પ્રભુ પધાર્યા/૧૩. `મખાં નાંઈ બૂ'
ઉત્સવ પૂરો થયો હતો. ફુંગીના શબને અગ્નિસંસ્કાર થઈ ચૂક્યો હતો. સગર્ભા નીમ્યા મચ્છીનો મોટો ટોપલો ઉપાડી બજારે જઈ વેચવા બેઠી અને નોકરીવિહોણા એના ધણી માંઉ-પૂએ બે જ મહિના વાપરેલ રેશમી લુંગી, કોટ તથા ઘડિયાળ સાથે લઈ, જૂનાં વસ્ત્રો પહેરી, અપાંઉ-શોપ (પોન-શોપ)નો રસ્તો પકડ્યો. અપાંઉ-શોપ એટલે ચીનાઓના હાથનો બ્રહ્મદેશમાં ધીકતો ધંધો. ઠેર ઠેર એ દુકાનો ચાલતી હતી. માંઉ-પૂએ ત્યાં પહોંચી ત્રણેય ચીજો પાણીને મૂલે ગીરો મૂકી. બાકી રહી હતી એક વીંટી. સોનાની એ વીંટી પાછા પોતાના પ્યારા મૂળ ધણી શાંતિદાસ શેઠની દુકાને ચાલી અને એના કાંટામાં જઈ પડી. ``એ તોલું નહીં, સમજતો જ નથી! મુખ્ય મહેતાજીએ દુકાનના નવા પલોટાતા એક કાઠિયાવાડી જુવાનને આ વીંટીનું વજન કરતો ટોક્યો. ``ત્યારે? ``તોલો નહીં, ટીકલ લે, અને ઓલી ચણોઠિયું લે. પણ આપણે એને વેચેલ ત્યારે તો તોલાથી તોલ કરી આપેલ છે. ``હવે ભાઈ, વેદિયો થા મા ને! દુકાનની રસમ પ્રમાણે કર ને. ``પણ તોલે જોખેલ તે ટીકલે પાછું તોળું? એને નુકસાન કરું? જુવાન ચિડાયો. `ટીકલ' એટલે લગભગ દોઢ તોલાનું વજન થાય. માંઉ-પૂ વીંટી ખરીદી ગયેલ ત્યારે તોલે જોખેલ, હવે પાછી લેતી વેળા ટીકલે જોખવાનું હતું. ``એને ખબર આપતો લાગે છે! મહેતાજીએ ટોણો માર્યો. ``કંઈ કમિશન ઠરાવ્યું છે? માંઉ-પૂ તો કશી સમજણ વગર ચૂપ ઊભેલો. એને તોલની ગતાગમ નહોતી. એ તો પૈસા પાછા મળવાની રાહ જોતો હતો. જુવાને તોલાના વજન પ્રમાણે જોખી આંકડો કરવા મહેતાજીને કહ્યું. એણે ખોટું લખ્યું અને મૂળ વેચતી વેળા જે વીંટીની ઘડાઈ મૂકેલી તે ન મૂકી. માંઉ-પૂ તો જે ઓછા પૈસા મળ્યા તે લઈ રાજી થતો થતો ચાલ્યો ગયો. એને તો નવું ઘાંઉબાંઉ ખરીદવું હતું. હાથમાં રોકડા પૈસા આવ્યા તેને એણે નવી કમાણી સમજી લીધી. આમ શાંતિદાસ શેઠની દુકાને બે પ્રકારનો તોલ રહેતો. વેચતી વખતે હળવો તોલ, ને પાછું ખરીદતી વખતે ભારે તોલ. ચણોઠીઓની પણ બે જાત હતી : એક વજનદાર, અને બીજી હળવી ફોફાં. બાળક જેવા બ્રહ્મી લોકો તો હિંદીઓને `ફયા લારે : પ્રભુ પધાર્યા' સમજતા. ઉપરાંત છેતરાવું એ શું તેની તેમને ખબર નહોતી. તેઓ સુખી હતા. જુવાનનો બબડાટ શરૂ થયો. એ બબડાટે આખી દુકાનનું વાતાવરણ ડહોળ્યું. રીઢા મહેતાજીને તો આ છોકરાની સફાઈ અસહ્ય થઈ પડી. એણે જઈ શાંતિદાસ શેઠને કહ્યું. શાંતિદાસે જુવાનને ઓફિસમાં બોલાવ્યો અને કહ્યું : ``તમારે દુકાનમાં બીજાં માણસોને બગાડી મૂકવાં ન જોઈએ. ``પણ આવો દગો... ``દગો દગો કરવાની જરૂર નથી. અહીંની તો રસમ જ એ છે. બે હજાર માઈલ કાળે પાણીએ આવ્યા છીએ તે જખ મારવા નથી આવ્યા. ``તો શેઠજી, આ રીતે મારાથી નોકરી નહીં થઈ શકે. ``તો બીજે શોધી લ્યો. નવા નવા છો એટલે નાચવું સૂઝે છે; રીઢા થશો એટલે તમે પણ એ જ કરવાના છો. જુવાન ચાલ્યો ગયો અને શાંતિદાસ શેઠે હિસાબ મૂક્યો. રોકડ માંડ ત્રણ હજાર લઈને પોતે પંદર વર્ષ પર આવ્યા હતા. આજે ચાળીસ-પચાસ લાખના ધણી હતા. પોતાની પ્રામાણિકતાનો અને સોનાંરૂપાંની જાતનો સિક્કો પડતો. પોતાને રોટલાનું કામ હતું, ટપટપનું નહીં. પચાસ-પોણોસો દેશભાઈઓને પોતે નભાવતા, ઉપરાંત કોંગ્રેસના કામમાં હજારોની ભેટ આપતા. માણસ આથી વધુ શું કરી શકે? પણ ઓલ્યો રતુ બધાને બગાડી રહ્યો છે! એ હમણાં પીમનામાં આવીને બેઠો છે ને! માંઉ-પૂ નવી લુંગી, જૂનો કોટ ને નવું ઘાંઉબાંઉ પહેરી ઘેર જતો હતો ત્યારે એને યાદ આવ્યું કે બૈરી હજુ માર્કિટમાં માછલી વેચતી હશે. પોતાના નવા શણગાર બતાવવા એ ત્યાં ગયો અને દૂરથી હર્ષના લલકાર કર્યા. માછલી વેચી કરીને નવરી પડેલી નીમ્યા નળે હાથમોં ધોઈ કરી સઢોંઉમાંથી `ભીં' કાઢીને લાંબા વાળ ઓળતી હતી. તેણે પણ સામો હર્ષ લલકાર્યો. `આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે!' એ મૂંગું ગીત આ બેઉનાં નયણાંમાંથી નીતરતું હતું. ``ચાલ ત્યારે, હુંયે મારાં લેકાંઉ(કંકણ) ને નઘાં (બૂટિયાં) વેચી આવું. પોતાની કાનની બૂટીઓ અને હાથનાં કાંડાં ચંચવાળતે ચંચવાળતે નીમ્યાએ પતિને કહ્યું. ``શા માટે? ``ચાવલ લેવા પડશે ને? ``ચાવલ તો આપણા ખેતરમાં થયેલા ને? ``ગંડુ! એ તો ખેતર જ આખું ઐયાને ત્યાં મૂક્યું. ``ચાલો ત્યારે. ઇમિટેશનના નંગે જડેલાં નઘાં અને લેકાંઉ લઈને પાછાં બેઉ જણાં શાંતિદાસ શેઠની દુકાને આવી ઊભાં રહ્યાં ત્યારે મહેતાજીનું મોં મલકી રહ્યું. પોતાને ત્યાંથી જ બે મહિના પર ગયેલાં ઘરેણાં પાળેલાં પારેવાં પેઠે પાછાં આવીને કાંટામાં બેઠાં. આ વખતે તો એણે પેલા જુવાનને બદલે બીજાને જ તોલ કરવા બેસાડ્યો હતો. તોલનો આંકડો મૂકીને એણે પૈસા આપવા માંડ્યા ત્યારે નીમ્યાનું મોં પડી ગયું. ``લઈ ગઈ ત્યારે તો તોલ વધુ થયેલો ને? એણે કહ્યું. બ્રહ્મી નારી તોલ ભૂલી નહોતી. ``વાહ! મહેતાજીએ કહ્યું : ``ઘસારો લાગ્યો છે એ જ વાત ભૂલી ગઈ કે? ``ઘસારો વળી કેવો? ``પૂછી જો કોઈને પણ. સોનું તો પહેર્યે ઘસાય જ! ``પણ આટલું બધું ઘસાય? મેંયે બહુ સોનાં વેચ્યાં છે! ``તમારા કાન મજબૂત ખરાને એટલે ઘસાય. ``સોનું ઘસાય, પણ નંગ કાંઈ ઘસાય? ``ઘસાય જ. ``ના, ન ઘસાય, ઉલ્લુ ન બનાવ. નીમ્યાએ રકઝક આદરી. ``બાઈ! મહેતાજીએ માઠું લગાડીને કહ્યું : ``માથાકૂટના અમે કાયર છીએ. જેમ થતું હશે તેમ થશે. ``ના, નહીં થાય. નીમ્યા રોષે ભરાવા લાગી. ``હવે ચાલ ને, જે આપે તે લઈ લે ને. માંઉ-પૂ ઊભો ઊભો પરેશાન થતો હતો. ``તું શું સમજે? તોલ બરાબર નથી. તારામાં પાણી નથી શું? પંદર રૂપિયા ઓછા લઈ જઈને ખાવું શું? ખેતર રહ્યું નહીં, કાંઈ રહ્યું નહીં ને તું તો લહેરી લાલો વગરધંધે બેઠો છે. આ ટોણાએ માંઉ-પૂને ઉત્તેજિત કર્યો. એણે મહેતાજીને કહ્યું, ``તો ચાલો તઠે આગળ. તઠે એટલે શેઠ. ``તઠે ફઠેની પંચાત ન કર. હું જ તઠે છું. તું તારે જોઈતા હોય તો લઈ લે આ પૈસા. મહેતાજીએ તિરસ્કાર કર્યો. બ્રહ્મી ભાષામાં `તું' માટે `મીં' નામનો એકાક્ષરી શબ્દ છે. વારંવાર `મીં' શબ્દ વપરાવા લાગ્યો. મહેતાજીએ `મીં' શબ્દ નીમ્યા માટે પણ વાપર્યો. આ `મીં' શબ્દની તોછડાઈ બ્રહ્મી માણસની ખોપરીમાં ખીલો ઠોકવા બરાબર છે. માંઉ-પૂએ તુરત કહ્યું : ``કેમ કાંઈ ઢીઢા ઉપર ચરબી બહુ વધી ગઈ છે! ``હવે જાજા, ચભોજી! તારા જેવા તખો તો બહુ જોયા છે. ચભોજી એટલે મૂળ માંકડ; તે પરથી ગઠિયો. તખો એટલે ચોર. તખો અને ચભોજી જેવા શબ્દો વપરાયા ત્યારે છેવટે માંઉ-પૂએ પ્રત્યેક બ્રહ્મદેશીની પરેશાનીની પરાકાષ્ઠા દર્શાવનાર બોલ કાઢ્યો : ``મખાં નાંઈ બૂ. (આ હું સહન નહીં કરી શકું.) ``તો થાય તે કરી લેજે. બસ, ચુપચાપ જે પૈસા મળ્યા તે ગણી લઈને માંઉ-પૂ નીમ્યાને લઈ ચાલ્યો ગયો. મહેતાજીએ પેલા વેદિયા જુવાન તરફ ફરીને કહ્યું : ``જખ મારીને લઈ ગયાં ને! આ લોકો સાથે સતનાં પૂછડાં થયે કાંઈ લાભ નથી. આખી પ્રજા દળદરીનો અવતાર છે. એને તો ઓલ્યા ઐયા જ પહોંચે. `ઐયા' : મદ્રાસ બાજુના ચેટ્ટીઓ.