પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.

From Ekatra Wiki
Revision as of 07:04, 25 December 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


સ્વ. રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું ભાષણ

સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદઃ ભાવનગર
એપ્રીલ: ૧૯૨૪

સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
(ઈ.સ. ૧૮૫૭–૧૯૨૫)

‘લઘુ વ્યાકરણ’, ‘મધ્ય વ્યાકરણ’ અને ‘બૃહદ્ વ્યાકરણ’ના કર્તા તરીકે સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ગુજરાતને પરિચિત જ છે. આ વ્યાકરણપંડિતે ગુજરાતને બીજું પણ ઘણું આપ્યું છે. કાવ્યશાસ્ત્રનો એમનો અભ્યાસ પણ તલસ્પર્શી હતો. શિક્ષણ સાથેનો એમનો સંબંધ તો સમસ્ત જીવનકાલમાં વ્યાપેલો હતો. એટલે શિક્ષણક્રમમાં ઉપયોગી એવા અનેક વિષયોના ગ્રંથો એમણે ગુજરાતને આપેલા છે. ગુજરાતી ભાષાનું અવતરણ, જોડણીનો નિર્ણય, અર્વાચીન સાહિત્યનું મૂલ્યાંકન, અને પ્રાચીન સાહિત્યનું સંપાદન – આ સર્વ બાબતોમાં એમણે ઘણું કાર્ય કરેલું છે. એમના અનુગામીઓને અભ્યાસની અભિવૃદ્ધિ માટે ઉત્તેજે એવાં અનેક પ્રશ્નોનો એમણે આરંભ કરી વિસ્તૃત વિચારણા અને ચર્ચા કરી છે. સંસ્કૃત ભાષા પરનું એમનું પ્રભુત્વ એમણે સંપાદિત કરેલા ગ્રંથોમાં અને એમના અનુવાદોમાં – ખાસ કરીને ‘શાંકરભાષ્ય’ના અનુવાદમાં – આપણને સ્પષ્ટ જણાઈ આવે છે. વળી નાની સરખી ભૂલને પણ તેઓ કેવી અક્ષમ્ય ગણતા તેની સાક્ષી આજે તેમના અનેક વિદ્યમાન શિષ્યો આપશે. સાતમી સાહિત્ય પરિષદ ભાવનગર મુકામે મળે છે. ગુજરાતની નજરે કમળાશંકરભાઈની મૂર્તિ આવે છે, અને ગુજરાત તેમને એ પરિષદના પ્રમુખપદે સંસ્થાપે છે. વિવિધ વિષયોના અનેક ગ્રંથો એમણે લખેલા અને સંપાદિત કરેલા આજે ગુજરાત સમક્ષ છે. એમનું પાડિત્ય, અને એમનું ભાષાપ્રભુત્વ, એમની શિક્ષણના પ્રશ્નોની ચર્ચા અને એમની રસશાસ્ત્રમીમાંસા, એમનું તત્ત્વચિન્તન અને એમનું સંપાદન આ બધું આપણને ખાતરીપૂર્વક બતાવે છે કે આ ‘વ્યાકરણી’ ‘વસ્તુને જાણનારા’ હતા. જીવનભર ગુજરાતી સાહિત્યને અને ગુજરાતના શિક્ષણને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિ એમણે ચાલુ જ રાખી હતી અને પરિણામે ગુજરાત એમની એ પ્રવૃત્તિથી સમૃદ્ધ જ થયું છે.

ઉપોદ્‌ઘાત

शरणं करवाणि कामदं ते चरणं वाणि चराचरोपजीव्यम् । करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्व कृतार्थसार्थवाहम् ।। ‘જે સરસ્વતીદેવીના સત્રમાં ઉપાસનાર્થે આપણો સર્વ સાર્થવાહ એકત્રિત થયો છે, તે સાર્થવાહ કૃતાર્થ થાઓ એમ હું દેવીના ચરણકમળને શરણે જઈ સ્તવન કરું છું.’ સન્માનકારિણી સભાના પ્રમુખ સાહેબ તથા અન્ય સભ્યો અને સાહિત્યબંધુઓ, સન્નારીઓ અને સદ્ગૃહસ્થો! મારા તરફ પ્રેમભાવથી સાહિત્યપરિષદના સાતમા અધિવેશનનું પ્રમુખપદ મને આપવા આપે કૃપા કરી છે તેને માટે હું આપનો આભારી થયો છું ને તે મેં ઉપકાર સાથે સ્વીકાર્યું છે. પરંતુ એ સંબંધમાં મારા મનની સ્થિતિ પ્રગટ કરવાની જરૂર છે. આપની પ્રથમ વરણી સર્વથા યુક્ત હતી. પ્રિન્સિપાલ આનંદશંકરભાઈ એમના વિસ્તૃત વાચનનો, બહુદેશી અનુભવનો, તેમજ પ્રાચ્ય અને પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા અધ્યયનનો આપણને સર્વને અમૂલ્ય લાભ આપત એ સર્વવિદિત અને નિર્વિવાદ છે. એમણે એ પદ સ્વીકાર્યું હોત તો સમસ્ત ગુજરાતને બેલાશક ઘણો જ આનંદ થાત. મને તો ખાસ આનંદ થાત; કારણ કે એઓ મારા પ્રિય શિષ્ય હતા અને મારી તરફ ગુરુભાવની પૂજ્ય વૃત્તિ ધરાવે છે. એમના એ પદના અસ્વીકારથી આપણે સર્વેએ એ અનન્ય લાભ ખોયો છે, એ અતિ શોચનીય છે. એમની મધુરી, આલંકારિક, અને હૃદયંગમ ભાષાનો ને પ્રૌઢ વિચારનો અદ્વિતીય લાભ પરિષદને ન મળ્યો તેથી આપણે સર્વ હતાશ થયા છીએ. એમના ના કહેવાથી આપના મંત્રીઓએ – રા. માનશંકરભાઈ અને મારા પ્રેમપાત્ર રા. રમણલાલ યાજ્ઞિકે મને તાર મૂક્યો ને તેનો ઉત્તર તારથી જ માગ્યો. ‘અમારી મુસીબત સમજીને પ્રમુખપદ સ્વીકારવાનો તાર મૂકી અમને ચિન્તામુક્ત કરો.’ એવા તારના અસરકારક શબ્દો વાંચી મારા મનની સ્થિતિ ઘણી કફોડી થઈ પડી. રાત્રિના દસનો સુમાર થયો હતો. તે સમયે મારે ત્યાં ચિ. મોહનલાલ યુનિવર્સિટીના ફેલો તરીકે ચૂંટાયા તેના આનન્દનિમિત્તે એક નાનું સ્વજનમંડળ ભેગું થયું હતું. તાર ઉઘાડતાં તો પ્રથમ મન ચિન્તાગ્રસ્ત થયું; તે ખોલ્યો ને વાંચ્યો તે સમયે સરદાર જનાર્દન વીરભદ્ર પાઠકજી મારી પાસે બેઠા હતા. તેઓ તથા તેમના ચિ. પ્રો. વ્યોમેશ પાઠકજી તથા ચિ. મોહનલાલ ને મારી પુત્રી, એ બધાં એકમત થઈ ગયાં ને બધાંએ મને આગ્રહપૂર્વક કહ્યું કે ના તો ન જ કહેવી. બધો વિચાર કરીને મેં સવારે સ્વીકારનો તાર મૂકવાનો નિશ્ચય કર્યો. હવે હું બહુધા નિવૃત્તિમય જીવન નિર્ગમન કરૂં છું. ગુ.વ. સોસાઈટી મને વ્યાખ્યાન આપવા બે વર્ષ થયાં નિમન્ત્રણ કરે છે તેની પણ એ જ કારણથી હું ના કહું છું તે તે સોસાઈટી જાણે છે. શ્રીયુત આનંદશંકરભાઈ જેવા ઉત્સાહ, બુદ્ધિ, કાર્યશક્તિ, અને સર્વદેશીય કૌશલ્યથી સંપન્ન કાર્યધુરંધરે સાહિત્યપરિષદની કાર્યધુરા બહુ જ સુગમતાથી વહન કરી હોત. તે કાર્યધુરા મારા મગજ પર પડતી જોવા હું નારાજ હતો; પરંતુ તારની ભાષા એવી હૃદયદ્રાવક હતી અને મારા પર બધા ગૃહમંડળનું ને સ્વજમંડળનું એવું દબાણ થયું કે એ તાર મૂકનારા સજ્જનોના પ્રેમપાશમાં બદ્ધ થઈ અન્તે ગુર્જરસાહિત્ય પ્રત્યે મારી ફરજ મારે અદા કરવી જોઈએ એવી બુદ્ધિથી હું આ ઉચ્ચ પદવી સ્વીકારવા અનિચ્છતો પણ આકર્ષાયો છું. મારા સમજવા પ્રમાણે આવું કામ તરુણ પુરુષોનું છે. તરુણ પુરુષો ઉત્સાહ ને કાર્યશક્તિને બળે પ્રગતિ ને વૃદ્ધિ તથા ઉત્કર્ષ સાધવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેઓ ગુજરાતી સાહિત્યની ખિલવણી ને અભિવૃદ્ધિના માર્ગો શોધવા ને યોગ્ય ઉપાયો યોજવા ઉદ્યુક્ત થશે તો સાહિત્યનો વિકાસ સર્વગામી થશે એ નિસંશય છે.

કાઠિયાવાડની ઐતિહાસિક ને પવિત્ર ભૂમિ

આપનો પ્રદેશ ઐતિહાસિક, પ્રાચીન, ને પવિત્ર છે. પ્રાચીન સુરાષ્ટ્રની, પાછળથી સૌરાષ્ટ્રની ખ્યાતિ પામેલા દેશની, સીમા વિસ્તીર્ણ હતી. તે છેક સિંધુ નદીથી દમણ લગણ ફેલાયલી હતી. હાલનું કાઠિયાવાડ એ વિસ્તૃત પ્રદેશમાં અન્તર્ગત હતું. સુરાષ્ટ્ર દેશનો અતિપ્રાચીન ગ્રંથોમાં ને તામ્રપત્રોમાં નિર્દેશ એની પ્રાચીનતા સ્પષ્ટ દર્શાવે છે. ઈ.સ.પૂ. ૮મા સૈકાના ભગવાન પાણિનિના ‘कार्तकौजपादयश्च।।’ ६/२/३७ એ સૂત્રને લગતા ગણપાઠમાં ‘कुन्तिसुराष्ट्राः’ એમ સુરાષ્ટ્રનો નિર્દેશ છે. ‘મહાભારત’માં વનપર્વમાં ૮૬મા અધ્યાયમાં ધૌમ્ય ઋષિ યુધિષ્ઠિર પાસે વિવિધ તીર્થનું વર્ણન કરે છે તેમાં સુરાષ્ટ્ર દેશનું વર્ણન છે ને તેમાંનાં પુણ્યસ્થળો, નદીઓ, તળાવો ને આશ્રમો દર્શાવ્યાં છે. એ સુરાષ્ટ્ર પ્રદેશમાં જ પ્રભાસ ને દ્વારામતી વર્ણવેલાં છે. રુદ્રદામન અને સ્કન્દગુપ્તના ગિરનારનાં ને કેટલાંક વલભીનાં તામ્રપત્રોમાં સુરાષ્ટ્રનો ઉલ્લેખ છે.

તીર્થમય પ્રદેશ

આ પ્રાચીન અને પુણ્યપ્રદેશના વિસ્તીર્ણ ક્ષેત્રમાં અવતારી દિવ્ય પુરુષ શ્રીકૃષ્ણના નિવાસથી પવિત્ર ને પ્રખ્યાત થયેલી, સપ્તમોક્ષદાયિકા નગરીમાંની એક શ્રીમતી દ્વારામતી, મહેશ્વરના જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી વિરાજિત પ્રભાસ નગરી, ને તેની સમીપનું ત્રિવેણીસંગમનું તીર્થ ભારતવર્ષનાં ભિન્ન ભિન્ન સ્થળેથી હજારો યાત્રાળુઓને પ્રતિવર્ષ આકર્ષે છે ને પાવન કરે છે. એ જ પવિત્ર પ્રદેશમાં શ્રીકૃષ્ણે પોતાના જે સહાધ્યાયીને, દ્રોણને દ્રુપદે તિરસ્કાર્યા ને વૈરભાવનું બીજ રોપ્યું તેમ, લઘુતા ન દર્શાવતાં વિલક્ષણ રીતે સન્માની દારિદ્રાવસ્થામાંથી હમેશને માટે વિમુક્ત કર્યા અને પરિણામે જેમના મુખમાંથી સાશ્ચર્ય ઉદ્ગાર નીકળ્યો કે ‘ક્યાં ગઈ મારી તૂટી ઝુંપડીઆં, કાંચન મહેલ બને રે’ એ ભક્તરાજ, સ્વાભિમાની, ને યાચનાને અવગણનાર સુદામાની સુદામાપુરી – હાલનું પોરબંદર – મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન – વિરાજમાન છે. જેમણે પોતાની દૃઢ શ્રદ્ધા ને ભક્તિના અનુપમ બળ ને પ્રભાવથી અશ્રદ્ધાળુ ને ટીખળી નાગરોને અનેક ચમત્કારો દર્શાવી ચકિત કર્યા હતા અને જેઓ ગુજરાતી ભાષાના જૈનેતર કવિઓમાં અગ્રિમ ને પ્રતિષ્ઠિત સ્થાન ભોગવે છે તે આદિ કવિ ભક્તરાજ નરસિંહ મહેતાનું જન્મસ્થાન, ભક્તોના અને વેદાન્તીઓના પદપંકજથી પવિત્ર થયલું, પ્રાચીન ને પુણ્યશાળી જૂનાગઢ એ જ વિસ્તીર્ણ સુરાષ્ટ્રપ્રદેશમાં આવેલું છે. એ જીર્ણનગરમાં પવિત્ર શીલની વેદિ પર આત્મદેહને હોમનારાં રાણકદેવી જેવાં સ્ત્રીરત્નો પેદા થયાં છે. એ જ નગરની પાસે શ્રીમન્માઘકવિએ ‘શિશુપાલવધ’ના ચોથા સર્ગમાં ભિન્ન ભિન્ન વૃત્તોમાં જેનું અલૌલિક સૌન્દર્ય વર્ણવ્યું છે એવો રૈવતક ગિરિ — ‘મહાભારત’માં જેનું ઉજ્જયન્ત નામ આપ્યું છે તે – ગિરનાર પર્વત આવેલો છે. એ પર્વતની રમ્યતા જોઈ દ્વારકાથી ઈન્દ્રપ્રસ્થ જતાં શ્રી. કૃષ્ણ વારંવાર અપૂર્વવત્ વિસ્મય પામ્યા હતા એમ વર્ણવી માઘકવિએ રમ્યતાનું લક્ષણ આપ્યું છે કે જે ક્ષણે ક્ષણે નવીન લાગે તે જ ખરું રમ્ય છે. એ પવિત્ર ગિરિ અનેક તીર્થોથી અને ઐતિહાસિક શિલાલેખોથી ભરેલો છે. આવા રમ્ય ને પુણ્યપ્રદેશમાં સાંપ્રત સમયમાં પણ શતાવધાની શીઘ્ર કવિવર, આચાર્યવર્ય શ્રીમાન ગટ્ટુલાલજી તથા શીઘ્ર કવિ શાસ્ત્રીજી શંકરલાલ તથા કવિથી કેશવરાય હરિરાય, વગેરે અનેક નરરત્નો ઉદ્ભવ પામ્યાં છે. આ પવિત્ર પ્રદેશનું ભવ્યનગર ભાવનગર માત્ર અખિલ કાઠિયાવાડને જ નહિ પરંતુ આખા મુંબઈ ઈલાકાને અલૌકિક બુદ્ધિપ્રભાવ ને ઉચ્ચતમ રાજકીય નાગરિકત્વ ને મુત્સદ્દીપણાથી શોભાવનાર સ્વર્ગસ્થ ગૌરીશંકરભાઈએ પોતાના જન્મથી અલંકૃત કર્યું હતું. એમના તેજસ્વી રાજતન્ત્રે ભાવનગરના ઉત્તરોત્તર ઉત્કર્ષનાં બીજ રોપ્યાં છે, જે કાલક્રમે શાખાપ્રશાખારૂપે સર્વત્ર પ્રસાર પામી રહ્યાં છે. એવા પ્રદેશમાં આપણે ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે ભેગા થયા છીએ. બંધુઓ, પવિત્ર સ્થાનનું માહાત્મ્ય અલૌકિક છે. તેની તાત્કાલિક અસર જાદુઈ છે. પવિત્ર સ્થાનના ચમત્કારથી ગમે તેવો અશ્રદ્ધાળુ પુરુષ પણ ક્ષણ વાર પવિત્ર બને છે. બ્રહ્મગિરિના વર્ણનમાં કવિશ્રી નર્મદે ખરું કહ્યું છે કે ‘સંસાર સંધો વિસરી જવાએ, પાપી પ્રપંચો મનમાંથી જાએ; લીલા પિતાં હું નથિ રે ધરાતો, એવો તપસ્વી ગિરિ છે જ આ તો.’

કાઠિયાવાડમાં ભાવનગરનું સ્થાન

સામાન્ય આબાદી, વેપારરોજગાર, ને કેળવણીની બાબતમાં ભાવનગર કાઠિયાવાડમાં અગ્રસ્થાન ભોગવે છે. ભાવનગરની સંપત્તિ મહારાજા સાહેબ ભાવસિંહજી અને વખતસિંહજીના પરાક્રમ ને દૂરઅંદેશીપણાને આભારી છે. એ કામમાં સદ્ગત રૂપજી દેશાઈએ મંત્રી તરીકે તેમજ સરદાર તરીકે અગ્રેસર ભાગ લીધો છે. કલાભવન સ્થાપી ઔદ્યોગિક કેળવણીને પ્રસાર કરવાની યોજના પણ હાલ અહીં જ થઈ છે. સ્વ. સર ગૌરીશંકરભાઈ જેવા નાગરિકોએ તેની અભ્યુન્નતિને માટે જે બીજ રોપ્યું છે તે તેમની પછીના બાહોશ રાજ્યતન્ત્રીઓએ સારી રીતે પોષી વિસ્તાર્યું છે. હાલ એ રાજ્યનો કારભાર બહુશ્રુત, અનુભવસંપન્ન, કાર્યદક્ષ રાજ્યતન્ત્રી શ્રીમાન સર પટ્ટણી સાહેબના હાથમાં છે. એઓ સાહિત્યક્ષેત્રમાં વિશારદ ને સાહિત્યના પોષક છે. આવા તપસ્વી પ્રદેશમાં, બુદ્ધિની શીતલ જ્યોત્સ્ના જ્યાં સર્વત્ર પ્રસરી રહી છે એવા વાતાવરણમાં, આપણું કાર્ય સાધવા આપણે મળ્યા છીએ, તો એના ઉચ્ચ સંસ્કાર આપણી સાધનસંપત્તિ ખિલવશે અને આપણા પ્રયાસને સફળ કરશે એવી મારી આશા છે. બંધુઓ, આ રમ્ય નગરમાં હું ચોત્રીશ વર્ષ ઉપર અહીંની સામળદાસ કૉલેજમાં સંસ્કૃતના પ્રૉફેસર તરીકે એક વર્ષ રહ્યો હતો. તે સમયનાં પ્રિય સંસ્મરણના સંસ્કાર મારા મનમાં આજ જાગ્રત થાય છે અને હાલની અનેક દિશાની પ્રગતિ જોઈને હું અતિહર્ષમાં મગ્ન થાઉં છું.

સાહિત્ય સેવકોના સ્વર્ગવાસની નોંધ

પ્રથમ તો, હાલ થોડા જ વખત પર જે સાહિત્યસેવકોને આપણે ખોયા છે તેમને વિષે આપણો શોક પ્રદર્શિત કરવો એ આપણો ધર્મ છે. એમાંના મુખ્ય પુરુષ દીવાન બહાદુર રણછોડભાઈ છે. એમની સાહિત્યસેવા સુવિદિત છે. વૃદ્ધાવસ્થામાં પણ એમનામાં જુવાનીનો ઉત્સાહ ને કાર્યશક્તિ અવસાન પર્યંત જોવામાં આવ્યાં હતાં એ ખરેખરું પ્રશંસનીય છે. બીજો ખેદકારક શોક તનસુખરામભાઈના સ્વર્ગવાસનો છે. એમનું જીવન વ્યાધિગ્રસ્ત હતું, તેથી કોઈ વિષય પર એઓ મોટો ગ્રન્થ રચવા પામ્યા નથી. પરંતુ વેદાન્ત અને ન્યાયશાસ્ત્રનો એમનો ઊંડો અભ્યાસ, પ્રાચીન વિષયોની એમની સંશોધકવૃત્તિ, અને ભાષા અને સાહિત્યનું ગંભીર જ્ઞાન એમના માસિકોમાંના લેખોમાં સ્પષ્ટ જણાય છે. સાહિત્ય ને શાસ્ત્રના એવા અભ્યાસક વિરલ છે. એમના અકાલ સ્વર્ગવાસથી ગુજરાતી સાહિત્યના વિકાસને મોટી હાનિ થઈ છે. ત્રીજો સ્વર્ગવાસ શ્રી. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીનો થયો છે. એઓ સારા સાહિત્યસેવક ને પ્રૌઢ અભ્યાસક હતા. થોડાં વર્ષ થયાં એમનું આરોગ્ય સારું રહેતું નહોતું. લોકમાન્ય ટિળકના ‘ભગવદ્ગીતા’ના પુસ્તકનું એમનું ગુજરાતીમાં ભાષાન્તર આપણા સાહિત્યક્ષેત્રમાં એમની વિજયધ્વજા તરીકે પ્રકાશિત રહેશે. એઓની સાથે તેમજ એમના કુટુંબની સાથે મારો સંબંધ ઈ.સ. ૧૮૮૦માં મારી અમદાવાદમાં બદલી થઈ ત્યારનો હતો. અમદાવાદ હાઈસ્કૂલમાં ને એલ્ફિન્સ્ટન કૉલેજમાં એઓ મારા પ્રિય વિદ્યાર્થી હતા અને મારા તરફ એમની ઘણી પૂજ્યબુદ્ધિ હતી. ગયે વર્ષે સુરતમાં નર્મદજયન્તીના સમારંભમાં કવિશ્રી નાનાલાલભાઈના વ્યાખ્યાન સમયે સદ્ગત ઉત્તમલાલ પ્રમુખસ્થાને હતા. એઓનો નિવાસ મારે ત્યાં હતો અને પ્રાસંગિક વાતમાં એમણે મને કહ્યું હતું કે હું પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ તૈયાર કરવા ઇચ્છું છું ને એની સામગ્રી એકઠી કરું છું. મારી યોજના પૂરી થયે હું એક દિવસ તમારી સાથે એ વિષે ચર્ચા કરી સંમતિ મેળવી પુસ્તક રચવા માંડીશ. પરંતુ યમરાજાના દારુણ પ્રહારના પંજામાં એઓ સપડાઈ જવાથી આપણે એમની તરફથી એ અમૂલ્ય લાભ મેળવવો ખોયો છે એ ખેદની વાત છે. શ્રી. કૃષ્ણરાવ દીવેટિયાનો સ્વર્ગવાસ પણ શોચનીય છે. એઓ રસિક ને સંસ્કારી શૈલીમાં પ્રસંગે સાહિત્યની સેવા કરતા હતા. એમના અવસાનથી ગુજરાતી સાહિત્યે એક ખેલાડી લેખક અને મેં એક પ્રિય મિત્ર ખોયો છે. વળી આપણે, સાહિત્યસેવકો પ્રો. જેકીસનદાસ કણિયા અને શ્રી. દામુભાઈને પણ એજ અરસામાં ખોયા છે. તેમજ આપણે ત્રણ ત્રણ કવિરાજ ખોયા છે – રા. કાન્ત, રા. મસ્ત, અને રા. નથુરામ. ત્રણે મોટા કવિ હતા. કાન્તની સાહિત્યસેવા વિવિધ હતી. સદ્ગત ચીમનલાલ દલાલના સ્વર્ગવાસથી જૂની ગુજરાતી ભાષાના સાહિત્ય પર સારો પ્રકાશ પાડનાર એક અમૂલ્ય રત્ન આપણે ખોયું છે. છેલ્લો સ્વર્ગવાસ જેની નોંધ લેવાની જરૂર છે તે શ્રી. મનસુખલાલ રવજીનો છે. રાજકીય બાબતની ચર્ચા સાથે એઓ જૈન સાહિત્યના વિકાસમાં પણ સારો ભાગ લેતા હતા. એ બધા જીવાત્માને શ્રદ્ધાંજલિ અર્પવી ને ઈશ્વર એમના આત્માને શાન્તિ અર્પે એવી પ્રાર્થના કરવી એ જ આપણું અવશિષ્ટ કર્તવ્ય રહે છે. બન્ધુઓ, આપની સમક્ષ પ્રાચીન સમયથી આધુનિક સમય સુધી ગુર્જર સાહિત્યવાટિકામાં જે જે રમ્ય વૃક્ષો ને લતાઓ ઉદ્ભવેલાં છે તેમાંનાં મુખ્યનો નિર્દેશ કરવા તથા તેમાંનાં કેટલાંક સુગંધી પુષ્પોનો સુવાસ પમરાવવા હું ઇચ્છું છું. વાડીમાં નીંદવા જેવું ઘાસ પણ હોય છે તેમજ ગુલાબ જેવા સુંદર છોડોમાં પણ કાંટા હોય છે. હું આપની સમક્ષ રમ્ય વૃક્ષો ને પુષ્પોનું જ દર્શન કરીશ. પછી આધુનિક સમયના આરંભના બ્રિટિશ રાજ્યની સ્થાપનાથી સર્વત્ર સલાહશાંતિના પ્રસાદથી આપણા જનસમાજમાં તેમજ સાહિત્યમાં અનેક દિશામાં પ્રગતિ થઈ જે લાભાલાભ થયા છે તે તરફ, તેમજ પ્રાચીન અને નવીન પ્રવૃત્તિઓની તુલના કરી દેશકાલાનુસારે શું યુક્ત છે તે તરફ આપનું લક્ષ ખેંચીશ. આધુનિક સમયમાં કાવ્ય, નાટક, નવલકથા, જીવનચરિત્ર, ઇતિહાસ ને વિજ્ઞાનના સાહિત્યમાં કેવી પ્રવૃત્તિ થઈ છે, કેવી થાય છે, ને કેવી ઇષ્ટ છે, તેનું દિગ્દર્શન કરાવીશ. પારસી ને મુસલમાન લેખકોએ, સ્ત્રીલેખકોએ, તેમજ દૈનિક ને માસિક પાત્રોએ કેવી સાહિત્યસેવા બજાવી છે ને બજાવે છે તે પણ આપના મોં આગળ મૂકીશ. વળી જે જે સંસ્થાઓ સાહિત્યને ખિલવે છે તેનાં કરેલાં કામોની નોંધ કરી કર્તવ્યમાર્ગ સૂચવીશ. છેવટે, સાહિત્યષરિષદના સ્થાયી મંડળની આવશ્યકતા સ્થાપિત કરીશ તેમજ એ મંડળના બંધારણ ને કર્તવ્ય વિષે મારા વિચાર દર્શાવીશ.

ગુર્જર સાહિત્યના ચાર કાળ

પદ્ય એ સાહિત્યનું કર્ણપ્રિય, મધુર અને સ્મરણશક્તિને વિશેષ સુગમ એવું અંગ હોવાથી સર્વ ભાષાના સાહિત્યમાં તેનો વિકાસ ગદ્ય કરતાં વહેલો થાય છે. ગુજરાતી ભાષામાં પણ એજ સત્ય પ્રવર્ત્યું છે. સ્થૂલ દૃષ્ટિએ નિહાળતી આપણા પદ્ય સાહિત્યના ચાર કાળ થઈ શકે છેઃ ૧. પ્રાકૃત કાળ; ૨. આદિ કાળ; ૩. મધ્ય કાળ; ૪. અર્વાચીન કાળ. પ્રાકૃત કાળમાં અપભ્રંશમાંથી નીકળેલી પ્રાચીન ગુજરાતીમાં લખાયલાં કાવ્યોનો સમાવેશ થાય છે. એ વર્ગમાં પદ્યનાભ કવિકૃત ‘કાન્હડદે પ્રબન્ધ’ તથા ભાલણકૃત ‘કાદમ્બરી’ ને ભીમકવિકૃત ‘હરિલીલાસોળકળા’, શ્રીધર વ્યાસકૃત ‘રણમલ્લછંદ’ તથા કર્મણમંત્રિકૃત ‘સીતાહરણ’, ઉપાધ્યાય મેરુસુંદરનું ‘પુષ્પમાલ પ્રકરણ’, તેમજ જૈનોના રાસાઓ એટલે પદ્યબદ્ધ કથાઓ – ઈ.સ.ના ૧૨મા સૈકામાં રચાયલા ‘સપ્તક્ષેત્રી રાસ’ તથા નરસિંહ મહેતાના સમયની કંઈક પૂર્વે રચાયલો શ્રીવિજયભદ્ર મુનિનો ‘શ્રીગૌતમરાસ’ વગેરે અન્તર્ગત થાય છે. આ પ્રાચીન ગુજરાતી ભાષા અપભ્રંશમાંથી નીકળેલી છે. અપભ્રંશના નિયમો સિદ્ધ હેમચંદ્રે પોતાના વ્યાકરણમાં દર્શાવ્યા છે તેમજ તેનાં ઉદાહરણપદ્યો પણ આપ્યાં છે. વળી લક્ષ્મીધરના ‘षड्माषाचन्द्रिका’માં, ‘रूपावतार’માં, તેમજ માર્કણ્ડેયના ‘प्राकृतसर्वस्व’માં પણ અપભ્રંશનું વિવેચન છે. અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષા, એ ભાષાના વિકાસની શાસ્ત્રીય શોધ કરનારને બહુ ઉપયોગી છે. સામાન્ય વાચકવર્ગને તે સમજવી અધરી પડે છે.

'પ્રાચીન કાળ

આ પ્રાચીન કાળથી જૈનોએ ગુજરાતી સાહિત્યની સારી સેવા બજાવી છે. ઈ.સ.ના ૧૨મા સૈકાના ‘જંબુસ્વામીરાસ’થી ઈ.સ.ના ૧૮મા સૈકાના ‘અશોકરોહિણી’, ‘હરિબાળલચ્છી’ અને ‘શત્રુંજય રાસા’ આદિ રાસાઓ તેમણે રચ્યા છે એટલું જ નહિ, પણ રા. જગજીવનદાસ મોદીએ પ્રકાશિત કરેલી ગદ્યમય ‘વૈતાલપચીસી’ તેમજ ‘ શ્રીવસ્તુપાલતીર્થયાત્રાવર્ણન’, ‘ઉજ્જયન્તમહાતીર્થકલ્પ’ આદિ ગદ્યગ્રંથો પણ રચ્યા છે. એ ગ્રંથો ‘ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાળા’ના ૧૩મા ગ્રન્થ ‘પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ’ના ગદ્યસંગ્રહમાં પ્રસિદ્ધિ પામ્યા છે. એમાંના ‘પૃથ્વીચન્દ્રચરિત્ર’માં ૮૪ ચૌટાં, ૭૨ કળા, ને ૬૪ વિજ્ઞાન વર્ણવ્યાં છે. ઈ.સ.ના ૧૫મા સૈકામાં ઉપાધ્યાય મેરુસુંદરે ‘પુષ્પમાળ પ્રકરણ’ રચ્યું છે, તેમાંથી કવિ નર્મદે ‘નર્મકોશ’ની પ્રસ્તાવનામાં ઉલ્લેખ આપ્યો છે, તેમાં તે સમયની ભાષાનું સ્વરૂપ જણાય છે.

રાસાની ભાષાજૈનોના રાસા છેક ઈ.સ.ના ૧૮મા સૈકા સુધીના છે. એ રાસાઓમાં જે ભાષા જોવામાં આવે છે તે જ ભાષા છેક ૧૮મા સૈકા સુધી તે સમયના લોકોમાં પ્રચલિત હતી એમ તો કહી શકાશે નહિ. વસ્તુસ્થિતિ એવી જણાય છે કે જૈન ગ્રન્થકારોને પ્રાકૃત ભાષાનો વિશેષ અભ્યાસ હોવાથી તેમજ તેમનાં સૂત્રો – શાસ્ત્રીયગ્રન્થો માગધી કે અર્દ્ધમાગધીમાં લખેલા હોવાથી એ ભાષાની અસર તેમના પર થાય એ સ્વાભાવિક છે. બ્રાહ્મણોમાં જેમ સંસ્કૃતમાં લખનાર વિશેષ કીર્તિ પામતો તેમ જૈનોમાં પ્રાકૃતમાં લખનાર અધિક સન્માન પ્રાપ્ત કરતો. આથી જૈન લેખકોએ જનમંડળમાં ચાલતી ભાષામાં લખવાને બદલે પ્રાકૃતમિશ્ર ભાષામાં લખવાનું જારી રાખ્યું. આથી જ છેક ૧૮મા સૈકામાં રચેલા જૈનગ્રન્થોની ને બ્રાહ્મણગ્રન્થોની ભાષામાં ફેરફાર છે.



નરસિંહ મહેતા
ગુજરાતી ભાષાના બ્રાહ્મણ કવિઓમાં આદ્ય કવિ નરસિંહ મહેતા છે. એમનાં કાવ્યો, પદો, ને પરભાતિયાં ભક્તિરસથી છલકાતાં છે. શૃંગારનાં પદો પણ ભક્તિમાં જ પરિણામ પામે છે. નરસિંહ મહેતાનાં નીચેનાં જેવાં પદો તો સામાન્ય સ્ત્રીપુરુષોને મુખે પણ સાંભળવામાં આવે છેઃ

‘નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા, વાચા, કર્મણા કરીને લક્ષ્મીવરને ભજિયે રે.’

*

ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે રે,
મૂળની વાતો તમારી કોઈ નવ જાણે રે.
જોગીન્દ્રપણું, શિવજી, તમારૂં મેં જાણ્યું રે,
જટામાં ઘાલીને, શિવજી, આ ક્યાંથી આણ્યું રે.

*

‘પઢો રે પોપટ સીતા રામના, સતી સીતા પઢાવે,
પાસે બાંધી પાંજરે, મુખે રામ જપાવે.’

*

‘મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવો રે,
હું તો તલસું તમારે કાજ, હસીને બોલાવો રે.’

*
તેમજ નીચેનાં જેવાં પરભાતિયાં પણ ઘણા લોકો ને યાચકો ગાય છેઃ

‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના, ધેનુમાં કુણ જાશે.’

*

‘રાત રહે જાહરે પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સુઇ ન રહેવું,
નિદ્રાને પરહરિ સમરવા શ્રીહરિ, એક તું એક તું એમ કહેવું.’

નરસિંહ મહેતાનાં પરભાતિયાંમાં ઉપદેશ, તત્ત્વજ્ઞાન, ને કૃષ્ણસ્તુતિનાં વચનો ઝળકે છે. એમને તત્ત્વજ્ઞાન કરતાં પ્રેમરસ જ ઇષ્ટ લાગે છે, તેથી કહે છે કે–Template:Poem2close

‘પ્રેમરસ પાને તું, મોરના પીંછધર, તત્ત્વનું ટુંપણું તુચ્છ લાગે.’

તોપણ મહેતા તત્ત્વજ્ઞાનની અનેક વાર સ્તુતિ કરી કહે છે કે–Template:Poem2close

‘જ્યાંલગી આતમા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાંલગી સાધના સર્વ જૂઠી,
માનુષદેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.’

*

‘ભણે નરશૈયો કે તત્ત્વદર્શન વિના રત્નચિંતામણી જન્મ ખોયો.


નરસિંહ મહેતામાં શુદ્ધ ભક્તિપૂર્ણ હૃદયના સ્વાભાવિક ભાવોના તરંગો ઊછળે છે. એમાં કૃત્રિમતા નથી કે અલંકાર ઘટાવવાનો પ્રયત્ન નથી; તોપણ મીરાંબાઈના ગીતોમાં જેમTemplate:Poem2close

‘બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા;
સાકરશેરડીનો સવાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે.

રાધાકૃષ્ણ.’

એ પદમાં નિદર્શના અલંકારની છાયા છે, તેમTemplate:Poem2close

‘પૂર્ણ પુરુષોત્તમ નવલરંગી તજી, અન્ય દેવે જેનું મંન મોહે,
કોટિ ચિંતામણિ કામધેનુ તજી, મહિષીના પુત્રનું દૂધ દોહે.’–


એ પદમાં નિદર્શના અલંકાર છે. અલંકારો ને ગુણો વિનાપ્રયત્ને, સ્વાભાવિક રીતે જ સારા કવિઓનાં કાવ્યોમાં સ્ફુરી આવે છે.

લઘુતાવાચક પ્રત્યયો

નરસિંહ મહેતાનાં કાવ્યમાં અનેક સ્થળે લઘુતાવાચક પ્રત્યયો અને ઘણે સ્થળે એવા બેવડા પ્રત્યયો નજરે પડે છે. એ પ્રત્યયો બહુધા વાત્સલ્યવાચક, લઘુતાવાચક, કે તિરસ્કારવાચક હોય છે; ને કેટલે સ્થળે નિરર્થક – માત્ર સ્વાર્થવાચક હોય છે. અન્ય કવિનાં કાવ્યોમાં જોવામાં આવે છે તેના કરતાં મહેતાનાં કાવ્યમાં એનો પ્રયોગ વાચકનું લક્ષ આકર્ષે એવો છે; જેમ કે ‘ઘણેરૂં’, ‘સેજલડી’, ‘વિનતડી’, ‘દેહડી’, ‘સરીખડાં’, ‘આંગલડી’, ‘મરકલડો’, ‘કાંઠડલે’, ‘મારગડો’, ‘એકલડો’, ‘વહાલડો’, ‘વાછલડું’, ‘નાહનડલાં’, ‘ભોજનીયાં’, ‘ઉંઘરેટો’, ‘ગોપિકાકેરડાં’ (એમાં પ્રત્યય પર પણ).



મીરાંબાઈ

એ જ સમયમાં પાટણમાં કવિ ભાલણ, સિદ્ધપુરમાં ભીમ, અને સ્ત્રીને છાજે એવાં, લજ્જાયુક્ત, મર્યાદિત શૃંગારનાં કૃષ્ણભજન ગાઈ વાચકને કૃષ્ણભક્તિના રસમાં તરબોળ કરનાર મેડતાનાં મીરાંબાઈ ગુજરાતી સાહિત્યના આદિકાળના ક્ષિતિજમાં તેજસ્વી તારાના જેવાં પ્રકાશમાન થાય છે.
ભાલણે ‘કૃષ્ણલીલા’, ‘રામબાળલીલા’, ‘નળાખ્યાન’, ‘ઉદ્ધવઆવાગમન’, ‘રુક્મિણીહરણ’, ‘દશમસ્કંધ’ આદિ ગ્રન્થો રચ્યા છે. એનાં નીચેનાં પદો સ્ત્રીઓ ગાય છેઃ


‘ઊભી રહે રે આહીરડી, તું બોલતી વાંકા બોલ,
તારી આંખડીને મેં ઓળખી રે, અવર નહીં કોની તોલ . ઊભી’

*

‘ભીખુભાનકેરી બેટી રાધા છે મારૂં નામ.
દધિતણો જો ખપ કરો આવજો ગોકુળગામ. ભીખું.’

*

‘છબીલા નંદના રે તારી ચાલનો ચટકો જો,
છોરા આહીરના રે તારા મુખનો મટકો જો, છબીલા.’

મીરાંબાઈના ચરિત્રનું વાતાવરણ અનેક અસત્ય વૃત્તાન્તોથી દૂષિત થયું છે. એ વિષયમાં સદ્ગત તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠીએ ઊંડું સંશોધન કરી ઘણો સત્ય પ્રકાશ પાડ્યો છે. એનું કવિત્વ ઉચ્ચ પ્રકારનું છે ને વાચકને ભક્તિરસમાં કલ્લોલ કરાવે છે. મહાત્મા ગાંધીજી કહે છે તેમ હૃદયમાંથી પ્રસરેલાં મનોભાવનાં એ ઝરણાં છે. એ લોકવૃત્તિને તૃપ્ત કરવા પ્રસરેલાં નથી. એની ભાષા હિંદીમિશ્રિત મધુર ગુજરાતી છે. એનાં ઘણાં કાવ્યો ભક્તજનોને ને સ્ત્રીઓને મુખસ્થ છે. થોડાંક ઉત્તમ કાવ્યો નીચે દર્શાવ્યાં છેઃ

‘રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું.’

*

‘મેરો મન હરિ લિયો રાજા રણછોડ,
કેશવ, માધવ, શ્રીપુરુષોત્તમ, કુબેર કલ્યાણકી જોડ, મેરો મન,’

*

‘બંસીવાલા આજો મોરા દેશ
આજો મોરા દેશ, હો બંસીવાલા આજો મોરા દેશ.’

*

‘આવત મોરી ગલિયનમેં ગિરિધારી મૈં તો છુપી હું,
લાજકી મારી, આવત.’

*

‘પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની.’

*

‘બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા
સાકરશેરડીનો સવાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે, રાધા.’

*

‘ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે

*

મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.’

*

‘હાં રે ચાલો ડાકોરમાં જઇ વસિયે, મને લેહે લગાડી એ રસિએ રે; ચાલો.’

*

‘મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે.’

*

‘વિપત પડે ત્યારે હરિને સંભારો મારી વહારે ચડો વનમાળી રે.’

*

‘મંદિર દેખીને ડરે રે સુદામા મંદિર દેખી ડરે રે.’



મધ્યકાળ: પ્રેમાનન્દ

મધ્યકાળમાં અનેક કવિઓ થયા, તેમાં જો કે પ્રેમાનંદે, પોતાના પૂર્વગામી કવિઓ – નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, વજીઓ – એ કવિઓનો કંઈક આધાર આખ્યાનની પસંદગી અને શૈલી, વગેરેમાં લીધો હતો, તોપણ એ કાળમાં એ કવિચન્દ્ર સાહિત્યક્ષિતિજમાં પોતાની પૂર્ણ જ્યોત્સ્ના સર્વત્ર પ્રસરાવી, અન્ય કવિતારકોને ક્ષીણ, નિસ્તેજ જેવા કરે છે; અને રસની ઝમાવટ, ભાષાનો કાબૂ, વર્ણનની શૈલી, મનુષ્યહૃદયનું અને કુદરતનું જ્ઞાન, આદિ અનેક ગુણોથી વાચકના હૃદયમાં અમીરસ રેડી તેને રસભીનું કરી આનંદની લહરીમાં આંદોલન કરાવે છે. ગુજરાતી ભાષા તે સમયે ‘શું શાં પૈસા ચાર’ તરીકે નિંદાતી હતી અને જે ને તે હિંદીમાં કવિતા રચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા હતા. એવી અધમ સ્થિતિમાંથી ગુજરાતી ભાષાને ઉદ્ધારી સંસ્કૃતના જેવી પ્રતિષ્ઠાએ પહોંચાડવા આ કવિરત્ને પ્રયત્ન આદર્યો અને ‘શક્તિ ઉપરાંત કામ સ્વીકારવું નહિ એ જેમ બુદ્ધિલક્ષણ છે તેમ આરંભેલાં કાર્યનો નિર્વાહ કરવો એ પણ બુદ્ધિલક્ષણ છે.’ એ નીતિવચનને અનુરોધે જ્યાં સુધી ગુર્જર ભાષા પ્રતિષ્ઠિત પદ પામે નહિ અને પોતે અંગીકાર કરેલા કાર્યનો એ રીતે નિર્વાહ થાય નહિ ત્યાં સુધી પોતે જંપ્યા નહિ. ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવાં અનુપમ ગીર્વાણકાવ્યો જ્ઞાનના ને નીતિના આકરગ્રન્થો છે, તેમાંથી આખ્યાનો પસંદ કરી તેમાં જનસમાજને અનુકૂળ ને હૃદયંગમ થાય એવા યોગ્ય ફેરફાર કરી ઉત્તમ કાવ્યો રચી ગુર્જર ભાષાને ઉચ્ચ કોટિમાં આણી, જનસમાજની ધાર્મિક ને રસિક વૃત્તિ પોષી અને એ જ પ્રમાણે ભાષાનો ઉત્કર્ષ કરે એવું રત્નેશ્વર, વલ્લભ, સુંદર, વીરજી, હરિદાસ, વગેરે ૧૦૦ સ્ત્રીપુરુષનું કવિમંડળ પોતાની આસપાસ એકઠું કરી તેને જેમ ઘટે તેમ કામ સોંપ્યું, જેમ રોમમાં ઑગસ્ટસ રાજાના સમયમાં સાહિત્ય પુષ્કળ કેળવાયું ને ખીલ્યું હતું, અને જેમ ઇંગ્લંડમાં ઍન રાણીના રાજ્યમાં અંગ્રેજ સાહિત્યનો અનેક દિશામાં વિકાસ થવાથી ઇતિહાસકારો ઍનના રાજ્યને અંગ્રેજી સાહિત્યનો ‘ઑગસ્ટન’ યુગ કહે છે તેમ આ મધ્યકાલને ગુર્જર સાહિત્યનો પ્રેમાનન્દયુગ – પ્રેમયુગ કહી શકાય. કવિ પ્રેમાનંદે ગુર્જર સાહિત્યની અનન્ય સેવા બજાવી છે ને
‘સાંગોપાંગ સુરંગ વ્યંગ્ય અતિશે ધારો ગિરા ગુર્જરી, પાદે પાદ રસાળ ભૂષણવતી થાઓ સખી ઉપરી; જે ગીર્વાણ ગિરા ગણાય ગણતાં તે સ્થાન એ લ્યો વરી; થાયે શ્રેષ્ઠ સહૂ સખીજન થકી એ આશ પૂરો હરિ.’
એ પદ્યમાં કહ્યું છે તેવી આશા રાખીને ભગીરથ પ્રયત્ન કર્યો છે એમ સ્થાપન કરવામાં લેશ પણ અતિશયોક્તિ ને ચાટૂક્તિ નથી.

પ્રેમાનંદનું કવિમંડળઃ વલ્લભ

કવિ પ્રેમાનંદે પોતાની આસપાસ એકત્રિત કરેલા મંડળને જે કામ સોંપ્યું હતું તે કેટલેક અંશે યથાશક્તિ થયું, પરંતુ જોઈએ તેવું દીપી નીકળ્યું નહિ. રત્નેશ્વર સંસ્કૃત ભાષામાં વિદ્વાન હતો, તેણે ભાષાન્તરરૂપ કેટલાક ગ્રંથ રચ્યા અને કવિપુત્ર વલ્લભે પિતાની સ્તુતિ ને સામળભટ્ટની નિંદા કરી પોતાનાં કાવ્યોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી. તેણે ‘કુન્તી-પ્રસન્નાખ્યાન’, ‘દુઃશાસનરુધિરપાન’, ‘યુધિષ્ઠિરવૃકોદરસંવાદ’, ‘યક્ષપ્રશ્ન’, અદિ ગ્રન્થો રચ્યા છે. ગીર્વાણ ભાષા જેવી ભાષા વિષે તેણે એક સિદ્ધ પુરુષને પૂછ્યું ત્યારે તેમણે તેને ગુર્જર ભાષા જ બતાવી, એમ વર્ણવી વલ્લભે જે ગુજરાતી ભાષાનું ગૌરવ પ્રતિપાદન કર્યું છે તે દરેક સાહિત્ય સેવકે હદયમાં કોતરી રાખવા જેવું છે.
‘ઉમર મૂકી અને તું, ડુંગરને પૂજે કેમ? ગોદમાંનો સૂત ભૂલે, જાણ્યું નહિ જેમણે. તારી ભાષા છે જ તેવી, જાણ્યું નવ તેં જરૂર, વિચારી જો વારંવાર, ગુણથી ઘટે ગણે. કોમળતા કમળથી, અધિક દેખાય જેમાં, મધુ સુધા મિષ્ટપણે, હારી હારી જાય છે, અમલતા એના જેવી, નથી કોઈ ભાષામધ્ય, પ્રાચીનપણું તો જેનું મોટેરૂં મનાય છે.

ગુર્જર ગિરાની તુલ્ય, ઉપમા ઉર્વીમાં નથી, સર્વગુણસંપન્ન છે, ઉચ્ચાર રસાળ શો?’

સામળભટ્ટ અને અખો

એજ યુગના કવિ અખાએ પ્રેમાનંદથી જુદી જ દિશાએ સબળ પ્રયત્ન કર્યો છે. ‘રામાયણમહાભારત’નાં આખ્યાનો જનસમાજને ગાઈ બતલાવવાને બદલે પોતાની કલ્પનાશક્તિને પ્રભાવે ‘મડાપચ્ચીસી’, ‘સુડાબોત્તેરી’, ‘મદનમોહના’, ‘પદ્માવતી’, ‘ભદ્રાભામિની’, ‘નંદબત્રીસી’ વગેરે વાર્તાઓ તેમજ ‘ઉદ્યમકર્મસંવાદ’, ‘અંગદવિષ્ટિ’, ‘રાવણમંદોદરીસંવાદ’, આદિ અનેક કાવ્યો કવિ સામળે રચ્યાં છે, તેમાં તેણે વસ્તુસંકલનાની અદ્ભુત શક્તિ, જનસ્વભાવ આલેખવાનું કૌશલ્ય, અને અલૌકિક જ્ઞાન તેમજ બહુશ્રુતતા ને વ્યવહારકુશળતા દર્શાવ્યાં છે. ઉપમા તો કાલિદાસની એમ એક પ્રાચીન સંસ્કૃત પદ્યમાં કાલિદાસની પ્રશંસા કરી છે તેમ છપ્પા તો સામળભટ્ટના એમ કહેવામાં લેશ પણ અત્યુક્તિ નથી.

અખો

સંસારથી વિરક્ત થયલો, કીધેલા ઉપકારના બદલામાં નિંદા ને દોષારોપણ પામેલો, આદર્શભૂત નીતિ દર્શાવતાં કારાગ્રહમાં ગોંધાયલો અખો કવિ સંસારનો ત્યાગ કરી મનની શાંતિ પ્રાપ્ત કરવા સદ્ગુરુની શોધમાં નીકળી પડે એ સ્વાભાવિક છે. એ શોધમાં એને બેત્રણ સ્થળે સ્વાર્થી અને સંસારમાં રચ્યાપચ્યા રહેલા ગુરુઓ માલમ પડે છે એટલે એવા ગુરુઓ પર પોતાની કવિતામાં એ સચોટ પ્રહાર કરે એ પણ સ્વાભાવિક છે. આખરે, કાશીમાં મણિકર્ણિકાના ઘાટ પર એને જોઈતા ગુરુ મળે છે, તેમના તરફથી એને વેદાન્તશાસ્ત્રના ગૂઢ રહસ્યનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાન તે ‘ગુરુશિષ્યસંવાદ’, ‘અખેગીતા’, ‘ચિત્તવિચારસંવાદ’, ‘પંચીકરણ’ આદિ ગ્રન્થોમાં દર્શાવે છે. એને સંસ્કૃત ભાષાનું જ્ઞાન નહોતું, તેમજ છન્દઃશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્રથી પણ એ પરિચિત નહોતો. જેવી કવિતા સૂઝી આવી તેવી કવિતામાં એણે પોતાના વિચાર દર્શાવ્યા છે. મૂળ તો વેદાન્તનો વિષય જ ગહન અને તે વળી કવિતામાં ઉતારવો એ કામ ઘણું દુષ્કર, એટલે એનાં કાવ્યો સુગમ ને લોકપ્રિય થાય નહિ એમાં નવાઈ નથી. તોપણ એનાં કાવ્યોનો કેટલોક ભાગ વ્યાવહારિક હોવાથી તેમજ તે સાદી, સરળ, ને સીધી ભાષામાં રચાયલો હોવાથી ઘણો લોકપ્રિય થયો છે. એણે લોકોને તીખી ભાષામાં ઉપદેશ આપ્યો છે. એનાં કેટલાંક પદ્યો લોકોક્તિમાં સામાન્ય પ્રચાર પામ્યાં છે; કેટલેક સ્થળે અસંસ્કારી ભાષા વાપરી પોતાનો હેતુ સાધવામાં કવિ ચૂક્યો નથી. નીચેનાં જેવાં પદ્યો ઘણાં લોકપ્રિય થયાં છેઃ
‘તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં, તીરથ ફરિ ફરિ થાક્યા ચર્ણ, તોયે ન પોતા હરિને શર્ણ. કથા સુણી સુણી ફુટ્યા કાન, તોયે નાવ્યું બ્રહ્મજ્ઞાન, એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણીને દેખી કરે સ્નાન, તુળશી દેખી તોડે પાન. એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.’
‘ફુટકળ’ અંગમાં એવાં ઘણાં સરળ, સીધાં, ને સચોટ પદ્યો છે.
‘આવિ નગરમાં લાગિ લાય, પંખિને શ્યો ધોખો થાય; ઉંદર બિચારા કરતા સોર, જેને નહીં ઉડયાનું જોર, અખા જ્ઞાની ભવથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે.’

*

‘ગુરુ થઈ બેઠો સેનો સાધ, સ્વામિપણાની વળગી વ્યાધ; તે પીડાથી દુખિયો થયો, રોગ કરાર અનુભવથી ગયો. વાચક જાળમાં ગુંચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે.’

*

‘સ્વામી થઇને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ; શિષ્ય રાખ્યાનો શિર પર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર. આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ.’

*

‘દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતાં વધ્યું શેર; ચરચા વદતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો; અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન તે મૂળગું ખોય.’

*

આત્મ અનુભવે હોય પ્રકાશ, અખા અહંકાર તે પામે નાશ; અહંકૃતિ તજી સ્મરણ કરો, મન કર્મ વચન હરિ વડે આદરો; ગવરાવ્યા જરા હરિના ગાઓ, હરિના છો ને હરિના થાઓ.’

*

‘ધન ધન જ્ઞાની જનનું ગાત્ર, જગત ગણ્યું જેણે તૃણમાત્ર; જ્ઞાની તે જે કરે વિચાર, પરપંચ તજે ને સંઘરે સાર; સકળ કામના સવળી કરે, વાસના વધુ ઠેકાણે ડરે; ટાળે આપને ભાલે ઈશ, અખા એવા પુરુષને મળે જગદીશ.’
આમ કેટલેક સ્થળે અખો ઘણી સ્ફુટ ને કડવી પણ સત્ય વાણીમાં તે સમયના સ્વાર્થી ગુરુનું સ્વરૂપ ઉઘાડું કરી વેદાન્ત સિદ્ધાન્તોનો ઉપદેશ કરે છે.
‘ભાષાના અંગ’માં અખો કહે છે કે –
‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર; સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાશી ગયું? બાવનનો સઘળો વિસ્તાર, આખા ત્રેપનમો જાણે પાર.’

‘શીલવતીનો રાસ’

આજ મધ્યકાળમાં જૈન કવિ નેમિવિજયે ‘શીલવતી રાસો’ નામનો ઉત્તમ રાસો રચ્યો છે અને વલ્લભે ‘બહુચરાજીનો ગરબો’ વીરરસમાં યોજ્યો છે.

ધીરો ભક્ત

આની પછીના ૧૮મા સૈકામાં પણ ધીરો ભક્ત, નીરાંત, તેમના શિષ્ય બાપુસાહેબ ગાયકવાડ, તથા લજ્જારામ અને પ્રીતમદાસ, તેમજ સ્વામીનારાયણના પંથના મુક્તાનંદ, બ્રહ્માનંદ, ને નિષ્કુલાનંદ, એ ભક્ત કવિનાં કાવ્યોમાં ધર્મ ને નીતિની ભાવના ઓતપ્રોત થઈ છે. સદ્ગુરુના સંસર્ગથી કેટલો લાભ થાય છે તે ધીરાની કવિતાથી જણાય છે. એને કેળવણીનો સંસ્કાર મળ્યો નહોતો; તો પણ એક સંન્યાસીના સત્સંગથી એને જ્ઞાન પ્રાપ્ત થયું. એનાં કાવ્યોમાં ગુરુભક્તિને વેદાન્તજ્ઞાન સ્થળે સ્થળે જણાઈ આવે છે. જેમ છપ્પા સામળના તેમ કાફી તો ધીરા ભક્તની જ. એ કાફી ઘણી લોકપ્રિય થઈ છે. નીચેની ઉત્તમ છેઃ
‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.’

*

‘અંતે સંતને તેડાવે રે, હરિનું ભજન કરવા.’

*

‘પ્રભુ તમ સાથે રે મારે પ્રીત ઘણી.’

*

‘વાડો વાળી બેઠો રે પોતાનો પંથ કરવાને.’

*

‘જેને રામ રાખે રે, તેને કુણ મારી શકે?’

*

‘હીરાની પરીક્ષા રે ઝવેરી હોય તે જાણે.
ધીરા ભક્તે ‘સ્વરૂપ’ કાવ્યમાં લક્ષ્મીનું, યૌવનનું, કાયનું, માયાનું, તેમજ મનનું સ્વરૂપ ઉત્તમ કાફીમાં ગાયું છે. તેમાં ‘લક્ષ્મીના સ્વરૂપ’માં નીચેની કાફીઓ ઉત્તમ છેઃ
‘કમળ કેરૂં પુષ્પ જ રે, પ્રભાત તો થાયે જ્યારે; ખીલવા કંઈક માંડે રે, સુગંધ અતિ દે ત્યારે.’

*


અને ‘સોમલ જેવી સાચી રે, ખાતાં ન લાગે ખારી; વિધ વિધ રંગી દેખાયે રે, આશા વધે અવિધારી.’

લજ્જારામ

લજ્જારામે ‘અભિમન્યુ–આખ્યાન’ રચ્યું છે, તેની ભાષા પ્રાસાદિક છે ને તેમાં કવિએ કેટલેક સ્થળે રસની ઝમાવટ ઉત્તમ કરી છે. નીચેની જેવી પંક્તિઓ ઘણી લોકપ્રિય થઈ છેઃ
‘તુંજ વિના રહિશ હું કેમ ટોળા વખુટી હરણી જેમ, સિંહ દેખી પશુ પામે ત્રાસ, ત્યમ સાંભળી હું થઈ નિરાશ. ખોળે બેસારીને હું બાળ, ભોજન કરાવું તતકાળ; આંખથી અળગાં થાઓ છો બાળ, પ્રાણ હરી જાઓ છે તતકાળ. ફરી શું કહેવરાવે તુંય, રણે નહિ જાવા દેઉં હુંય.’

*

‘મને બાલુડો ન કહેશો, મારી માવડી રે’ –
વગેરે જેમાં વય કંઈ તેજનો હેતુ નથી એવી ભાવના ઉત્તમ રીતે ઘટાવી છે.
‘મને મારીને રથડા ખેડ રે, બાળા રાજા રે; મને જુધ્ધે સાથે તેડ રે, બાળા રાજા રે.’
એમ કહી અભિમન્યુને યુદ્ધમાં જતો અટકાવવા પ્રયાસ કરી તેમાં નિષ્ફળ થઈ ને સ્વામી યુદ્ધમાં જશે એમ ખાત્રી થઈ, ત્યારે–
‘ઉત્તરા કુંવરી વાણી બોલી, સાંભળ મુજ ભરથાર; તમે જુદ્ધ કરવા સંચરો છો ચક્રવ્યુહ મોઝાર. મરજો કે મારજો તમે, નવ દેશો પુંઠ લગાર, સહિયર મેણા મારી કહેશે, કાયરની આ નાર. અવની પર જે અવતર્યો, તેને મરવું એક જ વાર; મોત થકી ડરિયે નહિ, તે માટે ભરથાર.’
‘વેણીસંહાર’માં પણ અશ્વત્થામા કૌરવ સૈન્યને પાછું હઠતું જોઈ એવા જ વિચાર દર્શાવે છે કે સમરાંગણનો ત્યાગ કર્યાથી મૃત્યુનું ભય જ જતું રહેતું હોય તો ત્યાંથી અન્યત્ર જવું યુક્ત છે. પરંતુ જો મરણ પ્રાણી માત્રને અનિવાર્ય છે તો હે સૈનકો, તમારો યશ નકામો શા માટે મલિન કરો છો?

પ્રીતમદાસ ને નિષ્કુલાનંદ

પ્રીમદાસનાં જ્ઞાન ને ભક્તિનાં પદો પણ સારાં છે.
‘આનંદે આવો રે, જીવન જમવાને; બહુ પાક બનાવું રે, ગિરિધર ગમવાને.’
તેમજ ‘કાયા રે તારી કામ નહીં આવે, જો કરે કોટિ ઉપાય રે; વણશી જાતાં વાર નહીં લાગે, જો કુંદન કાપીને ખાય રે.’
અને ‘રહે રસના તું રામ ભજનમાં, હંસ દશા દિલ આણી; કહું છું કુટિલ વચન નવ કાઢિ, વૃથા વાયસવાણી. રહે.’
જેવાં પદો વાચકને ભક્તિરસમાં તરબોળ કરે છે. નિષ્કુલાનંદે ‘ધીરજાખ્યાન’માં અનેક હરિભક્તો – પ્રહ્લાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, શિબિ, રંતિદેવ, મયૂરધ્વજ, વગેરે–નાં આખ્યાન ગાયાં છે. એમાં નીચેનું પદ ઉત્તમ છેઃ
‘ધીરજ સમ નહિ ધન રે, સંતો ધીરજ, આવે અર્થ દોહલે દિન રે, સંતો ધીરજ.’ તેમજ વૈરાગ્ય વિષેનું નીચેનું પદ પણ ઘણું લોકપ્રિય થયું છેઃ ‘જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી. ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી. જનની.’

મુક્તાનંદ


મુક્તાનંદે ‘સતીગીતા’માં સતી સ્ત્રીઓનો પ્રભાવ વર્ણવ્યો છે, એમાં નીચેની ગરબી વાચકના હૃદયને કરુણરસમાં તરબોળ કરે છેઃ
‘રસિયા વર રણછોડ છોગાળા, સાંભળો વિનતિ અમારી રે; મર્માળા મુને જાણી પોતાની, હાથ ગ્રહો ગિરધારી રે.’

બ્રહ્માનંદ

બ્રહ્માનંદે કૃષ્ણ કીર્તનનાં પદો ગાયાં છે; નીચેનાં ઉત્તમ છેઃ
‘નારાયણ સુખકારી ભજી લે, નારાયણ સુખકારી; સાધુજનની માન શિખામણ, વિષય વિકાર વિસારી. ભજી લે.’

*

‘ઓરા આવો નટવર નાનડિયા, તમે મારા જીવ સાથે જડિયા. ટેક. શોભો છો સોનેરી પટકે, છબી રંગ ચોળતણે ચટકે; લીધું મન હાથતણે લટકે. ઓરા.’

*

એનાં નીચેનાં જેવાં જ્ઞાનભક્તિનાં પદો પણ ઉત્તમ છેઃ
‘આ તનરંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગેજી; અસંખ્ય ગયા ધનસંપતિ મેલી, તારી નજરો આગેજી.’

*

‘પેટ કટારી રે, પહેરીને સનમુખ ચાલ્યા; પાછા ન વળે રે, કોઇના તે ન રહે ઝાલ્યા.’

*

‘તેની પેરે રે, હરિજન પણ જોઈને તીખા; અંતર શત્રુને રે, લાગે અતિવજ્ર સરીખા. માથું જાતાં રે, મુખનું પાણી નવ જાવે; બ્રહ્માનંદ કહે રે, તે સંત હરિને મન ભાવે.’

૧૯મા સકાનાં કાવ્ય

૧૯મો સૈકો એ કાળનો છેલ્લો સૈકો છે. એમાં ગિરિધર, ભોજોભક્ત, મનોહરસ્વામી, આદિ કવિઓએ ગુર્જર સાહિત્યવાટિકાને ખિલવી છે. ગિરધર કવિએ ‘તુલસીવિવાહ’ આદિ ગ્રન્થો રચ્યા છે; પરંતુ એનું ‘રામાયણ’ લોકોમાં અતિપ્રિય થયું છે. ઉત્તર હિંદમાં જેવું તુલસીકૃત ‘રામાયણ’ પ્રિય છે તેવું ગુજરાતીમાં ગિરધરકૃત ‘રામાયણ’ પ્રિય છે. એની ભાષા સરળ ને પ્રાસાદિક છે, ને એ લોકપ્રિય રાગોમાં રચેલું હોવાથી જનસમાનમાં ઘણું પ્રચાર પામ્યું છે.
‘ત્યારે માતા કૌશલ્યાજી બોલીયાં, હો વાલા રે, તુને નહીં જાવા દેઉં વન, કુંવરજી કાલા રે.’
ઈત્યાદિ. રામચંદ્રજીને વનમાં જતા અટકાવવા કૌશલ્યાનાં વચન કરુણારસથી ભરપૂર છે ને માતાના અકૃત્રિમ સ્નેહરસનો ખરો ચિતાર આપે છે. તેમજ પોતાની સાથે તેડી જવા સીતાજીએ રામચંદ્રને કહેલાં વચન પણ હૃદયદ્રાવક છેઃ
‘અહો નાથ હું દાસી તમારી વિજોગ નવ સેહેવાય; તમ વિના હું કેમ રહું એકલી, એક ઘડી જુગ થાય જળ વિના જળચર કેમ જીવે, જો કરિયે કોટી ઉપાય, હું છાયા તમારા દેહતણી પ્રભુ કહો કેમ અળગી થાય. કનકકાન્તિ જેમ દીપશિખા, રવિરશ્મિ સદા રહે પુરી; તે કલ્પાન્તે વિલક્ષણ ન થાય, જે પરિમલ ને કસ્તુરી. એમ હું તમથી ન રહું વેગળી સુણિયે શ્રીરઘુરાય; જેમ સદા વિવેક સાધુનું હદે તજી કલ્પાંતે નવ જાય.’
એની કેટલીક ગરબીઓ પણ ઉત્તમ છેઃ
‘આવો આવો રે નંદના લાલ, મારે ઘેર આવો રે.’ ‘મુને મળિયા સુંદરશ્યામ, આજે મારે દીવાળી.’

મનોહરસ્વામી

મનોહરસ્વામી એ વડનગરા નાગર મૂળ જૂનાગઢના વતની હતા. પણ ભાવનગરમાં સદ્ગત ગૌરીશંકરભાઈના આશ્રય નીચે આવીને રહ્યા હતા. પાછળની એમણે સંસારથી વિરક્ત થઈ સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને સચ્ચિદાનન્દ નામ ધારણ કર્યું હતું. પછી શ્રીયુત ગૌરીશંકરભાઈને પણ એમણે સંન્યાસની દીક્ષા આપી હતી. એઓ શાંકરમતના દૃઢ હિમાયતી હતા અને એમણે વલ્લભમતના ખંડન વિષે કાવ્ય રચ્યું છે. એઓ ગીર્વાણભાષામાં પ્રવીણ હતા અને ‘ભગવદ્ગીતા’ ને ‘રામગીતા’નું ગુજરાતી કાવ્યમાં એમણે ભાષાન્તર કર્યું છે. એઓ સ્વભાવે સ્વતન્ત્ર અને આગ્રહી હતા. એમણે ‘વલ્લભમતખંડન’ નામનો સંસ્કૃત વાદગ્રન્થ રચ્યો છે. એમને ફારસી ભાષાનું પણ સારું જ્ઞાન હતું. એ ઉપરાંત વેદાન્તવિચારથી અંકિત ‘મનોહરકાવ્ય’ પણ એમણે રચ્યું છે. એમાંની કેટલીક સુંદર પંક્તિઓ નીચે આપી છે; પંથ ચલાવનારા પાખંડી લોકોને એમણે નિન્દ્યા છે કે–
‘કંઈ પાખંડે પંથ ચલાવે, પ્રભુ થઈને પૂજાય; શિષ્યતણો સંશય નવ ટાળે, ધૂતિને ધન ખાય.’
કવિએ સત્ય કહ્યું છે કે જ્યાંસુધી કામનાનો નાશ થતો નથી ત્યાં સુધી આન્તર મિલનતા ધોવાતી નથીઃ
‘પત્થર તેટલા દેવ કરે, તીરથમાં ડુબકાં ખાય, વ્રત ઉપવાસે દેહ દમે પણ, મનનો મેલ ન જાય; કામ, ક્રોધ, મદ, મોહ, મચ્છરનું, મનમાં જોર ન માય; વિષય પામવા વલખાં વીણે, રાંક, રળાય, રાય. માયા કાળતણા બંધનમાં, લાલચથી બંધાય; મરીચિકાજળ મોહોમાં નાવે, આશા અદકી થાય; ગુરુવેદાન્તવચનથી તેણે, નિજ સ્વરૂપ સમજાય, વૃત્તિ અખંડ જ્ઞાનમય રાખે, જન્મમરણભય જાય.’
બ્રહ્માનંદનો સ્વાનુભવ થવાથી કેવું સુખ થાય છે?
બ્રહ્માનંદ મગનમાં વિલસે, ત્રિવિધ ટળી જાય; દેહ છતે દેહભાવ તજે, દૃઢ સંશયશોક પળાય. હસે, રમે, સ્વયં ખેલે, સ્વયંમાં બોલે, ગાય; સ્વગતાદિક માયિક ઉદરમાંથી, ભેદ અશેષ વિલાય. એ સુખ જે માણે તે જાણે. વાણે નવ કહેવાય; મનોહર હરિગુરુપૂર્ણકૃપાથી, આત્માનંદ પમાય.’
આમાં અને અન્ય સ્થળે
‘मुद्यते हृदयग्रन्थिश्छिद्यते सर्वसंशयाः । क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ।।’
અને ‘यदा सर्वे प्रमुच्यन्ते कामा येडस्य हदि श्रिताः अथ मर्त्योडमृतो भवत्यत्र ब्रह्म समश्नुते ।।
આદિ ઉપનિષદવાકયોની છાયા આવે છે. તેમજ
‘જે અપાણિપાદ ગ્રહે ગતિ કરનાર રે, આંખ્યો કાનો વિના દેખે સુણે ઠારોઠાર રે; બુદ્ધિચિત્તવોણો સર્વે જાણે ને સંભારે રે, અખંડ જ્ઞાન છે જેનું કદી ન વિસારે રે; એને કો ન જાણી શકે, સહુનો એ જાણ રે, નિત્ય જગદાદિ રાજે, પુરુષપૂરાણ રે.’
આમાં પરબ્રહ્મનું સ્વરૂપ ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’ના
‘अपाणिपादो जवनो प्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः । स वेत्ति वेद्यं न च तस्यास्ति वेत्ता तमाहुरग्र्यं पुरुषं महान्तम् ।।’-
એ વાક્યનું સંસ્મરણ કરાવે છે. ધર્મનો ઢોંગ કરનારા, બગઋષિઓના પર કવિએ સખત પ્રહાર કર્યો છેઃ
‘કપટી પાપ આપતો, હીંડે ઠારોઠાર, ચપટી ચોખા લઈ ફરે, સર્વ દેવનાં દ્વાર, કર જોડીને વીનવે મારાં પાપ નિવાર. કપટી.’
પણ કામદિનો નાશ થયો નથી ત્યાં સુધી સિદ્ધિ થતી નથીઃ
‘પાપતણાં તો મૂળ છે, કામાદિક મનમેલ; ત્યાંસુધી નહીં સાંભળે, દેવ ગણે છે ફેલ. પાપ ટાળવા ચાહે તો કામાદિકને ટાળ; સત્ય દયા સંતોષની, આડી કરની પાળ. નિર્મળ થઈ હરિભજન કર, રાખી દૃઢ વિશ્વાસ; મનોહર સદ્ય મુકાવશે, કાપી પાતકપાશ.’ કપટી.
વળી–
‘શત સંવત્સર તૂંબડી, જળમાં ડબકાં ખાય અંતર ધોયા વિણ કદી, કટુતાઈ નવ જાય.’
જેવી પંક્તિઓમાં મન નિર્મળ કરવાનો યોગ્ય ઉપદેશ કર્યો છે. જીવન્મુક્ત કયારે થવાય તેને માટે નીચેનું પદ ગાયું છેઃ
‘જે કોઈ સદ્ગુરુશરણે જાય, તેના સંશય દૂર પલાય; કામ, ક્રોધ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા લય થાય, અતિશયિતાદિક દોષ વિષયના, ઉરમાંહે દેખાય. જે કોઈ.

*

સમરસવ્યાપક સચ્ચિદ આનંદ, રૂપ થઇને વિલસાય; મનોહર મરણતણો ભય ભાગે, જીવન્મુક્ત કહેવાય. જે કોઈ.’
વળી નીચેનાં જેવાં પદ સંસારનું સત્ય ચિત્ર દર્શાવી મતને બોધ ને શાન્તિ આપે છેઃ
‘મન તું મે’લ જૂઠ જંજાળ, માથે ભમે અચાનક કાળ. ટેક. ભવસાગરમાં ચાર ખાણના, જંતુ લઘુ વિશાળ; અગણિત પ્રગટે, અગણિત મારે, કાળ પાથરી જાળ. મન તું. કાળતણો જે કાળ નરહરિ, તે સાચો રખવાળ; વેગે શરણ ગ્રહે તે હરિનું, લેશે શીઘ્ર સંભાળ. મન તું. ચેત ચેત રે ચેત શીઘ્રથી, મૂકી આળપંપાળ; મનોહર મૃત્યુ થકી મૂકાવે, ચિદ્ઘન દીનદયાળ. મન તું’

ભોજો ભક્ત

ભોજો ભક્ત પણ કાઠિયાવાડનો વતની હતો ને એ જ સમયમાં થઈ ગયો. એ અસંસ્કારી કુટુંબમાં જન્મ્યો હતો ને એને વિદ્યાનો સંસ્કાર મળ્યો નહોતો તોપણ કુદરતની બક્ષિશથી એણે અસરકારક પદો ગાયાં છે. એના ‘ચાબખા’ કેટલાક સ્થળે અસંસ્કારી, સીધી ને સચોટ ભાષામાં હોવાથી અને હૃદયના અન્તર્ભાગમાંથી નીકળેલા હોવાથી વાચકના હૃદયને ભેદે છે. જેમ ધીરો ‘કાફી’ માટે પ્રસિદ્ધ છે, તેમ ભોજો ભક્ત ‘ચાબખા’ માટે પ્રસિદ્ધ છે. નીચેના ચાબખા લોકપ્રિય થયા છેઃ
‘પ્રાણીયા ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર.’

*

‘મુરખા મોહી રહ્યો મારૂં રે, આમાં કાંયે નથી તારૂં રે.’

*


તેમજ નીચેના જેવી ‘હોરીઓ’
‘નાથ મોરી અરજ સુણો અવિનાશી, હું તો જનમ જનમ તોરી દાસી – નાથ.’
અને ‘કાચબોકાચબી’ ‘કાચબો કહે કાચબી, તું ધારણ રાખની ધીર’ – એ ગરબી જનમંડળમાં બહુ પ્રચાર પામી છે.

કવિ દયારામ

જેમ આદિકાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ નરસિંહ મહેતા અને મધ્ય કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ કવિ પ્રેમાનંદ છે. તેમ અર્વાચીન કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ સહૃદય ને ફાંકડો કવિ દયારામ છે. એણે અનેક ગ્રન્થો ગુજરાતી ને હીંદીમાં રચ્યાં છે. એના મધૂર કોકિલકંઠે એ અનેક રસિક ગાયનો, ભજનો, ને ગરબીઓ લલકારતો. કહે છે કે એમાંનાં કેટલાંક પદો તે એના ભક્તોથી ઉતારી શકાયાં પણ નથી, કવિ નર્મદે એનાં કાવ્યો તેમજ જન્મચરિત્રની હકીકત એકઠી કરવા અતિશય પ્રયાસ કર્યો છે.

કવિ વૈષ્ણવ મતનો દૃઢ હિમાયતી હતો. એણે નવ પ્રકારની ભક્તિમાં દસમો પ્રેમલક્ષણા ભક્તિનો પ્રકાર ઉમેર્યો છેઃ

‘શ્રવણ, કીરતન શ્રીકૃષ્ણનું, સ્મરણ, સેવન, અરચંન,
વંદન, દાસત્વ, સખ્યતા, વળી આત્મનિવેદન.
આત્મનિવેદન નવધા કહીએ, પ્રેમલક્ષણા દશમી લહિયે.
એ ભક્તિ સહુ સાધનતાજ, જે પામે વશ થાયે વ્રજરાજ.’


આગળ ચાલતાં કવિએ પ્રેમ, સ્નેહ, ને પ્રેમભક્તિનું સ્વરૂપ સુંદર રીતે દર્શાવ્યું છેઃ


‘રૂપ, દ્રવ્ય, ગુણ, ત્રણે એ કારણ પ્રીતિ થવાનાં કહાવે;
એ ત્રણ વિકારરહિત સહજ, સ્નેહ તે શ્રીકૃષ્ણને ભાવે.
ભાવે એ પ્રેમ વહાલો વશ થાએ, તેણે મૂકી ક્ષણ દૂર નવ જાએ,
તે જને માન્યું મત એહ, જેમ તેમ થાયે સુખી પ્રભુ તેહ.
પ્રેમ, આસક્તિ, વ્યસન એ, ત્રણે રૂપ સ્નેહનાં લઇયે,
તે ઉપર ચોથી તન્મયંતા, તે થકી કાંઇયે ન કહીયે.
કહીએ પ્રેમનું લક્ષણ એહ, જ્યારે મળે ત્યારે તેનો તે સ્નેહ;
વિજોગ થાય ત્યારે તપે તન, તાંહાંનું તાંહાં વળગ્યું મન.
એક વાર પણ આખા દિવસમાં, મળ્યા વિના નવ રહેવાએ,
જો ન મળે તો વિકળ થાય, આસક્તિ એ કહેવાએ.’


એજ પ્રમાણે વ્યસન ને પ્રેમલક્ષણા ભક્તિનું લક્ષણ આપી તેનાં સ્વરૂપ સુંદર શબ્દોમાં સમજાવ્યાં છેઃ


‘પ્રેમલક્ષણા વળી દ્રગરુચિ અભિલાષા ઉદ્વેગ ચાર.’


ગોપીની શ્રીકૃષ્ણ પ્રતિની ભક્તિ એ એવી ચાર પ્રેમલક્ષણા ભક્તિ છેઃ


‘જાતી જુઓ તો આહીરની, તેમ અબળા અધમ અવતાર;
વેદાદિક નોતી ભણી, નોતો ઉત્તમ કર્મ અધિકાર.
અધિકાર પણ એક પ્રેમપ્રતાપ, કર્યા અધીન શ્રીકૃષ્ણ જે આપ;
ગોપીની પદરજ વંદે ઈશ, કર્યા પ્રેમલક્ષણા તે સહુને શીશ.’


દયારામનાં કાવ્યો ત્રણ વિભાગમાં વિભક્ત થાય છેઃ ૧. ભક્તિનાં ને નીતિનાં કાવ્ય; ૨. જ્ઞાનનાં કાવ્ય; ૩. ગરબીઓ.


‘ઓધવજી છે અળગી રે વાત એક પ્રેમતણી.’


એ ‘પ્રેમપરીક્ષા’ના કાવ્યમાં જ્ઞાન કરતાં ભક્તિનો અધિક પ્રભાવ દર્શાવી કવિએ જ્ઞાની ઓધવજીનું મન પ્રેમ તરફ વાળ્યું છેઃ


‘એવાં વચન સુણીને રે, ઓધવજીની ભ્રાંતી ટળી,
જાગજંજાળ છૂટી રે, ગયું મન સ્નેહમાં મળી;
અભિમાન મૂકીને રે, ઓધવ ગોપીપાય પડયા;
કહું દયાનો પ્રીતમજી રે, નિશ્ચે એક તમને જડ્યા.’


કવિશ્રીનું ‘માતા જસોદા ઝુલાવે પારણે–’ એ પારણું તેમજ


‘એક સમે હનુમાન ગરુડ બેહુ એક સ્થળે મળિયા;
કોઈ કોઈના ગાંજ્યા ન જાય, એમ અકેકપેં બાળિયા’–


એ હનુમાનગરુડ–સંવાદની લાગણી ઘણાં લોકપ્રિય થયાં છે.

દયારામની ગરબીઓ
ગરબીઓમાં અનેક ગરબીઓ ગરબાના દહાડામાં કે અન્ય અન્ય પ્રસંગે સ્ત્રીઓ લલકારીએ ગાય છે. મીરાંબાઈનાં ભજનો ને દયારામની ગરબીઓ સ્ત્રીવર્ગમાં અતિશય પ્રચાર પામ્યાં છે. એવી ગરબીઓમાંથી માત્ર થોડીનો જ નીચે નિર્દેશ કર્યો છેઃ

‘સુણો સામળા, હું તમ માટે ઘેલી થઈ જો.’

*

‘સાંભળ રે તું સજની મ્હારી, રજની કયાં રમી આવીજી.’

*

‘પ્રેમની પીડા તે કોને કહિયે રે, હો મધુકર. પ્રેમની.’

*

‘શીખ સાસુજી દે છે રે, વહુજી રોહો ઢંગે.’

*

‘આઠ કુવાને નવ વાવડી રે લોલ.’

*

‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ.’

*

‘મોહોલે પધારો મહારાજ, મણીધર. મોહેલે.’

*

‘લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો.’

*

‘કાનુડો કામણગારો રે, સાહેલી આ તો કાનુડો કામણગારો રે.’

*

‘મીરાં મન મોહનશું માન્યું.’

*

‘સખિ હું તો જાણતી જે સુખ હશે સ્નેહમાં.’

*

‘ચાલ વ્હેલી અલબેલી પ્યારી રાધે.’

*







</poem>