અપરાધી/૧૩. શિવરાજની ગુરુ

From Ekatra Wiki
Revision as of 06:10, 27 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. શિવરાજની ગુરુ|}} {{Poem2Open}} “સાહેબ!” કોઈ દરવાજે ઊભીને ધીમા સા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૩. શિવરાજની ગુરુ

“સાહેબ!” કોઈ દરવાજે ઊભીને ધીમા સાદ પાડતું હતું. નળિયાં સોનાનાં થઈ ચૂક્યાં હતાં. બાજુમાં કોઈ ઘરની વિયાયેલી ગાયનું વાછરડું બાંબરડા મારતું હતું. સ્ટેશન તરફ વિદાય થતી એક આણાત દીકરી એની માને છેલ્લી વારનું ભેટતી ભેટતી રડતી હતી ને જુદાં પડનારાં સ્વજનોને રડાવી રહી હતી. કાગડાના કકળાટ રોજ પ્રભાતના જેવા ઉલ્લસિત નહોતા; નેવાં પર ચાલી જતી બિલાડીને ચાંચો લગાવતાં લગાવતાં એ ભયત્રસ્ત પક્ષીઓ ચીસો પાડતાં હતાં. “સાહેબ! જાગો છો, સાહેબ?” કોઈકના બોલ ભરડાતા ભરડાતા નીકળતા હતા. શિવરાજે આંખો ચોળતાં ચોળતાં બારીમાંથી ડોકું કાઢ્યું. “કોણ છે?” “સાહેબ, મારી છોકરી જડતી નથી.” “કોણ?” “સાહેબ, બાપા, ભાઈ, મારી અંજુડી.” “અંજુડી કોણ?” શિવરાજ જૂઠું નહોતો બોલતો. એના પગ હજુ જાગૃતિની ધરતી પર ઠેર્યા નહોતા. “નહીં, સાહેબ? ભૂલી ગયા? મારી અંજુડી તે દી તમારો આશરો લેતી’તી: આ ઈનો બાપ...” “લે હવે મૂંગી મરી રે’ને, રાંડ.” બીજો અવાજ ઊઠ્યો. એ અવાજ એ બાઈના ધણીનો હતો. “સાહેબ, ઈ રાંડને બોલવાની સાધ નથી, ને હું જાણું છું કે ઈ અમારી છોકરીને કોણે સંતાડી છે. આપ હુકમ કરો તો હમણાં ફૂલેસને લઈને હું ઈ જીના ઘરમાં છે તીનો ભવાડો પૂરેપૂરો એક વાર તો ઉઘાડો પાડું.” શિવરાજના હોઠ ફફડ્યા. એ બોલવા જતો હતો: આ રહી અજવાળી! એ બોલ એના હોઠેથી છૂટે તે પહેલાં તો અંદર એની પાછળથી રુદન સંભળાયું: “મને મારી નાખશે, મને ફાડી ખાશે.” એ રુદન અજવાળીનું હતું. “કચેરી પર જાઓ; હું આવું છું.” શિવરાજે બહાર ઊભેલી એ અજવાળીની માતાને અને એના બાપને જવાબ દઈ બારીમાંથી પોતાનું ડોકું પાછું ખેંચી લીધું. નીચે ઊભેલા પટાવાળાને એણે કહ્યું: “જાઓ તમે, આમને કચેરી પર બેસારો; આવું છું. કારકુનને બોલાવી લ્યો.” “કચેરી પર ક્યારે આવે, ક્યારે કાગળિયાં કરે, ને ક્યારે એ બદમાસના ઘરની ઝડતી લેવાય!” એવું બબડતો બબડતો બાપ ચાલ્યો. “સરકારી કાયદાનાં ચક્રો કેટલાં ધીમાં! કોઈ બેલી જ ન મળે! હજી તો કહે છે કે, જાવ કચેરીએ, હું આવું છું! આવી રિયા, બાપ!” “અજવાળી!” શિવરાજે પંપાળીને કહ્યું: “ચાલ, આપણે છતાં થઈ જઈએ.” “પગે લાગું છું – ન બોલશો...” અજવાળીએ શિવરાજના પગ ઝાલ્યા. “શો વાંધો છે?” “મને મારી નાખશે એનો વાંધો નથી; પણ તમારું સત્યાનાશ વાળશે. તમારો શો અપરાધ?” “અપરાધ મારો નહીં ત્યારે કોનો, અજવાળી? હું તને પરણીશ.” “ના, ના, ના, તમારું ધનોતપનોત નીકળશે. તમથી મને ન પરણાય. તમે કોણ? હું કોણ? મને ક્યાંક – ક્યાંક – ક્યાંક આઘી આઘી ચાલી જવા દો. હું કોઈ દી પાછી નહીં આવું. હું—” “તું શું કરીશ?” “હું મારો રસ્તો કરી લઈશ.” “કયો રસ્તો?” “ઘણા કૂવા છે.” “ખબરદાર, અજવાળી!” શિવરાજે એને છાતીસરસી ચાંપી: “તો હું હમણાં ને હમણાં છતો થઈ જાઉં છું.” “ના, ના, ના, તમે કહો તેમ કરું. તમારું સત્યાનાશ મારે નથી વાળવું. હું કયે ભવ છૂટીશ?” “મને કોલ દે, અજવાળી – કે કૂવાનો વિચાર તું કદી નહીં કરે.” અજવાળી તાકી રહી. શિવરાજના હાથની હથેળી અજવાળીનો કોલ ઝીલવા પહોળી થઈ રહી હતી. અજવાળીએ પંજાની અંદર કંઈક રેખાઓનું ચિતરામણ જોયું. પલવાર અજવાળીએ એ ચિતરામણમાં શિવરાજના લગ્નની રેખા ગોતી. આડીઅવળી ચોકડીઓ એને સાથિયા જેવી ભાસી. હું આમાં ક્યાં છું, એવી એણે કલ્પિત શોધ કરી. “મને કોલ દે, અંજુ! પછી હું માર્ગ કાઢું.” અજવાળીએ પોતાનો પાણી-પાણી બની જતો નાનો પંજો શિવરાજની હથેળીમાં ધરી દીધો. “બસ. હવે? તું ઘરમાં જ રહેજે. હું રાતે પાછો આવું છું. એક વાતની ગાંઠ વાળી રાખજે મનમાં કે હું તને નહીં છોડું, કદાપિ નહીં.” “મને છોડી દો. તમે આબરૂદાર માણસ... ધરતી તમને સંઘરશે નહીં.” “તો બેય જણાં ભેગાં જઈને પાણીનું શરણું લેશું.” “તમે આબરૂદાર—” “અજવાળી, તું જ મારી આબરૂ છે. તને મેં ફસાવી છે. હવે હું તને નહીં છોડું. જો, ઘરમાં જ રહેજે; નિરાંતે રહેજે. નાસ્તો છે તે પર નભાવી લેજે. હું હવે રાતે જ પાછો ફરીશ.” અજવાળીને પોતાના મકાનમાં કેદ પૂરીને પોતે – એક મૅજિસ્ટ્રેટ! – કચેરી પર જતો હતો. અપરાધ તો પડ્યો હતો પોતાના જ આત્માની અંદર. જુવાન શિવરાજનું અંતર પોતે ઊભી કરેલી એ વિટંબણાની ઇમારત વચ્ચે એકાકી ઊભું ઊભું હસ્યું. પણ હાસ્યનો સમય ક્યાં હતો? કચેરી પર જઈને એ મૅજિસ્ટ્રેટે કેફિયતો અને જુબાનીઓનું નાટક માંડ્યું. “હું મારી છાતીએ ડામ દઉં, સાહેબ!” અજવાળીનો બાપ બોલ્યો: “છોકરીને દેવકરસન મા’રાજનો દીકરો ભોળવી ગયો છે.” “કોણ – રામભાઈ?” “હા, હા, કેટલાય નજરે જોનારા કે’ છે. ભળકડાની ગાડીમાં લઈને ભાગી ગ્યો છે, સા’બ! મને હમણે ખબર પડી.” શિવરાજના મોં પર એક તેજની ઝલક ઊઠી: ઈશ્વરનો કોઈ સંકેત જ હતો કે શું? કુદરત જ મારી ગુજરેલી રાત પર દુવા વરસાવી રહી છે ને શું! એણે તપાસ કરાવી. માણસોએ આવીને ખબર આપ્યા: “સાચી વાત છે, સાહેબ! રામભાઈ ઘરમાંથી ભાગી ગયો છે – ને એની સાથે કોઈક સ્ત્રી પણ રેલના ડબામાં ચડતી હતી તે ઘણાંએ જોયું છે.” “હોય નહીં, કદી જ મનાય નહીં—” એમ કહી નાખનાર શિવરાજ અંદરખાનેથી તો ફાંસીની સજામાંથી છૂટેલા કેદીની જેમ થનગની રહ્યો હતો. પોલીસ-ફોજદાર પણ આવી પહોંચ્યા હતા. એણે આગ્રહ પર આગ્રહ માંડ્યો કે, “આપ રજા આપો, સાહેબ! સ્ટેશને સ્ટેશને તાર દઈએ.” શિવરાજ દિઙ્મૂઢ જેવો બની રહ્યો. એણે કહ્યું: “જોઉં છું.” “તો સાહેબ,” ફોજદારે બીજી વાત સૂચવી: “દેવકૃષ્ણને ને એના ઘરના માણસોને તો બોલાવી લેશું ને? એની જુબાનીઓ તો લેવી જોશે ને?” “કોને? – હેં! – શું?” શિવરાજ કશો નિર્ણય કરી શક્યો નહીં. એણે વાતને પકડવામાં ભૂલો કરવા માંડી. એના હાથમાં કલમ હતી તે વારે ને ઘડીએ ખડિયામાં બોળાતી રહી. ફોજદારસાહેબની અધીરાઈનો પાર નહોતો. દેવકૃષ્ણ પર તો એને પણ પૂરી દાઝ હતી: એની સામે એક-બે વાર છાપામાં ઘસાતા ખબરો છપાયા હતા. એનું વેર લેવાની એ ઘડીઓ જતી હતી. “ફોજદારસાહેબ, તમે હમણાં બહાર જાઓ, હું તમને નક્કી કરીને ખબર આપું છું.” એમ કહીને ફોજદારસાહેબને વિદાય કર્યા. પછી પોતે થોડી વાર એકલો પડ્યો. એના મનનાં પલ્લાં ડોલતાં હતાં. ઘડી આ પલ્લામાં કણી નાખતા ને ઘડી પેલા પલ્લામાંથી કણી કાઢતા, પણ કોઈ રીતે સમતુલા ન સાધી શકતા કોઈ વણિકના જેવી એની હૃદય-ત્રાજૂડી હાલકલોલ હતી. કોના – રામભાઈના ઉપર વહેમ ઢોળી નાખું? મારા ભાઈબંધના ઉપર? એમાં હું શું કરું? લોકોને વહેમ છે, અજવાળીનાં ખુદ માબાપનું કહેવું છે – તો છોને કાયદો કાયદાનો રાહ લેતો! રામભાઈને તો હું પાછળથી ક્યાં બચાવી નથી લઈ શકતો? એને હું પોતે જ નિર્દોષ ઠરાવીશ. પછી શું છે? ને થોડી વાર આ દેવકૃષ્ણ પણ ભલેને મારા હાથનો સપાટો દેખતો! એને હું ખો ભુલાવી દઉં. એનાં પાપકૃત્યોમાંથી હું એને પાછો વાળું. એને પસ્તાવો કરાવીને પછી એના પુત્રને બચાવ્યાનો આભારભાવ પણ એના મન પર અંકિત કરી દઉં. ઘણો લાભ થશે. ઘણા લોકોના સંતાપ ટળશે. એ શું એક સુકૃત્ય નથી? ને રામભાઈને મેં ક્યાં ગુરુકુળમાં નહોતો બચાવી લીધો? આજે રામભાઈનું નિમિત્ત દઈને હું બચી જઈશ. એકબીજાનો બદલો વળી રહેશે. ઊલટાનું રામભાઈને રક્ષણ આપવા જતાં મારી જે કારકિર્દી બગડી ગઈ છે, ને મારા પર જે સોટીઓ પડી મારો તેજોવધ થયો છે – તેવું તો આમાં કશું થવાનું જ નથી. આજનો દિવસ, ફક્ત આજના સૂર્યનો પ્રકાશ પોતાને ઘેર ચાલ્યો જાય ત્યાં સુધી, જો હું બચી જાઉં, તો પછી બસ; હું રામભાઈને પગે પડીને એક દિવસ એની માફી માગી લઈશ. ને રામભાઈ પણ ક્યાં જાણવા આવવાનો છે? કોઈ નહીં જાણે. એ ક્ષણે જ એની સામે અજવાળીની મુખમુદ્રા દેખાઈ. એ મોં કરગરતું હતું: ‘મને જાવા દો. હું કૂવે પડીશ. તમને ફજેત નહીં કરું.’ અજવાળી એક ખેડુની છોકરી: એ મને ફજેતીમાંથી ઉગારવા મૃત્યુ ભલું માને છે: હું મારી બદનામી બીજા પર ઢોળીને બચી જવા વિચારું છું! અજવાળી શિવરાજની ગુરુ બની.