પન્ન કરે એવા ઉપદેશક ગ્રંથો, ઐતિહાસિક શોધો આદિ યાદીમાં આપેલા ઘણા ઘણા વિષયો ગણાવી શકાય એમ છે. અને આપણા ગૂર્જર સાહિત્યના હજી વિશેષ યોગ્ય વિકાસને અર્થે એ અચુમ્બિત વિષયો સંબંધી લેખો લખાવાની અગત્ય છે.
આપણી જૂની ગુજરાતી કવિતાથી ગૂર્જર પ્રજાને વધારે પરિચિત કરવાનું પ્રથમ માન કવીશ્વર દલપતરામને ઘટે છે. તેઓએ કાવ્યદોહનના અનુક્રમે ૧૮૫૮ અને ૧૮૬૪માં બે ભાગ પ્રગટ કર્યા; ત્યારથી જે લોકો ગૂજરાતી પાંચસાત કવિઓને જાણતા હતા, તેઓ તેથી વધારે કવિઓની કૃતિઓ જાણવા લાગ્યા. તે નમૂનાઓ ઉપરથી પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો સંબંધી વધારે શોધખોળ આદિ થવા માંડ્યાં અને શિલાછાપખાનામાં પ્રથમ જૂના કવિઓનાં ઘણાં પુસ્તકો અશુદ્ધ અને અસ્તવ્યસ્ત છપાયાં હતાં તે સંસ્કારાયાં. સન ૧૮૬૦માં કવિ નર્મદાશંકરે રસિક કવિ દયારામની કવિતાના સંગ્રહ દ્વારા તથા સન ૧૮૭૨માં કવિ પ્રેમાનન્દકૃત દશમસ્કંધ દ્વારા પ્રાચીન કાવ્યગ્રંથોનો રસાસ્વાદ ગૂર્જર પ્રજાને ચખાડ્યો. સન ૧૮૮૪માં રા.બ. હરગોવિંદદાસે ત્રૈમાસિક દ્વારા પ્રાચીન કાવ્યો પ્રગટ કરવા માંડ્યાં. પરંતુ થોડાં વર્ષ પછી તેમના એ કાર્યની નવીન સંગીન યોજના થવાથી તે પડતું મુકાયું. પરંતુ, પ્રાચીન કવિઓના કાવ્યગ્રંથોને સારા આકારમાં તથા સારા કાગળ ઉપર છાપવાનો પ્રથમ આરંભ ‘ગુજરાતી’ના સુપ્રસિદ્ધ સાહિત્યરસિક તંત્રી રા.રા. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ સન ૧૮૮૬માં ‘બૃહત્કાવ્યદોહન’ દ્વારા કર્યો. તેના પ્રગટ થયેલા છ ભાગો ઘણા પ્રાચીન કવિઓનો આપણને સારો પરિચય કરાવે છે. ત્યાર પછી થોડા અંતરમાં જ નડિયાદના રા. ચતુરાઈ શંકરભાઈએ અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તકો માસિક દ્વારા પ્રસિદ્ધ કરવા માંડ્યાં. પરંતુ, યોગ્ય આશ્રયના અભાવે એકાદ વર્ષ પછી તે કાર્ય બંધ થયું. એમ.એ.ની પરીક્ષામાં એ પ્રાચીન સાહિત્યનો અભ્યાસ હાલમાં દાખલ થયા પછી ગ્રેજ્યુએટ વર્ગમાં એ પ્રાચીન કૃતિઓનો અભ્યાસ કરવા અધિક પ્રવૃત્તિ થઈ છે અને એ યોગ્ય જ છે. એ પ્રાચીન કૃતિઓ કેવળ ગુજરાતી જાણનારા વર્ગમાં તો બહુ પ્રિય છે. પરંતુ નવા શિક્ષિત વર્ગમાં અધિક પ્રિય થવા સારુ એ પુસ્તકોની નવીન પદ્ધતિ પ્રમાણે સંશોધિત આવૃત્તિઓ રસાદિક ટીકાઓ સાથે પ્રગટ થવાની અગત્ય છે.
શ્રીમાન ફાબર્સસાહેબે રચેલી ‘રાસમાળા’નું ભાષાંતર થયા પછી ઘણાં વર્ષો વ્યતીત થયાં, છતાં પણ ખરા ગૂજરાતને લગતા ઇતિહાસ સંબંધમાં કાંઈ નવીન જાણવા યોગ્ય શોધખોળો ગૂજરાતવાસીઓ દ્વારા થઈ જણાતી નથી. આચાર્ય વલ્લભજી તથા રતિલાલ દુર્ગારામે પ્રાચીન વિષયો પર સારું લક્ષ આપ્યું હતું, પરંતુ ખાસ નોંધવાયોગ્ય નવીનતાઓ પ્રકાશમાં આવી નથી. આ વિષયમાં ગૂજરાત દેશ બહુ સામગ્રી આપે તેવો છે અને નિરર્થક વાર્તાલાપોમાં વેળાનો વ્યય કરવા કરતાં ઐતિહાસિક શોધોમાં શક્તિનો વ્યય કરવા જેવું છે. જૂનું શિલ્પ, જૂના ધર્મો, જૂના સિક્કા, જૂના લેખો, જૂની વાર્તા, જૂનું ગીત એ સર્વે નાના પ્રકારની રસવૃત્તિઓને સંતોષ તથા ઉત્તેજન આપે એવાં છે. આ બાબતમાં બ્રિટિશો પરદેશી છતાં જે રસવૃત્તિ અને ઉત્સાહપૂર્વક ઘણાં વર્ષોથી શ્રમ લીધા કરે છે, અને તેઓ દ્વારા જે જે વાતો પ્રકાશમાં આવી છે. તે સર્વે સારુ તેઓ બહુ ધન્યવાદને પાત્ર છે.
આ પ્રસંગે જણાવવું જોઈએ કે, માસિકપત્રો સાથે આપણાં સાપ્તાહિક તથા દૈનિક વર્તમાનપત્રો અનેક પ્રકારે જે લોકસેવા કર્યે જાય છે, તેની અવગણના કરી શકાય એમ નથી. માસિકો કરતાં વર્તમાનપત્રો અધિક સંખ્યાના લોકોને હસ્તગત થાય છે. અને તેઓ પોતાની એ શક્તિથી જાણીતા છે, એ વાત તેઓમાં જે રૂપાન્તર થયું છે તેથી સિદ્ધ છે. કેવળ વર્તમાન જ પ્રગટ કરીને તેઓ સંતોષ પામતા નથી; પરંતુ કોઈ કોઈ વાર ચાલુ સામાજિક, ધાર્મિક, રાજ્યદ્વારી આદિ વિષયો ઉપર ધ્યાન આપનારા સારા લેખો પ્રગટ કરે છે. એવાં પત્રોમાં મુખ્યત્વે ‘મુંબઈ સમાચાર’ અને ‘ગુજરાતી’ આદિ પ્રસિદ્ધ છે. તેમાં ‘ગુજરાતી’ આદિ કેટલાંક તો અમુક અમુક પ્રસંગે ચર્ચાપત્રોને અવકાશ આપી તેમ જ સારા લેખો લખાવી, અમુક વિષયો ઉપર લોકમત કેવો છે તે જાણવાની સરળતા કરી આપે છે. વળી તે તથા અન્ય પત્રો સારા લેખકો પાસેથી નાનાવિધ વિષયો મંગાવી પોતાના મોટી સંખ્યાના વાચકવર્ગને શુભ પ્રસંગે ભેટ આપવા માટે ખાસ અંકો પ્રગટ કરે છે. આવા મનોરંજક ઉપાયો યોજી તેઓએ સામાન્ય વાચકવર્ગમાં કેટલેક અંશે ગ્રંથાદિ દ્વારા કરતાં બીજે પ્રકારે પણ જ્ઞાનનો સારો ફેલાવો કર્યો છે. અમદાવાદમાં પણ ‘પ્રજાબંધુ’, ‘ગુજરાતી પંચ’ આદિ સાપ્તાહિક પત્રો લોકમત કેળવવામાં પણ ઠીક સાધનભૂત થાય છે.
પાશ્ચાત્ય દેશોમાં તો માસિકો અને વર્તમાનપત્રો લોકમત ઉપર કેવી પ્રબળ અસર કરે છે તે આપથી અજાણ્યું નથી. હાલનાં આપણાં વર્તમાનપત્રો પણ કાંઈક અંશે તેવું બળ ગ્રહણ કરતાં થયાં જણાય છે. વળી એ વર્તમાનપત્રોની ભાષા પણ પૂર્વ કરતાં બદલાઈ ગઈ છે. અને તે લોકકેળવણી કેટલે અંશે વધી છે, તેનું માપ બતાવનાર એક સાધન છે.
પારસી પત્રોની ભાષા પણ અગાઉ કરતાં વધારે શુદ્ધ થઈ છે. વર્તમાનપત્રો પણ આમ સાહિત્યવિષયક લોકસેવામાં સાધનભૂત થવાની સાથે ભાષાને ઊંચી અને શુદ્ધ બનાવવા પ્રયત્નો આદરે છે. તો હિંદુ ભાઈઓને હાથે ચાલતાં વર્તમાનપત્રોની તો થાય જ એમાં નવાઈ શી? હાલમાં વર્તમાનપત્રોના લેખોમાં અગાઉ કરતાં સંસ્કૃત શબ્દોની અધિકતા જોવામાં આવે છે, ભાષા પણ સામાન્યતઃ સંસ્કારી જણાય છે. વાક્યોમાં પણ ગૌરવ લાવવા પ્રયત્ન થયેલો દેખાઈ આવે છે, અને લેખનશુદ્ધિ ઉપર પણ અધિક લક્ષ અપાય છે.
મારા સદ્ગત મિત્ર મનઃસુખરામનો શબ્દશુદ્ધિ એટલે કે અન્ય ભાષાના શબ્દોને બદલે તે સ્થાને સંસ્કૃત ભાષાના શબ્દો વાપરવાનો બહુ આગ્રહ હતો અને બીજાઓને પણ તેઓ તેવો જ ઉપદેશ કરતા હતા. તેઓના મતનો તેના આરંભના સમયમાં બહુ ઉપહાસ થતો હતો. પરંતુ તે ઉપહાસને હમણાંની વસ્તુસ્થિતિએ ખોટો પાડ્યો જણાય છે. ‘હાઈ કોર્ટ’ને બદલે ન્યાયમંદિર, ‘ગવર્નમેન્ટ ગૅઝેટ’ને બદલે આજ્ઞાપત્રિકા, ‘હૅન્ડબિલ’ને બદલે હસ્તપત્ર, ‘હોટેલ’ને બદલે ઉપાહારગૃહ, ‘યુનિવર્સિટી’ને બદલે શારદાપીઠ, વિશ્વદ્યાલય; ‘વૉલંટિયર’ને બદલે સ્વયંસેવક, ‘પૂઅરહાઉસ’ને બદલે અનાથાશ્રમ, ‘સિસ્ટર્સહોમ’ને બદલે સેવાસદન – ‘નર્સીસ’ને બદલે સેવિકાઓ, આવા આવા અનેક શબ્દોની યોજના કરનારા નવા લેખકો તો ‘ટિકિટ’ને બદલે મૂલ્યપત્રિકા, ‘સ્ટેશન’ને બદલે અગ્નિરથ-સ્થાપન-સ્થલ, અને ‘ટેબલ’ને બદલે લેખિનીનૃત્યાલય આદિ ઉપહાસિક શબ્દો યોજી ઉપહાસ કરનારાઓનો જાણે કે પ્રતિઉપહાસ કરી રહ્યા છે. આ સર્વે ધીમે ધીમે પણ અજ્ઞાત રીતે ભાષાની પ્રગતિ કઈ દિશામાં થતી જાય છે તેનું નિઃસંદિગ્ધ સૂચન કરે છે.
હમણાં આપણી આગળ જોડણીનો તથા સાહિત્ય પરિષદના બંધારણનો એવા પ્રશ્નો નિરાકરણ સારુ ઉપસ્થિત થયેલા છે. આમાંનો પ્રથમ પ્રશ્ન કેટલીક મુદતથી ચર્ચાપાત્ર થયો છે. આ સંબંધી પાછળ કથન થયેલું છે. વિશેષ એમાં એટલું જ કહેવું જોઈએ કે વિવાદી વિષયમાં મતભેદ થવા જ જોઈએ અને તે આ વિષયમાં થાય એ યોગ્ય જ છે. પણ જ્યારે ત્યારે એક નિર્ણય પર આવ્યા વિના સિદ્ધિ નથી. તો બાંધછોડની રીતિએ વ્યાવહારિક દૃષ્ટિ ઉપર લક્ષ રાખીને તેનો નિકાલ લાવવા માટે વિશેષ મતને માન આપીને છેવટનો નિકાલ આણવા ઉપર સર્વે સાક્ષરોનો અભિપ્રાય થાય, તો આપણી પરિષદે મહાન કાર્યનો છેડો આણ્યો ગણાશે. અને એ પ્રમાણે થાય એમ સર્વેની પણ અભિલાષા હશે એમ હું ધારું છું.
બીજો પ્રશ્ન સાહિત્ય પરિષદના બંધારણનો છે. એમાં પણ ખેંચાખેંચી કરવા સરખું નથી. આપણી પરિષદનું મહાન કાર્ય એકસરખી સરળ રીતે કેમ ચાલ્યું જાય તેવી યોજના વિચારપૂર્વક કરવાની છે. વિદ્યાદિનાં કાર્યો વિદ્વાનો સમાધાનીથી કરે છે એવો દાખલો લેવા અને મેળવવાનો છે. ઐક્ય શું છે એ આપણે બતાવી આપવાનું છે. વિદ્વાનોનો એકમત કેવી રીતે થઈ જાય છે તે શીખી, આપણે લોકને એ શીખવવાનું છે. માટે જો સરળતાથી ચોખ્ખા હૃદયે એક નિર્ણય પર હમણાં આવી શકાય એમ હોય તો આ ચર્ચાપાત્ર વિષયનો નિર્ણય હમણાં લાવવો, નહિ તો દીર્ઘસૂત્રણાને વળગતું આપણે ચાલતું રાખવું હોય તો તેમ કરવું ઉચિત છે. હજી બે દિવસ છે તેટલામાં આ વિષયોનો પાકો વિચાર વ્યવસ્થાપક સભામાં કરીને જે નિર્ણય આપી શકે તે અગાઉથી જ નક્કી કરી રાખવો, અને એટલા જ માટે સૂચનાર્થ હું આ કથન અહીં કહું છું.
આપણા આ પાયારૂપ કાર્યના સંબંધમાં જલદી નિર્ણય લાવવામાં યુરોપખંડની પ્રખ્યાત ફ્રૅન્ચ એકેડેમી, ઇંગ્લૅંડની એકેડેમી, ઑરિયેન્ટલ કૉન્ગ્રેસો તથા આપણા દેશના બંગીય સાહિત્ય પરિષદ, હિંદી સાહિત્ય સંમેલન, મરાઠી સાહિત્ય પરિષદ, તેલુગુ પરિષદ આદિનાં બંધારણોના નિયમો આપણને બહુ માર્ગદર્શક અને સહાયકારક થઈ પડે તેમ છે.
યુરોપખંડની એકેડેમીઓ (વિદ્વત્પરિષદો) આ હેતુથી સ્થાપાયેલી છે; અને તેમાંય ફ્રૅન્ચ એકેડેમી કેમ આટલી બધી જગતપ્રસિદ્ધ થયેલી તે અત્રે હું જણાવું છું; આશા છે કે તે પ્રાસંગિક ગણાશે. સ્વાર્થના અંશ વિના સાહિત્ય, વિજ્ઞાન, કલા આદિની ખિલવણી–પ્રગતિને લક્ષબિન્દુ રાખીને તદર્થે શ્રમ લેનારા મંડળને વિદ્વત્પરિષદ – ‘એકેડેમી’ – કહેવામાં આવે છે. યુરોપખંડના સર્વ દેશોની લગભગ સઘળી એકેડેમીઓનો જાહેર પ્રજામાં સ્વીકાર થયેલો છે. તેની સ્થાપનામાં તેમ જ તેના નિભાવમાં તે તે રાજ્યોએ સારો આશ્રય આપેલો છે અને અદ્યાપિપર્યંત તે આશ્રમ ચાલુ જ છે. યુરોપમાં એવી એકેડેમીઓ (વિદ્વત્-પરિષદો) બહુધા પાંચ પ્રકારની છેઃ (૧) વિજ્ઞાનવિષયક (૨) સાહિત્યવિષયક (૩) પુરાણવસ્તુશોધ-વિષયક અને ઇતિહાસવિષયક (૪) વૈદકીય અને શસ્ત્રપ્રયોગવિષયક અને (૫) લલિતકલાવિષયક.
આ સર્વ વિદ્વત્-પરિષદોના હેતુઓ અને કાર્યોનું અવલોકન કરવાનો અહીં અવકાશ નથી. પરંતુ આદર્શરૂપ એની સત્તરમા સૈકાની બીજી પચ્ચીસીમાં સ્થપાયેલી ફ્રૅન્ચ વિદ્વત્-પરિષદ સંબંધી હું ટૂંકમાં માર્ગદર્શક થઈ પડે એટલું જ અહીં જણાવું છું. આ પરિષદ સન ૧૬૩૫માં રાજાની આજ્ઞાથી સ્થપાઈ હતી. શરૂઆતમાં કેટલાક સાહિત્યરસિક મિત્રો મળતા અને મોટે ભાગે સાહિત્યના જ વિષયો ચર્ચતા. વળી એકાદ લેખકના પૂરા થયેલા ગ્રંથ ઉપર પણ તેના ગુણદોષની ટીકા કરતા અને અભિપ્રાયો દર્શાવતા. આ ખાનગી મંડળની કીર્તિ ચોમેર ધીરે ધીરે પ્રસરી અને રાજ્યના રક્ષણ હેઠળ તેને પરવાનો મળ્યો. તેની સ્થાપનાનો હેતુ નીચે પ્રમાણે નક્કી થયો હતોઃ
(૨૪મી કલમ): આ વિદ્વત્-પરિષદનું મુખ્ય કાર્ય આપણી ભાષાને માટે પૂરતી સંભાળ અને ખંતથી ચોક્કસ નિયમો ઘડવાનું અને તેને શુદ્ધ સુભાષિત, અને એ કલાઓ તથા વિજ્ઞાનોનું નિરૂપણ કરવાને સમર્થ બનાવવાનું રહેશે.9 સામાન્ય જનસમાજના મુખથી, ધારાશાસ્ત્રીઓની ગરબડસરબડ કે વાક્છટાથી, અજ્ઞાન ખુશામતિયાઓના ગેરઉપયોગથી તથા સભામંડપોમાં વક્તાઓના દુરુપયોગથી જે અશુદ્ધતાઓ તેમાં પેઠેલી છે – તેમનાથી ભાષાને નિર્મળ10 કરવાનું એ વિદ્વાનોએ ધાર્યું.
આ કાર્ય માટે પ્રથમ ચાળીસ વિદ્વાનોની યોજના થઈ. તેઓ આરંભમાં વારાફરતી પોતાનામાંના દરેક વિદ્વાને લખેલા નિબંધ ઉપર વિવેચન કરતા. તેની આરંભની પ્રવૃત્તિથી જણાઈ આવે છે કે, તે સમયે એ નિબંધો, કંઈ ખાસ પ્રતિભાશક્તિવાળા કે લક્ષણવાળા ન હતા. પછી તેમણે સુપ્રસિદ્ધ વિદ્વાનના ગ્રંથની સમાલોચના કરવા માંડી. પણ તે સમયે એવો નિયમ હતો કે, એ લેખકની વિનતિ વિના ગ્રંથની સમાલોચના કરવી નહિ. ધીરે ધીરે આ વિદ્વત્પરિષદે પસંદ કરેલા લેખકોના ગદ્યપદ્ય ગ્રંથોની સૂચિ પ્રગટ કરી. તેમાંના પસંદ કરેલા સઘળા શબ્દો અને પદોના સંગ્રહમાંથી તેમણે એક કોષ તૈયાર કર્યો. આ વિદ્વત્-પરિષદનો ઇતિહાસ વાંચવાથી બીજી ઘણી ઉપયોગી બાબતો સંબંધી માહિતી મળી શકે એમ છે.
અહીં યુરોપિન વિદ્વત્-પરિષદના હેતુ અને કાર્ય સંબંધી ઉપર કરેલા સૂચન ઉપરથી આપ સર્વ મહાશયો આપણી ગૂજરાતી સાહિત્ય પરિષદના ઉદ્દેશ અને કર્તવ્ય સંબંધી વિચાર કરશો. તેમ જ હિંદની ઉપર જણાવેલી સાહિત્ય પરિષદોના ઉદ્દેશોની પણ નિરીક્ષા કરીને આપણી પરિષદ માટે એક યોગ્ય, અનુકૂળ, સાધ્ય કર્તવ્યમાર્ગ શોધી કાઢશો. હવે આ પરિષદ ચોથી હોવાથી ભવિષ્યમાં આપણી પરિષદે વિશેષ સંગીન અને નિર્ણાયક કાર્ય હાથમાં લેવાની આવશ્યકતા છે.
મારા અભિપ્રાય પ્રમાણે સાહિત્ય પરિષદોનો હેતુ એવો હોવો જોઈએ કે, અભિપ્રાયોની ભિન્નતાનો વિચાર કરી, તેનું મથન કરી, તેમાંથી સારરૂપ એકતા તારવી કાઢવી, ને પ્રત્યેક ગુજરાતી ભાષાના અભિમાની વાચકો, લેખકો, આદિએ ભિન્ન ભિન્ન માર્ગે ન જતાં, તથા પોતાની શક્તિઓ જુદે રસ્તે વિખરાવી ન દેતાં સર્વ સંઘની તુલ્ય એક સાહિત્યસેવાની સિદ્ધિરૂપ જે મંદિર – અથવા ઉદ્દેશ તેના પ્રતિ સાથે મળી સહગમન કરવું. કોઈ પણ પ્રકારના તાલભંગને અવકાશ ન આપતાં તાલબંધની સર્વત્ર યોજના કરવી એ જ સુશિક્ષિત સાક્ષરોની પદવીના અભિલાષીઓનું ખરું કર્તવ્ય છે. આવા સર્વ ઉદ્દેશોની સિદ્ધિ અર્થે આપણી પ્રથમ પરિષદના આરંભમાં જ સદ્ગત ગોવર્ધનરામભાઈએ જે સૂચન કર્યું હતું, તેનું હું માત્ર અહીં તમને સ્મરણ કરાવું છું.
સાંપ્રત સમયે હિંદમાં એકપ્રજાત્વની ભાવના જાગ્રત થયેલી છે. તેને અંગે, દેશની જુદી જુદી ભાષામાં સાહિત્યોના અનેકવિધ વિકાસો થવા માંડ્યા છે. ગૂજરાતી ભાષાના સાહિત્યને આવે સમયે સમૃદ્ધ કરવું એ આપણું કર્તવ્ય છે. તે સારુ ઉપર જણાવ્યું તેમ હિંદની આગેવાન સાહિત્ય પરિષદોના સમાગમમાં આવવાની અને તે તે ભાષાના સાહિત્યનો વિશેષ પરિચય કરવાની જરૂર છે. તેથી મને આ નીચેની યોજના માર્ગદર્શક જણાવાથી તે સંબંધી હું અત્રે કંઈક રેખાદર્શન કરાવું છું.
હિંદની વિશાળ વસ્તીની મુખ્ય ભાષાઓના આગેવાનોએ પોતપોતાની સાહિત્ય પરિષદો સ્થાપી છે; તો આ પરિષદોએ એકબીજી વચ્ચે વ્યવહાર ચલાવીને પ્રત્યેક ભાષાની ખામીઓ પૂરી કરવી અને આગળ સાહિત્યનો વિસ્તાર વધારતા જવું.
અંગ્રેજી ભાષામાં અનેક શાસ્ત્રોના ગ્રંથ રચાયેલા હોવાથી તેના કોષમાં શબ્દોનું સારું ભંડોળ થયું છે. એ ભાષામાંથી જે શાસ્ત્રીય વિષયોના ગ્રંથોના અનુવાદ કરવા હોય અથવા અનુકરણ કરવાં હોય, તો તે માટે હિન્દની સર્વ ભાષામાં જે જે નવા શબ્દોનો ઉપયોગ કરવો પડે, તે સર્વની યોજના કોષ ભંડારમાંથી કરીને સર્વે ભાષાના ગ્રંથોમાં તેવા જ નિયમે ઘડેલા શબ્દો યોજવા. જેમ કે, ‘ટાઉનહૉલ’ને બદલે પૂરાલય, ‘યુનિવર્સિટી’ને માટે વિશ્વવાદ્યાલય, શારદાપીઠ, શાળામંડળ આદિ શબ્દોમાંથી કોઈ પણ હિંદની સર્વે ભાષામાં દાખલ થાય. એ જ પ્રમાણે વિજ્ઞાન આદિ વિષયો સંબંધી પારિભાષિક શબ્દો સર્વે ભાષામાં એક જ પ્રકારના દાખલ કરવા.
અંગ્રેજી અને હિંદની મુખ્ય ભાષાના કોષને એવું કોઈ નામ આપીને સર્વેની સંમતિથી જે એવો એક કોષ થાય, તેમાં પ્રથમ શબ્દ અંગ્રેજી, તેના અર્થ સંસ્કૃત, ગુજરાતી, બંગાળી, હિંદી, મરાઠી અને તામિલ સાથે સાથે આપવામાં આવે. હિન્દની ઘણીખરી ભાષાઓ સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી હોવાથી એકબીજાનો સંબંધ એવો છે કે તે સમજવાને અઘરું પડતું નથી. તેમાં વળી કોષનો આશ્રય મળે તો કાંઈ મુશ્કેલી નડે નહિ. શાસ્ત્રીય ગ્રંથોની રચના કરવી હોય તો તેની પસંદગી માટે સર્વે પરિષદોનો એક મત થાય એવી એક સ્મરણી તૈયાર કરવી અને અનુકૂળતા પ્રમાણે પ્રત્યેક પરિષદે તેવા ગ્રંથ રચાવવાને વહેંચણી કરવી. બંગાળીમાં આવા પાંચ ગ્રંથ થાય તે ઉપરથી આપણી ભાષામાં આપણે તેનું અનુકરણ કરી લેવું. આપણી ભાષામાં જેટલા ગ્રંથ તૈયાર કરવાનું કરે તેટલા તૈયાર થતાં તે ઉપરથી બંગાળી કે મરાઠી ભાષાવાળા ભાષાંતર કરી લે. આવો પરિચય પડવાથી, ગ્રંથ રચનારા પુરુષોની એકબીજાની ભાષાનો અભ્યાસ વધવાથી હિંદની ચાલતી ભાષાઓ ઉપર પણ કાબૂ આવી જશે. જે ભાષા, જે યુવક સારી રીતે સમજતો હોય તેવા યુવક પાસે તે પ્રયાસોનાં પુસ્તકોનો ઉપયોગ કરાવવો. આ પણ સહેલી રીત છે.
ભાષાનો આવો ઉપયોગ લીધા પછી શાસ્ત્રીય વિષયો શીખવવાની તેવી જ વિભાગીય યોજના થઈ શકે તેમ છે. ખગોળવિદ્યા શીખવવા માટે એક સ્થળે વેધશાળા સ્થાપી હોય, તેમાં જે દેશી ભાષામાં જ્ઞાન આપવામાં આવતું હોય તે ભાષા જાણનારા ત્યાં જઈને જ્યોતિષી થઈ આવે. યાંત્રિક વિદ્યાનું જ્ઞાન આપવાને માટે બીજા યોગ્ય સ્થાને શાળા સ્થાપી હોય, તો ત્યાં જઈને જેઓને તે શાસ્ત્ર શીખવું હોય તો તે શીખી આવે. આમ થવાથી પ્રત્યેક પ્રાંતમાં સર્વે વિદ્યા શીખવવા માટે જુદી જુદી યોજના કરવા મોટું ખર્ચ કરવું પડશે નહિ. વહેંચણી થવાથી ફાળે પડતું ખર્ચ થઈ શકવાને અડચણ આવશે નહિ. સરકારને પણ ઘણી સરળતા થશે. હિંદ બહારથી કળાઓ શીખી લાવવાને અથવા શાસ્ત્રીય વિષય શીખી લાવવાને પણ તેવી જ વહેંચણી થઈ શકશે.
આ પ્રમાણે પ્રાન્તવાર વહેંચણીથી જે કામ સિદ્ધ કરી શકાય એમ હોય તે કાર્ય સિદ્ધ કરવાની યોજના કરવી.
અહીં હિંદની સર્વ પરિષદોની એકતા સંબંધી જે કહેલું છે, તેને સમર્થન આપનારા પ્રયાસ વિદ્વાનોએ આ કારણે કરવાની અગત્ય છે. હાલમાં ગૂજરાતમાં કેટલાક વિદ્વાનો મરાઠી અને બંગાળીથી પરિચિત છે. તેમને આ એકતા સંધાય એવી સરળતા કરી આપવી જોઈએ. એ ભાષાની પરિષદોમાં તેમણે ભાગ લેવો જોઈએ અને તેના વિદ્વાનોને આપણી ભાષા તરફ આકર્ષી લાવવા જોઈએ. આથી હિન્દની મુખ્ય ભાષાઓની અભ્યાસ કરવાની વૃત્તિ સતેજ થશે અને તે આયંદે ફળદાયી નીવડશે એમ મારી આશા છે.
આમ સમગ્ર દેશમાં વિવિધ વિષયોના શિક્ષણ અને વિશેષ કેળવણીના પ્રચારને માટે સાહિત્ય પરિષદોની એકતા સંબંધી જે ઉપર કહેલું છે, તેમાં બાળબોધ લિપિ દાખલ થવાથી વિશેષ સરળતા થાય એમ છે. મરાઠી બંગાળી આદિ ભાષાઓના જે ઉત્તમ અને ઉપયોગી ગ્રંથો પ્રગટ થાય છે, તે ભાષાના કોષ આદિ આધાર લેવા યોગ્ય જે સૂચિગ્રંથો પ્રસિદ્ધ થાય છે, તે ગ્રંથો એ બાળબોધ લિપિમાં પ્રગટ થયેલા હોય તો તે ગ્રંથોનો પરિચય સુશિક્ષિત અભ્યાસી સરળતાથી કરી શકે. તેને અભાવે તેમ જ બંગાળી, મોડી આદિ લિપિઓ શીખવવાની સરળતા નહિ હોવાને લીધે એ ભાષાના ઉત્તમ અને ઉપયોગી ગ્રંથોનો લાભ લઈ શકાતો નથી. આથી બાળબોધ લિપિમાં ગ્રંથો પ્રગટ કરવાની આવશ્યકતા છે.
“બાળબોધ લિપિ દાખલ કરવા હાલ એકદમ પગઉપાડો થઈ શકે એમ દીસતું નથી, તેથી સાહિત્ય વિષે કર્તવ્યની ટીપમાં તેને દાખલ કરવી.” એવું ત્રીજા પરિષદ-પ્રમુખ તરફથી કથન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી અક્ષરની તરફેણમાં છાપવાની સરળતાનો એમાં ગુણ છે એમ કહેવામાં આવે છે. તે કદાપિ એ લિપિના ઓછા પ્રચારથી તેનું કામ કરનારાઓની જાણ આદિ કારણને લીધે હશે; પરંતુ એ તકરાર વધારે વજન આપવા સરખી નથી. બાર કરોડની હિંદની ભાષાના અક્ષર બાળબોધ છે. મરાઠી પુસ્તકોની લિપિ દેવનાગરી છે. સંસ્કૃત પુસ્તકો સર્વે દેવનાગરીમાં જ છપાય છે. નવીન ગુજરાતી ભાષાના પ્રારંભ ગ્રંથ દેવનાગરીમાં છપાતા હતા. વળી ખાસ હસ્તલિખિત પુસ્તકો ઘણેભાગે એ લિપિમાં લખાયેલા છે. બીજા પણ ઘણાક ગ્રંથો એ જ લિપિમાં છપાય છે. એ પ્રમાણે દેવનાગરી લિપિનો વહેતો પ્રવાહ છે. તેમાં કોઈને કચવાવું પડ્યું નથી. ગૂજરાતી અક્ષરો તો માથા બાંધ્યા વિનાના બોડિયા છે. એકેએકે માથા બાંધવા તેની કડાકૂટ ટાળવાને તેને બદલે પ્રથમ લીટી દાખલ થઈ અને હવે તો લીટીને પણ રુખસદ આપી છે. આવા અક્ષરના સહવાસમાં આવી પડવાથી તેનાથી વિખૂટા પડવા કદાપિ જો વૃત્તિ ઓછી થતી હોય, તો હવે એવો આગ્રહ પકડી રાખવાની અગત્ય નથી. ગ્રંથ ગુજરાતી લિપિમાં છપાય તો ખર્ચ ઓછું થાય છે, એ વાત ટકી શકે એમ નથી. છપાવનારાને બન્ને લિપિ સરખે ભાવે પડે છે. તેમ છતાં તેમ હોય તો પણ જનસમૂહની એકતાના સવાલ આગળ તે નભી શકે એમ નથી. મદ્રાસના એક પુસ્તકસંગ્રહમાં સંસ્કૃત પુસ્તકો છે, તે બધાં રોમન અક્ષરમાં (Transliteration) છાપી નાખવાની સૂચના થઈ હતી, તે ખેદકારક હતી; પણ હજી લગણ તે કામ પડી ભાંગ્યું છે, તે ઘણું જ સારું થયું છે. કેટલાક તામ્રપત્ર ઉપરના પ્રાચીન લેખ રોમન અક્ષરથી પ્રગટ કરવામાં આવે છે. તે સંસ્કૃત લિપિના અક્ષરો વાંચવાનો જેઓને અભ્યાસ પડેલો હોય નહિ, તેની સરળતાને ખાતર આમ કરવામાં આવે છે. આ પ્રમાણે વળી કોઈ રોમન અક્ષરમાં ગુજરાતી ગ્રંથ છપાવવાની ભલામણ કરવા ઊઠતાં જણાવે છે કે, છપામણી ઘણી સસ્તી થાય એમ છે, અને એ અક્ષર આખી પૃથ્વીમાં વંચાય છે; માટે તે લિપિ દાખલ કરવી, તો તેમ કદી પણ આપણે કરી શકવાના નથી. માટે બીજી ઓછી અગત્યની દલીલો વેગળી મૂકીને ગૂજરાતી ભાષાના ગ્રંથો દેવનાગરી લિપિમાં જ પ્રગટ કરવા એ જ ઉત્તમ માર્ગ છે.
આ પ્રયાસમાં ના. મહારાજશ્રી ગાયકવાડ સરકારે શુભ પગલું ભરેલું છે. આ રાજ્યની ‘આજ્ઞાપત્રિકા’ બાળબોધ લિપિમાં જ પ્રકટ થાય છે. તેમ અન્ય ઉપયોગી ગ્રંથો પણ એ લિપિમાં પ્રકટ કરવાના પ્રબંધો ઉપાડાયેલા છે અને ભવિષ્યમાં આ પ્રબંધ વિશેષ પગભર થશે.
આથી આ દિશામાં જો સત્તાધારીઓની સહાયતા મળે અને તેમના તરફથી તેને આદર આપવાના પ્રયાસો ઉઠાવવામાં આવે, તો આ કાર્ય વિશેષ અંશે સધાશે. ખાનગી પત્રવ્યવહાર આદિમાં બાળબોધ દેખા દે છે. તેમ એ ચાલુ રહે એ વાંધાભર્યું નથી. પરંતુ ઉપયોગી ગ્રંથોનો સરળતાથી દેશમાં વિશેષ સારો પ્રસાર થાય અને વિચારની આપલે કરવાની સરળતા વધે તેથી બાલબોધ લિપિ દાખલ કરવાની આવશ્યકતા છે.
સદ્ગ્રહસ્થો! આપણી સર્વની ઇચ્છા, ગૂર્જર ભાષાની તથા સાહિત્યની ઉન્નતિ કરવી એ જ છે. તેને સારુ આપણો કર્તવ્યપ્રદેશ કેટલો બધો વિસ્તીર્ણ છે તે ઉપર અલ્પમાં સૂચવ્યો છે. એની સિદ્ધિ કરનાર લેખકવર્ગ ત્રણ પ્રકારનો છે; એક કેવળ ગૂજરાતી ભાષા દ્વારા કેળવાયલો, બીજો ગૂજરાતી સહ અન્ય હિંદી, બંગાળી, મરાઠી આદિ ભારતીય ભાષાઓના અભ્યાસીઓનો અને ત્રીજો ગૂજરાતી સાથે સંસ્કૃત અને અંગ્રેજી, ફારસી, ફ્રૅન્ચ આદિ વિદેશીય ભાષાઓના ગ્રંથોથી સંસ્કૃત થયેલી બુદ્ધિ ધારનારાઓનો. આ સર્વે જો પ્રથમ પોતાનો અભ્યાસ દૃઢપણે વધારી તેનાં ફળ આપવામાં યથાધિકાર ઉત્સાહપૂર્વક વર્તન કરશે, તો આપણી શુભ વાંછના ઈશ્વરકૃપાથી સત્વરે સિદ્ધ થશે.
સજ્જનો! સાહિત્ય પરિષદને ચિરકાળ ઉત્તરોત્તર સફળ જીવન ઇચ્છી, અને संघे शक्तिः कलौ युगे એ વ્યાસવચનનું સ્મરણ કરાવી, મારા જીવનના અંતિમ ભાગમાં મારા વિચારો, આ ચોથી સાહિત્ય પરિષદરૂપ એક સન્માન્ય મંડળ સમક્ષ નિવેદન કરવાનો જે પ્રસંગ કાર્યવાહક મંડળ દ્વારા મને આપવામાં આવ્યો છે, તેને માટે હું આપ સર્વનો અંતઃકરણપૂર્વક આભાર માની બેસવાની આજ્ઞા લઉં છું.