રા’ ગંગાજળિયો/૨૮. મૂં સંભારીશ, માંડળિક!

From Ekatra Wiki
Revision as of 10:29, 24 December 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


૨૮. મૂં સંભારીશ, માંડળિક!

જૂનાગઢમાં બનેલા બનાવની વાત નાગાજણે ઘરમાં કરી નહોતી. ને વળતા દિવસે એ રા’ પાસે ગયો ત્યાંથી પરબારો જ ગામતરે ચાલ્યો ગયો. ક્યાં ગયો તેની જાણ એણે કરી નહીં. પંદરેક દિવસ વીત્યા. એક પણ દિવસ જેને આંગણે પરોણાનો અભાવ નથી, મહેમાન વગરનું ઘર જેને મસાણ સરખું લાગે છે, તે બુઢ્ઢી નાગબાઈ આજ મહેમાન વગરની જમી નથી. કોઈ અતિથિ આવ્યું નથી. મહેમાનની વાટ જોઈ જોઈ બપોર ચડ્યા છે. બુઢ્ઢી ડેલીએ ઊભી ઊભી મહેમાનની વાટ જુએ છે. મહેમાન નથી આવતો. બુઢ્ઢી આખરે પોતાના આંગણાના લીંબડા ઉપર ચડીને સીમાડા ખોળે છે. દશે દિશાઓ મહેમાન કે વટેમાર્ગુ વગરની કળાય છે. ક્યાંય મહેમાન આવે? કોઈ વાલાં વટેમાર્ગુ આવે? એકાએક સીમાડે ખેપટ ઊડે છે. આવે છે કોઈક વટેમાર્ગુ. “જાવ મારા બાપ, મારા ચારણો, વટેમાર્ગુ જે કોઈ હોય તેને આંહીં છાશ્યું પીવા તેડી આણજો!” થોડી વારે માણસોએ આવી સમાચાર દીધા : “આઈ, વટેમાર્ગુ નથી. રા’ માંડળિક પોતે પધાર્યા છે.” “ક્યાં, ક્યાંઈ આગળ જાય છે?” “ના આઈ, ચાહીને મોણિયે જ પધારેલ છે; કહે છે કે આઈનાં દર્શને આવ્યો છું. ભેળો રસાલો પણ છે. મોઢું ઝાખું ઝપટ છે.” “અરે બાપડો!” નાગાજણની ને રા’ની વચ્ચે બની ગયેલા બનાવની અણજાણ ચારણીએ ઉદ્ગાર કાઢ્યા, “હરણાંનાં માથાં ફાટે એવા આ કારમા તડકામાં મોદળનો ધણી પંડ્યે આવ્યો! કાંઈક જરૂર પડી હશે. મૂંઝાણો દીસે છે. પસ્તાણો લાગે છે. મીણબાઈ! બેટા! ચા’ય તેમ તોય આપણો ધણી છે. આપણે આંગણે આવેલ છે. નાગાજણ તો ઘેરે નથી. આપણે રા’ને ટિલાવવા જાવું જોવે, બાપ! કંકાવટીયું સાબદી કરો. નકોર લૂગડાં પહેરો. ધોળ-મંગળ ગાતાં ગાતાં જઈને ટિલાવીએ; ને બીજું તો કાંઈ નહીં, પણ મારું સાંભળશે તો પાસે બેસાડીને હૈયાની બે’ક વાતડિયું ભણીશ. હાલો બાઈયું, હાલો. બુઢ્ઢીયું ને નાનડીયું! હાલો માડી, મોદળના રા’ને ટિલાવવા ઝટ હાલો.” ઝાઝી વાર લાગી નહીં. નાગબાઈનું વેણ એ ચારણના નેસડાના ઘેર ઘેર ફરી વળતાં તો ચારણીઓનાં ઢૂંગેઢૂંગ રાતીચોળ ને કાળી નકોર લોબડીઓના છેડા વડે ધરતીને વારણાં લેતાં, દેવીઓના સોળા ગાતાં ગામપાદરને વડલા-છાંયડે જ્યાં રા’ ઊભેલ હતા ત્યાં ચાલ્યાં. મોખરે કંકાવટી લઈને મીણબાઈ ચાલે છે—મીણબાઈ, જેનાં મોં પર માતાજીનાં અર્પેલ અનોખાં અપ્સરારૂપ છે, જેના નખની કણીઓ સૂરજના તાપમાં ઓગળી જાય છે એ વાત સાચી હતી. ‘એ જ—એ જ મારા સપનાવાળી.’ રા’એ નજીક આવેલી મીણબાઈના મોંને દેખી મનનો ઉદ્ગાર મનમાં શમાવ્યો. ચારણ્યોના વૃંદની વચ્ચે જેનું મસ્તક સૌથી ચડિયાતું, મંદિરના શૃંગ સમું નીકળે છે તે બુઢ્ઢી નાગબાઈની નજર પણ રા’ના મોં સામે ચોંટી હતી. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે માંડળિકના મોં ઉપરની રેખાઓ ઉકેલી લીધી : એના હૈયામાં ફાળ પડી. રા’નું મસ્તક એકસામટી ઘણી વાતોથી ખદખદતું હતું : કુંતાદેનું રિસામણું; ભીલકુમાર માટે દુષ્ટ શંકા; વીશળ કામદારની સ્ત્રી મોહિની; નરસિંહ મહેતા બાબતનું ભોંઠામણ; નાગાજણે શત્રુ વિકાજીને કરેલું ઘોડાનું દાન; અને પોતાની સ્વપ્નસુંદરીની ચોરી—એ જ આ! મીણબાઈ વધુ નજીક આવી. રા’ના મોં પર સાપ સળવળ્યા. મીણબાઈના નખને રા’ની નજરે, સમળી સૂડાના બચ્ચાંને ચાંચમાં પકડે તેમ, પકડી લીધા. ને નખ ઉપરથી ચડતી ચડતી એ દૃષ્ટિની નાગણી મીણબાઈની હથેળી, કાંડાં, કોણી, બાહુ ને બગલનાં પગથિયાં ચડતી ચડતી છેક છાતીનાં યૌવન સુધી ચાલી ગઈ. ત્યાંથી લસરી ગઈ. લસરવામાં મજા આવી. વારંવાર ચડી ચડીને દૃષ્ટિ લપટી. ‘એ જ એ તો—મારા સ્વપ્નામાંથી નાગાજણે ઉપાડી લીધેલી એ જ એ અપ્સરા.’ એનું ચારણી-રૂપ ઢાકાની મલમલમાં ન ખીલે એટલું ઊનના ધિંગા કાળા ભેળિયામાં ખીલી ઊઠ્યું. કંકાવટીમાં આંગળી બોળીને મીણબાઈ રા’ની અડોઅડ ટિલાવવા ઊભી રહી, ત્યારે તો રા’ને અપ્સરા-રૂપની સોડમ આવી. એ સુગંધે માંડળિકને સુરાપાન કરાવ્યું, ભાન ભુલાવ્યું. ગંગાજળિયો ગઢપતિ, ઉમાદેનો રસીલો કંથ, રાજપૂતીનો રક્ષણહાર, જ્ઞાની, યોદ્ધો, વિવેકી, તમામ વિવેકને પરવારી જઈ મોં બીજી દિશામાં ફેરવી ઊભો. “ફુઈ!” મીણબાઈએ નાગબાઈને કહ્યું, “રા’ તો ફરતો સે.” “રા’ તો જ્ઞાની છે, બાપ! અમથા ન ફરે. મુરત એ દશ્યે હશે. એની કોર ફરીને ટિલાવ, દીકરી!” રા’નું હૈયુ જાણે મીણબાઈને ધકેલીને દૂર કરવા માગતું હતું. રા’થી મીણબાઈની નિકટતા નહોતી સહેવાતી. રા’ને કોઈક માંહ્યલો જીવ કહેતો હતો : “ભાગી છૂટ, નાસી છૂટ.” પણ રા’ને બીજો અવાજ કહેતો હતો : “દૂર ન રાખ. હવે ક્યાં છેટું છે. ભેટી પડ.” કંકુમાં ઝબોળેલી આંગળી રા’ને કપાળે પહોંચે તે પહેલાં તો રા’ ત્રીજી દિશામાં ફરી ગયા. ખસિયાણી પડેલી મીણબાઈની આંગળીએથી કંકુનાં ટીપાં ટપક ટપક ટપકી પડ્યાં. એણે ફરી વાર કહ્યું, “ફુઈ, રા’ તો ફરે છે.” “સુજાણ રા’ અમથા ન ફરે, બાપ! મુરત એ દૃશ્યે હશે. એ દીમની જઈને ટિલાવ તું તારે.” પછી જ્યારે ચોથી દિશામાં રા’એ મુખ ફેરવી લીધું, રા’ની પીઠ ચારણ્યોના વૃંદ તરફ થઈ ગઈ, સોળાનાં ગીત થંભી ગયાં, ને મીણબાઈએ જ્યારે ત્રીજી વાર કહ્યું કે, ‘ફુઈ રા’ ફરે છે’ ત્યારે નાગબાઈનો કંઠ રૂંધાઈ ગયો. એણે ન બોલવા મહેનત કરી, પણ એનું ગળું દાબ્યું દબાયું નહીં, એની જીભ ઝાલી રહી નહીં, એણે કહ્યું— “હાંઉં બેટા! હવે તો રા’ નસેં ફરતો, રા’નો દી ફરતો સે.” રા’નાં લમણાંમાં એ શબ્દો સાંભળતાં જ ચસકા નીકળી ગયા. એ નાગબાઈ તરફ ફર્યા. નાગબાઈએ પોતાની આંખો ધરતી તરફ રાખીને કહ્યું : “પાછો જા, બાપ! પાછો ઝટ જૂને પોગી જા! ગંગાજળિયા ગઢેચા,

(તું) જૂને પાછો જા;
(મારું) માનને મોદળ રા’!
(નીકે) મૂં સંભારીશ, માંડળિક!

“પાછો જા, બાપ, વે’લો પાછો જા, મોદળના ધણી, ગરવો લાજે છે.” “મારા મલકમાં કરવેરા ભર્યાં વગર રે’વું છે—” રા’ના મોંમાંથી થૂંક ઊડવા માંડ્યું, શબ્દોના ચૂંથા નીકળ્યા—“ને પાછો મિજાજ કરવો છે?” “હાંઉં! હાંઉં! ગંગાજળિયા!” નાગબાઈએ આંખો ઊંચક્યા વગર હાથ ઊંચો કર્યો; “ઘણી બધી થઈ; ગંગાજળિયા! વીરા! આવીયું વાતું ન ઘટે—

ગંગાજળિયા ગઢેચા!
વાતું ન ઘટે વીર!
હીણી નજરું હમીર,
નો’ય માવતરુંની, માંડળિક!

“માવતર! માવતર! પાછો જા. અને ગંગાજળિયા, આ તો નેવાંનાં નીર મોભે ચડ્યાં!—

ગંગાજળિયા ગઢેચા!
વાતું ન ઘટે વીર!
નેવાં માંયલાં નીર,
મોભે ન ચડે, માંડળિક!”

“ચૂપ થાવ, ડોશી! મને ઓળખો છો? હું માંડળિક : હું મોણિયાનો ટીંબો ખોદી નાખીશ.” “ઓળખ્યો’તો, બાપ!” હજુયે નાગબાઈએ ધરતી પરથી નજર નહોતી ઉપાડી. ફક્ત એનો હાથ જ જાણે બોલતો હતો—“તુંને તો, મારા વીર! મેં રૂડી રીતનો ઓળખ્યો’તો. તારું પંડ પવિતર હતું. અરે, તારે સ્પર્શે તો રગતકોઢ જાતા’તા—કેવો નીતિમાન તું?—

ગંગાજળિયા ગઢેચા,
(તારું) હૂતું પંડ પવિત્ર,
વીજાનાં મટિયાં રગત,
મૂંને વાળા, માંડળિક!

“વીજા વાજા સરીખા પાપીનાં તો તેં રક્તપિત્ત કાઢ્યાં હતાં, એને ઠેકાણે આજ તારી હવા અડ્યે મને જાણે કે વાળા-ખીલીઓ નીકળી રહેલ છે. મારે રોમે રોમે શૂળા પરોવાય છે. તું કોણ હતો? કોણ બન્યો?” બોલતે બોલતે બુઢ્ઢીનું હૈયું ભરાઈ આવ્યું. નાગબાઈના મોમાંથી પ્રત્યેક વેણ કરુણારસભરી કવિતાનું રૂપ ધરી વહેતું હતું. લોકવૃંદ તો પાષાણમાં આલેખાઈ ગયું હોય તેવું ચૂપ ઊભું હતું. રા’ને રૂંવાડે રૂંવાડે ક્રોધ અને બુદ્ધિભ્રમ બટકાં ભરી રહ્યાં હતાં. એના વિષય-ધ્યાનમાંથી કામ જન્મ્યો; કામની અતૃપ્તિમાંથી ક્રોધ પ્રગટ્યો; ક્રોધે એને સંમોહ ઉપજાવ્યો; ને સંમોહે સ્મૃતિમતિમાં વિભ્રમ પેદા કર્યો. એણે મોં બગાડી નાખ્યું. લાલસા અને મદનું મિશ્રણ હાંસી અને તુચ્છકાર સાથે ભળી એના ચહેરા પર ભયંકર વિકૃતિ કરતું હતું. એ બોલ્યો : “નીકર તું શું કરી નાખવાની હતી? નરસૈંયો મને શું કરી શક્યો?” “રે’વા દે, વીર! રે’વા દે. નરસૈંયાની યાદ દેવી મને રે’વા દે. હું નરસૈંયાના પદની રજ પણ ન થઈ શકું. એનું વેર મારા હૈયામાં મ જગાડ. મોદળના ધણી! મને ડાકણી કરવી રે’વા દે. જન્મારાની બળેલ-જળેલ, મને શા સારું ડાકણ કરછ!” “ડાકણ જ છો તું, ડોશી! તને ડાકણ કરવા જેવું શું હતું? તું મને શરાપવા માગછ ને! શરાપી લે.” “હાય હાય, ગંગાજળિયા! મારી જીભ ખેંચીને બોલાવ છ? અરે, હજી ચેત ચેત, હું શરાપતી નથી, હું તો જે જોઉં છું ઈ કહું છું.” “તું શું જુએ છે?” “હું જોઈ રહી છું બાપ, કે—

જાશે જૂનાની પ્રોળ,
(તું) દામો કંડ દેખીશ નૈ,
રતન જાશે રોળ,
(તે દી) મૂં સંભારીશ, માંડળિક!

“તે દી મને તું સંભારીશ, માંડળિક, જે દી—

નૈ વાગે નિશાણ
નકીબ હૂકળશે નહીં,
ઊમટશે અસરાણ
(આંહીં) મામદશાનાં, માંડળિક!

“તારાં ડંકાનિશાન પર પડતાં ચોઘડિયાંના ધ્રોંસા બંધ થશે, તારી નેકીના પોકાર બંધ થાશે, ને આંહીં સુલતાન મામદશાના માણસો એલી એલી કરશે.” “હાં, બીજું બુઢ્ઢી? બીજું શું જુઅછ? બોલી દે બધું.” “જોઉં છું બાપ, કે—

પોથાં ને પુરાણ
ભાગવતે ભળશો નહીં,
કલમા પઢે કુરાણ
(તે દી) મૂં સંભારીશ, માંડળિક!

“આ તારી ધરમની પોથીઓ, વેદ, ભાગવત ને પુરાણો વંચાતાં ને લાખોની મેદનીને સંભળાતાં બંધ થશે. આંહીં તો મુસ્લિમો કલમા ને કુરાનના પાઠ કરશે.” “તારી એકેએક વાત ખોટી ઠરાવીને તારી જીભ ખેંચી નાખીશ, બુઢ્ઢી! ટાબરિયો મામદશા મારા ગઢને માથે હાથ નાખી રિયો.” “ગર્વ મ કર, મદનાં વેણ મ બોલ, માંડળિક, તું મને સંભારીશ તે દી, જે દી—

જાશે રા’ની રીત,
રા’પણુંય રે’શે નહીં,
ભમતો માગીશ ભીખ,
તે દી) મૂં સંભારીશ, માંડળિક!

“અને માંડળિક! ગંગાજળિયા!

(તારી) રાણીયું રીત પખે
જાઈ બજારે બીસશે,
ઓઝળ આળસશે
(તે દી) મૂં સંભારીશ, માંડળિક!

“અરે બાપ, તારા રાજની રાણીઓને લાજ-મરજાદ મૂકીને બજારે બેસવું પડશે. એવા દીની આ એંધાણીયું છે.” “બસ, શરાપી લીધો?” “શરાપ્યો નથી. હું શરાપું નહીં. પણ હું તને ભવિષ્ય ભાખું છું. આવતા દીનાં બધાંય એંધાણ હું નજરે નરખીને બોલું છું. તેં મામદશાને માટે રાંધીને તૈયાર રાખ્યું છે.” “તું તેડી આવને!” “હું નહીં, બાપ, તારો કાળ તેડી આવશે. તેડાં તો થઈ ચૂકેલ છે. તારા સીમાડા સંભાળ હજી. હજીય હિંદવાણાને હાકલ દે! હજીય નરસૈંયાના પગમાં પડી જા! હજીય કુંતાદેનાં કહ્યાં કર! નીકર, ગંગાજળિયા! હું તો તારી ગતિ ક્યાં જઈ ઊભી રે’શે એ જ વિચારું છું. તારું ખોળિયું…” ડોશી અટકી ગયાં. ડોશીએ માંડળિકના દેહ ઉપર નજર ફેરવી. ગાય જાણે વાછરુને ચાટી રહી. “ગંગાજળિયા! તારું આ ખોળિયું…” “ખોળિયું તો દુશ્મનોની છાતી માથે ઢળશે, બુઢ્ઢી!” રા’એ છાતી થાબડી. “ના, ના, ના, ઊજળાં મોત રેઢાં ને રસ્તામાં નથી પડ્યાં, બાપ. હવે જા, વધુ બોલાવ મા. તારા આ ખોળિયાની શી દશા થશે તેની કલ્પના મને વલોવી નાખે છે. તું રણભોમમાં મરીશ તો તો જીતી જઈશ. પણ રેઢાં નથી, રણભોમનાં રૂડાં મોત રેઢાં નથી. મને એ જ વેદના વાઢી રહી છે; હવે તું જા આંહીંથી, બાપ.” “જાઉં છું, ને છ મહિને તારી જીભ ધગધગતી સાણસીએ ખેંચવા આવું છું.” “તારે એટલીય મહેનત નઈ લેવી પડે.” ઘોડે ચડેલા રા’ માંડળિક તરફ હવે પૂરેપૂરી નજર માંડીને બુઢ્ઢી બોલ્યાં : “હવે મારે તો દેહ વટલાઈ ગયો. મારા મોંમાંથી આજ એંશી વરસની અવસ્થાએ કાળવાણી નીકળી પડી છે. હું દેવ્ય ટળી ડાકણ થઈ ચૂકી. માંડળિક! હવે તો છેલ્લા જુવાર.” “ક્યાં, તારો દીકરો પહોંચ્યો છે ત્યાં—અમદાવાદ ને?” ઘોડો હાંકી મૂકતાં રા’એ પછવાડે નજર કરીને મોં મલકાવી કહ્યું. “ના. ઈથી થોડુંક ઓલી કોર.” ડોશીના છેલ્લા બોલ રા’ને સમજાયા નહીં.